એ ગુલ હતું અંગારનું, હું ફૂદડી તેની બન્યો, ચોંટ્યો, ગળ્યો, દાઝી ગયો, હું ત્હોય તેનો બાવરો

ઈમેઈલ અને વ્હોટ્સએપના જમાનામાં હવે પત્રો લખવાની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે.
કાગળ બચાવવાની ઝુંબેશમાં પણ હવે ‘ગ્રીન કોમ્યુનિકેશન’ અમલમાં છે ત્યારે જો યાદ કરીએ તો,
1995માં બીએસએનએલ દ્વારા ઈન્ટરનેટને જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
2000 પછીની, મિલેનિયમ જનરેશનને પણ કદાચ જાણ પણ નહીં હોય કે ભૂરા રંગના આંતરદેશીય પત્રો
અને ખાખી રંગના પોસ્ટકાર્ડ જ એક સમયે ચલણમાં હતા. જન્મ કે મૃત્યુના સમાચાર પોસ્ટકાર્ડ પર
આવતા અને અંગત પત્રો ભૂરા રંગના ઈનલેન્ડ લેટરમાં મોકલવામાં આવતા… ઓફિશિયલ કાગળોથી શરૂ
કરીને પ્રેમ પત્રો સુધીનું બધું જ આ ઈનલેન્ડ લેટરના હૃદયમાં કે કવરમાં બિડેલા પત્રમાં એકબીજા સુધી
પહોંચતું…
એ સમયે લખાયેલા પત્રોમાં વિશ્વ ઈતિહાસ અને સાહિત્યના કેટલાય દસ્તાવેજો સંગ્રહાયેલા
પડ્યા છે. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુના પત્રોમાં ભારતની સ્વતંત્રતાથી શરૂ કરીને
રાજનીતિનો ઈતિહાસ મળે છે. બીજી તરફ, કાન્ત, કલાપી જેવા સ્નેહાધિન સારસ્વતોના પત્રોમાં એમના
અંગત જીવનની અને મનોમંથનની આખી કથા મળે છે. ખાસ કરીને, કલાપીના પત્રોનો સંગ્રહ કરવા માટે
આપણે ડૉ. રમેશ શુક્લનો આભાર માનવો પડે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પત્રોનું પ્રકાશન કરીને
આવનારી પેઢી માટે એક અદભૂત પ્રણયકથાને અમર કરી નાખી છે એમ કહીએ તો ખોટું નથી…
કલાપી-સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના ઠાકોર હતા. એમના ત્રણ લગ્ન થયા. પહેલાં
લગ્ન કોટડાના કેસરબા (આનંદીબા) સાથે, બીજા રોહા-કચ્છના રમાબા સાથે અને ત્રીજા લગ્ન એમણે
જાતે કર્યા, રમાબાના પિયરથી આવેલી દાસી મોંઘી સાથે. કલાપી અને મોંઘીના સંબંધોનો સમગ્ર ઉતાર-
ચઢાવ આપણને આ પુસ્તકમાંથી મળે છે. અહીં કેટલાક પત્રો મૂક્યા છે. આ પત્રસંગ્રહમાં કલાપીએ
એમના પત્ની કેસરબા અને રમાબાને લખેલા પત્રો પણ છે, પરંતુ મોંઘી (શોભના) સાથેના એમના
સંબંધોમાં આવેલા ઉતાર-ચઢાવને ફક્ત પત્રથી સમજી શકાય છે એ કેટલી અજબ વાત છે!
(પંજાબ-હોટેલ, લાહોર, તા. 10-10-91)
મોંઘી, બેટા કહી તને કે દી બોલાવીશ? પાણી પા, હાથ ધોવરાવ, ટુવાલ લાવ એમ તને કે દી
કહીશ? મેં તને કદી રોવરાવી નથી, હેરાન કરી નથી, પણ કદાપી ભણાવતાં માથામાં ટાપલી મારી હોય
તો મને માફ કરજે.
*
મોંઘી બેટા,
તારી ચિઠ્ઠી મેં વાંચી છે. હમણાં સુધી એ મારા ગજવામાં હતી. હમણાં તેને ફાડી નાખીશ. તું
ભણે છે એ ખુશીની વાત. હું રોહે આવીશ ત્યારે પહેલાં પહેલી ચોપડી પુરી કરજે. નાથીબાઈથી વધી ગઈ
છું. એ ઘણું સારૂં. સૌની સાથે તું તો આખો દિવસ રમતી હઈશ.
લી. તારો રખડતો બાપુ, સુરસિંહ
આ બંને પત્રોમાં કલાપી એમની બીજી પત્ની રમા સાથે આવેલી નાનકડી મોંઘીને ‘બેટા’ કહીને
સંબોધે છે. (1991) અને, પોતાને ‘બાપુ’ લખે છે. એને ભણવાનો આગ્રહ કરે છે, ત્યારે સમજાય છે કે
શરૂઆતમાં આ સંબંધ પ્રણયનો નહીં જ હોય. જાણનારા કહે છે કે કલાપી સોળ વર્ષના હતા, રમાબા
ત્રેવીસ વર્ષના ને એમની સાથે આવેલી મોંઘી આઠ વર્ષની. એ સમયે તો કદાચ પિતાતુલ્ય સ્નેહ જ હતો…
પ્રામાણિક! ક્યારે એ વાત્સલ્યમાંથી પ્રણય બની ગયો એની કદાચ બંનેને ખબર ના રહી – ત્રણે ય ને!
શનિ, (આ પત્ર 1895નો હોવો જોઈએ)
શંકાશીલ વ્હાલી છોકરી,
તારું પત્ર મને કાલે મળ્યું. તેમાં તબિયતના કાંઈ સમાચાર નથી.
તું મ્હારા હૃદય માટે કહે છે. મ્હારું હૃદય સહેલાઈથી શંકામાં પડતું નથી, એ તો
હું તને હૃદયની હજારો વાતોથી સાબિત કરી આપીશ. હું જ્યાં વિશ્વાસ રાખું છું ત્યાં
પૂર્ણ – મ્હારાથી બની શકે તેટલો રાખું છું. શંકામાં, અવિશ્વાસમાં રહેવું એ તો સ્ત્રીના
હૃદયનું કાર્ય લાગે છે. પરંતુ તને જે લાગે છે, તેમાં કાંઈ જુદી જ વાત છે. ત્રણ વર્ષ
પહેલાં તું મને જોતી હતી અને તું મને અત્યારે જુવે છે તેમાં કેટલો મ્હોટો ફેરફાર છે?
એ ત્રણ વર્ષ મેં મૃત્યુમાં – દર્દમાં – અગ્નિમાં ગાળ્યાં છે. એ દર્દ – મ્હારા હૃદયને
સાંસારિક વાતો ઉપરથી ઉખેડી નાખ્યું છે. બાલક જેવી રમતીયાળ મજા એ અરસામાં
મેં ખોઈ નાખી છે અને તેથી જ વારંવાર, હું વૃદ્ધ થઈ ગયો છું એમ તને કહેતો આવ્યો
છું. એ દર્દની છાયા હજી પૂર્ણ ખસી નથી. મ્હારા હૃદયના આનંદો હવે ઉછળતા નથી,
પણ શાંત છે, પણ તે સ્નેહો બહુ ટકાવ છે. મ્હારામાં તને જે શિથિળતા દેખાય છે તેથી
કાંઈ પણ ડરવા જેવું નથી. આપણે હજી વધારે પાસે આવી શકીશું. પણ તેમ કરવા
માટે તારે બહુ મહેનત કરવી પડશે. પ્રથમ તો તારું હૃદય પૂર્ણ ખુલ્લું છોડ. ત્યારે જ
મ્હારામાં તને રસ મળી શકશે. ઉતાવળ છે તેથી આજે આટલું જ.
તારો જ, સુરસિંહ
આ પત્રમાં મોંઘી – શોભનાને નિકટ લાવવા માટે મથતા કલાપી અને
રમાબાથી ડરતી છતાં કલાપીના આકર્ષણમાં ડૂબેલી શોભનાની તસવીર મળે છે. બંને
એકમેકને ચાહતા હોવા જોઈએ, પરંતુ પોતે દાસી છે અને પોતાની રાણી સાથે છેહ
નહીં કરી શકે એવા કોઈ મોરલ અને ડિઝાયરની વચ્ચેનો આ સમયગાળો હોવો
જોઈએ…
પ્રિય પત્ની શોભના (આ પત્ર 1898ની સાલમાં લખાયો હોવો જોઈએ)
આજે તને રોતાં જોઈને મને બહુ જ દયા આવતી હતી. બિલકુલ ગુસ્સે થવાને
તેમાં કારણ ન હતું કેમકે તારા ચ્હેરા ઉપરથી લાગતું હતું કે એ આંસુ દ્વેષની
લાગણીનાં ન હતાં. તારા મનમાં બે વિચાર હશે એમ લાગ્યું. એક તો જુદાં રહેવું
પડશે એવો અને બીજો મ્હારી ઝિન્દગીનો.
આપણે જુદાં તો રહેવાનાં નથી. તેમ તારી સાથે રહેવા સિવાય મને આનંદ
નથી એ તું જાણતી જ હશે. સાત દિવસમાં ત્રણ રાત તારી સાથે અને બે કે. (કેસરબા
(આનંદીબા) સાથે અને બે રમા સાથે એમ કરવાનું છે. દિવસે તો આપણે સાથે જ
રહેવાનાં છીએ. આ પ્રમાણે રાતે જુદાં રહેવું વધારે બનશે અને તેનું દુઃખ મને પણ
થાય છે, તને થાય એ સ્વાભાવિક છે. પણ ફરજ ખાતર તેમ કરવું જ જોઈએ. કે. ને
તેમ જ રમાને જેણે આપણને મેળવવાની તેમજ ફાર્કતીની ગોઠવણ કરી આપી તેને
પણ સંતોષ આપવો જોઈએ એમ તને લાગ્યા વિના નહિ રહે.
ઝિન્દગીને માટે તો રસોડું હાલ છે તેમ જ રહેવાનું છે. છતાં ભય હોય તો તે
પ્રભુને સોંપવું જોઈએ. હાલ લડાઈઓનો વખત હોત તો ફરજ ખાતર તે પણ કરવી
પડત તો આ તેવું તો નથી જ.
હું ચાલ્યો જઈશ એવી ધાસ્તી રાખીશ નહિ – જો એ હોય તો. એ તો ઘણાં વર્ષો
પછી બની શકે તેમ છે. ત્યાં પણ ફરજ જ નડે છે. રાજ્યમાં રહી મ્હારે મ્હારી ફરજ
બજાવવી જોઈએ. વળી જ્યારે જઈશ ત્યારે તને લેઈને જ જઈશ.
સુ.
શોભના સાથેના લગ્ન 1900ના પ્રારંભમાં થયા અને જૂન 1900માં કલાપીનું
મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં કલાપીના ખાસ મિત્ર વાજસુર વાળાને લખેલા એક પત્રમાં
કલાપીએ લખ્યું છે, “ભાઈ, મેં ભૂલ કરી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *