વ્હોટ્સ યોર રાશિ?

એક સમય હતો, જ્યારે કોલેજની છોકરીઓ ‘લિન્ડા ગુડમેનની સન સાઈન્ઝ’ વાંચીને પ્રેમમાં
પડતી અથવા પ્રિયતમ પસંદ કરતી. કઈ સન સાઈન ધરાવતી વ્યક્તિનો સ્વભાવ, પ્રકૃતિ, ખાસિયતો,
ગુણો-અવગુણો કેવા હશે એ વિશે લિન્ડા ગુડમેન નામની એક અમેરિકન લેખિકાનું પુસ્તક અતિ
પ્રચલિત થયું હતું. 1968માં લખાયેલું આ પુસ્તક કદાચ દસેક વર્ષ પછી ભારત પહોંચ્યું હશે, પરંતુ
ભારતની ભાગ્યે જ કોઈ ભાષા હશે જેમાં આ પુસ્તકનો અનુવાદ ન થયો હોય! એ પછી લિન્ડા
ગુડમેને લવ સાઈન (1978) લખી, જે પણ કઈ સાઈનને કઈ સાઈન સાથે મેળ પડે અને કઈ
સાઈનને મેળ ન પડે એવી વિગતો ધરાવતું પુસ્તક હતું.

આ ‘સન સાઈન્ઝ’ ભારતીય જ્યોતિષ શાસ્ત્ર કરતા તદ્દન જુદું વિજ્ઞાન (?) છે. ભારતીય
જ્યોતિષ શાસ્ત્ર જન્મ, લગ્ન, ચંદ્ર અને એની સાથે જોડાયેલા નક્ષત્રોના ભ્રમણ ઉપર આધારિત
કુંડળી તૈયાર કરે છે, જ્યારે સન સાઈન્ઝ નિશ્ચિત તારીખથી નિશ્ચિત તારીખ સુધી પ્રવાસ કરતા
અંગ્રેજી કેલેન્ડર મુજબ કઈ રાશિ સૂર્યમાં પ્રવેશે છે એ મુજબ કામ કરે છે. જેમ કે, એરિસ (મેશ) માર્ચ
21 – એપ્રિલ 19, ટોરસ (વૃષભ) એપ્રિલ 20-મે 20, જેમિની (મિથુન) મે 21-જૂન 20, કેન્સર
(કર્ક) જૂન 21-જુલાઈ 22, લિયો (સિંહ) જુલાઈ 23-ઓગસ્ટ 22, વર્ગો (કન્યા) ઓગસ્ટ 23-
સપ્ટેમ્બર 22, લિબ્રા (તુલા), સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22, સ્કોરપિયો (વૃશ્વિક) ઓક્ટોબર 23-
નવેમ્બર 21, સેજિટેરિયસ (ધન) નવેમ્બર 22-ડિસેમ્બર 21, કેપ્રિકોર્ન (મકર) ડિસેમ્બર 22-
જાન્યુઆરી 19, એક્વેરિયસ (કુંભ) જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18, પાઈસીસ (મીન), ફેબ્રુઆરી 19-
માર્ચ 20… ભારતીય કેલેન્ડર મુજબ જો ચંદ્ર કુંડળી (નક્ષત્ર) ઉપર આધારિત જ્યોતિષની વાત કરીએ
તો એમાં નામના પ્રથમ અક્ષરનું મહત્વ છે, જ્યારે સૂર્ય રાશિમાં જન્મ તારીખ પ્રમાણે વ્યક્તિત્વ વિશે
માહિતી મળે છે એવું ઘણા લોકોનું માનવું છે.

મધુ રાયની ‘કિમ્બલ રિવન્સવુડ’ નામની એક ગુજરાતી નવલકથા પર આધારિત આશુતોષ
ગોવારેકરની એક ફિલ્મ ‘વ્હોટ્સ યોર રાશિ’માં લગ્નવાંચ્છુક એક મુરતિયો બાર રાશિની અલગ અલગ
કન્યાઓને મળે છે. પ્રિયંકા ચોપરાએ બારેય રાશિની કન્યાઓનો રોલ કર્યો હતો… એક રીતે જોવા
જાઓ તો એ નવલકથામાં અમેરિકામાં પ્રચલિત આ સન સાઈન્ઝ ઉપર આધારિત વ્યક્તિત્વની
નિર્ધારિત વ્યાખ્યાઓની મજાક ઉડાવવામાં આવી હતી.

ગાંધીજી, અત્યંત સાદગી અને પ્રસિધ્ધિથી દૂર રહેનાર વ્યક્તિ તો બીજી તરફ એક મહાનાયક જે સતત
લાઈમ લાઈટમાં જીવે છે અને જેમના અંગત જીવન વિશે આજે પણ અફવાઓ ઊડતી રહે છે-બંને લિબ્રા રાશિના
છે. નરેન્દ્ર મોદી, ક્યારેય ગોસિપ પર ધ્યાન આપતા નથી. વખાણ કે ટીકા બંનેથી એમને કોઈ ફરક પડતો નથી. તો
બીજી તરફ કરીના કપૂર જેને આખી ફિલ્મી દુનિયા ગોસિપ ક્વિન તરીકે ઓળખે છે-બંને વર્ગો રાશિના છે. કપીલ
શર્મા જે ખૂબ બોલે છે, એક્સ્ટ્રોવર્ટ અને કોમેડિયન છે તો બીજી તરફ અજય દેવગન જે તદ્દન અંતર્મુખી અને સાવ
અંગત રીતે જીવતી વ્યક્તિ છે! (એમની તો જન્મ તારીખ એક જ-2, એપ્રિલ છે) આ બધા એકબીજાથી
તદ્દન વિરુધ્ધ પર્સનાલિટી નથી? કે પછી આપણે એમને વ્યક્તિગત રીતે જાણતા નથી માટે આપણને
એવું લાગે છે? સૂર્ય રાશિ પરથી વ્યક્તિત્વ વિશે સૌથી પહેલાં ભલે લિન્ડા ગુડમેને લખ્યું હોય, પરંતુ
ખાસ કરીને, અંગ્રેજી અખબારોમાં આવતા રાશિ-ભવિષ્ય આ જન્મ તારીખને આધારે હોય છે.
નવાઈની વાત એ છે કે, જો એ જ તારીખે જન્મેલી બંને વ્યક્તિઓના વ્યક્તિત્વ એકમેકથી તદ્દન
ભિન્ન હોય તો સૂર્ય રાશિ પ્રમાણે તારીખો ઉપર આધારિત રહીને આ સન સાઈન કે લવ સાઈન ઉપર
કેટલો ભરોસો થઈ શકે? સાચું પૂછો તો આ સન સાઈન્ઝ અથવા સૂર્ય રાશિમાં જન્મેલા પ્રસિધ્ધ અને
લોકપ્રિય કહી શકાય એવા લોકોનું લિસ્ટ જાણવા જેવું છે!

એરિસમાં જેમને આપણે હાલમાં ગૂમાવ્યા એવા દિગ્દર્શક સતીશ કૌશિક, રામ ચરણ, અજય
દેવગન, કપીલ શર્મા, કંગના રણૌત, ઈમરાન હાશ્મી છે.

ટોરસમાં અનુષ્કા શર્મા, સની લિયોની, માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર, વરુણ ધવન જેવા
નામ આવે છે.

જેમિનીમાં સોનમ કપૂર, શિલ્પા શેટ્ટી, કરણ જોહર, મણિરત્નમ, આર. માધવન, શેફાલી
શાહ, પરેશ રાવલ આવે છે.

કેન્સરમાં કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા જોનાસ, રણવીર સિંઘ, અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ,
સંજીવ કુમાર, રેવતી, ગુરુ દત્ત વગેરે…

લિયોમાં કાજોલ, જેકલિન, સૈફ અલી ખાન, સારા અલી ખાન, રાજીવ ગાંધી, બિઝનેસ મેન
અઝીમ પ્રેમજી અને અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિત્વો છે.

કન્યામાં નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, કરીના કપૂર, આયુષ્માન ખુરાના, ડૉ. સર્વપલ્લી
રાધાકૃષ્ણનન વગેરે નામ લઈ શકાય.

લિબ્રામાં ગાંધીજી, અમિતાભ બચ્ચન, રેખા, રણબીર કપૂર, દેવ આનંદ, લતા મંગેશકર, સુરેશ
દલાલ, હેમા માલિની, તબ્બુ, એ.પી.જે. અબ્દુલ કલામ, માર્ગરેટ થેચર, કિમ કાર્ડેસિયન, વિનોદ
ખન્ના જેવા લોકોના નામ આવે છે.

સ્કોરપિયોમાં ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, મસાબા ગુપ્તા, વિરાટ કોહલી, સાનિયા મિર્ઝા
વગેરે.

સેજિટેરિયસમાં સલમાન ખાન, દીપિકા પાદુકોણ, હ્રિતીક રોશન, ટ્વિન્કલ ખન્ના, રાજેશ
ખન્ના, રાજ કપૂર, રાણા દગુબટી, અર્જુન રામપાલ, જ્હોન અબ્રાહમ વગેરે.

કેપ્રિકોર્નમાં ઈરફાન ખાન, એ.આર. રહેમાન, વિદ્યા બાલન, ફરાહ ખાન, દીપિકા પદુકોણ,
બિપાશા બાસુ વગેરે.

એક્વેરિયસમાં અભિષેક બચ્ચન, સુષ્મા સ્વરાજ, સુભાષ ચંદ્ર બોઝ, ડૉ. ઝાકિર હુસૈન, યોગી
આદિત્યનાથ, લાલા લજપત રાય, શ્રુતિ હસન, જેકી શ્રોફ, બોબી દેઓલ, પ્રીતિ ઝિંટા વગેરે.

પાઈસીસમાં પ્રકાશ જ્હા, અનુપમ ખેર, અભય દેઓલ, શ્રધ્ધા કપૂર, આલિયા ભટ્ટ, જય
લલિતા, આમિર ખાન, આલ્બર્ટ આઈન્સટાઈન વગેરે.

હવે, આ બધા નામોને સરખાવીએ તો સમજાય કે આ બધાના વ્યક્તિત્વો એકમેકથી કેટલા
વિરોધાભાષી અને જુદા છે! આજે પણ યુવાન (ખાસ કરીને) છોકરીઓ આ રાશિ ઉપર આધારિત
વ્યક્તિત્વ વાંચે છે, સરખાવે છે અને લવ સાઈન્ઝ નામના પુસ્તક ઉપરથી પોતાની સાઈનને કઈ
સાઈન મેચ કરશે એવાં જાતભાતના મેચિંગ અને નોનમેચિંગના વિચારો કરે છે. શક્ય છે આમાં કોઈ
વિજ્ઞાન હોય, અગત્યનું એ છે કે, સૂર્ય રાશિના વર્ગીકરણ મુજબ સન સાઈન્ઝમાં જન્મેલા લોકોના
નામો વાંચ્યા પછી એકવાર તો વિચારતા થઈ જઈએ એવું છે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *