જયા બચ્ચન જાહેરમાં જે રીતે વર્તે છે, શાહરૂખ ખાન વાનખેડે સ્ટેડિયમમાં સિગરેટ
પીવાનો અને ગાર્ડ સાથે ઝઘડવાનો વીડિયો વાયરલ થાય છે, સૈફ અલી ખાન ‘ઔરસ’ નામની એક
રેસ્ટોરાંમાં કોઈના પર હાથ ઉપાડે છે. વિનોદ કામ્બલીને મેદાન પર ગાળો બોલવા માટે સસ્પેન્ડ
કરવામાં આવે છે, નેતાનો પુત્ર કોઈને કચડી નાખે, એમએલએના સગાં ધાર્યું કરે અને સરકારી
અફસરની પત્નીઓ સરકારી ગાડી અને સવલતોનો મનફાવતો ઉપયોગ કરે… આ બધું આપણે
જાણીએ છીએ તેમ છતાં કોઈ દિવસ એ વિશે આપણે કોઈ અવાજ ઉઠાવતા નથી. જાહેરમાં સ્ટાર્સ
અને કહેવાતા ‘મોટા માણસો’, ‘સફળ માણસો’ના ગેરવર્તન વિશે ભાગ્યે જ કોઈ વાંધો ઉઠાવે છે કારણ
કે, આપણે બધા એમની સફળતાથી, એમના પૈસાથી, એમના પદ અને પ્રતિષ્ઠાથી અંજાયેલા અને
ડઘાયેલા લોકો છીએ!
ભારતમાં વર્ણવ્યવસ્થાનું વર્ગીકરણ બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. સાથે એવું પણ
નક્કી હતું કે, બ્રાહ્મણનો પુત્ર યુધ્ધ કરી શકે, જરૂર પડે વૈશ્ય તલવાર ઉઠાવી શકે કે ક્ષત્રિય યજ્ઞ કરી શકે,
તપ કરી શકે… અર્થ એ થયો કે, આ વર્ણવ્યવસ્થાનું વર્ગીકરણ કોઈ વોટરટાઈટ કમ્પાટમેન્ટ નહોતો
બલ્કે દરેક વ્યક્તિને પોતાની સમજણ અને અધ્યાત્મિકતા અનુસાર જીવવાની મંજૂરી આપણી
સનાતન સંસ્કૃતિએ હંમેશાં આપી છે. સત્ય તો એ છે કે, આપણે કદીએ કોઈને નકાર્યા નથી, ભારતીય
સંસ્કૃતિ સ્વીકારની, સ્નેહની, લાગણીની સંસ્કૃતિ છે. કોઈને ઉતારી પાડવાને બદલે આપણે સૌને ઉર્ધ્વ
ગતિએ લઈ જવામાં જીવનને વધુ બહેતર બનાવવામાં મદદ કરવી એ આપણી સંસ્કૃતિની મહાનતા
છે… પરંતુ, ભગવદ્ ગીતાથી શરૂ કરીને આજ સુધી જો કોઈ એક વાતને આપણી સંસ્કૃતિએ સતત
નકારી હોય, વ્યક્તિ માત્રને પોતાના સ્વભાવ અને પ્રકૃતિમાં એ બદલવાનો આગ્રહ રાખ્યો હોય તો એ
અહંકાર છે. અનાદિકાળ, ભગવાન શિવની કથાઓથી શરૂ કરીને, દેવી ભાગવત, રામાયણ, મહાભારત
અને બીજી અનેક પૌરાણિક કથાઓમાં આપણને અહંકારને કાબૂમાં રાખવાનો શીખવવામાં આવે છે.
જ્યાં જ્યાં વ્યક્તિ પોતાના યશ, પ્રસિધ્ધિ, સફળતા કે સંપત્તિનો અહંકાર કરે છે એને હંમેશાં પતનનો
સામનો કરવો પડે છે.
એક કથા મુજબ લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે છાતીમાં લાત મારતી આવે છે જેથી
માણસ અક્કડ થઈ જાય છે, ઊંચું જોઈને ચાલવા લાગે છે, પરંતુ લક્ષ્મી જ્યારે જાય છે ત્યારે પીઠમાં
લાત મારીને જાય છે એથી માણસ બેવડ વળી જાય છે! આપણે અનેક લોકોને અક્કડ અને બેવડ થતા
અવારનવાર જોયા છે. રાવણ અને દુર્યોધનની કથા કઈ પુરાણકાળ પૂરતી મર્યાદિત નથી, આજના
સમયમાં પણ આપણે એવા લોકોને ઓળખીએ જ છીએ કે, જે લોકો પોતાની જાતને અંતિમ સત્ય
અથવા ન્યાયાધીશ માનીને જીવે છે.
યશ, પ્રસિધ્ધિ, કીર્તિ કે સફળતા-કોઈ એક વ્યક્તિની, એકલાની ન હોઈ શકે. એક વ્યક્તિ
જ્યાં પહોંચે છે ત્યાં પહોંચવા માટે એની આસપાસ એક આખું તંત્ર અથવા સિસ્ટમ કામ કરતી હોય
છે જે એના સ્તંભ હોય છે. મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી એકલા હાથે આ સામ્રાજ્ય ઊભું ન કરી
શકે આ વાત આપણને દેખાય છે, પણ સમજાતી નથી! એક કામ કરતી વ્યવસાય સ્ત્રી એના ઘરને
સંભાળતી કોઈ ડોમેસ્ટિક હેલ્પ કે સાસુનું મૂલ્ય ત્યાં સુધી નથી કરી શકતી જ્યાં સુધી એના એ
ગોઠવાયેલા તંત્રમાં ગાબડું ન પડે! પતિ અને સંતાનો રોજિંદી ગોઠવાયેલી જિંદગીને ક્યારેય ‘થેન્ક યૂ’
નથી કહેતા, પરંતુ જ્યારે એક ગૃહિણીની ગેરહાજરી હોય ત્યારે સૌને આપોઆપ સમજાઈ જાય છે કે
અત્યાર સુધી ગોઠવાયેલી આ સિસ્ટમ આટલી સહજતા અને સરળતાથી કેવી રીતે ચાલતી હતી.
કુદરતનું પણ એવું છે, જ્યાં સુધી સૂર્ય ઊગે છે, વરસાદ પડે છે, હવામાં ઓક્સિજન બરકરાર છે ત્યાં
સુધી આપણને એનું મૂલ્ય સમજાતું નથી. જે ક્ષણે શ્વાસ રૂંધાવા લાગે કે પાણી ખૂટી પડે એ ક્ષણે
આપણે સફાળા જાગીને પર્યાવરણના પ્રોટેક્શનમાં લાગી જઈએ છીએ.
સૌએ એવું સમજી લેવું જોઈએ કે, જો આપણે બીજાથી વધુ સુખી, યશસ્વી કે સંપન્ન
છીએ તો એમાં આપણો ફાળો તો છે જ, હશે જ, પરંતુ આપણી આસપાસના જગતનું પ્રદાન પણ
અતિમૂલ્યવાન છે. સમયસર ઓફિસે પહોંચાડતા ડ્રાઈવરથી શરૂ કરીને આપણા ઈ-મેઈલ ટાઈપ કરતી
સેક્રેટરી સુધી, સમયસર ટિફિન બનાવીને સ્કૂલ બસ સુધી મૂકવા આવતી મમ્મીથી શરૂ કરીને ઘરના
વાસણ અને કચરા-પોતાં કરતા વ્યક્તિ સુધી સહુ પોતપોતાનું પ્રદાન કરે છે ત્યારે એક આખી ઈકો
સિસ્ટમ બને છે. આભાર માનવો, થેન્કફૂલ અને ગ્રેટફૂલ હોવું એ દરેક ધર્મનું હાર્દ છે. પ્રાણી માત્ર આ
ઈકો સિસ્ટમને ટકાવવા માટે પોતાનું પ્રદાન કરે છે, પરંતુ સૌથી બુધ્ધિશાળી અને શ્રેષ્ઠ સર્જન તરીકે
આપણે બધા જ, આ ઈકો સિસ્ટમને સમજવા-સંભાળવા, એને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં શું
કરીએ છીએ, એ સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ.
યશ કે ધન મળ્યા પછી એ જેના કારણે મળ્યું છે એને તરછોડવાનો, અવગણવાનો કે
અપમાનિત કરવાનો અધિકાર કોઈ પાસે નથી. સ્ટાર સફળ હોય ત્યારે એની આસપાસ ફેનના ટોળાં
વળે છે, એ જ સ્ટારને કોઈ જુએ પણ નહીં-તો એને કેવું લાગે? આપણી પાસે સારામાં સારી ગાડી
હોય, પૈસા હોય, ઉત્તમ વસ્ત્રો અને ઘરેણાં હોય તેમ છતાં કોઈ વખાણે નહીં તો આપણને કેવું લાગે?
વ્યક્તિ તરીકે આપણે ઘણીવાર પ્રસિધ્ધિ કે પૈસાના મદમાં એવું કહી દઈએ છીએ કે, ‘મને કોઈની જરૂર
નથી.’ અથવા ‘આ બધું નહીં હોય તો પણ મને ફેર નહીં પડે.’ પરંતુ, ખરેખર આપણે એવું માનીએ
છીએ ખરા?
યશસ્વી બનવા માટે જેમણે આપણને મદદ કરી છે, સાથ આપ્યો છે, સહકાર આપ્યો
છે, સ્નેહ અને પ્રોત્સાહન આપ્યાં છે એ તમામ વ્યક્તિઓ આપણી સીડી છે. એકવાર ઉપર ચઢ્યા
પછી સીડી ફેંકી દેનાર કે તોડી નાખનાર માણસે નીચે ઉતરવા માટે કૂદકો જ મારવો પડે છે. જો કોઈ
એમ કહેતું હોય, નીચે ઉતરવું જ શા માટે જોઈએ? તો વળી એ સાવ મૂર્ખતાપૂર્ણ અહંકાર છે કારણ
કે, ઉપર અને નીચે ફરતું ચક્ર એ જીવનનું અનિવાર્ય અંગ છે. કોઈ સદાય ઉપર રહી શકતું નથી, ને કોઈ
સદાય નીચે પણ રહેતું નથી… જ્યારે નીચેની વ્યક્તિ ઉપર આવે ત્યારે એણે પોતાની નીચે રહેલાને
ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હશે તો એ વ્યક્તિ એને નીચે ઉતરવામાં સહાય કરશે, પણ જો એમ નહીં
કર્યું હોય તો એને ધક્કો મારીને નીચે ઉતારવામાં આવશે અને એ ધક્કો એના ચૂરેચૂરા કરી નાખશે.