12 જાન્યુઆરીને ભારતમાં ‘નેશનલ યુથ ડે-યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે કારણ
કે, 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે… ભારતના યુવાનોને જગાડવાનું
કામ સ્વામી વિવેકાનંદે કર્યું. એમણે પોતાના એક ભાષણમાં કહ્યું હતું, ‘ભારતને નવીન વિદ્યુત
પ્રવાહની જરૂર છે.’ આ વિદ્યુત પ્રવાહ એટલે નવું લોહી, નવા વિચારો અને એની સાથે
જોડાયેલી નવી પેઢી!
1893માં શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં 11મી સપ્ટેમ્બરે, એમણે ‘મારાં
અમેરિકન ભાઈઓ અને બહેનો’થી શરૂઆત કરીને એક ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું હતું.
કોલંબસ અમેરિકા પહોંચ્યો એના 400 વર્ષ પૂરાં થયાં હોવાની ઉજવણીના ભાગરૂપે એક પ્રદર્શન
યોજાયું, એની સાથે વિશ્વધર્મ મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું. કોલંબસ હોલની
મહાસભામાં વિશ્વભરમાંથી આવેલા 7 હજાર લોકો એક સાથે એકઠાં થયાં. અમેરિકાના
અખબારોએ સ્વામી વિવેકાનંદના ભાષણને ખૂબ સન્માનથી વખાણ્યું કારણ કે, એમણે પહેલીવાર
કહ્યું કે, ‘હિન્દુ ધર્મ વિશાળ છે. અમે અન્ય ધર્મોને સહન કરતાં નથી, એમને સ્વીકારીએ છીએ.’
હિન્દુ ધર્મ વિશે આવી વાત કદાચ, કોઈકે પહેલીવાર કરી હતી. સાત હજાર જેટલાં શ્રોતાઓએ
એમને ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું…
બહુ ઓછા લોકો જાણે છે કે, સ્વામી વિવેકાનંદ ગુજરાત પણ આવ્યા હતા. વડોદરા,
દ્વારકા, ગિરનાર અને સોમનાથ સુધી એમણે પ્રવાસ કર્યો હતો. નડિયાદમાં સાહિત્યકારો સાથે
મિલન સમારંભ યોજાયો હતો. આ બધી વિગતો સ્વામી નિખિલેશ્વરાનંદ સંકલિત પુસ્તક
‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’માં મળે છે. એમાંના કેટલાક પ્રસંગો આજે એમના જન્મદિવસે-
‘રાષ્ટ્રીય યુવા દિવસે યાદ કરીએ.’
ભારત ભ્રમણ દરમિયાન સ્વામીજીની મુલાકાત એકનાથ પંડિત નામના સંગીતજ્ઞની સાથે
થઈ. તેઓ ધ્રુપદના ગાયક હતા. સ્વામીજીએ તેમનું ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી.
એકનાથજીના ગીતની સાથે સ્વામીજી મૃદંગ પર સંગત આપવા મંડ્યા. શ્રોતાઓ અભિભૂત થઈ
ગયા અને હવે સ્વામીજીને ગાવા માટે વિનંતી કરવા લાગ્યા. સ્વામીજીએ મૃદંગ છોડી તાનપૂરો
હાથમાં લીધો અને ધ્રુપદનો આલાપ લેવા લાગ્યા. જ્યારે તેઓ લય પર આવ્યા ત્યારે કોઈપણ
મૃદંગ પર તેમને સંગત આપી ન શક્યું. અચાનક તેમણે તાનપૂરો એકનાથ પંડિતને આપી દીધો
અને મૃદંગ ઉઠાવી પોતે જ પોતાની સંગત કરવા લાગ્યા. આવી અદભૂત ઘટના નિહાળી શ્રોતાઓ
આશ્ચર્યચકિત થઈ ગયા. પંડિતજી બોલી ઊઠ્યા, ‘સ્વામીજી, આપ કેવળ ગાયક જ નહીં, નાયક
પણ છો.’
ઐતિહાસિક સ્થળ સિહોરની મુલાકાત દરમિયાન એમ કહેવાય છે કે અત્યંત રમણીય
સ્થળે આવેલા ગૌતમેશ્વર મહાદેવનાં દર્શન કરી તેઓ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા. એક
મત પ્રમાણે સ્વામીજીએ સિહોરમાં નાના સાહેબ પેશ્વા સાથે મુલાકાત કરી હતી, ત્યારે તેઓ
સ્વામી દયાનંદના નામે છદ્મવેશમાં રહેતા હતા. સ્વામીજીએ, ભાવનગરની મુલાકાત લીધી ત્યારે
સંભવતઃ પૂર્વ દીવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા હયાત હતા કારણ કે, તેમનું મૃત્યુ 1 ડિસેમ્બર
1891ના રોજ થયું હતું. સ્વામી વિવેકાનંદજી વિશેના અંગ્રેજીમાં સૌ પ્રથમ પ્રકાશિત જીવન
ચરિત્ર(પ્રથમ સંસ્કરણ) પ્રમાણે સ્વામીજીએ સપ્ટેમ્બર 1891માં ગુજરાતમાં પ્રવેશ કરી લીધો
હતો. જો કે સ્વામી વિવેકાનંદજી અને ગૌરીશંકર ઓઝા વચ્ચેની મુલાકાત વિશે નક્કર માહિતી
પ્રાપ્ત થઈ નથી, પણ તેની શક્યતા નકારી શકાય નહીં, તેનાં ઘણાં કારણો છે.
સ્વામી વિવેકાનંદ જ્યારે જૂનાગઢમાં ગયા હતા ત્યારે દીવાનજીના કાર્યાલયમાં કારભારી
તરીકે ‘કાદંબરી’ના અનુવાદક છગનલાલ હરિલાલ પંડ્યા હતા, જેઓ પાછળથી જૂનાગઢના
કેળવણી અધિકારી થયા હતા. તેઓ સ્વામીજીથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમને
પોતાને ઘેર લઈ આવી, તેમનો કેટલાક દિવસો સુધી આદરપૂર્વક અતિથિસત્કાર કર્યો હતો.
છગલનલાલ પંડ્યા સ્વામીજીની વાતોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે થોમસ એ કેમ્પીસ
દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’નું ગુજરાતી ભાષાંતર ‘ક્રાઈસ્ટનું અનુસરણ
અથવા સાર્વલૌકિક ધર્મ’ નામે પ્રકાશિત કર્યું. આ પુસ્તકની ભૂમિકામાં તેમણે કેટલીક રસપ્રદ વાતો
રજૂ કરી છે. સ્વામીજી વિશે તેમણે લખ્યું છે, ‘એમના જેવા, માત્ર પરોપકારાર્થે સંસારત્યાગ કરીને
નીકળી આવેલા, શુધ્ધ સાધુ પાસે સામાન તો હોય જ શાનો? માત્ર બે ત્રણ ભગવાં વસ્ત્રની એક
પોટલી અમારા જોવામાં આવી હતી. અતિ પરિચય પછી એમની પાસે હું એકવાર બેઠો હતો
અને પોતે તે પોટલી છોડી ત્યારે તેમાં મેં માત્ર બે ચીજો જોઈ. એક તો એમના પરમ પૂજ્ય ગુરૂજી
શ્રીરામકૃષ્ણની છબી અને બીજું ‘ઘ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ પુસ્તક. આ અંગ્રેજી પુસ્તક અને તે
વળી ક્રાઈસ્ટને લગતું-ઈશુ ખ્રિસ્તનું-આપણા હિંદુ ધર્મનો પ્રચાર કરવા નીકળેલા સંન્યાસી પાસે
જોવાથી મને તો એ વેળા ઘણું જ આશ્ચર્ય લાગ્યું.’ છગનલાલ પંડ્યાએ હિંમત ધરીને
સ્વામીજીને પ્રશ્ન કર્યો, ‘મહારાજ! આપ તો હિંદુ ધર્મના પ્રવર્તક છો અને આ ખ્રિસ્તી ધર્મનું
પુસ્તક કેમ રાખો છો?’ સ્વામીજીએ કહ્યું, ‘ભાઈ, સર્વ ધર્મનું તત્વ એક જ છે. ક્રિસ્ટિયાનિટી કંઈ
બીજો બોધ કરે છે અને આપણા વેદ કંઈ બીજું કહે છે એમ નથી.’
જૂનાગઢ થોડા દિવસ રોકાઈને સ્વામીજી સોમનાથનાં દર્શને નીકળી પડ્યા. સ્વામીજી
સમુદ્ર કિનારે આ ભગ્નાવશેષની પાસે ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ભૂતકાળને ભેદીને ભારતના
પ્રાચીન ગૌરવમય ઈતિહાસ તરફ કેટલાંય દ્રશ્યો તેમની નજર સમક્ષ તરવરી રહ્યાં. ઊંડા ધ્યાનમાં
આ યુગદ્રષ્ટાએ પોતાનાં મનશ્ચક્ષુથી શું શું નિહાળ્યું એ તો કોણ કહી શકે, પણ સોમનાથ મંદિરના
ભગ્નાવશેષે તેમને ઈતિહાસની ગહનગભીર, ઊંડી ઝાંખી અવશ્ય કરાવી. 1897માં વિદેશથી
પાછા ફરી તેમણે મદ્રાસમાં પોતાનાં ભાષણોમાં કહ્યું હતું, ‘દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન
મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ
ગ્રંથો કરતાં પ્રજાના ઈતિહાસમાં તમને એ વધુ ઊંડી દ્રષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર
ખંડિયેરમાંથી પાછાં બંધાઈને ઊભાં થતાં, પુનર્જીવન પામેલાં અને પૂર્વના જેવા સદા મજબૂત આ
મંદિરો કેવાં સેંકડો હુમલાઓનાં અને સેંકડો પુનરુત્થાનનાં ચિહ્નો ધારણ કરી રહેલાં છે! એ છે
રાષ્ટ્રીય માનસ. એ છે રાષ્ટ્રીય જીવન પ્રવાહ. એનું અનુકરણ કરો તો એ તમને કીર્તિના પંથે લઈ
જશે. એનો ત્યાગ કરો તો તમારો વિનાશ છે.’
સૌથી પ્રથમ જે ગુજરાતીના સંપર્કમાં તે આવ્યા હતા તે હતા, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા.
એ સિવાય મહારાજા સયાજીરાવ, લીંબડીના ઠાકોર સાહેબ મહારાજા યશવંતસિંહજી, છબીલદાસ
લક્ષુભાઈ ભણસાળી, ભૂજના દીવાન મોતીચંદ લાલચંદ, કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા, પોર
મહારાજા શ્રી સવદાસભાઈ લુધાભાઈ, રેવાશંકર અનુપરામ દવે, શ્રી જંડુ ભટ્ટ સહિત અનેક
ગુજરાતીઓ સાથે એમનો સંપર્ક અને પત્ર વ્યવહાર રહ્યો.