વર્લ્ડ બ્રોડકાસ્ટિંગ ડેઃ પહેલી વખત સાંભળ્યા રેડિયો તરંગો

23મી જુલાઈ, આજનો દિવસ બાલ ગંગાધર તિલક (સ્વાતંત્ર્ય સેનાની), ચંદ્રશેખર આઝાદ
(સ્વાતંત્ર્ય સેનાની), એલ. સુબ્રમણ્યમ (વાયોલિન વાદક), તારાશંકર બંદ્યોપાધ્યાય (બંગાળી લેખક),
વિક્રમ ચંદ્રા (લેખક), મોહન અગાશે (મરાઠી અભિનેતા), હિમેશ રેશમિયા (સંગીતકાર-ગાયક કલાકાર
અને અભિનેતા), સૂર્યા (તામિલ સિનેમા સ્ટાર) અને એમની સાથે બીજા પચ્ચીસેક લોકોનો
જન્મદિવસ છે. ભારતમાં વસતા કરોડો લોકોનો જન્મદિવસ 23મી જુલાઈએ હશે! આપણે જેટલા
નામ લખ્યાં એમાંના સૌ એકબીજાથી જુદા, સ્વભાવે, પ્રકૃતિએ અને વ્યવસાયે જ નહીં, બલ્કે એમના
મિજાજ પણ એકમેકથી અલગ રહ્યા છે. સામાન્ય રીતે આપણે રાશિ-ભવિષ્ય વાંચીએ ત્યારે અમુકથી
અમુક તારીખની વચ્ચે જન્મેલા લોકોની સૂર્ય રાશિ એક હોય, માટે એમનો સ્વભાવ અને જન્મજાત
લક્ષણો એક જેવાં હોવાં જોઈએ એવો આપણને ભ્રમ છે… આ નામો વાંચીને ચોક્કસ સમજાય કે,
વ્યક્તિના જન્મતારીખ કે રાશિ સાથે એના વ્યક્તિત્વને કદાચ લેવાદેવા હોય તો પણ એ બહુ ઓછા
પ્રમાણમાં હોય, મૂળ વ્યક્તિત્વ તો ઉછેર, વિચારો અને જીવનના અનુભવોથી ઘડાય છે.

આજના દિવસનું એક બીજુ મહત્વ એ છે કે, આજે ભારતમાં પહેલીવાર પબ્લિક રેડિયોની
શરૂઆત થઈ હતી. નેતાજી સુષાષચંદ્ર બોઝ અને કોંગ્રેસ રેડિયોએ ભારતીયોને બ્રિટિશ શાસન વિરુધ્ધ
જગાડવાનું કામ કર્યું. 1927ની 23મી જુલાઈએ મુંબઈના સ્ટેશન પરથી ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ
કંપનીએ પહેલીવાર રેડિયોના સિગ્નલ મોકલ્યા હતા. 1936ની 8મી જૂને ઈન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ
સર્વિસ ઓલ ઈન્ડિયા રેડિયો બની, પરંતુ છેક 1927થી આજ સુધી, 97 વર્ષ સુધી રેડિયો આપણા
જીવનનું એક અભિન્ન અંગ રહ્યું છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ (આઈબીસી) બ્રિટિશરાજ
દ્વારા હસ્તગત કરી લેવામાં આવી અને એનું નામ ઓલ ઈન્ડિયા રેડિયો પાડવામાં આવ્યું.
આકાશવાણી (આકાશમાંથી આવતો અવાજ) 1956માં અસ્તિત્વમાં આવ્યું. રવીન્દ્રનાથ ટાગોરની
એક કવિતાના કેટલાક શબ્દોમાંથી આ નામ આપણને મળ્યું. એનું ઉદઘાટન કલકત્તાના પહેલા શોર્ટ
વેવ રેડિયો સ્ટેશન તરીકે કરવામાં આવ્યું. વર્ષ 1896માં ગુઇગ્લાઇમો મેક્રોનીએ સૌ પ્રથમ રેડિયો
ટ્રાન્સમિશન સેટ કર્યું હતું. એટલે જ તેમને “ફાધર ઓફ રેડિયો” નું બિરુદ આપવામાં આવ્યું છે.
તેમણે અવાજ નહીં ફક્ત રેડિયો સિગ્નલ મોકલ્યા હતા. રેડિયોમાં અવાજ 1900ની આસરપાસ
મોકલવામાં આવ્યો હતો.

વર્ષ 1900માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે
સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લૅન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર
વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. ત્યારબાદ 24
ડિસેમ્બર 1906ની એક સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું
ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર
પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા. આમ માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો
પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા. 1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે
રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ
દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં.

જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર
શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ
પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની
શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઓગસ્ટ 1935માં
લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.

બ્રિટિશ ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની માત્ર એટલા જ સમાચાર કે અંગ્રેજી ગીતોનું પ્રસારણ
કરતી હતી, જ્યારે અમેરિકન લોકો ભારતમાં પ્રવેશ્યા ત્યારે એમણે ફિલ્મી દુનિયા અને પ્રસારણ
માધ્યમો ઉપર પોતાનો પ્રભાવ જમાવવાનો પ્રયાસ શરૂ કર્યો. એ વખતે બોમ્બે ટોકીઝની બોલબાલા
હતી. હિમાંશુ રોયના સંબંધો અમેરિકન (હોલિવુડ) સાથે ગાઢ થતા જોઈને બ્રિટિશ કંપનીએ ભારતીય
ફિલ્મોના ગીતો વગાડવાના બંધ કરી દીધા. હિમાંશુ રોય (બોમ્બે ટોકીઝ) પોતાના ગીતો લોકો સુધી
પહોંચાડવા માગતા હતા. એમણે એક વ્યવસ્થા ઊભી કરી, જેમાં ફિલ્મોના ગીતની સ્પૂલ (મોટી કેસેટ
જેવી ટેપ) સીલ બંધ કવરમાં સિલોનના રેડિયો સ્ટેશન પર મોકલવામાં આવતી. ત્યાંથી હિન્દી
સિનેમાના ગીતો પ્રસારિત થતા જે લાહોર, કરાંચી, મુંબઈ, કલકત્તા અને દિલ્હીમાં સાંભળી શકાતા.
જે લોકો અત્યારે 55 કે 60 વર્ષના હશે એ સૌને સિલોન પર વાગતી બિનાકા ગીતમાલા અને એમાં
સંભળાતો અમીન સયાનીનો અવાજ યાદ હશે!

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં
રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારને સોપી દિધેલ 1949માં અમદાવાદમાં રેડિયો
સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત
થઈ.

રેડિયો ભારતીય જીવનનું અભિન્ન અંગ ત્યારે પણ હતો, આજે પણ છે. એક સમય હતો
જ્યારે રેડિયો પર ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા આખી ઓફિસના લોકો એક જ જગ્યાએ ભેગા થઈ
જતા. લાલા અમરનાથના અવાજમાં કોમેન્ટરી સાંભળવી એ ક્રિકેટ રસિયાઓ માટે એક લહાવો હતો.
40થી 60 સુધી ફિલ્મી ગીતોની લોકપ્રિયતા પણ રેડિયો ઉપર આધારિત રહી. એ વખતે મોટી
સાઈઝના એક જ જગ્યાએ રાખવા પડે એવા રેડિયો પ્રચલિત હતા. એ પછી ટ્રાન્ઝીસ્ટરનો જમાનો
આવ્યો. નાના પોકેટ સાઈઝના ટ્રાન્ઝીસ્ટર પણ મળવા લાગ્યા. વોચમેનથી શરૂ કરીને ઓફિસના
માલિક સુધી સૌ નાનકડો ટ્રાન્ઝીસ્ટર રાખતા થયા…

જુલાઈ 23, 1977ના દિવસે મદ્રાસમાં પહેલું એફએમ રેડિયો સર્વિસ સ્ટેશન શરૂ થયું. એ
પછી એફએમ રેડિયો આપણા જીવનમાં વધુ ને વધુ દાખલ થયું. આજે કારમાં કે ફોનમાં પણ આપણે
રેડિયો સાંભળી શકીએ છીએ.

વર્લ્ડ રેડિયો દિવસની શરૂઆત 2012થી થઇ. કિંગડમ ઓફ સ્પેનની રીક્વેસ્ટ પર યુનેસ્કોએ
3 નવેમ્બર 2011માં જનરલ કોન્ફરન્સમાં ૧૩ ફેબ્રુઆરીએ વર્લ્ડ રેડિયો દિવસના રૂપમાં જાહેર કર્યો
હતો. ત્યારબાદથી વર્ષ 2012થી દર વર્ષે 13 ફેબ્રુઆરીએ આખી દુનિયામાં રેડિયો ડેના રૂપમાં
ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *