ગલ્લાથી ગળા સુધી… દર વર્ષે 10 લાખ કતલ

પાનના ગલ્લાની બાજુમાં હું ઉબરની પ્રતિક્ષા કરું છું. સોળ વર્ષથી નાના લાગતા બે છોકરા ટુ વ્હીલર પર સ્કૂલનો યુનિફોર્મ પહેરીને આવે છે. બેમાંથી એક છોકરો સિગરેટ ખરીદે છે. પાનના ગલ્લાવાળો બીજાને પૂછે છે, ‘આજે તારે નથી જોઈતી?’ પ્રમાણમાં સહેજ સામાન્ય ઘરનો લાગતો છોકરો ઝંખવાણું હસીને ના પાડે છે, ‘આજે પૈસા નથી…’

પાનવાળો એને કહે છે, ‘કશો વાંધો નહીં… હમણાં ન હોય તો પછી આપી દેજો.’ પાનના ગલ્લે ઊભેલા જુવાન છોકરા માટે આનાથી વધુ મધુર બીજા કોઈ શબ્દો નથી. આપણા આખા દેશમાં વ્યસન આવી જ રીતે શરુ થાય છે. નાની ઉંમરના ટીનએજર છોકરા પાસે પૈસા ન હોય, પરંતુ પાનના ગલ્લાવાળા સિગરેટ, માવા, ગુટખા કે તમાકુ માટે તરત જ પૈસા લેવાનો આગ્રહ રાખતા નથી ! ધીરે ધીરે ઉધારી વધતી જાય છે અને પૈસા ન હોય તેમ છતાં જો સપ્લાય મળતો હોય તો ટીનએજર છોકરા માટે આ મોજ-મજા સરળ બનતી જાય છે. નાનકડી ઉધારી, ત્યાંથી શરુ થતું વ્યસન ધીમે ધીમે આ યુવાન કે ટીનએજર છોકરા કે છોકરીને મૃત્યુ તરફ લઈ જાય છે. ગલ્લાવાળા માટે આ સરળ છે કારણ કે આવી નાનકડી ઉધારી એને જીવનભરનો ગ્રાહક આપે છે.  સરકાર સિગરેટના બોક્સ પર કેન્સરના ફોટા છાપે છે, ગુટખાના પેકેટ ઉપર કે પાનના ગલ્લે સ્ટેટ્યુટરી-કાનૂની ચેતવણી મૂકવામાં આવે છે તેમ છતાં એ ચેતવણી અને કાયદાની ઐસીતૈસી કરીને સાવ નાનકડા શાળામાં જતા છોકરાઓને સિગરેટ, તમાકુ વેચવામાં આવે છે.

ઉધાર આપીને એમને વધુને વધુ વ્યસન તરફ આકર્ષવાનો પ્રયત્ન ચાલુ રહે છે. તમાકુ અને શરાબમાંથી સરકારને મોટી રેવન્યૂ મળે છે એટલે એનું વેચાણ બંધ કરવાનું સરળ નથી વળી, તમાકુના વેપારીઓ પોતાની રીતે કાયદાને ઉપર-નીચે કરતા રહે છે. લગભગ દર વર્ષે એવું સાંભળવા મળે છે કે તમાકુનું વેચાણ દેશમાં બંધ કરવામાં આવશે, ગુટખા અને પાન-બીડી ઉપર પ્રતિબંધ આવશે… એવું કંઈ થતું નથી. આમાં કોનો રસ છે અને કેટલો રસ છે એ આપણે બધા જ સમજી શકીએ એમ છીએ કે નહીં ?

આ દેશમાં (2018ના આંકડા મુજબ) દસ લાખ લોકો દર વર્ષે તમાકુને લીધે મૃત્યુ પામે છે. જે કુલ મૃત્યુના 9.5 ટકા છે. જાણીને નવાઈ લાગશે કે આમાંથી 26 ટકા, 30 થી 44 વર્ષના અને 25 ટકા 45 થી 59 વર્ષના છે. 15 વર્ષથી મોટા હોય એવા 50 વર્ષની ઉંમર સુધીના 42.4 ટકા લોકો તમાકુના વ્યસનથી છૂટી શકતા નથી! હવે, છેલ્લા પાંચ વર્ષમાં દસ વર્ષથી નીચેના બાળકો પણ તમાકુ અને સિગરેટના વ્યસન તરફ ખેંચાવા લાગ્યા છે. જાણીને નવાઈ લાગશે કે ટેલિવિઝન, સિનેમા અને વેબસીરિઝમાં મૂકાતી ચેતવણી કહે છે કે, ‘અમે અથવા અમારા પાત્રો શરાબ કે સિગરેટના વ્યસનની હિમાયત કરતા નથી.’   આ તમાકુ, ગુટખા, સિગરેટ વિશે મોટાભાગના લોકો બધું જાણે જ છે. આમાં કોઈ ગેરસમજને કે અણસમજને સ્થાન નથી, તેમ છતાં તમાકુનો વપરાશ ઘટવાને બદલે વધી રહ્યો છે. આપણે બધા અજાણતા જ કોઈ સ્યુસાઈડલ માનસિકતાનો શિકાર બની રહ્યા છીએ ?

શાળામાં કે મિત્રોની સાથે પિઅર પ્રેશરમાં મોટેભાગે તમાકુનું સેવન શરૂ થાય છે. દેખાદેખી કે પછી સિગરેટ પીતા મોટી ઉંમરના મિત્રો ‘છોકરી, બાયલો’ કહીને ચીડવે એટલે થોડું શરમમાં અને થોડું સાબિત કરવાની લાયમાં સિગરેટ શરૂ થાય છે. માતા-પિતાને ખબર પડે કે માણસને પોતાને આ વ્યસનની તકલીફ સમજાય એ પહેલાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તમાકુનું સેવન ટ્રક ડ્રાયવર કે સાવ મજૂરી કરતા નીચલા મધ્યમવર્ગના માણસથી શરૂ કરીને વર્ષે દોઢ-બે કરોડનો પગાર લેતા સીઈઓ સુધી લગભગ બધા જ  કરે છે.

હસવું આવે અથવા માની ન શકાય એવું સત્ય એ છે કે લગભગ બધાની દલીલ એક જ છે !  પુખ્ત ઉંમરની લગભગ દરેક વ્યક્તિ પાસે એવી દલીલ છે કે એ ટેન્શનમાં, ઉશ્કેરાટમાં, ફ્રસ્ટ્રેશનમાં કે કંટાળાને કારણે તમાકુનો ઉપયોગ ટાળી શકતા નથી ! તમાકુ-ગુટખા-પાનબીડી-સિગરેટનો ઉપયોગ કરનારાને પૂછીએ તો સમજાય કે આ સેવનથી એમને શું ફાયદો કે અનુભૂતિ થાય છે એ વાત મોટાભાગના લોકો સમજાવી શકતા નથી. એમનો જવાબ એક જ હોય છે, ‘સારું લાગે છે.’ અથવા, ‘રિલેક્સ ફિલ થાય છે.’ સવાલ એ છે કે આપણે આપણી જિંદગીના ભોગે થોડી મિનિટોની મજા જોઈએ છે ?

વેચનાર માટે કઈ ખોટું-સાચું ન હોય, માની લીધું ! એને એથિક્સ નથી… એની પાસે કોઈ નીતિમત્તાના કે મોરલ્સના ધોરણો નથી, પરંતુ આપણને આપણી જિંદગી વહાલી છે કે નહીં ? તમાકુના એ વેપારીઓ જે ગુટખા, જર્દા, ખૈની જેવી વસ્તુઓ બનાવે છે એમને એક ક્ષણ માટે પણ એવો વિચાર આવે છે ખરો કે એ આ દેશ સાથે કેટલી મોટી બેવફાઈ કરી રહ્યા છે ! તમાકુ રોકડિયો પાક છે. ખેડૂત માટે કદાચ એ પાકમાંથી મળતા પૈસા મહત્વના હોય એમ બને, પરંતુ તમાકુનો ઉપયોગ માત્ર પાનબીડી, ગુટખામાં જ થાય છે એવું નથી. કેટલીક દવાઓમાં અને કેટલીક મહત્વની પ્રોડક્ટ્સમાં પણ તમાકુ વપરાય છે. જે લોકો તમાકુને આ દેશની આવનારી નસલને બરબાદ કરવા માટે વેચી રહ્યા છે એમને કેમ કોઈ કશું કહેતું નથી એ સવાલ આ દેશના માતા-પિતાએ, પત્નીઓએ, સંતાનોએ પૂછવો જોઈએ.

છેલ્લા પાંચ વર્ષમાં થયેલો એક ન માની શકાય તેવો ફેરફાર એ છે કે હવે વધુને વધુ છોકરીઓ સિગરેટ પીવા તરફ ખેંચાય છે. આ છોકરીઓની ઉંમર 16 થી 25ની વચ્ચે છે ! બહારગામ ભણતી, મેટ્રોમાં રહીને નોકરી કરતી, પોતાની કમાઈ મેળવતી છોકરીઓને મોટેભાગે પોતાના ઘેર પૈસા મોકલવાના હોતા નથી. બહારગામ ભણતી દીકરી પૈસા શેમાં ખર્ચે છે એનો હિસાબ આજના માતા-પિતા પૂછતા નથી… અહીંથી શરૂ થાય છે એક જુદા જ પ્રકારની માનસિકતા જેમાં બેફિકરાઈ છે, બેજવાબદારી અને અજાણતાં જ જીવન સાથે રમત કરવાની એક વિચિત્ર સાહસવૃત્તિ છે. માતા-પિતાએ નોંધ્યું હોય કે નહીં, આપણને ખબર હોય કે નહીં, પરંતુ જો ધ્યાનથી વિચારીએ તો સમજાય કે આજનું આખું યુથ, યુવાનો જિંદગીને મહત્વની સમજતા નથી.

એમને માટે એમને મળેલી ‘લાઈફ’ ફક્ત મોજ-મજા અને આનંદ-ઉપાર્જન જ છે, કદાચ. એમના માતા-પિતાએ જે શ્રમથી અને સ્નેહથી એમનો ઉછેર કર્યો છે એ વિશે આ આખીયે પેઢી જાણે તદ્દન બેખબર છે. આનું કારણ સમજી શકાયું નથી અથવા જેટલાં કારણો સમજાયાં છે, એટલાં કદાચ પૂરતાં નથી… મુખ્ય કારણ છે કંટાળો. જે પેઢીને બધું જ મળી ચૂક્યું છે એને હવે કંઈ કરવાનું નથી. માતા-પિતાએ ઘર, ગાડી અને જીવી શકાય એટલી આર્થિક સુરક્ષા ઊભી કરી દીધી છે. હવે એ પેઢી પાસે સપનાં નથી, અથવા જે છે તે એના માતા-પિતા પૂરાં કરી નાખે છે, એટલે એને પોતાના સપનાં પૂરાં કરવા માટે ખાસ કશું કરવું પડતું નથી.

બધું જ તૈયાર, બધું જ હાથમાં મળે અને બધી જ ઈચ્છાઓ જ્યારે પૂરી થવા લાગે ત્યારે માણસ પાસે કોઈ મહત્વાકાંક્ષા રહેતી નથી. મહત્વાકાંક્ષા વગરની જિંદગી કે સપનાં વગરનું અસ્તિત્વ સીધો કંટાળો આપે છે. આ કંટાળામાંથી મુક્ત થવા માટે એક આખી પેઢી વ્યસન અને સેક્સ તરફ ઘસડાઈ રહી છે. એના માતા-પિતા આ સમજે છે અથવા સમજતા નથી, પરંતુ પહેલાં વ્યસન તરફ અને ત્યાંથી મૃત્યુ તરફ ધસી રહેલા એનાં સંતાનને એ બચાવવા માગે છે, પરંતુ એ અંગે કશું કરી શકે એમ નથી, કારણ કે પૈસા આપવાના બંધ કરે તો ગલ્લે ઉધારી ઉપલબ્ધ છે. સંતાનની પાછળ જાસુસી કરે તો આ પેઢી એટલી બધી બુદ્ધિશાળી અને પહોંચેલી છે કે એનાં ટેક્નોલોજીમાં પા પા પગલી કરતા માતા-પિતાને ક્યાંય પાછળ મૂકી દે એમ છે…

સત્ય એ છે કે એક આખી નવી પેઢીને બરબાદ કરી નાખે એવો વ્યવસાય ફૂલી-ફાલી રહ્યો છે, એ વિશે બધા જ જાણે છે, સમજે છે… જબરદસ્ત રેવન્યુ રળી રહેલો આ મોતનો ધંધો બંધ કરવામાં કેમ કોઈને રસ નથી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *