જિંદગી ખ્વાબ હૈ…

‘દેખ રહે હો યે રંગીન જિંદગી? હીરે, મોતી, જવાહરાત સે લદી હુઈ ઔરતે, ઠહા કે
લગાતે યે મર્દ… કૌન હે યે લોગ? જાનતે હો? યે વો લોગ હૈં જિન્હેં સડકોં પર બટુએ મિલે, ઔર
ઉન્હોંને લૌટાયે નહીં.’ ‘અનાડી’ ફિલ્મમાં રાજ કપૂરની સાથેના આ દૃશ્યમાં પોતાની સ્ટાઈલ અને
સોફેસ્ટિકેશનથી છવાઈ જતા અભિનેતાનું નામ મોતીલાલ રાજવંશ છે. ચાર ડિસેમ્બર, 1910
એમનો જન્મદિવસ. બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમાના સમયમાં મોતીલાલ રાજવંશ એક સ્ટાઈલીશ અને
દમદાર અભિનેતા તરીકે જાણીતા હતા. હિન્દી સિનેમાના સો વર્ષના ઈતિહાસની પ્રસ્તાવનામાં
અમિતાભ બચ્ચને લખ્યું છે, ”જેમના વિશે ખાસ નથી લખાયું એવા એક નેચરલ એક્ટર મોતીલાલ
એમના સમય કરતાં ખૂબ આગળ હતા. અંગત જીવનમાં અને અભિનયમાં, બંને. જો એ આજે હોત
તો એમના અભિનય વૈવિધ્યને કારણે અમારા બધા કરતાં ઘણા સારા અભિનેતા હોત.”

24 વર્ષની ઉંમરે એમણે શહેર કા જાદુ (1934)માં કામ કર્યું. એ પછીના વર્ષોમાં એમની
અનેક ફિલ્મોએ જબરજસ્ત સફળતા જોઈ. એમણે પોતાની ફિલ્મોમાં વિષય વૈવિધ્યને ખૂબ પ્રાધાન્ય
આપ્યું. એકસરખા ટાઈપ્ડ રોલ કરવાને બદલે જુદા જુદા દેખાવ અને પાત્રો ભજવવા એમને ગમતા.
આશિષ રાજાધ્યક્ષ નામના એક ફિલ્મ ક્રિટિકે લખ્યું છે, રિયાલિસ્ટિક એક્ટિંગ સ્ટાઈલને હિન્દી પરના
પડદા પર લાવનારા બહુ શરૂઆતના અને થોડા અભિનેતાઓમાં મોતીલાલ એક હતા. એમની સાથે
કામ કરનારી અનેક અભિનેત્રીઓ એમને એક જેન્ટલમેન અને ખૂબ વેલબિહેવ્ડ વ્યક્તિ તરીકે યાદ કરે
છે.

એમનું અંગત જીવન પણ ખૂબ રસપ્રદ હતું. એમની અભિનયની કારકિર્દીના
શરૂઆતના વર્ષોમાં (1934)ના સમયમાં એ બોલ્ડ અભિનેત્રી નાદિરા સાથે રિલેશનશિપમાં હતા.
એમણે નાદિરા સાથે લગ્ન ન કર્યા, પરંતુ એ સંબંધને ક્યારેય છુપાવવાની કે સંતાડવાની કોશિશ પણ ન
કરી. ફિલ્મી સમારંભોમાં કે પાર્ટીઝમાં એ ખુલ્લેઆમ નાદિરાના હાથમાં હાથ લઈને આવતા અને
એવી એમની તસવીરો પણ પ્રકાશિત થતી. એ પછીના થોડાં વર્ષોમાં નાદિરાજી સાથે એમને
અણબનાવ થયો, એ ગાળામાં અભિનેત્રી શોભના સમર્થે સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર કુમારસેન સમર્થ
સાથે છૂટાછેડા લીધા. મોતીલાલ સાથે એમની મિત્રતા ગાઢ થઈ અને એ પછી બે જણાં લિવ ઈન
સંબંધમાં સાથે રહેવા લાગ્યા.

1955માં બિમલ રોયની બનેલી ફિલ્મ ‘દેવદાસ’માં મોતીલાલે ચુનીબાબુનો રોલ
કરેલો. જે 2002ના ‘દેવદાસ’માં જેકી શ્રોફે કર્યો… મોતીલાલ પોતાના સમયથી ઘણું આગળ જીવ્યા.
એમણે સમય કે સમાજની પરવાહ કર્યા વગર પોતાની જિંદગીને પોતાની રીતે કંડારી. આજના
સમયમાં કદાચ આ સરળ લાગે, પરંતુ આજથી લગભગ સો વર્ષ પહેલાં કોઈ એક સ્ત્રી (અભિનેત્રી)
સાથે લિવ ઈનમાં રહેવું. એમની દીકરીઓને પોતાની પુત્રીની જેમ ઉછેરવી અને એ સ્ત્રી માટે
જીવનભર લગ્ન ન કરવા એ સરળ તો નહીં જ રહ્યું હોય.

ભારતીય સિનેમાના સો વર્ષની ઊજવણી નિમિત્તે અભિનેતા મોતીલાલની ટપાલ
ટિકિટ બહાર પાડવામાં આવી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, મોતીલાલ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે
એમની પાસે કોઈ ખાસ બચત કે પોતાની કહી શકાય એવી મોટી મિલકતો નહોતી. પાર્ટી આપવાના
અને રેસના શોખીન મોતીલાલે અનેક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એમણે જ્યારે પોતે ફિલ્મ બનાવવાનું
નક્કી કર્યું ત્યારે એમની કારકિર્દીનો સૌથી ખરાબ સમય શરૂ થયો. એટલું બધું દેવુ વધી ગયું કે, સ્ટ્રેસ
અને તકલીફમાં એમનું 54 વર્ષની વયે મૃત્યુ થયું. નવાઈની વાત એ છે કે, એ મૃત્યુ પામ્યા ત્યારે
એમની સાથે પાર્ટી કરનારા અનેક લોકોમાંથી કોઈ એમની મદદ કે સ્મશાનયાત્રા માટે હાજર નહોતા.
એમના એક સમયના પ્રેમિકા નાદિરાજીએ એમની ચિતાને અગ્નિ આપ્યો. એમણે જેને માટે પોતાનું
જીવન ન્યૌછાવર કરી દીધું એવા શોભના સમર્થ (નૂતન અને તનુજાના મા અને કાજોલના નાની) પણ
એમના ખરાબ સમયમાં એમની સાથે નહોતા.

નૂતને જ્યારે ફિલ્મી કારકિર્દી પસંદ કરી ત્યારે એમની પહેલી ફિલ્મમાં એના પિતાનું
પાત્ર મોતીલાલે કરેલું. આપણે બધા આજે વ્યક્તિના બોલ્ડ કે બિન્દાસ્ત હોવાથી અભિભૂત થઈ
જઈએ છીએ. પોતે જેવું જીવે એવું જ દેખાડે ત્યારે આપણને લાગે છે કે, એણે કશું મહાન કર્યું છે,
પરંતુ સત્ય તો એ છે કે દુનિયાના દરેક માણસે એવી જ રીતે જીવવું જોઈએ. સાચું અને પારદર્શક
જીવવામાં ખાસ કંઈ મહેનત કરવાની નથી. બલ્કે દંભ અને દેખાડો કરવામાં વધુ મહેનત કરવી પડે છે.
મોતીલાલજી જેવી વૈભવી જીવનશૈલી એમના ફિલ્મ નિર્માણના નિર્ણયથી ગૂંચવાઈ ગઈ. એમણે
‘છોટી છોટી બાતેં’ નામની ફિલ્મ લખી અને એનું દિગ્દર્શિત કર્યું. ફિલ્મનું નિર્માણ લંબાતું ગયું અને
દેવુ વધતું ગયું. ફિલ્મ પૂરી થાય એ પહેલાં મોતીલાલનું અવસાન થયું. એ ફિલ્મના એમના કાકાના
દીકરા ગાયક મુકેશે પૂરી કરી. એ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો, પણ ફિલ્મ અને એવોર્ડ બંને જોવા
માટે મોતીલાલજી હાજર નહોતા.

મોતીલાલ જેવા કેટલાય અભિનેતાઓ, લેખકો કે કવિઓ પોતાના સમયમાં ઉત્તમ
ફિલ્મો આપીને એક લેન્ડમાર્ક ઊભો કરી ગયા, જ્યાં સુધી કારકિર્દી બુલંદ હતી ત્યાં સુધી આવા
લોકોને કોઈ સમસ્યા નડી નહીં, પરંતુ જ્યારે કારકિર્દીના વળતાં પાણી થયાં અને આર્થિક સમસ્યાઓ
શરૂ થઈ ત્યારે આ અભિનેતાઓ-દિગ્દર્શકો કે લેખકો પાસે ટકી શકાય એવી કોઈ મજબૂત બચત કે
જીવન જીવી શકાય એવી કોઈ આવક નહોતી! સિનેમાનું નિર્માણ ત્યારે પણ અને આજે પણ બહુ
અઘરી અને પેચીદી કામગીરી છે. દરેક માણસ પ્રોડ્યુસર તરીકે સિનેમાના ધંધામાં કમાય જ એવું
જરૂરી નથી. કવિ શૈલેન્દ્ર, કે મોતીલાલજી જેવા લોકોને પોતાના વિચારો અને ક્રિએટિવિટી સાથે
પોતાની ફિલ્મ બનાવવાનું સ્વપ્ન હતું. કવિ શૈલેન્દ્ર પણ ‘તીસરી કસમ’ નામની ફિલ્મના નિર્માણમાં
દેવામાં ડૂબી ગયા. ગુરુદત્ત, રાજ કપૂર જેવા અભિનેતાઓ પણ પોતાના સ્વપ્નની ફિલ્મ બનાવવા
માટે કરોડોના દેવામાં ડૂબ્યા.

સાચું પૂછો તો ‘વ્હીમ’ અને ‘ડ્રીમ’ માં ફેર છે. દરેક માણસને દરેક વસ્તુ આવડે જ એવું
જરૂરી નથી. ગમે તેટલો ટેલેન્ટેડ અને ક્રિએટિવ માણસ પણ દરેક બાબતમાં હોશિયાર જ હોય અને
સફળ પણ થાય એવું શક્ય નથી. ફિલ્મી દુનિયા સફળતા અને નિષ્ફળતાની વચ્ચે ઝોલા ખાતી એક
અજબ દુનિયા છે. અહીં માનવીય સંબંધોનું મૂલ્ય દર શુક્રવારે બદલાઈ જાય છે એમ કહીએ તો ખોટું
નથી. લગ્ન, ડિવોર્સ, રિલેશનશિપ, દોસ્તી, પાર્ટનરશિપ જેવા કેટલાય સંબંધોનું આયુષ્ય અહીં
એક્સ્પાઈરી ડેટ સાથે આવે છે. આ એક એવી દુનિયા છે જેમાં ટેલેન્ટ તો મહત્વની છે જ, પણ સાથે
સાથે પોતાની કારકિર્દીનું આયુષ્ય ટૂંકું છે એ સતત યાદ રાખવું પડે છે. ખાસ કરીને જે લોકો પડદા પર
દેખાય છે એ-અભિનેતા કે અભિનેત્રી હંમેશ માટે સફળ અને લોકપ્રિય રહી શકતા નથી.

રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, સુનીલ દત્ત કે કિશોર કુમાર જેવા લોકોએ પોતાની કારકિર્દીના
સુવર્ણ યુગ દરમિયાન ખૂબ સમજદારીથી અને ફૂંકી ફૂંકીને ઈન્વેસ્ટમેન્ટ કર્યા. આજે એમના પછીની
પેઢી પણ નિરાંતે જીવી રહી છે એનું કારણ પોતાની કારકિર્દીના સમયમાં આંધળુકિયા કર્યા વગર કે
બીજા લોકો પાછળ-દેખાડા કે પ્રદર્શનમાં પૈસા ઉડાડ્યા વગર પોતાની ઢળતી કારકિર્દી, વૃધ્ધાવસ્થા
અને આવનારી પેઢી માટે કરેલી વ્યવસ્થા એમને કામ આવી છે.

મોતીલાલજી નિઃસંદેહ એક ખૂબ સ્ટાઈલીશ અને નેચરલ અભિનેતા હતા. એમની
સંવાદોની લઢણ અને આંખોની ચમક અને અન્ય અભિનેતાઓથી સાવ જુદા હતા. પોતાની ટૂંકી
કારકિર્દીમાં એમણે બે ફિલ્મફેર અને એક નેશનલ એવોર્ડ જીત્યા. ‘જાગતે રહો’, ‘દેવદાસ’, ‘પરખ’,
‘અછૂત’ જેવી ફિલ્મોમાં જુદા જુદા પાત્રો નિભાવીને અભિનયની દુનિયામાં પોતાનું નામ કર્યું, પરંતુ
આ બધા પછી એમનું મૃત્યુ એકલા અને આર્થિક સંકડામણના દિવસોમાં થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *