ઇન્દિરા ગાંધી: સત્તા અને સંસાર/સંબંધની વચ્ચે …

બહારથી લોખંડી, હિંમતવાળી અને મજબૂત દેખાતી સ્ત્રીની ભીતરમાં ક્યાંક અત્ત ઋજુ, યં સંવેદનશીલ અને કોઇનો આધાર શોધતી અત્યંત પ્રેમાળ સ્ત્રી પણ વસતી હોય છે!

પાપુએ ફિરોઝને કહું, ‘તમે અહીંયા આવીને કેમ નથી રહેતા?’ ફિરોઝે તોછડાઇ પૂર્વક જવાબ આપેલો, ‘મને મ્યુઝિયમ માં રહેવાની ફાવટ નથી.’ પાપુ એ દિવસે જમતાં જમતાં ડાઇનિંગ ટેબલ છોડીને ચાલી ગયેલા

ફિરોઝે મને રાત્ મળવા બોલાવેલી. એના સંસદસભ્યના ઘરમાં હું એને મળવા ગઇ, ત્યારે એણે મને કહ્યું હતુ ‘તારે નક્કી કરવું પડશે. તું વડાપ્રધાનની દીકરી છે કે ફિરોઝ ગાંધીની પત્ની?’

મારાથી બોલાઇ ગયેલુ, ‘વડાપ્રધાન નહોતા ત્યારે પણ એમની દીકરી તો હતી જ… ને વડાપ્રધાન નહી હોય ત્યારે પણ એમની દીકરી મટી નહી જાઉં ’ એ રાતે અમારી વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ…

હું પીએમ હાઉસ પાછી આવી ત્યારે પાપુ જાગતા હતા. એમના સ્ટડી રૂમમાં એ કોઇક ફાઇલ જોઇ રહ્યા હતા. હું દાખલ થઇ ત્યારે એમણે કહેલુ, ‘વેલકમ એન્ડ કોન્ગ્રેચ્યુલેશન. સર્વાનુ મતે તને કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવી છે.’ મને સમજાતું નથી કે મારે રડવું કે ખુશ થવું…’

પોતાના એક ઇન્ટરવ્યૂમાં ‘પ્રિયદર્શિની’ ઇન્દિરા ગાંધીએ જ્યારે આ વાત કહી, ત્યારે એ તદ્દન કેન્ડિડ અને નિખાલસ રીતે પોતાની વાત કહેતાં કહેતાં ગળગળા થઇ ગયાં હતાં.

ઇન્દિરા ગાંધીને લગભગ બધા બોલ્ડ નિર્ણય કરનાર, હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરનાર લોંખડી મહિલા તરીકે ઓળખે છે. ભાગ્યે જ કોઇને એવો ખ્યાલ હશે કે બહારથી લોંખડી , હિંમતવાળી અને મજબૂત દેખાતી સ્ત્રીની ભીતરમાં ક્યાંક એક અત્યંત ઋજુ, સંવેદનશીલ અને કોઇનો આધાર શોધતી અત્યંત પ્રેમાળ સ્ત્રી પણ વસતી હોય છે! ઇન્દિરા ગાંધી વિશે પણ કદાચ આવું જ હતું. રાજનીતિ અને પત્નીત્વ, રાજનીતિ અને માતૃત્વની વચ્ચે સતત વહેંચાયેલાં અને વિખરાયેલાં રહ્યાં. અલાહાબાદના ઘરમાં એમનો ઉછેર દીકરીને બદલે દીકરાની જેમ કરવામાં આવ્યો. સ્વતંત્ર નિર્ણયો કરવાનો અધિકાર અને પોતાની રીતે જીવવાનો પૂરો હક એમને આપવામાં આવ્યો હતો. 12-13 વર્ષની ઉમરે એમણે શાંતિનિકેતન માં શિક્ષણ લીધુ, ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘પ્રિયદર્શિની’ કહીને સંબોધ્યાં. ટાગોરે ત્યારે કહું હતુ , ‘જે દરેક વાતને કરુણા અને સ્નેહથી જોઇ શકે છે, જે દરેકમાં ‘પ્રિય’નું દર્શન કરી શકે છે તે ‘પ્રિયદર્શિની’ છે.’

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સમરવિલે કોલેજમાં ભણ્યાં પછી એમણે જ્યારે ફિરોઝ ગાંધી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે જવાહરલાલ નેહરુ એ વાતે બહુ સંમત નહોતા એ વાતને મીડિયાએ રહી રહીને છંછેડી છે.

ઇન્દિરા ગાંધીએ પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે. …લગ્ન કરવાનું નક્કી કરીને પાછી ફરી એ સાંજે પાપુએ મને સ્પષ્ટ શબ્દોમાં ફિરોઝ સાથે લગ્ન નહી કરવાસમજાવેલી. જોકે મેં એમને જવાબ આપી દીધલો, ‘હુંકોઇ સ્પેશિયલ વ્યક્તિ નથી. મારે તો એક અદના વ્યક્તિ તરીકે જીવવું છે. મને જીવનમાં કોઇ ટેન્શન નથી જોઇતું. મારે લગ્ન કરવાં છે, બાળકો જોઇએ છે, પુસ્તકો, સંગીત અને મિત્રો સાથે ખુશહાલ-સામાન્ય જીવન જીવવું છે.’

આજે અલાહાબાદના એ જ કમરામાં બેઠી છું, ત્યારે મને યાદ આવે છે કે આ જ ઘરમાં અલાહાબાદના આ જ ‘આનંદભવન’માં અમે લગ્નનાં ચાર વર્ષ પછી રહેવાં આવ્યાં, અમારી વચ્ચે ઝઘડા થવાના શરૂ થયા. પાપુની રાજકીય કારકિર્દીમાં એ મને ઘસડી રહ્યા હતા. રોજેરોજની રાજકીય મીટિગ્સમાં હું હાજર રહું એવો એ આગ્રહ રાખતા. હું ઓછું બોલતી, પણ પાપુ ઇચ્છતા કે હું મારો અભિપ્રાય આપુ.દેશની રાજકીય પરિસ્થિતિ વિશે જાણુ, સમજુઅને એમના નિર્ણયોની ભાગીદાર બનું. હું યજમાન તરીકેની કામગીરી બજાવવાનો પ્રયત્ન કરતી! મને ફિરોઝના ડિનરની ચિંતા રહેતી. એ બેડરૂમમાં એકલા મારી પ્રતીક્ષા કરતા હશે, એ વિશે હું ઉદ્વેગ અનુભવતી.ધીમે ધીમે એ વાત એમને ખૂચવા લાગી અને એમણે એ બાબતે સાવ જુદી રીતે રિએક્ટ કરવા માંડું. કાતો સાવ ચૂપ થઇ જતા અને કાં તો મને ટોણાં મારતા. અમે બંને જેટલો સમય એકબીજાની સાથે ગાળવાનો પ્રયત્ન કરતાં, એ બધા સમય દરમિયાન અમે એકબીજા સાથે દલીલો કરતાં અથવા મહેણાં મારતાં થઇ ગયાં હતાં.

પાપુની હાજરીમાં પણ અમે ક્યારેક એકબીજાનું સન્માન ચૂકી જતાં હતાં. પાપુ આ જોઇ શકતા હતા એટલે એમણે એક દિવસ મને કહું, ‘તમારે થોડાદિવસ જુદા રહેવું જોઇએ. એકબીજા પરત્વેની લાગણીને ઓળખી- સમજીને નવેસરથી વિચારવાનો સમય થઇ ગયો છે.’ મારે પાપુને કહેવું હતું કે અમારી વચ્ચેની લાગણી જુદા રહેવાથી નહી, પરંતુ ભેગાં રહેવાથી બદલી શકાશે. હું કહી શકી નહી. પાપુએ મને દિલ્હી બોલાવી અને બીજી તરફ ‘નેશનલ હેરલ્ડ’ના એડિટર તરીકે ફિરોઝ લખનૌ ગયા. 1939નો સમય હશે આ. એ પછીના સમયમાં અમારી વચ્ચેનું અતર વધતુગયુ. 20મી ઓગસ્ટ , 1944 ના દિવસે રાજીવનો જન્મ થયો, પણ અમારાં બંને વચ્ચે પ્રથમ સંતાનના જન્મનો આનંદ કદાચ હોવો જોઇએ એટલો નહોતો.

તેમ છતાં અમે સાથે જ રહેતાં હતાં. 1948 માં સંજય જન્મ્યો. હું ત્યાં સુધીમાં દિલ્હી શિફ્ટ થઇ ગઇ હતી. પાપુ વડાપ્રધાન હતા. ઘર હંમેશાં લોકોથી ભરચક રહેતું. અવરજવર ચાલ્યા કરતી. હું પાપુની સાથે પ્રવાસમાં રહેતી. ફિરોઝ જેટલી વાર દિલ્હી આવતા એટલી વાર મારી સાથે સમય ગાળવાનો પ્રયત્ન જરૂર કરતા, પણ અમે એકબીજા સાથે દલીલ સિવાય બીજું કંઇ કરી શકીએ એ દિવસો પૂરા થઇ ગયા હતા. રાજીવને અમે દૂન સ્કૂલમાં મૂક્યો હતો. સંજય પણ સ્કૂલે જવાની તૈયારીમાં હતો, ત્યારે 1952માં ફિરોઝે રાયબરેલી માંથી ચૂટણી લડવા નુ નક્કી કર્યું.

પહેલી વાર પાપુ અને ફિરોઝ વચ્ચે એ રાત્રે સીધી વાતચીત થઇ. ફિરોઝ ઇલેક્શન લડે એ વાત પાપુને બહુ ગળે ઊતરે એમ નહોતી. એમણે એમના તરફથી પોતાની દલીલો રજૂ કરી, તેમ છતાં કોંગ્રેસની કોમન મીટિંગમાં ફિરોઝને ટિકિટ આપવાનું નક્કી થયુ. મને આનંદ થયો. ફિરોઝના ઇલેક્શન માટે હું રાયબરેલી ગઇ અને મારાથી થાય એ બધી જ મદદ મેં કરી. અમે ફરી એક વાર સાથે રહેવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યુ઼. જોકે એ વિશે પાપુ બહુ ખુશ નહોતા. એમણે મને ટકોર કરેલી, ‘ફિરોઝ તારે લીધ રાજકારણ માંદાખલ થવા માંગે છે કે પછી રાજકારણમાં દાખલ થવા માંગે છે માટે તારી સાથે છે…’

ઇન્દિરા ગાંધીના લગ્નની નિષ્ફળતામાં પંડિત જવાહરલાલ નેહરુની કેટલી જવાબદારી હતી એ વિશે નિર્ણય કરવાનો આપણને ઝાઝો અધિકાર નથી, પરંતુ (ગુલઝાર સાહેબની ફિલ્મ ‘આંધી’માં એમણે આવા જ એક સંબંધનું નિરૂપણ કર્યું હતું. બહુ ઓછાને ખબર હશે પણ ‘ગાંધી’માંથી માત્ર ‘જી’કાઢી નાખીએ તો ‘આંધી’ થાય!) પરંતુ પોતાની રાજકીય, મેડિકલ કે બીજી કોઇ કારકિર્દીનો વારસો એકની એક પુત્રીએ લેવો જોઇએ અથવા રાખવો જોઇએ એવો હઠાગ્રહ રાખનાર પિતા કેટલીક વાર પુત્રીના અગત જીવનને તહસનહસ કરી નાખતા હોય છે.સ્ત્રી નું વ્યક્તિત્વ જ ઋજુ છે. એ જીવનદાયિની, કલ્યાણી છે. સ્વભાવે અને પ્રકૃતિએ જ મા છે. એણે પોતાની કારકિર્દી સિવાય બીજો કોઇ વિચાર ન કરવો જોઇએ, એમ માનીને જે પિતા પોતાની દીકરીનું ઘડતર કરે છે એ અજાણતાં જ એનાં સ્ત્રીત્વનું ગળુંરુંધી નાખે છે. સમય જતાં જ્યારે આ સ્ત્રીત્વ કે માતૃત્વ પોતાનું અસ્તિત્વ પ્રગટ કરે છે, ત્યારે આવી સ્ત્રીઓ જીવનના એવા વળાંકે આવીને ઊભી રહી જાય છે, જ્યાંથી પાછા જવાનો રસ્તો તો નથી જ હોતો, પરંતુ આગળ જવાની પણ હામ બાકી રહેતી નથી…