જો બુઝ ગયા વહી દીપ બના, હર અંત ને એક આરંભ ચુના.

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા
અધ્યાયનો આ શ્લોક કહે છે, અસત-જે પેરિશેબલ અથવા નાશવંત છે એના અસ્તિત્વનો કોઈ અર્થ
નથી. આવી પેરિશેબલ અથવા નાશવંત વસ્તુ કે વિચારનું અસ્તિત્વ હોવા છતાં ન હોવા જેવું છે
જ્યારે સત એટલે કે, જે શાશ્વત અથવા અવિનાશી છે એના અસ્તિત્વને કોઈ મિટાવી શકતું નથી.
આ વાતને બહુ સરસ રીતે સમજી શકાય, પાણીની વરાળ થાય છે, વરાળનું વાદળ અને વાદળનો
વરસાદ ફરી વાદળ લઈને જ આવે છે. વૃક્ષને કાપીને એનો ફર્નિચર કે બીજી કોઈ ચીજમાં ઉપયોગ
કરવામાં આવે છે, પરંતુ એ વસ્તુનો નાશ થયા પછી લાકડું ફરી પૃથ્વીમાં ભળીને વૃક્ષના અસ્તિત્વને
ટકાવે છે… એક જીવ બીજા જીવનો ખોરાક છે, એટલે કે મૃત્યુ પામેલો જીવ, અન્ય કોઈ જીવના
અસ્તિત્વનો કારણ છે!

વિશ્વની દરેક નાશવંત ચીજ જન્મે ત્યારે જ એનો અંત નિશ્ચિત થઈ જાય છે. જેવી રીતે
વર્ષનો અંત… એ નવા વર્ષનો આરંભ છે. આવતીકાલે કોઈકને માટે નવું વર્ષ શરૂ થાય છે અને આજે
કોઈને માટે એક વર્ષ વીતી ગયું છે. આ પરિસ્થિતિને બંને તરફથી જોઈ શકાય છે, પરસ્પેક્ટિવ,
પરિમાણનો ફેર છે.

આપણે જ્યારે જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે કોઈક પોતાના જીવનમાં એક વર્ષ ઉમેરે છે
અને કોઈક વધેલાં વર્ષોમાંથી એક ઘટી ગયાનો અફસોસ કરે છે! આપણને ગમે કે નહીં, પરંતુ જે જાય
છે તેને રોકી શકાતું નથી. જગતની કોઈ ચીજ-જે માણસે બનાવી હોય એ શાશ્વત ન જ હોઈ શકે!
સંપત્તિ, સંબંધ કે શરીર, પોતપોતાની એક્સ્પાઈરી ડેટ લઈને જ આવે છે. એ એક્સ્પાઈરી ડેટ આપણે
વાંચી નથી શકતા માટે ભૂલમાં કે ગફલતમાં, ભ્રમમાં કે જાતને છેતરવાના અહંકારમાં આપણે દરેક
બાબતને શાશ્વત બનાવવાનો પ્રયાસ કે પ્રયોગ કરતા રહીએ છીએ. આપણે પણ ‘સત્ય’ જાણીએ જ
છીએ. અન્યને કહેવા માટે આપણી પાસે એક ફિલસૂફી છે જેમાં, ‘કશુંય ટકતું નથી’ની વાતો કરવી
આપણને ગમે છે, પરંતુ ભીતરથી આપણે ‘જે છે તે’ ટકાવવા મરણિયાં પ્રયાસો કરીએ છીએ.
કેલેન્ડર બદલાય અને આંકડા ફરી જાય, હમણા સુધી 2025 લખતા હતા. ત્રણ દિવસ પછી
2026 લખીશું. એક જ રાતમાં આખું વિશ્વ એક વર્ષ આગળ નીકળી જશે! જેમ તારીખોના આંકડા
બદલાતાં જાય, મહિના અને વર્ષો બદલાતા જાય તેમ તેમ આપણને મળેલો સમય ઘટતો જાય છે.
નદીના જળમાં ડૂબકી મારીને બહાર નીકળીએ અને ફરી વખત ડૂબકી મારીએ ત્યારે, જો જળ પણ
એનું એ નથી રહેતું તો સમય અને સ્થિતિ એના એ કેવી રીતે રહી શકે?

જે લોકો ભાગ્ય કે નસીબમાં માને છે એ લોકો આને ‘વિધાતાના લેખ’ કહી શકે. બીજા માટે
આ યુનિવર્સ કે કોસ્મોસ એક વિશાળ ડિઝાઈન છે, જે આપણે નથી બનાવી કે આપણે એને બદલી
શકતા નથી. ભારતીય દર્શન શાસ્ત્ર કહે છે કે, દરેક અંત એક નવો આરંભ છે. વિચારીએ તો સમજાય
કે, માણસ જીવ્યા જ કરે, સૂરજ ડૂબે જ નહીં, પાંદડા ખરે જ નહીં અને કશું પૂરું જ ન થાય તો બધું
ધીમે ધીમે જૂનું થતું જશે. બોરિંગ અને કંટાળાજનક. જીવનનું એક્સાઈટમેન્ટ બદલાવ, ચેન્જ અને
અંત સાથે જોડાયેલો આરંભ આપણને સતત જીવંત રાખે છે. નવાં નવાં આશ્ચર્યો જીવનને રસપ્રદ
બનાવે છે. આપણે જન્મની સાથે અસંખ્ય વિચારો અને આપણા અસ્તિત્વને સાથે જોડાયેલી
વસ્તુઓ લઈને આવ્યા છીએ. આપણા વાળનો રંગ, ચામડી, આંખો, શરીરબંધારણ, મગજ,
બ્લડગ્રૂપ, સુખદુઃખ, સંબંધો અને રોગ બધું જ લઈને આવ્યા છીએ. આપણા આરંભ સાથે જ
આપણો અંત લખાઈ ચૂકેલો છે.

કાર્ડિયોગ્રામ જોઈએ ત્યારે ઊંચીનીચી થતી રેખા આપણે જીવંત હોવાનો અહેસાસ કરાવે છે.
હૃદય ધબકતું હોય એનો પૂરાવો ઊંચીનીચી થતી રેખાઓ છે… જે ક્ષણે એ રેખાઓ સીધી સમાંતર
થઈ જાય એ ક્ષણે હૃદય ધબકતું બંધ થઈ જાય છે. સમય પણ આવી જ રીતે ઊંચીનીચી થતી રેખાઓ
અને બદલાતાં દ્રશ્યો-પરિમાણો સાથે જીવંત રહી શકે છે. કશુંય અટકાવી શકાતું નથી, એ સમજણ જે
દિવસે કેળવી શકાય એ દિવસથી આપણે પણ સમય સાથે વહેતાં શીખી જઈએ છીએ. વાસાંસિ
જીર્ણાની યથા વિહાય… જેમ વસ્ત્ર જૂનું થાય એમ મન, મગજ અને માણસ પણ જૂના થાય છે.
વિશ્વને સતત નૂતન-નવાની પ્રતીક્ષા છે. વર્ષ હોય કે વ્યક્તિ, બદલાય તો જ આગળ વધી શકે એ વાત
આપણે સૌએ સ્વીકારવી જ પડે. બાળક નાનું રહી શકતું નથી. કળીમાંથી ફૂલ બન્યા વગર રહેતું નથી.
ઉગેલો સૂરજ આથમે છે અને આથમેલો સૂરજ અચૂક ઉગે છે… કેટલાક લોકો પોતાની નિષ્ફળતા
અથવા અભાવની ફરિયાદ કરતાં કરતાં ભૂલી જાય છે કે જીવનમાં કોઈ સમય ટકતો નથી. કોઈ કલાક

60 મિનિટથી લાંબો હોતો નથી! આ જ વિષય પર કેટલાક રસપ્રદ શે’ર…
1) ખામોશી કે બાદ હી સદા પૈદા હુઈ,
હર ખત્મીને નઈ ઈબ્તિદા પૈદા હુઈ.
2) જો ટુટ કર ભી ખુદ કો સંભાલ ગયા,
વહી હર અંજાર સે આગે નિકલ ગયા.
3) અંજામ મેં હી છુપી થી ઈબ્તિદા કહીં,
જો રુક ગયા સમઝો, વહી કુછ સમઝા નહીં.
4) હર જવાલ ને કોઈ ઉરૂજ દિયા હૈ,
વક્ત ને ગિરા કર હી તો ઉડના સિખાયા હૈ.5) જિસ મોડ કો હમને ખત્મ સમઝા ઉમ્ર ભર,
ઉસી ને ખોલ દી જિંદગી કી નઈ ડગર.
6) ખત્મ હોના ભી એક હુનર સીખાતા હૈ,
યહી સબ્ર ઇંસાન કો આગે બઢાતા હૈ.
ફ્રાંસ અને સ્કોટલેન્ડની રાણી ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યા. એનો શિરચ્છેદ કરવામાં
આવ્યો એ પહેલાં મેરી સ્ટુઅર્ટે પોતાના સિંહાસન ઉપર ફ્રેંચ ભાષામાં એક સૂત્ર અંકિત કરાવ્યું હતું,
‘મારા અંતમાં જ મારો આરંભ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *