બોલે એના બોલ વેચાય કે, ન બોલ્યામાં નવ ગુણ?

ગુજરાતી ભાષામાં બે કહેવતો છે, બંને એકબીજાની વિરુધ્ધની વાત કહે છે. પહેલી કહેવત છે,
‘ન બોલ્યામાં નવ ગુણ’ અને બીજી કહેવત છે, ‘બોલે એના બોર વેચાય’. આપણને નવાઈ લાગે કે આ
બંને વાત એકબીજાની સામે કહેવામાં આવી છે તો સાચી કઈ? આ સવાલનો જવાબ એ છે કે, સમય,
સ્થિતિ અને સંજોગો અનુસાર બંને કહેવત પોતપોતાની જગ્યાએ સાચી છે. ક્યારેક ચૂપ રહીને, મૌન
રહીને, લેટ ગો કરીને, વાતને છોડીને આપણે શાંતિ અને સંબંધ જાળવી શકીએ છીએ તો ક્યારેક બોલીને,
પોતાનો મુદ્દો સામેની વ્યક્તિને સમજાવીને, તર્કબધ્ધ છતાં નમ્રતાપૂર્વક દલીલ કરીને આપણી વાત કહેવી
જરૂરી હોય છે. આ બંને પરિસ્થિતિમાં પસંદગી તો આપણે જ કરવી પડે. ક્યારે બોલવું અને ક્યારે ચૂપ
રહેવું એ નક્કી કરવા માટે પોતાની વિવેકબુધ્ધિ અને સમજણનો ઉપયોગ કરવો પડે, પરંતુ મહત્વની વાત
એ છે કે, મૌન નબળાઈ નથી અને શબ્દ શસ્ત્ર નથી! એવી જ રીતે, મૌન પણ દરેક વખતે સામેની
વ્યક્તિને સમજાય જ અને બોલવાથી દરેક વખતે આપણી વાત સાબિત થઈ શકે એવું પણ જરૂરી નથી.
આજના સમયમાં, ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર દરેક માણસ પોતાનું જ્ઞાન બાંટી
રહ્યા છે ત્યારે, આપણે સૌએ આવી વાતોમાં કે શબ્દોના જાળમાં ફસાવવાને બદલે પોતાની પરિસ્થિતિ
અને સંબંધોનો નિર્ણય જાતે કરતા શીખવું પડશે. જ્યારે જ્યારે ત્રીજા માણસને કોઈપણ સંબંધમાં ઈન્વોલ્વ
કરવામાં આવે છે ત્યારે સંબંધમાં પડેલી તિરાડ સંધાવવાને બદલે મોટાભાગના કિસ્સામાં પહોળી થતી
જોવા મળે છે. આપણે બધા ઈમોશનના માણસો છીએ. બોલતાં બોલી નાખીએ, કેટલીક વખતમાં
મનમાં ન હોય તેમ છતાં કહેવાઈ જાય, પછી પસ્તાવો થાય. આપણો ઈગો એટલો મોટો છે કે ક્ષમા
માગતા આપણને સંકોચ થાય. આવા પ્રસંગે આપણે સામાન્ય રીતે ત્રીજા માણસને આપણી વાતમાં
ઈન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેના પર વિશ્વાસ હોય, જે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો કે સમસ્યા
થઈ હોય એ બંનેને બરાબર ઓળખતા હોય એવા કોઈક માણસને આપણે સમાધાન કરાવી આપવાની
વિનંતી કરીએ છીએ. બંને પક્ષ જેને લવાદ તરીકે સ્વીકારે એવી કોઈક વ્યક્તિને આપણે ઝઘડો સુલટાવી
આપવાનું કામ સોંપીએ છીએ ત્યારે આપણે જાણતા નથી કે, એ વ્યક્તિનો ઈરાદો શું છે, એની માનસિકતા
શું છે, એ આપણી વાત કે ઈમોશન બરાબર સમજ્યા છે કે નહીં, સમસ્યાનો મુદ્દો એમને ગળે ઉતર્યો છે કે
એ કંઈક જુદું જ વિચારે-માને છે! આ બધી હકીકતોનો વિચાર કર્યા વગર જ્યારે આપણે ત્રીજા માણસને
ઈન્વોલ્વ કરીએ છીએ ત્યારે ઘણી વાર પરિસ્થિતિ સુલટવાને બદલે વધુ ઉલઝી જાય છે. લવાદ તરીકેની
ભૂમિકા ભજવવા દાખલ થયેલી વ્યક્તિ પાસે પોતાની એક માનસિકતા અને બંને વ્યક્તિ વિશેની એક
ઈમેજ હોય એ સ્વાભાવિક છે. હવે, જ્યારે આવી વ્યક્તિ બંનેની વાત સાંભળે-પોતાની રીતે સમજે,
એમાં પોતાનું જ્ઞાન, ફિલોસોફી, સમજ-અણસમજ અને પોતાના અનુભવોનું કોકટેલ બનાવીને ઝઘડો
સુલટાવવાનો પ્રયત્ન કરે ત્યારે એની વાત સાચી જ હોય એવું જરૂરી તો નથી!
અંગત સંબંધોમાં સંવાદ સૌથી મહત્વની અને અનિવાર્ય બાબત છે. આપણે જે વ્યક્તિને ચાહતા
હોઈએ-જેની સાથે લાગણીના તંતુથી જોડાયેલા હોઈએ એ જીવનસાથી હોય કે સંતાન, માતા-પિતા હોય
કે મિત્ર, બને ત્યાં સુધી ત્રીજી વ્યક્તિને ઢસડ્યા વગર અંગત સંબંધોની ગાંઠ બે વ્યક્તિઓએ જાતે જ
ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરીને, લગ્નજીવનમાં જ્યારે સગાં-મિત્રો દાખલ થાય છે ત્યારે એ
સહુ એમની બુધ્ધિ-મતિ અને અનુભવો પ્રમાણે સલાહ આપે છે. લગ્નજીવન એક એવી બાબત છે જેમાં
બે વ્યક્તિઓ એકમેક સાથે જોડાય છે એ પછીના એમના અનુભવો એટલા અંગત અને પોતિકા હોય છે કે
સામાન્ય રીતે ત્રીજી વ્યક્તિને આ સમજાતા જ નથી. જ્યારે અનુભવો કે ઈમોશન્સ નથી સમજાતા ત્યારે
સમસ્યા સમજાવવી પણ થોડી અઘરી તો બને જ! માતા-પિતા અને સંતાન વચ્ચે જ્યારે કોઈ ત્રીજી
વ્યક્તિ દાખલ થાય ત્યારે દરેક વખતે એમના ઈરાદા સાચા અને યોગ્ય જ હોય એવું માનવાનું આપણી
પાસે કોઈ કારણ નથી. માતા-પિતા સાથેના સંબંધો પણ આપણે જાતે જીવેલા સંબંધો છે. બાળપણના
કેટલાક અનુભવોને આધારે ઘણીવાર આપણે આપણા માતા-પિતાનો ન્યાય તોળવા બેસી જઈએ છીએ,
પરંતુ એ સમયની પળમાં જઈને વિચારીએ તો સમજાય કે, જગતના કોઈ માતા-પિતા પોતાના સંતાન
માટે ખોટો નિર્ણય કરે જ નહીં, જાણી જોઈને તો ન જ કરે! જે-તે સમયે જે કંઈ થયું એમાં એમની સંતાન
માટેની લાગણી, એની સુરક્ષાનો ભય કે એના ભવિષ્ય માટેની ચિંતા જ કારણભૂત હોઈ શકે…
ભૂતકાળમાં જે કંઈ બન્યું એને યાદ રાખીને આજના સમયમાં માતા-પિતાની સાથે સમસ્યા ઉભી કરનારાં
સંતાનોએ એટલું સમજી લેવું જોઈએ કે, માતા-પિતા જૂનવાણી હોઈ શકે, રૂઢિચુસ્ત હોઈ શકે, વાત
સમજી ન શકે એવું બને, પરંતુ એમની લાગણી કે ઈરાદો ક્યારેય ખોટો ન હોઈ શકે! બીજી તરફ, માતા-
પિતાએ પણ પોતાના સંતાન વિશે અન્ય વ્યક્તિને ફરિયાદો કરતા પહેલાં એટલું સમજી લેવું જોઈએ કે,
બહારની વ્યક્તિ એમના જ સંતાન વિશે સમાજમાં સાચી-ખોટી વાતો ફેલાવી શકે છે. પોતે જે ઈરાદાથી
ફરિયાદ કરી હોય એને તોડી-મરોડીને બહાર વાતો કરનારા લોકોથી સંબંધને બચાવવાનો સરળ રસ્તો એ
છે કે, માતા-પિતા અને સંતાને સામસામે બેસીને ગમા-અણગમા, દુઃખ, પીડા, સમસ્યાની ચર્ચા કરી લેવી
જોઈએ… સંવાદ થાય ત્યાં વિવાદ ના થાય. એનો અર્થ એવો છે કે, ‘સંવાદ’ કરતી વખતે બંને પક્ષે ભાષા
અને ઉશ્કેરાટ પર નિયંત્રણ રાખવું. જે અને જેટલો વાંધો હોય એની જ ચર્ચા કરવી. અન્ય લોકોના
દાખલા, દલીલો કે જૂની વાતોને યાદ કરીને હિસાબ-કિતાબ કરવાનો અર્થ ‘સંવાદ’ નથી. મનદુઃખ દૂર
કરવા માટે સમસ્યા સુલઝાવવા માટે ખુલ્લા દિલે કરવામાં આવતી ચર્ચાથી જ જગતના કોઈપણ સંબંધ
સુધારી શકાય છે. એટલે કે, બોલે એના બોર વેચાય, પરંતુ જીવનસાથી, માતા-પિતા કે સંતાનની કોઈક
ભૂલથી આપણને દુઃખ પહોંચ્યું હોય, પીડા થઈ હોય, ક્યારેક અન્યાય કે અપમાનનો અનુભવ થયો હોય
તો પણ સંબંધ મહત્વનો છે કે સમસ્યા, એનો નિર્ણય કરીને ક્યારેક ‘ન બોલ્યામાં નવ ગુણ’ પણ બહુ
મદદરૂપ નીવડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *