સંતાન યોગઃ આજના સમયમાં અભિશાપ કે આશીર્વાદ?

26 વર્ષના એક દીકરાએ પિતાને કહ્યું, ‘મેં કહ્યું હતું, જન્મ આપો? હવે જન્મ આપ્યો છે તો મારા
બધા શોખ પૂરા કરવા જ પડશે…’ પિતા દુઃખી, પીડિત અને અપમાનિત અનુભવ કરે છે, પરંતુ કશું કરી
શકતા નથી. નહી કમાતા દીકરાને ઘરમાંથી નીકળી જવાનું કહે ત્યારે દીકરો જવાબ આપે છે, ‘મને તો
ફાવે છે. તમને મારી સાથે ના ફાવતું હોય તો તમે જતા રહો…’ અહીં સવાલ એ છે કે, આવા પિતાએ શું
કરવું જોઈએ? સંતાન ગમે એટલું વહાલું હોય. એ જ્યારે પોતાની મર્યાદા-લિમિટ ક્રોસ કરે ત્યારે પ્રેમ અને
માતૃત્વ/પિતૃત્વમાં વિવશ થઈને આ બધું સહન કરવું કે, એને પાઠ ભણાવવો? સાચું પૂછો તો આ એક
નહીં, અનેક વાચકોની સમસ્યા છે. વારંવાર મળતા પત્રોમાં યુવા સંતાનના ગેરવર્તનની ફરિયાદ વાંચવા
મળે છે ત્યારે એવો વિચાર ચોક્કસ આવે કે, આજે આધેડ વયે પહોંચેલા કે વૃધ્ધ થયેલા માતા-પિતાએ
ઉછેરમાં કોઈ ભૂલ કરી હશે, કે પછી હવે સમય જ એવો આવી ગયો છે કે, સંસ્કારને બદલે સ્વાર્થ જ
વ્યક્તિની બુધ્ધિ ઉપર રાજ કરે છે!
બદલાતા સમય સાથે ભારતીય માતા-પિતાના અસંતોષ અને પીડાની લાગણી વધતી જાય છે.
નવી પેઢીના કેટલાય સંતાનો માતા-પિતા તરફથી મળતી સગવડ કે સુખને માટે એમનો આભાર માનવાને
બદલે એને પોતાનો અધિકાર સમજે છે. બેદરકારી, બેજવાબદારી, અંગત સુખોમાં અટવાયેલા આ
પેઢીના કેટલાક યુવા એમના માતા-પિતાનો સંઘર્ષ, તકલીફ કે એમની અપેક્ષાઓ સમજવા તૈયાર જ નથી.
સાવ સાદી જવાબદારીઓ, જેવી કે બિલ ભરી દેવા-પોતાના વાસણ ચોકડીમાં મૂકી દેવા, પથારી ઉપાડી
લેવી, કબાટ ગોઠવી દેવું કે રૂમ ચોખ્ખો રાખવો, મહેમાન આવે ત્યારે ઘરમાં કંઈ લાવવાનું હોય તો માતા-
પિતાને ધક્કો ન પડે એમ બજારના બે આંટા મારવા જેવા સાદા કામો પણ કરવામાં આ પેઢીના કેટલાક
યુવાનોને આળસ આવે છે. આજનું કામ કાલે કરવાની એમની વૃત્તિ એમની જૂની પેઢીના માતા-પિતાને
અનુકૂળ નથી. જૂની પેઢીએ સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે, પરિવાર માટે પૈસા કમાઈને સંપત્તિ અને
સુરક્ષા ઉભી કરી છે. એ માતા-પિતાની એટલી તો અપેક્ષા છે જ કે, એમના સંતાનો એમના આ સંઘર્ષને
સમજે, એનો આદર કરે, પરંતુ એવું થઈ શકતું નથી ત્યારે જૂની પેઢીના એ માતા-પિતા ઉશ્કેરાઈ જાય છે.
ગમે તેટલી ધીરજ અને શાંતિ રાખવા છતાં ક્યારેક તો સંઘર્ષ થઈ જ જાય-એ સ્થિતિ સુધી માતા-પિતાને
ધકેલીને અંતે એમને કડવા શબ્દો કહેવા મજબૂર કરવામાં આવે એ પછી એવો આક્ષેપ કરવામાં આવે છે
કે, ‘માતા-પિતા શાંતિથી વાત કરી જ શકતા નથી’ પરંતુ, એક જ વાત અનેકવાર કહ્યા પછી પણ જાણે
પરિસ્થિતિ એની એ રહે ત્યારે વૃધ્ધ થઈ રહેલાં માતા-પિતા થાકી જાય, કંટાળી જાય એ સ્વાભાવિક નથી?
આખી પેઢી જ અણસમજુ છે, બેજવાબદાર છે એવું કહેવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ આ એ જ
માતા-પિતા છે જેમણે બાળકોને એટલી આર્થિક સુરક્ષા આપી છે, એટલા લાડ કર્યા છે કે, હવે આ યુવા
પેઢીને કોઈ અભાવ કે અસુરક્ષાનો અનુભવ થતો જ નથી! એમણે હવે જીવનમાં કદાચ કશું મેળવવાનું જ
નથી એવું એમણે ધારી લીધું છે. જ્યારે કોઈ એમ્બિશન-મહત્વકાંક્ષા નથી રહેતી ત્યારે માણસને કશું
કરવાનું મન જ નથી થતું… સોશિયલ મીડિયાએ એક વિચિત્ર માનસિકતા ઉભી કરી છે, જેમાં અંબાણીના
લગ્ન, સલમાન ખાનની દબંગગીરી, રણવીરસિંહની વિચિત્રતાઓની સાથે સાથે કબીર, એનિમલ અને
પુષ્પા જેવી ફિલ્મોએ આપેલી વ્યક્તિની કોઈ એવી વ્યાખ્યા છે જે સત્યથી વેગળી અને મૂર્ખતાની સીમા
પાર કરી ચૂકી છે. બુધ્ધિ અને આવડત, ઈન્ટેલિજન્ટ્સની કક્ષા એમના મા-બાપ કરતાં ઘણી ઉંચી છે-
ટેકનોલોજી પણ આ પેઢી પાસે અદભૂત છે… પરંતુ, એમને તરત જ સફળતા જોઈએ છે. શોર્ટકટમાં પૈસા
જોઈએ છે, અને એમના મહેનતુ, કરકસરથી જીવતા, નાની નાની વાતમાં પર્ટિક્યુલર રહેવાનો પ્રયત્ન
કરતા કે સમાજથી ડરતા-કુટુંબ સાથે સંબંધ રાખવાનો પ્રયત્ન કરતા એમના માતા-પિતા એમને બેવકૂફ
અને જૂનવાણી લાગે છે!
સમસ્યા માત્ર નવી પેઢીની છે એમ તો ન જ કહી શકાય… આ એ જ માતા-પિતા છે જેમણે
એમના સંતાનોને સત્ય જણાવ્યું જ નથી! પોતાને જે નથી મળ્યું એ બધું જ સંતાનોને આપવાના મોહમાં
આ માતા-પિતાએ પોતે જ એમના સંતાનોને મહત્વકાંક્ષા વગરના કરી નાખ્યા છે. બધું જ મળી જાય
પછી કોઈ વસ્તુ, વ્યક્તિ કે વિચારનું મૂલ્ય રહેતું નથી એ વાત સમજ્યા વગર આજના માતા-પિતાએ
એમના સંતાનોને મૂલ્યવિહોણા પણ કરી નાખ્યા છે. પહેલી જ વખત તોછડાઈ કરી કે ખોટું કર્યું ત્યારે
સજા કરવાને બદલે ઉદાર, મોર્ડન, નવી પેઢીના માતા-પિતા અને ‘મિત્ર’ બનવાની કોઈ ખોટી ધારણાઓ
સાથે આ માતા-પિતાએ સંતાનોને ઈક્વલ-બરોબરીનો દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો. પૂરી સમજ
આવ્યા પહેલાં જ્યારે બરોબરીનો દરજ્જો આપી દેવામાં આવે ત્યારે એ બરોબરીનો આદર કરવાને બદલે
અભિમાન અને તુમાખી આવી જાય એ અસ્વાભાવિક નથી. આવાં માતા-પિતા આજે પસ્તાય છે,
એમના સંતાનોની વર્તણુકની ફરિયાદ કરે છે, પરંતુ સંતાનોનો ઉછેર કરવામાં રહી ગયેલી ભૂલ કે ક્ષતિ માટે
પોતાની જાતને જવાબદાર ઠેરવવાને બદલે જમાનાને, સમયને, સંતાનોના મિત્રોને અને નવી પેઢીને
જવાબદાર ઠેરવીને આવાં માતા-પિતા હાથ ખંખેરી નાખે છે. દુઃખ, સમસ્યા, અપમાન કે સંતાનોની
બેજવાબદારીને હજી પણ સુધારી શકાય છે એવો વિચાર કે પ્રયાસ કરવાને બદલે હજી એ સંતાનના
મોહમાં કે એના પ્રેમની નબળાઈમાં પરિસ્થિતિને સહન કર્યા કરે છે!
આ પરિસ્થિતિને કંઈ રીતે બદલી શકાય? આવો સવાલ પૂછનારા માતા-પિતા માટે જવાબ એ છે
કે, એમને મન ફાવે તેટલી રકમ આપવાનું બંધ કરો-અથવા, હવે એ રકમ અને એમની બેજવાબદારી વિશે
ફરિયાદ કરવાનું બંધ કરો. બીજું, એમના આવવા-જવાના સમય પર નિયંત્રણ શરૂ કરો અથવા તમારા
રૂટિનને ફોલો કરો અને એમને જે કરવું હોય તે કરવા દો. અહીં કદાચ એવી દલીલ થાય કે, ઘરમાં રહેતી
વ્યક્તિને એવી છુટ કેવી રીતે આપી શકાય? તો એનો જવાબ એ છે કે, એમને ઘરમાંથી જવાનું કહો. માત્ર
ધમકી તરીકે નહીં, કડક પગલાં લઈને એમને પીજીમાં, મિત્ર સાથે કે એકલા રહેવાની ફરજ પાડો… એમને
ઘર, સગવડ, માતા-પિતાના પ્રેમ અને પ્રિવિલેજીસનું મૂલ્ય થયા વગર નહીં રહે. મોટાભાગના માતા-પિતા
પોતાના સંતાનથી ડરે છે. ‘એ કંઈ કરી લેશે તો…’ આ ભય સાથે માતા-પિતા સંતાન જે કહે તે કરવા
તૈયાર થાય છે, જે બોલે તે સાંભળી લે છે… માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ નહીં જ
બદલાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *