ન કાલો દણ્ડમુદ્યમ્ય શિરઃ કૃન્તતિ કસ્યચિત્ । કાલસ્ય બલમેતાવદ્ વિપરીતાર્થદર્શનમ્ ।।

14મી જાન્યુઆરી, આપણે એ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. સૂર્ય એ દિવસથી
ઉત્તર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરે છે. લોકો પતંગ ચગાવે, તલ અને ગોળ ખાય, દાન-પુણ્ય કરે, પરંતુ એ
દિવસ પિતામહ ભીષ્મએ પોતાના દેહત્યાગના દિવસ તરીકે નક્કી કર્યો, એ વિશે ઘણા લોકોને જાણ નથી.
આપણું કેલેન્ડર-દિવાળીથી દિવાળીનું કેલેન્ડર ચંદ્ર આધારિત અથવા લ્યુનર કેલેન્ડર છે. એક પૂનમથી
બીજી પૂનમ 29.5 દિવસ થાય છે. 354 દિવસમાં 12 પૂર્ણિમા અને સૂર્ય 365.25 દિવસે ફરી પાછો એ
જ જગ્યાએ આવે એટલે 11.25 દિવસ-સોલાર અને લ્યુનર કેલેન્ડર વચ્ચે ફેર પડે. આ એકબીજા સાથે
સિંકમાં રહે એ માટે અધિક માસ ઉમેરવામાં આવે છે તો અંગ્રેજી-સોલાર કેલેન્ડરમાં દર ચાર વર્ષે 0.25
દિવસને સેટલ કરવા માટે ફેબ્રુઆરીના 29 દિવસ ગણવામાં આવે છે. આપણું ઋતુચક્ર સૂર્યનું કેલેન્ડર
ફોલો કરે છે જ્યારે મુહૂર્ત કાઢવા માટે ચંદ્રનો આધાર લેવામાં આવે છે. 27 નક્ષત્ર અને 12 રાશિ સાથે
ચંદ્રનો પ્રવાસ ચાલ્યા કરે છે.
માગશર મહિનાની શુક્લ પક્ષની અગિયારસ, ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે એટલે એ
દિવસે ‘ભગવદ્ ગીતા’ કહેવાઈ એવું માની લઈએ તો આ વખતે 1લી ડિસેમ્બરે ગીતા જયંતી ઉજવવામાં
આવી, ત્યાંથી 14 જાન્યુઆરી એટલે એક મહિનો ને 14 દિવસ… આઠમા દિવસે ઈરાવાન (અર્જુન અને
ઉલુપીનો પુત્ર)ના મૃત્યુ પછી ભીમે 9 કૌરવ પુત્રનો વધ કર્યો. નવમો દિવસ શરૂ થતા જ અભિમન્યુ અને
દ્રૌપદીના પાંચ પુત્રોએ રાક્ષસ અલંબુશની સાથે ઘોર યુધ્ધ કર્યું. એ જ દિવસે વારંવાર સામે આવતા
ભીષ્મની સામે અર્જુન લડી શક્યો નહીં ત્યારે કૃષ્ણએ રથનું પૈડું ઉપાડ્યું, ‘રથાંગપાણિ’ થયા અને દસમા
દિવસે શિખંડીની સામે ભીષ્મએ હથિયાર છોડીને દેહત્યાગ કરવાનો નિર્ણય કર્યો. અર્જુને બાણશૈયાનું
સર્જન કર્યું અને ભીષ્મની ખબર જોવા ગયેલા કૃષ્ણની સ્તુતિ માટે ભીષ્મએ ‘વિષ્ણુસહસ્ત્રનામ’નું
ઉચ્ચારણ કર્યું. બાણશૈયા પર સૂતેલા ભીષ્મએ યુધિષ્ઠિરને જીવન અને રાજનીતિનું જ્ઞાન આપતી વખતે
કહ્યું, ધર્મનું પાલન કરજે, ક્રોધનો ત્યાગ કરજે, બ્રહ્મચર્યનું પાલન કરજે, અહિંસા અને સત્યનું પાલન
કરજે, સતત શીખતો રહેજે, પુત્રનું સમ્માન કરજે, દાન, સત્સંગ અને ભક્તિ કરજે, અજ્ઞાનનો ત્યાગ
કરજે. આ 12 ઉપદેશોમાં એક સમગ્ર સુખી, સન્માનનીય અને સ્વસ્થ જીવનનું રહસ્ય છે.
આપણે મૃતદેહનું માથું ઉત્તર તરફ રાખીએ છીએ એટલે સૂર્ય જ્યારે ઉત્તર તરફનો પ્રવાસ શરૂ કરે
ત્યારે આપણા શરીરમાં આવેલી ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝની દિશા આપણા બ્રહ્મરંધ્રમાંથી પસાર થઈને
પંચમહાભૂતમાં વિલીન થાય છે. માનવામાં આવે છે કે, આ ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ જ્યારે પંચમહાભૂતમાં
ભળે છે ત્યારે આત્માની મુક્તિ થાય છે. ભીષ્મ ગંગાપુત્ર હતા. આપણે સૌ ગંગામાં પોતાના પાપ ધોઈએ
છીએ-અને વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયું છે કે, ગંગાના જળમાં બેક્ટેરિયોફેજ નામનો વાયરસ છે, જે રોગ
ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાનો નાશ કરે છે. ગંગાના પાણીમાં ઓક્સિજન શોષવાની અસાધારણ ક્ષમતા
અને ઔષધીય તત્વો છે, જે પાણીને બગડવા દેતા નથી. આવા ગંગાપુત્રને કદાચ ‘ઈલેક્ટ્રોમેગ્નેટિક
વેવ્ઝ’ની જાણ હશે એમ માની શકાય.
પિતા ઈચ્છિત સ્ત્રી સાથે લગ્ન કરી શકે એ માટે જેણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી, પરંતુ એ જ વ્યક્તિ
કર્ણને પરીક્ષામાં ભાગ લેવા ના દે, કૌરવોને ખોટું કરતા અટકાવી ન શકે, ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ કે દુર્યોધનની
દ્યુતસભાને રોકી ન શકે એમના પરસ્પર વિરોધી વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યાંક ભીષ્મ
ખૂબ મહાન લાગે છે તો ક્યાંક એ હસ્તિનાપુરના સિંહાસનના રક્ષક બનતાં બનતાં પોતાની વિવેકબુધ્ધિ
ખોઈ બેઠા હોય એવી લાગણી થાય છે.
ઘરના વડીલો જ્યારે સત્ય કહેતાં અચકાય અને પોતાના પછીની પેઢીને સાચી દિશા બતાવવાને
બદલે પ્રેમ, મોહ કે લાગણીને કારણે એમની ખોટી વાતમાં પણ મૌન રહે ત્યારે પરિવાર વિખરાઈ જાય છે.
અંતે, જે નવી પેઢીને ખુશ રાખવા માટે વડીલો ચૂપ રહ્યા કે એમની તમામ ઈચ્છાઓ પૂરી કરી એ નવી
પેઢી બરબાદ થઈ જતી જોવા મળે છે. મહાભારતમાં ભીષ્મનું પાત્ર આપણને શીખવે છે કે, ગંગાના પુત્ર
હોવા છતાં, યુવાવયે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી શકવાનું મનોબળ હોવા છતાં ઘરના વડીલ તરીકે જો સાચો
અને યોગ્ય નિર્ણય લઈને, પછીની પેઢીઓને જરૂર પડે શિક્ષા ન કરી શકે તો સમગ્ર પરિવારનો નાશ થાય
છે.
મહાભારતના યુધ્ધના પ્રારંભે ભીષ્મ કહે છે, ‘અર્થસ્યદાસો અહં.’ આ વાક્યનો અર્થ, અર્થનો
એટલે કે પૈસાનો, સગવડનો, સિંહાસનનો દાસ? ના, પોતે જે બોલ્યા-એ શબ્દ-એ શબ્દના અર્થ સાથે
સંકળાયેલી પોતાની જવાબદારીનો દાસ! હસ્તિનાપુરના સિંહાસનના રક્ષક તરીકેની જવાબદારી સ્વીકાર્યા
પછી સિંહાસન પર બેઠેલી વ્યક્તિના નિર્ણયને સ્વીકારવો એ કદાચ, ‘અર્થસ્ય દાસ’ની મજબૂરી હશે?
આપણે બધા જ ક્યાંકને ક્યાંક પોતે જ બોલેલા શબ્દોના ગુલામ બની જઈએ છીએ. એક તરફ ભીષ્મ છે,
જે પોતાની પ્રતિજ્ઞાને પત્થર પર લખેલા શબ્દોની જેમ જડતાથી વળગી રહે છે ને બીજી તરફ કૃષ્ણ છે
જેમણે ‘ન્યાસ્તિ શસ્ત્ર’ અને ‘અયુધ્યમાન્’ની પ્રતિજ્ઞા કર્યા પછી પણ જ્યારે અર્જુનને નબળો પડતો
જોયો ત્યારે રથના પૈડાને શસ્ત્ર બનાવીને ભીષ્મ તરફ ધસી ગયા. આપણે કરેલી પ્રતિજ્ઞાના શબ્દો જો
આપણા જ પગમાં બેડી બની જાય તો આપણે આપણી પોતાની જ જડતાના શિકાર બની જઈએ છીએ.
જ્યાં જડતા છે ત્યાં જીવન પાંગરી શકતું નથી…
જીવનને પાંગરવા માટે પ્રવાહિતા, બદલાવ અને પ્રવાસની જરૂરિયાત છે. સૂર્ય પોતાની જગ્યાએ
સ્થિર છે તેમ છતાં ઉત્તર તરફ પ્રવાસ કરે છે-એ માન્યતા સૂર્યમાં પણ જડતા નથી એ વાતને પ્રસ્થાપિત
કરવાનો પ્રયાસ છે. ભલે પૃથ્વીની બદલાતી ગતિને કારણે આપણને સૂર્યના પ્રવાસની અનુભૂતિ થાય, પરંતુ
બદલાવ અનિવાર્ય છે-એ વાતની પુષ્ટિ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દર વર્ષે થતી રહે છે. જીવન સતત
બદલાતા પરિમાણોને કારણે જ ધબકે છે. જે પોતાના જ શબ્દોના દાસ બની જાય છે-પરિવારના વડીલ
તરીકે બદલાતા સમયે પેઢી માનસિકતા અને ટેકનોલોજી સાથે પોતાનો વ્યવહાર, વિચાર કે વર્તણૂક બદલી
શકતા નથી એ સૌ અંતે ભીષ્મની જેમ સામે ઉભેલા શિખંડીની પાછળથી આવતા પોતાના જ પૌત્રના
હાથે વીંધાય છે. મહાભારતના યુધ્ધમાં અર્જુનના બાણ લોખંડના હતા, આજના સમયમાં કદાચ
શબ્દોના, અપયશના કે પારિવારિક પ્રતિષ્ઠા અને આર્થિક નુકસાનના બાણ હોઈ શકે, પરંતુ જે વડીલ
ભીષ્મની જેમ ‘અર્થના દાસ’ બની જાય છે એમણે અંતે, બાણશૈયા પર સૂવું પડે છે, પોતાના જ મૃત્યુની
પ્રતીક્ષા કરવી પડે છે… ઉત્તરાયણનો દિવસ માત્ર પતંગ ચગાવવાનો, ઉત્સવ ઉજવવાનો દિવસ નથી.
સ્થિર એવો સૂર્ય પણ પ્રવાસ અને પ્રયાણ કરે છે એ સમજીને જડતાને છોડવાનો દિવસ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *