વક્ત કરતા જો વફા…

“સુખ માટે ભેગા થયેલા બે જણા, અંતે સુખ મેળવવા જ છૂટા પડે છે…” જાણીતા લેખક-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે “ઈન્સ્ટાગ્રામ” ઉપર લાઈવ ચર્ચામાં એમણે આ વાત કહી, ત્યારે લાગ્યું કે આ સાંભળીને કોઈપણ વ્યક્તિએ પોતાના સંબંધો વિશે આ વાત સમજવી જોઈએ. આમ જોવા જઈએ તો કેટલું સાચું છે આ ! પ્રેમ હોય કે પરિવાર, અંતે આપણે બધા સુખની શોધમાં જ હોઈએ છીએ. બે વ્યક્તિઓ એકબીજાને મળે છે ત્યારે એકબીજા સાથે સુખી થવા માટે જ સંબંધ બાંધે છે. એરેન્જ મેરેજ માટે ભેગા થયેલા બે જણાં એકબીજાની જિંદગી બરબાદ કરવા માટે લગ્ન કરતાં નથી કે કોઈ માતા-પિતા એટલા માટે સંતાનને જન્મ નથી આપતાં કે એને હેરાન-પરેશાન કરી શકે ! સંતાન પણ પોતાના માતા-પિતાને પ્રેમ તો કરે જ છે, એ પણ એમને પીડા આપવાનો ઉદ્દેશ ન જ ધરાવતા હોય ! તેમ છતાં, આપણે આપણી સૌથી નિકટની વ્યક્તિને સૌથી વધારે પીડા આપીએ છીએ. એવું કેમ ?

અજાણ્યા સાથે, દૂરના લોકો સાથે, પડોશી સાથે આપણે ખૂબ સારી રીતે વર્તીએ છીએ. એમની વિચિત્રતાઓ કે ખરાબ વ્યવહાર સહન કરી લઈએ છીએ, પરંતુ જે આપણી સૌથી નજીક છે, જેને આપણે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ, એની સાવ નાનકડી વાત પણ આપણા માટે મોટો મુદ્દો બની જાય છે. આ નોર્મલ છે, પણ યોગ્ય નથી. સત્ય તો એ છે કે જેને સૌથી વધારે પ્રેમ કરતાં હોઈએ એને ક્ષમા કે સહન કરવાની આપણી તૈયારી સૌથી વધારે હોવી જોઈએ, પણ એવું  થતું નથી. આપણે એવું ધારી લઈએ છીએ કે જે આપણને સૌથી વધુ પ્રેમ કરે છે એ આપણને છેતરશે, હર્ટ કરશે. એની વાતો આપણને મહેણાં અથવા ટોન્ટ લાગે છે. આપણા જીવનસાથી, સંતાન કે પ્રિય વ્યક્તિની મજાક આપણને અપમાન લાગે છે… એવું કેમ ?

આ વાત બહુ સમજવા જેવી છે, એકવાર સમજાઈ જાય તો સંબંધો સુપર સ્પીડમાં સુધરી શકે એમ છે. મુદ્દો એ છે કે જેને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ એ આપણને સમજે, આપણા ગુણોના વખાણ કરે, આપણી લાગણીનો પ્રતિભાવ આપે કે આપણે જે વિચારીએ છીએ એ આપણા કહ્યા વગર સમજી જાય એવી આપણી અપેક્ષા હોય છે. જેને પ્રેમ કરીએ એ કોઈ બીજાના વખાણ કરે ત્યારે દરેક વખતે એ બીજી વ્યક્તિ સાથે આપણી સરખામણી કરે છે એવું જરૂરી નથી, પરંતુ આપણે એવું ધારી લઈએ છીએ. આપણે સારા તૈયાર થયા હોઈએ, સારી રસોઈ બનાવી હોય, કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી હોય કે કશુંક ઉત્સાહથી રજૂ કરીએ ત્યારે સામેની વ્યક્તિ એવા જ મૂડમાં હોય અને આપણી કલ્પના પ્રમાણે જ વર્તે એવું શક્ય છે ખરું ?

અહીં એક સવાલ એ પણ છે કે એ વ્યક્તિ જ્યારે આપણી પાસેથી આવી કોઈ અપેક્ષા રાખે છે ત્યારે આપણે દરેક વખતે એની અપેક્ષામાં ખરા ઉતર્યા છીએ ? જો એવું નથી બન્યું તો, આપણને સામેની વ્યક્તિની ફરિયાદ સમજાય છે, આપણે એની અપેક્ષા વિશે ઉણા ઉતરીએ કે એણે ધાર્યું હોય એ પ્રમાણે ન વર્તીએ ને એ નિરાશ થાય ત્યારે આપણે એને સમજવાનો કે ક્ષમા માગવાનો પ્રયાસ કર્યો છે ? જો આપણાથી એવું નથી થઈ શક્યું તો, આપણી અપેક્ષા અને નિરાશા સામેની વ્યક્તિ સમજે અને આપણા ધાર્યા પ્રમાણે જ વર્તે એવું બની શકે ખરું? અર્થ એ થયો કે દરેક વ્યક્તિની સમજવાની કે પ્રતિભાવ આપવાની ક્ષમતા એક સરખી હોતી નથી.

સંબંધોમાં સૌથી મોટું ફેક્ટર સમય હોય છે. કેટલીક વાર માણસોને સમજાતું હોય છે, પરંતુ ત્યારે મોડું થઈ જતું હોય છે. અંગત અથવા નિકટના સંબંધોનું દુર્ભાગ્ય એ છે કે એમાં એકવાર નાનકડી પણ તિરાડ પડે તો એને સંધાતા બહુ જ લાંબો સમય લાગે છે અથવા ક્યારેક એ તિરાડ સાંધી શકાતી નથી. આનું કારણ પણ એ જ છે, જેને બહુ જ પ્રેમ કરતા હોઈએ એની પાસેથી દર્દની કે દગાની આપણી તૈયારી નથી હોતી. હવે, એક વાત આપણે બધાએ સમજવી અને સ્વીકારવી પડે, આપણે પ્રેમ કરીએ માટે એ વ્યક્તિ માણસ મટીને ભગવાન નથી બની જતી. એનામાં પણ નબળાઈઓ છે, હોય જ ! આપણે એને પ્રેમ કરીએ છીએ માટે આપણે આપણા મનમાં એની એક અખંડ અને પરફેક્ટ છબી બનાવીએ છીએ. ત્યાં સુધી યે વાંધો નથી, પરંતુ એ વ્યક્તિએ આપણી બનાવેલી છબીમાં ઈંચ બાય ઈંચ ફીટ થઈ જવું પડે એવી આપણી અપેક્ષા પૂરી કરવી એને માટે શક્ય નથી હોતું.

નવી પેઢી એક શબ્દ વારંવાર વાપરે છે, એ છે “સ્પેસ”. આ સ્પેસ બીજું કંઈ નથી, ફ્રેમમાં ફીટ નહીં થવાની સ્વતંત્રતા છે. એક દીપકને પણ પ્રજ્વલિત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. એક વૃક્ષને ખીલવા માટે કે આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન જોઈએ છે. સંબંધોમાં સ્વતંત્રતા એ ઓક્સિજન છે. સામેની વ્યક્તિને એ જે છે તેવી રહેવાની સ્વતંત્રતા આપી શકાય તો એ શ્વાસ લઈ શકશે, જો શ્વાસ લઈ શકશે તો જ સંબંધ જીવી શકશે. પછીથી આપણે અફસોસ કરીએ અને એમ વિચારીએ કે સમય ખોટો હતો, નસીબ ખોટું હતું કે પસંદગી ખોટી હતી… એ બરોબર નથી. સત્ય તો એ છે કે કદાચ આપણે જ બરોબર નહોતા. જ્યારે જ્યારે સંબંધ તૂટે કે કોઈ વ્યક્તિને ખોઈ બેસીએ એ જીવનસાથી હોય, માતા-પિતા, મિત્ર કે કોઈ પ્રિયજન… ત્યારે એકવાર ચોક્કસ આપણું વર્તન તપાસી લેવું. સમયને કે સંજોગોને જવાબદાર ઠેરવવાને બદલે આપણી સમજણ અને સ્વીકારવાની તૈયારીને પણ એકવાર ફરીથી તપાસી લઈએ તો કદાચ સરકી રહેલા સંબંધને સાચવી લેવાની એક વધુ તક મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *