અકેલે હૈં તો ક્યા ગમ હૈ ?

“ભઈ ! આપણને તો ફાવી ગયું છે. ઘેર રહેવાનું, વાંચવાનું, ટીવી જોવાનું, ચાલવા જવાનું અને લિમિટેડ અવર કામ કરવાનું…” એક ભાઈ બીજા ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. છેલ્લા સવા બે મહિનામાં ઘણા લોકોને આ પરિસ્થિતિ ગમવા માંડી છે. આંખ ખુલે ને સીધા દોડવા જ માંડતા કેટલાય માણસોએ આટલો બધો સમય ઘેર રહીને, ઘર-પરિવાર અને શાંતિનું સુખ માણ્યું છે. બીજી તરફ લોકડાઉન ખૂલતાં જ કેટલાંય લોકો ઘાંઘાં થઈને દોડ્યા છે, આટલા દિવસ ઘરે રહીને થાકેલા-કંટાળેલા બધા જ જાણે કે પાંજરું ખૂલ્યું હોય એમ ઘરની બહાર નીકળીને પાનના ગલ્લાં-મિત્રો અને ચાની લારીઓ શોધવા લાગ્યા છે. બંને તરફના લોકો સાચા છે, આમાં શું કરવું જોઈએ કે શું થવું જોઈએ એવો કોઈ સર્વસામાન્ય નિયમ કે લાગણી હોઈ શકે નહીં. કેટલાક લોકો માટે પરિવાર સાથે રહેવું એ જીવનનું સત્ય છે, તો કેટલાક લોકો એકલા જ રહેવા સર્જાયા હોય છે. એમનું એકલા રહેવું કોઈ અભિશાપ કે પીડા નથી, એમની પ્રકૃતિ છે, સ્વભાવ છે અને ક્યારેક જરૂરિયાત પણ હોઈ શકે છે.

જાણીતા અભિનેતા હર્ષ છાયા સાથે ઈન્સ્ટા લાઈવ પર વાત કરતા એમણે એક મજાની વાત કહી. એમના પત્ની સુનીતા સેનગુપ્તા એમને ક્યારેક મજાકમાં કહે છે, “તું મેરેજ મટીરીયલ જ નથી. તારા જેવા લોકોએ પરણવું જ ન જોઈએ…” આ લાગણી કદાચ માત્ર સુનીતાની નથી, કેટલીયે પત્નીઓ આ વાત જાણતી હશે, માનતી હશે. બધી કદાચ પોતાના પતિને કહેતી નહીં હોય, પરંતુ એમનું અલગારીપણું કે ઘર-પરિવારની ચિંતા ન થવી, અથવા ઓછું એટેચમેન્ટ કે એક્સ્પ્રેશનનો અભાવને કારણે આવી પત્નીઓને ક્યારેક તકલીફ થતી હશે. સમય બદલાયો છે. હવે, આ સ્વભાવ કે પ્રકૃતિ માત્ર પુરુષો પુરતી નથી રહી. હવે, નવી પેઢીની છોકરીઓ કે સ્ત્રીઓ પણ ‘સોલિટ્યૂડ’, ‘સ્પેસ’ કે ‘ઈન્ડીપેન્ડન્સ’ જેવા શબ્દો સમજતી અને વાપરતી થઈ છે. બદલાયેલી પેઢીમાં સાવ નાના, હજી માંડ દુનિયાને જોતા અને સમજતા થયેલા બાળકો, ટીનએજર્સ પણ હવે વધુ ને વધુ એકલા રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. પોતાનો રૂમ ધરાવતા કેટલાંય સંતાનોના માતા-પિતાની ફરિયાદ છે કે એમના રૂમનો દરવાજો બંધ જ રહે છે. મહેમાન આવે ત્યારે બહાર આવીને ‘હાય-હેલો’ કરીને પોતાના રૂમમાં પાછા ચાલી જતા આ સંતાનો માતા-પિતા સાથે ઓછી જ વાત કરે છે. નવાઈની વાત એ છે કે આ જ ટીનએજર્સ કે યુવાનો એમના મિત્રો સાથે કલાકો-આખી રાત વાત કરી શકે છે!

આપણે બધા વધુ ને વધુ એકલવાયા થતા જઈએ છીએ, સ્વાર્થી નહીં. બીજા માટે કરી છૂટનારા, જરૂર પડે આવીને ઊભા રહેનારા માણસો ખૂટ્યા નથી, પરંતુ હવે કોઈ કામ વગર ફોન કરતું નથી. પડોશીને ત્યાં પણ ‘ગપ્પાં મારવા’ જવાનું હવે બંધ થઈ ગયું છે. એકબીજાની સાથે મન ખોલીને કે દિલથી વાતો કરવાના સંબંધો ઘટતા જાય છે. કારણ જે હોય તે, પણ આપણે બધા ધીરે ધીરે જાતે જ બનાવેલા એકલતાના કિલ્લામાં પૂરાતા જઈએ છીએ. ઘણા લોકો માને છે કે આ બહુ ખોટું છે, માણસ એકબીજા સાથે વાત નહીં કરે તો ડિપ્રેશન આવશે. એકલતા ધીરે ધીરે આપણને માનસિક રીતે ગ્રસી જશે… વાત કરવી, ભેટવું, સાથે સમય પસાર કરવો એ દરેક માણસની પ્રકૃતિ નથી રહી. કેટલાક લોકોને ‘માણસો’ની અનિવાર્યતા નથી લાગતી. પોતાના દિલની વાત કોઈને કહેવી જ પડે, શેર કરવું જ પડે એવું એમને માટે જરૂરી નથી. એવું પણ નથી કે એમને થયેલા જીવનના અનુભવો ખરાબ છે કે માણસ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે ! બસ, એ પ્રકૃતિએ કે સ્વભાવે એવા જ છે. એમને જાત સાથે વાત કરવાનું ફાવી ગયું છે અથવા વધુ ફાવે છે.

આ એવા લોકોની વાત છે જેમણે આ પસંદ કર્યું છે, એમના સ્વભાવની કડવાશ કે જીભના ચાબખાને લીધે લોકો જેમનાથી દૂર થઈ ગયા છે એવા લોકોની વાત જુદી છે. એકલા રહેવા માગતા, કે એકાંતને માણતા લોકો ક્યારેય પોતાના એકાંત વિશે કે પોતે પસંદ કરેલી એકલા રહેવાની ઈચ્છા વિશે ઝાઝું બોલતા નથી. “મારે કોઈની જરૂર નથી, મારે તો એકલા જ રહેવું છે, કે જેવા હોઈએ એવા, આપણે એકલા સારા…”  આવાં વાક્યો વારંવાર બોલતા લોકો ખરેખર એકલા રહેવા માંગતા પણ નથી અને ટેવાયેલા પણ નથી. એ પોતાના સ્વભાવની નબળાઈને કારણે ‘એકલા પડી ગયા છે.’ એમણે આ એકલતાને પોતાનો અહંકાર ઓઢાડી દીધો છે. ખરેખર એ ઇચ્છે છે કે લોકો એમને ચાહે, એમને મળે, કોઈ એમને ફોન કરે, એમના ખબર પૂછે, એમની સાથે વાતો કરે, પરંતુ એવું એ માગી શકતા નથી… જાણે છે કે એમની આ એકલતા એમણે જાતે જ સર્જેલી છે. માફી માગવી કે સ્નેહની યાચના કરવી એમને માટે ઈગો પ્રોબ્લેમ છે. આવા લોકોની એકલતા, પીડા છે. એમની દલીલો પાંગળી છે અને એમનો અહંકાર પોલો છે.

એકલતા અને એકાંત વચ્ચેનો ફરક જે સમજે છે એને એકલા હોવાનો ગમ નથી, બલ્કે એને માટે એકાંત ઉત્સવ છે. આવા લોકોએ લગ્ન કરવા જોઈએ કે નહીં, પિતા કે માતા બનવું જોઈએ કે નહીં, એમના માતા-પિતાની એમની પાસેથી જે અપેક્ષા હોય એ સમજવી, પૂરી કરવી જોઈએ કે નહીં ! એમના મિત્રો એમને સમજે છે, કે પછી મિત્રોને પણ એમના વિશે ફરિયાદ છે. આ બધા સવાલો ડીબેટેબલ, ચર્ચા માંગે એવા છે. અગત્યનું એ છે કે જેણે એકાંત પસંદ કર્યું છે, જેને ફાવી ગયું છે એને માટે શાંતિ એટલી મોંઘી છે કે એ ‘સંબંધ’ના બાર્ટરમાં પોતાની શાંતિ જવા દઈ શકે એમ નથી.

One thought on “અકેલે હૈં તો ક્યા ગમ હૈ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *