હમારે વોટ ખરીદેંગે, હમકો અન્ન દે કર,
યે નાગે જિસ્મ છુપા દેતે હૈ કફન દે કર,
યે જાદુગર હૈ યે ચુટકી મેં કામ કરતે હૈ,
યે ભૂખ પ્યાસ કો બાતો સે રામ કરતે હૈ.
1975માં બનેલી ફિલ્મ ‘આંધી’ માટે ગુલઝાર સાહેબે લખેલું આ ગીત છે. ‘ગાંધી’માંથી ‘જી’
કાઢી નાખીએ તો ‘આંધી’ રહે…
દુર્ભાગ્યે આ દેશમાં લગભગ બધા જ નિર્ણયો રાજકીય મુદ્દાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે
છે. જે મતદાર છે, જે આ દેશના રાજકારણના પાયામાં છે એને વિશે ભાગ્યે જ કોઈ વિચાર કરે છે.
પાંચ રાજ્યોની ચૂંટણી, એનો પ્રચાર-પ્રસાર-ખર્ચ અને એની સાથે જોડાયેલો કોવિડ અને ઓમિક્રોન
ફેલાવાના ભયને તદ્દન અવગણવામાં આવ્યો હશે ? દરેક ચૂંટણી વખતે એના એ વચન આપીને જીત્યા
પછી તરત ભૂલી જતા આ કોર્પોરેટર્સ, વિધાનસભ્યો કે સાંસદોને આપણે જે સહેલાઈથી માફ કરીને
ફરી ફરી જીતાડીએ છીએ એનાથી હવે એમને કે આપણને કોઈને દેશની સ્થિતિ વિશે વિચારવાની
જરૂરત નથી, એવું લાગે છે. પક્ષ કોઈ પણ હોય, નિષ્પક્ષ નથી રહી શકતો…
ફરી એકવાર જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાંચ રાજ્યોમાં
ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ટોટલ 690 સીટમાંથી ઉત્તર પ્રદેશ (403), પંજાબ
(117), ઉત્તરાખંડ (70), મણિપુર (60) અને ગોવા (40) સીટ માટે ચૂંટણી કરવામાં આવશે.
ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ રદ કરવામાં આવી, પરંતુ ચૂંટણી રદ થઈ શકી નહીં. રાજકીય કારણો જે
હોય તે, પરંતુ ભારતીય જનતા પક્ષે એટલું સમજી લેવું પડે કે, બીજી લહેર વખતે બંગાળની ચૂંટણીઓ
આપણને નડી… તબીબો અને ડબલ્યુએચઓની અનેક ચેતવણીઓ છતાં પ્રચારમાં કોઈ સંયમ
જાળવવામાં આવ્યો નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કર્યા ને એટલું ઓછું હોય એમ પરસ્પર
આક્ષેપબાજી, મારામારી અને હિંસા સુધી બંગાળની ચૂંટણીઓમાં મમતા અને સુવેન્દુ અધિકારીની
હૂંસાતૂંસીમાં મમતાદીદીની તૂટેલા પગની સહાનુભૂતિ અને એમની ગરીબી-સાદગીના પ્રોજેક્શનની
રમત કામ લાગી ગઈ. 294માંથી 213 સીટ એમને મળી.
ઈન્દિરા ગાંધી હોય કે મમતા બેનરજી, જયલલિતા હોય કે માયાવતી… ‘વુમન કાર્ડ’ બીજાં
બધા કાર્ડ કરતાં સૌથી સ્ટ્રોંગ અને સૌથી મહત્વનું કાર્ડ પૂરવાર થતું રહ્યું છે. ભારતના વોટરની
માનસિકતા કોમ્પ્લેક્સ અને વિરોધાભાસી માનસિકતા છે. એક તરફથી રાજકારણમાં પ્રવેશતી સ્ત્રીઓ
વિશે એમના આઝાદ ખયાલ હોવાનો, ઘર નહીં સાચવવાનો કે વુમન એમ્પાવરમેન્ટ દ્વારા દેશની
સ્ત્રીઓને ‘બગાડવાનો’ આક્ષેપ કરવામાં આવે છે તો બીજી તરફ, આ જ સ્ત્રીઓ પોતાના ‘વિક્ટીમ
કાર્ડ’ અથવા ‘વુમન કાર્ડ’ને પ્લે કરીને મતદારને આકર્ષવાનું કામ સુપેરે કરી શકે છે. પતિનું મૃત્યુ કે
પોતાની સાથે થયેલા અન્યાયને ચૂંટણીનો મુદ્દો બનાવીને જીતેલી સ્ત્રીઓ વિશે આપણે જાણીએ
છીએ. ભારતીય મતદાર ઈમોશનલ છે. મોટેભાગે મતદાન ધર્મ, જ્ઞાતિ કે લાગણીના આધારે કરવામાં
આવે છે. વિશ્વભરમાં એક તરફ બળાત્કાર અને ડોમેસ્ટિક વાયોલેન્સના આંકડા વધતા હોય ત્યારે
બીજી તરફ મહિલાઓને રિઝર્વેશન કે રાજકારણમાં મહત્વનું સ્થાન આપીને કોઈ વળતર આપવામાં
આવતું હોય એમ, પાકિસ્તાન, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ગ્રીસ, જર્મની, ફીનલેન્ડ, ડેનમાર્ક, સ્લોવાકિયા,
જ્યોર્જિયા, ઈથોપિયા, લિથુનિયા, આઈસલેન્ડ, સિંગાપોર, એસ્ટોનિયા, સરેબિયા, તાઈવાન, નોર્વે,
બાંગ્લાદેશ, નેપાળ સહિત અનેક દેશોમાં સ્ત્રી દેશના વડા તરીકે પદભાર સંભાળી શકી છે અથવા
આજે પણ સંભાળી રહી છે.
ભારતીય રાજકારણનો વિરોધાભાસ એ છે કે, ક્યાંક અત્યંત ચાલાક એવી મમતા બેનરજી,
માયાવતી છે તો ક્યાંક પતિવ્રતા પત્ની તરીકે માત્ર પતિના હુકમને અનુસરતી મહિલા સરપંચથી શરૂ
કરીને રાબડી દેવી સુધીની પત્નીઓ છે. ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ અહીં
યાદ કરવા પડે. પાટીદાર આંદોલન વખતે ગુજરાતમાં ઈન્ટરનેટ બંધ કરવાના કે બધા ટોલ બૂથ પરથી
ટોલ નાબૂદીના એમના નિર્ણય જેવા અનેક કારણોસર આનંદીબેન ગુજરાતના રાજકીય ઈતિહાસમાં
એક મહત્વનું પાનું ઊમેરી શક્યાં. એવી જ રીતે, અમેરિકાના ઈતિહાસમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે
પોતાની આગવી છાપ ઊભી કરનાર કમલા હેરિસ પોતાના એક વાક્ય માટે કાયમ યાદ રહેશે, ‘આઈ
એમ સ્પિકિંગ મિ. વાઈસ પ્રેસિડેન્ટ’ કહીને નેશનલ ટીવી ઉપર માઈક પેન્સને એક ક્ષણ માટે ચૂપ કરી
દેનાર કમલા હેરિસ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ પદે બેઠેલા ભારતીય મૂળના પ્રથમ મહિલા છે…
આપણે બધા, લગભગ દરેક ભારતીય મતના રાજકારણને સમજવાનો દાવો કરીએ છીએ,
પરંતુ આપણે આપણા દેશના રાજકારણ વિશે બહુ જ ઓછું જાણીએ છીએ. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ
માત્ર જાતિવાદના આધારે ચૂંટણી લડતું રાજ્ય હતું જે હવે ધર્મના રાજકારણમાં ફેરવાયું છે. બીજી
તરફ, મણિપુરમાં હજી હમણા જ ભડકી ઊઠેલી હિંસાઓ પછી ભારતીય સેના વિશે એક વિચિત્ર
પ્રકારનો ઉદ્વેગ અને આક્રોશ જનસામાન્યમાં ફેરવાયેલો છે. ગોવાનું રાજકારણ કોંકણ અને મહારાષ્ટ્ર
વચ્ચે વહેંચાયેલું છે. પંજાબના રાજકારણમાં આ વખતે ખેડૂત અને કોંગ્રેસની વચ્ચે બીજેપી ભીંસાય
તો નવાઈ નહીં ! ઉત્તરાખંડ ભારતનો હિસ્સો હોવા છતાં ત્યાંની માનસિકતા અને જીવન સાવ અલગ
છે. આપણે બધા હિમાલયના પ્રવાસે અવારનવાર જઈએ છીએ, પરંતુ ઉત્તરાખંડના રાજકારણ,
એમપી કે એની સાથે જોડાયેલી મતદારની માનસિકતા વિશે જાણવાની આપણે ભાગ્યે જ પરવાહ
કરી છે…
મહિલાને સામાન્ય રીતે કોઈ મોહરા કે પ્રોક્સી તરીકે ગોઠવવામાં આવતી હતી. રિઝર્વેશનના
આંકડાને નકારી ન શકાય માટે મહિલાઓને રાજકારણમાં આમંત્રિત કરવામાં આવતી હતી. બદલાતા
સમય સાથે ભારતીય મહિલા પોતાની કારકિર્દી વિશે નિર્ણય લેતી થઈ ગઈ છે તો, રાજકારણમાં
પ્રવેશવાનો નિર્ણય પણ હવે ભારતની સ્ત્રીએ કરવો જોઈએ. અત્યાર સુધી અભિનેત્રીઓની
લોકપ્રિયતાને વટાવીને એમને સાંસદ બનાવવાના પ્રયાસ દરેક પક્ષે કર્યા છે, પરંતુ આ અભિનેત્રીઓ
કોઈ મહાન બદલાવ લાવી શકી નથી કે, મોટાભાગની અભિનેત્રીઓ દેશના વિકાસમાં કોઈ પ્રદાન કરી
શકી નથી. ‘2014માં સાચી આઝાદી મળી’ કહીને પક્ષને મસકા મારતી કે ટિકિટ મેળવવા માટે ફાંફા
મારતી સ્ત્રીની અહીં ચર્ચા નથી. જેને સાચે જ દેશમાં કોઈ બદલાવ લાવવો છે એણે સિસ્ટમમાં
પ્રવેશવું પડશે…
ગાંધીજીએ કહ્યું છે તેમ, ‘સ્વયં બદલાવ બનવું પડશે. ‘ આને માટે ફનાહ થઈ જવાની તૈયારી,
આખરી મતદાર સુધી પહોંચવાની મહેનત અને કામ કરીને પોતાના મતદારોને સંતુષ્ટ રાખવાની
આવડત પણ અનિવાર્ય છે. ‘સ્ત્રી’ હોવાનું કાર્ડ કદાચ જીતાડી શકે, ટકાવી નહીં શકે.