આવતીકાલે ‘વુમન્સ ડે’. આખું વિશ્વ આવતીકાલના દિવસને સ્ત્રીઓનાં દિવસ તરીકે ઉજવશે.
સન્માન થશે, એવોર્ડ અપાશે, પાર્ટી થશે, ભાષણો થશે, સ્ત્રીને કેવી રીતે જીવવું એ વિશેના ઘણા
મોટિવેશનલ વિચારો આપવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે, સ્ત્રીનાં જીવનમાં ખરેખર કોઈ બદલાવ
આવશે ખરો? સ્ત્રીની સાથેના અત્યાચારો કે સ્ત્રી ઉપર લગાવવામાં આવતી અંકુશની લગામોમાં કોઈ ફેર
પડશે ખરો? કોઈ એક જ દિવસ સ્ત્રીનાં દિવસ તરીકે ઉજવીને એને ‘ખુશ’ કરી દેવાની આ વ્યાપારી
મનોવૃત્તિ પુરુષ માટે તો કદાચ એક હાથવગો ઉપાય હશે, પણ સ્ત્રી આવી ‘ડીલ’ને શા માટે સ્વીકારે છે?
હિન્દી ભાષાના એક અત્યંત સન્માનનીય મેગેઝિન ‘હંસ’માં સંપાદક રાજેન્દ્ર યાદવે એક ઘટનાનો
ઉલ્લેખ કર્યો હતો, એક પુરુષ લેખકે પોતાની કૃતિ મોકલી. કૃતિ નામંજૂર થઈ પછી એ જ લેખકે કોઈ
કલ્પિત સ્ત્રીનાં નામથી એ કૃતિ સંપાદકને મોકલી. કૃતિ મંજૂર થઈ ગઈ એટલું જ નહીં, એને પહેલાં જ
અંકમાં સ્થાન મળ્યું! આને આપણે શું કહીશું? સ્ત્રી સન્માન કે સ્ત્રી હોવાનો એક સ્પેશિયલ ફાયદો!
ગઈકાલ સુધી આપણે એવું માની શકીએ કે સ્ત્રીને અમુક જાતનો અન્યાય કરવામાં આવતો હતો, પરંતુ
હવે પાસો પલટી ગયો છે અને સ્ત્રીને બીનજરૂરી ફાયદા પણ મળતા થયા છે. ફક્ત સ્ત્રી હોવાથી જ એને
કેટલીક એવી સવલતો મળે છે જે વિશે પુરુષો ફરિયાદ પણ કરી શકતા નથી! એક સ્ત્રી પોતાના સૌંદર્યથી
કે લટકાચટકાથી બોસને મોહિત કરી શકે છે. કોઈ પાસે પૈસા પડાવી શકે છે. સિનેમા કે મોડેલિંગના
કામમાં પણ ‘કોમ્પ્રોમાઈઝ’ શબ્દ જાણીતો છે! એ પછી પણ સ્ત્રી ‘મી ટુ’ ના કેસ કરે છે જ્યારે એ જ
પરિસ્થિતિમાં મૂકાયેલો પુરુષ આવી કોઈ ‘મી ટુ’ની ફરિયાદ કરી શકતો નથી બલ્કે, જો પુરુષ રેપનો કે
પરાણે પોતાની સાથે સંબંધ બાંધીને પોતાને છેતર્યાની ફરિયાદ કરે તો એની હાંસી ઉડાવવામાં આવે છે!
ઈક્વાલિટી અથવા સમાનતા ઝંખતી સ્ત્રીએ કોઈ ફાયદા કે પ્રિવિલેજિસ ન માગવા જોઈએ.
સ્ત્રીઓ માટેના ખાસ કાયદા, ખાસ સગવડ કે ખાસ પ્રકારના નિયમો માગનારી સ્ત્રી સમાનતાની વાત
કેવી રીતે કરી શકે? બીજી એક મહત્વની વાત એ છે કે, સ્ત્રી પોતાના સૌંદર્ય વિશે બહુ સજાગ છે. સારા
દેખાવું એ દરેકનો અધિકાર અને કદાચ ફરજ પણ છે, પરંતુ માત્ર ‘સુંદર’ હોવું એ સ્ત્રી હોવાની ઓળખાણ
કેવી રીતે હોઈ શકે? અમૃતા પ્રીતમે પોતાની એક કવિતામાં લખ્યું છે, ‘કભી વુમન વિથ એ માઈન્ડ, પેઈન્ટ
કિયા હૈ?’ સ્ત્રીનાં શરીરનાં વળાંકો, એની ત્વચા, એના વાળ, એની આંખો, એના હોઠ… શું બસ આટલું
જ હોય છે? તો પછી એની મહેનત, એની આવડત, એની કુશાગ્ર બુધ્ધિ, એની તેજસ્વી કલમ કે એની
મરોડદાર પીંછી, એની ચિત્તા જેવી હરણફાળ કે જિમ્નાસ્ટની ગુલાંટ, એની અવકાશમાં જવાની હિંમત
અને ગણિતજ્ઞ હોવાની પ્રજ્ઞા વિશે કોઈ કેમ વાત નથી કરતું? ખાસ કરીને, પુરુષ લેખકો જ્યારે સ્ત્રીનું
વર્ણન કરે છે ત્યારે એની નાયિકા અપ્રતિમ સુંદર હોય છે… વાચકની કલ્પનામાં કોઈ અપ્સરા કે કોઈ
અદભૂત ફિલ્મી અભિનેત્રી આવે એવું વર્ણન, દરેક વખતે શા માટે કરવું જોઈએ?
લીલાવતી મુનશીએ એક લેખમાં લખ્યું છે, “સાહિત્યકારો અમારા સુંદર શરીરોના આવા વર્ણન
આપી અમને છેતરે છે શા માટે? અમે છીએ એવી શા માટે નથી ચીતરતા? અમારે રંભા જેવા નથી
ચીતરાવું કે નથી કુબડી બનવું, અમે સામાન્ય છીએ… અમારે સામાન્ય જ રહેવું છે.”
રવીન્દ્રનાથ એક નવલકથામાં લખે છે, ‘સ્ત્રીઓની બે જ જાતિ છે. એક મા અને બીજી પ્રિયા.
ઋતુઓની જોડે સ્ત્રીની તુલના કરીએ તો માની જાતિ વર્ષાઋતુ છે. એ જલદાન કરે છે, ફલદાન કરે છે,
તાપથી બચાવે છે, શુષ્કતા દૂર કરીને પ્રભાવ ભરી દે છે અને પ્રિયાની જાતિ છે વસંતઋતુ. એનું રહસ્ય
ગંભીર છે, એનો માયા મંત્ર મધુ છે, એની ચંચલતા રૂધિરમાં એક તરંગ પેદા કરે છે જે ચિત્તના પ્રકોષ્ટમાં
પેસી જાય છે…’
શું આનો અર્થ એ થાય કે, સાચે જ સ્ત્રીની ત્રીજી કોઈ જાતિ નથી? અર્ધાંગના જ છે? વીરાંગના
નથી? આપણે રાણી લક્ષ્મીબાઈને કે રૂદ્રમ્માને શું કહીશું? અમૃતા પ્રીતમ કે વર્જિનિયા વુલ્ફની ઓળખ
ફક્ત સૌંદર્ય જ છે?
જાણે અજાણે આપણે સ્ત્રીને એનાં શરીરમાં બાંધી દીધી છે… અને એ પણ, અરીસાની
માયાજાળમાં અટવાઈ ગઈ છે. એની પાસે બીજું ઘણું છે, પરંતુ અસ્તિત્વોના ‘અન્ય’ એ પાસાંઓ પરત્વે
એને સભાન થવા જ દીધી નથી. હવે જો ખરેખર વુમન્સ ડે ઉજવવો હોય તો સ્ત્રીની ઓળખ એનાં
સૌંદર્યથી બહાર, બિયોન્ડ બ્યૂટી એન્ડ બોડી કરવી પડશે.
ભારતીય સંસ્કૃત અને લોકસાહિત્યમાં સ્ત્રીને બહુ જુદી રીતે મૂકવામાં આવી છે. પુરુરવા સાથે
શરત કરતી ઉર્વશી કે શાંતનુ સાથે લગ્ન કરતાં પહેલાં પ્રશ્ન નહીં પૂછવાની તાકીદ કરતી ગંગા, અગ્નિ
પરીક્ષા આપતી વખતે, ‘મારા શરીરને પુરુષ ઈચ્છા વગર સ્પર્શી શકે, પરંતુ મારા મનને મારી ઈચ્છા
વિરુધ્ધ કોણ સ્પર્શી શકે?’ પૂછતી સીતા કે ‘પહેલાં પોતાને હાર્યા તો મને દાવમાં કેવી રીતે લગાડી શકે?’ પૂછતી
દ્રૌપદી… આપણી કથાના મજબૂત પાત્રો છે. આપણને દ્રૌપદીએ માગેલું ‘રામને વનવાસ’નું વરદાન યાદ
છે, પરંતુ એણે રથમાં આંગળી નાખીને પતિના જીવનને બચાવ્યું હતું એ વાતને આપણે કન્વિનિયન્ટલી
ભૂલી ગયા છીએ?
લોકસાહિત્યમાં સ્ત્રીના વર્ણનમાં સૌંદર્ય ભલે ઊભરાય, પણ સ્ત્રીનાં ગુણોની વાત, એના
અસ્તિત્વની વાતને બહુ જુદી રીતે મૂકવામાં આવી છે. ખાસ કરીને સાંઈ નેહડીની વાર્તા, નાગબાઈ,
કાનબાઈ, શેણિઆઈ, ઉજળી કે જીવણાબાઈની કથાઓ આપણને એવી સ્ત્રીની વાત કહે છે જેણે પોતે
દેહમાંથી નીકળીને આત્મા-રૂહ સુધીનો પ્રવાસ કર્યો. વરસાદની ઠંડીમાં ઠૂંઠવાઈ ગયેલા રાજાને પોતાના
શરીરની ઉષ્મા આપીને જીવનદાન આપનાર સાંઈ નેહડી ઉપર પતિ શંકા કરે છે. એ પતિને રક્તપિત થાય
એવો શાપ આપે છે… પછી એ જ એને માથે લઈને ફરે છે અને સાજો કરે છે! રાજા કુદ્રષ્ટિ કરે છે અને
એક સ્ત્રી પોતાના સ્તન કાપીને એ રાજાને સમર્પિત કરી દે છે…
‘વુમન્સ ડે’ એટલે સ્ત્રી સમાનતા, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યાઓ હવે જૂની થઈ ગઈ. સાચા
અર્થમાં ‘વુમન્સ ડે’ એટલે સ્ત્રી ‘નોર્મલ’ માણસ છે-એ વાતનો સ્વીકાર. એની કમર પાતળી, ત્વચા
લીસ્સી, આંખો મારકણી, હોઠ રસીલા અને વાળ લાંબા ન હોય તો પણ એની પાસે ‘કશુંક’ છે, એ વાત
સ્ત્રીએ સમજવાનો દિવસ.