તેરા અપના ખૂન હી આખિર, તુજ કો આગ લગાયેગા…

1967માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉપકાર’નું એક ગીત, ‘કસ્મે વાદે પ્યાર વફા સબ બાતે હૈ,
બાતોં કા ક્યા…’ ઈન્દિવર સાહેબનું લખેલું ગીત એના સમયમાં ખૂબ લોકપ્રિય થયેલું. આજે પણ આ
ગીત એટલું જ પ્રસ્તુત અને સત્ય લાગે છે. શ્યામલાલ બાબુ રાય, ઈન્દિવર સાહેબનું મૂળ નામ…
1946માં એમણે કારકિર્દી શરૂ કરી, પરંતુ લોકપ્રિયતા 1941માં મળી. ફિલ્મમાં જ્યારે આ ગીત સ્ક્રીન
પર આવતું ત્યારે લોકો તાળીઓ પાડતા. ગીતકારને આવા પ્રકારની લોકપ્રિયતા મળે એ જવલ્લે જ
બનતી ઘટના છે!
આ ગીત જીવનના પ્રતિબિંબનું ગીત છે. આ ગીતના શબ્દો એવા છે જેને આપણે જાણીએ
છીએ, પરંતુ સ્વીકારવા માટે મન તૈયાર નથી થતું. લાગણીઓના સંબંધોને સાધુસંતો ‘મોહમાયા’
કહીને આપણને સ્થિતપ્રજ્ઞ રહેવાની સલાહ આપે છે, પરંતુ ‘માણસ’ તરીકે આપણી ઓળખ જ
સંબંધો છે, આપણું અસ્તિત્વ અને આપણા જીવનની દોરી આપણા સંબંધોની આસપાસ જ લપેટાય
છે. લાગણીઓથી ગમે તેટલા દૂર રહેવાનો પ્રયત્ન કરીએ, પરંતુ માણસ છીએ! આપણને માત્ર મગજ
નહીં, એક મન અને હૃદય પણ આપ્યું છે… આ હૃદય આમ તો શરીરનો એક અવયવ છે. લોહી સાફ
કરવાનું કામ કરે છે-એવું તબીબી વિજ્ઞાન કહે છે, તો પછી એ હૃદયને લાગણીઓ સાથે કેમ જોડ્યું
હશે? એનું કારણ કદાચ એ છે કે, શરીરના બીજા કોઈપણ અવયવ કામ કરવાનું બંધ કરે તો પણ
માણસ જીવતો રહી શકે છે, પરંતુ હૃદય કામ કરવાનું બંધ કરે એનો અર્થ જ એ છે કે, આ નશ્વર
શરીરનો અંત આવ્યો. આપણા અસ્તિત્વનું-જીવનનું જે કારણ છે, એ હૃદય છે અને માટે જ આપણા
અસ્તિત્વની સૌથી મોંઘી મૂડી ‘લાગણી’ સાથે હૃદયને જોડવામાં આવ્યું હશે! બરકત વિરાણીની એક
પંક્તિ,
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
વ્યક્તિની ઈમોશનલ મજબૂરીની કદાચ આ સૌથી મોટી અભિવ્યક્તિ છે! આપણે ઘણીવાર
જાણતા હોઈએ છીએ કે, સામેની વ્યક્તિ આપણને બેવકુફ બનાવે છે, છેતરે છે, આપણી લાગણીઓ
સાથે રમત કરે છે તેમ છતાં એ વ્યક્તિ એટલી નીકટ હોય છે કે આપણે એને સહન કરવા કે સ્વીકારવા
સિવાય બીજું કંઈ કરી શકતા નથી. ખાસ કરીને, સંતાનની બાબતમાં આવું બહુ થાય છે. આજના
સમયમાં માતા-પિતા સતત એવી ફરિયાદ કરે છે કે, એમણે એમના સંતાનો માટે જાત ઘસી નાખી,
પરંતુ એમના સંતાનોને એમનું મૂલ્ય નથી. આપણે એવી પેઢીના માતા-પિતાની વાત કરીએ છીએ
જેમણે 18-19 વર્ષની વયે વ્યવસાય કે નોકરી શરૂ કર્યા. મહેનત કરી, પરિવાર અને સંતાનો માટે એક
સુરક્ષિત અને સંપન્ન જિંદગીનું નિર્માણ કર્યું. આજે એ લોકો 60 કે 70ની વયે પહોંચ્યા છે ત્યારે
એમના સંતાનોની જીવનશૈલી અને વ્યવહાર માતા-પિતાને અનુકૂળ નથી. મોટાભાગના સંતાનો એવું
સમજવા જ તૈયાર નથી કે, એમના માતા-પિતાની મહેનત અને કરકસરભરી જિંદગીને કારણે એમને
આ જીવન અને સગવડ મળ્યાં છે. આજની યુવા પેઢી પોતાના માતા-પિતાને જુનવાણી, રૂઢિચુસ્ત
અને ક્યારેક કંજુસ પણ માને છે. એમને લાગે છે કે, પૈસા છે તો વાપરવા જોઈએ, પરંતુ જે માતા-
પિતાએ સંઘર્ષ અને મુશ્કેલીના દિવસો જોયાં છે એમાંના મોટાભાગના એમ ‘ફટાફટ’ પૈસા વાપરી
શકતા નથી, બલ્કે એમના સંતાનો જે રીતે પૈસા વાપરે છે એ જોઈને એમને ચિંતા અને ઉદ્વેગ થાય
છે. મોંઘા ફોન, વૈભવી જીવનશૈલી, કેફે અને મિત્રો પાછળ થતા બેફામ ખર્ચા જેટલું આ સંતાનો
કમાતા નથી, પરંતુ માતા-પિતા એમને ‘ના’ પાડી શકતા નથી. માતા-પિતા પોતે ફોરેનના વેકેશન ન
કરે, પરંતુ સંતાનો બેચલર પાર્ટી માટે બહારગામ-ક્યારેક વિદેશ જાય, એનો ખર્ચ તો માતા-પિતા જ
ઉઠાવે છે! દુઃખની વાત એ છે કે, એક અથવા બે સંતાનોના આ નાનકડા પરિવારમાં માતા-પિતાને
સતત એવો ભય રહે છે કે, એમના સંતાનોની નજરમાં એમનો પ્રેમ ઓછો દેખાશે-તો સંતાનો
એમનાથી નારાજ થઈ જશે! આ કયા પ્રકારનો ભય છે? માતા-પિતા સંતાનોથી ડરે છે… ‘એ કંઈ કરી
લેશે’ કે પછી ‘એ ઘર છોડી દેશે’ એવા ભય હેઠળ માતા-પિતા પોતાના સંતાનોની ગેરવ્યાજબી
માગણીઓને પણ સ્વીકારે છે. સંતાનો વધુને વધુ બગડતા જાય છે-ને માતા-પિતા વધુને વધુ ઉદ્વેગ
સાથે પણ એમને રોકી શકતા નથી! આજના સમાજનું આ સત્ય છે… જે, કોઈ સ્વીકારવા તૈયાર
નથી. પોતાના સંતાનો કહ્યાગરા, ડાહ્યા અને સમજદાર હોવાનો દંભ કરતાં કરતાં ગઈ પેઢીના માતા-
પિતા થાકી ગયા છે તેમ છતાં, આ દંભ છોડી શકાતો નથી.
છેલ્લા થોડા સમયથી જે રીતે ડ્રગ્સ અને ગાંજાનું વ્યસન વધ્યું છે એ જોતાં યુવા પેઢી બરબાદ
થઈ રહી છે… માતા-પિતાના સ્વપ્નો આવાં છોકરાંઓ રોળી નાખે છે. માતા-પિતાની સેવા કરવાની
ઉંમરે સંતાનોને રિહેબમાં મૂકવા પડે એ આજના માતા-પિતાની કમનસીબી છે. 30-35 કે 40ની
ઉંમરે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશરની બીમારી પોતાના સંતાનને થાય એ જાણીને માતા-પિતાને
કેટલું દુઃખ થતું હશે, એ વિચાર આજના સંતાનને કેમ નહીં આવતો હોય? પ્રેમ ભંગ થાય કે બ્રેકઅપ
થાય ત્યારે આલ્કોહોલિક થઈ જતા, આપઘાત કરતા સંતાનને 6-12 મહિનાના પ્રેમ સંબંધની સાથે
24-25 વર્ષની માતા-પિતાની તપસ્યા કેમ નહીં દેખાતી હોય? ‘કબીરસિંઘ’ અને ‘એનિમલ’ જેવી
ફિલ્મો બનાવીને નવી પેઢીને ડ્રગ્સ, આલ્કોહોલ અને બેફામ વર્તન ‘કૂલ’ છે, ‘ટ્રેન્ડ’ છે, ‘ડૂડ’ હોવા
માટેના લક્ષણ છે… એવું શીખવતી આ ફિલ્મો નવી પેઢીનું સત્યાનાશ કરી રહી છે અને આવી ફિલ્મો
જોઈને આવી માનસિકતા કેળવતા સંતાનો માને છે કે, એમના મિત્રો જ એમનો સાચો સપોર્ટ છે,
માતા-પિતા એમના દુશ્મન છે! આનાથી વધુ કમનસીબ અને દુઃખદ માનસિકતા બીજી કંઈ હોઈ શકે?
એની સામે માતા-પિતા આ બધું સહન કરીને પણ સંતાનને સાથે રાખવા, સાચવવા મરણિયા પ્રયાસો
કરે છે…
શું આજના કેટલાંક યુવાનો કૃતઘ્ન થઈ ગયા છે? એમને માતા-પિતાના પ્રેમની, બલિદાનની
કોઈ કિંમત નથી-બલ્કે એમને એવું લાગે છે કે, માતા-પિતાએ જે કંઈ કર્યું એ એમની ફરજ હતી, એમાં
વળી શું નવાઈ કરી?
આજના માતા-પિતાએ કદાચ થોડા સ્થિતપ્રજ્ઞ થવાની જરૂર છે. રિયાલિટીનો સામનો કરીને,
ક્યાંક પોતાના હૃદય પર પત્થર મૂકીને, સંતાનના બ્લેકમેલ સામે નહીં ઝૂકીને, પોતાના સંતાનથી ડર્યા
વગર-એમના શોખ અને જીદ પૂરા કરવા હોય તો જાતે કમાઈને પૂરા કરવા જોઈએ એવું કહી દેવું
જોઈએ! એ જે માગે તે રજૂ કરવાને બદલે ક્યાંક ‘ના’ પાડતા શીખવું જોઈએ અને છેલ્લે, પોતાની
લાગણીઓ પર કાબૂ રાખીને ગેરવર્તન કરતા સંતાનને પાઠ ભણાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *