છુપો અહંકાર ખુલ્લા ઈગો કરતા ભયાનક હોય છે

એક સજ્જન હતા. ખૂબ દાનવીર, સેવાભાવી, અનેક લોકો માટે ઘણું કરી ચૂક્યા, પરંતુ એ
બધાના બદલામાં એમને તાળીઓ, પ્રશંસા, એવોર્ડ્સ અને પદની અપેક્ષા રહેતી. જોકે, એ આવું
સ્વીકારતા નહીં. કોઈપણ એમની પ્રશંસા કરે કે એમણે કરેલા કાર્યો બદલ એમને બિરદાવે તો એ નમ્ર
હોવાનો ડોળ કરતા કહેતા, ‘અરે હોય! તમારી સામે હું કંઈ નથી.’ આ વાક્ય એમનો તકિયાકલામ
બની ગઈ હતી. કોઈની પણ પ્રશંસાનો જવાબ એ આ જ રીતે આપતા. મોટાભાગના લોકો એમના
આ ઉત્તરની આગળ એમને કહેતા, ‘ના, ના… તમે જે કરો છો એવું તો અમારાથી થાય જ નહીં. તમે
મહાન છો. તમારા જેટલા દાન-પુણ્ય તો કોઈ કરી જ ના શકે.’ આ સાંભળીને સજ્જન પોરસાતા.
એક વાર કોઈકે એમની પ્રશંસા કરી. એની સામે એમણે પોતાનો એ જ જૂનો જવાબ આપ્યો, ‘તમારી
સામે હું કંઈ નથી.’ જેમણે પ્રશંસા કરી હતી એમણે કહ્યું, ‘વાત તો સાચી. મારી સામે તો તમે કંઈ જ
ન કહેવાઓ…’ બસ! પછી શું. એ સજ્જન ચિડાઈ ગયા. એમણે પેલા ભાઈને કહ્યું, ‘તમે મારું
અપમાન કરો છો…’ એ ભાઈ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘મેં તો તમારી જ વાતને સપોર્ટ કર્યો છે.
તમે જ તો કહ્યું, તમે મારી સામે કંઈ નથી. તો મેં એ વાતને સ્વીકારી લીધી. હવે ગુસ્સે શું કામ થાઓ
છો…’ અત્યાર સુધી પ્રશંસાની સામે આવી દંભી નમ્રતાનો ડોળ કરનાર સજ્જન થોડા ભોંઠા તો પડી
જ ગયા… એમને સમજાઈ ગયું કે, બાકીના લોકો એમની પ્રશંસાની અપેક્ષાને સમજે છે! આ કથા
ઓશોએ પોતાના એક વ્યાખ્યાનમાં કહી છે. આપણે બધા જ આપણી આસપાસ આવા લોકોને
ઓળખીએ છીએ. જે કદાચ, સાચે જ સેવાભાવી અને દાનવીર છે, પરંતુ એમને પ્રશંસાની એટલી
બધી અપેક્ષા છે કે એકાદવાર એમની પ્રશંસા કરવાથી એમને સંતોષ નથી થતો. એ નમ્રતાનો ડોળ
કરીને વારંવાર એનું એ સાંભળવા માંગે છે!
પ્રશંસા સાંભળવાની ઈચ્છા હોવી, કે પોતે જે કંઈ સારું કામ કરતા હોય એને લોકો જાણે-
વખાણે એવી આશા રાખવી એ માનવસહજ છે. આપણે સૌ માણસ જ છીએ અને સેવાની ભાવના
હોવી એ માણસાઈનું પહેલું લક્ષણ છે તેમ છતાં સેવા કે દાનનો અહંકાર આપણને હાસ્યાસ્પદ ન
બનાવે એનું ધ્યાન રાખવું જરૂરી છે. મોટાભાગના લોકો સતત પોતાના વિશે બોલે છે. એમનો સંઘર્ષ,
એમની સફળતા, સેવાભાવના, કુટુંબવૃત્તિ અને એમણે જીવનમાં જે કંઈ કર્યું એ વિશે એમને મળતો
દરેક માણસ જાણે એવી એમની ઝંખના આવા લોકોને ક્યારેક હાસ્યાસ્પદ બનાવી નાખે છે. કોઈના
ઘરે મહેમાન બનીને જઈએ ત્યારે એમનો ઘર બતાવવાનો આગ્રહ એમના અહંકારનું સીધું પ્રતીક છે.
આપણે જે ઘરમાં રહેવાના નથી ને કદાચ ફરી જવાના ય નથી એ ઘર આપણે શા માટે જોવું પડે!
પોતે આટલા વર્ષોમાં જે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષમાંથી જે સફળતા મેળવી, પૈસા કમાયા અને કેવી
સગવડમાં રહે છે એ અન્ય વ્યક્તિને દેખાડીને મોટાભાગના લોકોને એક વિચિત્ર પ્રકારનો આત્મસંતોષ
મળતો હોય છે. એક વ્યક્તિ પોતાની સફળતા માણે કે પોતે કમાયેલા પૈસા સાથે આનંદથી અને
આરામથી રહે એનાથી કશું સિધ્ધ થતું નથી-અન્ય વ્યક્તિ જ્યારે પોતાની સમૃધ્ધિ અને સુખ જુએ
ત્યારે એની આંખોમાં દેખાતો અહોભાવ, ઈર્ષ્યા કે રહી ગયાની લાગણીથી જે સંતોષ મળે છે એ કદાચ
જુદો જ હોય છે! પોતે કેટલા હોંશિયાર છે, કેટલું કમાયા, પત્નીને કઈ રીતે રાખે છે, ઘરમાં પુત્રવધૂને
કેટલી છુટછાટ છે ત્યાંથી શરૂ કરીને ઘરમાં કામ કરનારા માણસો સાથે એ કેટલી સારી રીતે વર્તે છે-
પોતે જે ખાય, એમને ખવડાવે છે, જેવી કેટલીયે બડાશ મારવામાંથી કેટલાક લોકો ઉંચા નથી આવતા.
મજાની વાત એ છે કે, એ જે કંઈ કહે છે અથવા કરવાનો દાવો કરે છે એ બધા તદ્દન સામાન્ય
માણસાઈના ગુણો છે. આ બધું તો કરવાનું જ હોય, એમાં વળી શું નવાઈ કરી? કોઈની સાથે સારી
રીતે વર્તવું, એમની મદદ કરવી, પત્નીને સન્માન આપવું કે પુત્રવધૂને સારી રીતે રાખવી આ કોઈ
મહાન કામ છે જ નહીં! કેટલાક લોકોને વળી પોતાના સદગુણો વિશે સતત સર્ટિફિકેટ જોઈતા હોય
છે. બીજા લોકો પોતાની ગેરહાજરીમાં પણ પોતાના વિશે વાત કર્યા કરે એવા આગ્રહ સાથે કેટલાક
લોકો સમાજની મિટિંગમાં, લગ્નોમાં, પારિવારિક પ્રસંગોમાં પોતાના ચમચા કે મળતિયાઓને પોતાના
સેવા, દાન અને સદગુણોની ચર્ચા કરવા છુટા મૂકે છે… કોણ પોતાના વિશે શું બોલ્યું, એ જાણીને
એમને પરમસંતોષ થાય છે. કોઈ જરાક ઘસાતું બોલે, ભૂલ કાઢે કે એમના અહંકારના અવગુણ વિશે
વાત કરે તો આવા લોકો તરત જ ઝઘડવા, બોલનારનું નુકસાન કરવા તૈયાર થઈ જાય છે. એ સમયે
સદગુણો ક્યાં જાય છે?
આપણે બધા પોતાના સુખથી સુખી થનારા લોકો નથી બલ્કે, આપણા સુખથી અન્ય વ્યક્તિને
કેટલું દુઃખ થાય છે એ જોવામાં આપણને વધારે આનંદ થાય છે. આ આપણી વિચિત્ર માનસિકતા છે.
આપણે અન્યની ઈર્ષામાં આપણી સફળતાને શોધતા થઈ ગયા છીએ. અહંકાર કરવો છે, પરંતુ
નમ્રતાની ઢાલ પાછળ સંતાઈને! સેવા અને દાન કરવાં છે, પરંતુ એ વિશે જેટલા વધુ લોકો જાણી શકે
એટલો વધુ સંતોષ થશે!
આપણે સૌ એવું શીખ્યા છીએ કે, નમ્રતા જીવનનો સૌથી મહત્વનો ગુણ છે. અહંકારથી જેનો
નાશ થયો છે એવા ઘણાય લોકોની વાર્તાઓ પુરાણોથી શરૂ કરીને ઈતિહાસ સુધી અને આપણા
સમાજમાં આસપાસ પણ વિખરાયેલી છે તેમ છતાં, આપણે અહંકારમાંથી નીકળી શકતા નથી એ
કેવી નવાઈની વાત છે. સાચું પૂછો તો સીધે સીધો અહંકાર કરનાર માણસનો સામનો કરવો પ્રમાણમાં
સરળ પડે. તુમાખી, તોછડાઈ, ઈગો, અહંકાર, જો કોઈ વાઘા પહેર્યાં વગર આવે તો આપણને એવી
સમજણ પડે કે એની સાથે કઈ રીતે કામ પાડવું, પરંતુ જ્યારે અહંકાર, નમ્રતા અને સત્વના વાઘા
પહેરીને આવે ત્યારે આપણે એ માણસને સીધે સીધું એવું કહી પણ નથી શકતા કે એ જે કંઈ કરી રહ્યા
છે તે નર્યો અહંકાર છે…
મહત્વનો મુદ્દો એ છે કે, સારાં કામ કરવાં, સેવા કરવી, દાન કરવું, પરિવારના સભ્યોની કાળજી
કરવી કે સગાંને સેટલ થવામાં મદદ કરવી એ બધી જ સારી બાબતો છે, પરંતુ અન્ય લોકો સતત એના
વખાણ કર્યા કરે એવો આગ્રહ રાખવો એ સૌથી ખરાબ બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *