માનવજીવન અત્યંત સંકુલ છે. જય-પરાજય, આશા-નિરાશા, જન્મ-મૃત્યુ અને ધર્મ-અધર્મના
અનેક દ્વંદ્વો વચ્ચે જીવન ફંગોળાતું રહે છે. આ તમામ પ્રક્રિયાઓ સ્વસર્જિત છે, પરંતુ સ્વનિયંત્રિત
નથી. તેથી એમાં ક્યાંય આનંદ નથી. મનુષ્ય માત્રને લાગે છે કે એનું જીવન ક્યાંક બીજેથી નિયંત્રિત થાય
છે. જે નિયંત્રિત કરે છે તે કોણ છે, એ વિશે માણસ જાણતો નથી, માટે અટવાય છે. માનવમાત્રને અન્યથી
નિયંત્રિત થવાનો વિરોધ છે, પરંતુ સ્વયં પર નિયંત્રણ એની આવડત નથી. તેથી, આ માનવજીવનની
કથાઓમાં ક્યાંય સાચો વિષાદ પણ નથી. જે છે એ માત્ર આપણું હોવું. આપણા અસ્તિત્વ પૂરતું
અર્થસભર છે અને સત્ય પણ એટલું જ છે, આપણું હોવું. આ બધા દ્વંદ્વોથી માનવજીવન ત્યારે જ
ઉપર જઈ શકે જો આ હોવા, અસ્તિત્વ સાથે ધર્મ સંયોજાય. આ ધર્મ એટલે સંપ્રદાય નહિ, કર્મકાંડ નહિ,
વિધિવિધાન પણ નહિ.
મનુષ્ય શાશ્વત નથી, જીવન શાશ્વત છે. અસ્તિત્વ શાશ્વત છે. સમય શાશ્વત છે… મનુષ્ય માત્ર
સમયની એ શાશ્વતીમાં પોતાનું પ્રદાન કરીને પસાર થઈ જતું એક નાનું અમથું તત્વ છે. આ તત્વને
ઓળખી શકાય એ માટે મહર્ષિ વ્યાસે એક વિશાળ ગ્રંથ રચ્યો.
જેનો પોતાનો જન્મ માતાના સૌંદર્ય ઉપર મોહિત થયેલા જ્ઞાની, તપસ્વી ઋષિના ક્ષણિક
આવેગમાંથી થયો હોય એને જ સમજાય કુરુવંશના રાજાઓની વિષયલાલસા અને એમનો મોહ! કૃષ્ણ
દ્વૈપાયનની આ કથામાં અભિપ્રાય નથી, અભિવ્યક્તિ છે… જીવન સાથે જોડાયેલા કેટલાય સત્યો
મહાભારતની કથાઓમાંથી તો મળે જ છે, પરંતુ એમાં રચેલાં સુભાષિતો પણ મુખ્ય કથાની બહાર
નીકળીને આપણને જીવનની ફિલોસોફી સમજાવે છે. ડૉ. પી.યુ. શાસ્ત્રી દ્વારા સંપાદિત એક હજારથી
વધુ સુભાષિતો મૂળ કથાથી અલગ, માત્ર જીવનની ફિલોસોફી કે કેટલાંક સત્યો સમજાવતાં સુભાષિતો છે.
अकाले कृत्यमारब्धं कर्तुर्नार्थाय कल्पते । (प. अ. श्लो)
तदेव काल आरब्धं महतेडर्थाय कल्पते ।। 12/138/95
યોગ્ય સમય વિના શરૂ કરેલું કામ કરતાને કશું ફળ આપતું નથી, પરંતુ યોગ્ય સમયે શરૂ કર્યું હોય
એવું કામ મોટું અને શ્રેષ્ઠ ફળ આપે છે. 12/138/95
अकृत्वा मानुषं कर्म यो दैवमनुवर्तते ।
वृथा श्राम्यति सम्प्राप्य पतिं क्लीबमिवाड्गना ।। 13/6/20
જે મનુષ્ય ઈચ્છિત વસ્તુ મેળવવા શ્રમ કરતો નથી અને નસીબના આધારે બેસી રહે છે તે નપુંસક
પતિને પામેલી સ્ત્રીની જેમ સતત શોક કરે છે. 13/6/20
अनर्हते यद्ददाति न ददाति यदर्हते ।
अर्हानर्हापरिज्ञानाद् दानधर्मोडपि दुष्करः ।। 12/20/9
ક્યારેક લાયક ન હોય તેને દાન અપાઈ જાય છે અને લાયક હોય તેને દાન મળતું નથી. માણસને
યોગ્ય અને અયોગ્યનું સાચું જ્ઞાન ન હોવાથી દાનનો સાચો ધર્મ આચરવો મુશ્કેલ છે. 12/20/9
अनाहूतः प्रविशति अपृष्टो बहु भाषते ।
अविश्वस्ते विश्वसिति मूढचेता नराधमः 5/33/36
વગર બોલાવ્યે જે પહોંચી જાય, વગર પૂછ્યે જે બહુ બોલે અને વિશ્વાસ ન કરવા લાયક
વ્યક્તિનો જે વિશ્વાસ કરે છે તે અધમ મનુષ્ય મૂર્ખ પૂરવાર થાય છે. 5/33/36
अनित्यं यौवन रुपं जीविंत द्रव्यसज्चयः ।
आरोग्यं प्रियसंवासो गृध्येत् तत्र न पण्डितः ।। 12/330/14
યુવાની, રૂપ, જીવન અને સંગ્રહ કરેલું ધન, આરોગ્ય અને પ્રિય વ્યક્તિ સાથેનો નિવાસ કાયમી
હોઈ શકે જ નહીં માટે આ બધામાં બુધ્ધિશાળી માણસે લોલુપતા કે લાલચ રાખવી નહીં. 12/330/14
अमित्रो न विमोक्तव्यः कृपणं बह्वपि ब्रुवन् ।
कृपा न तस्मिन् कर्तव्या हन्यादेवापकारिणम् ।। 1/140/22
દયા આવે તેવું કરુણ બોલતો હોય તો પણ શત્રુને છોડવો જોઈએ નહીં. એ કરગરે તો પણ એના
પર દયા ન કરવી જોઈએ. અપકાર કરનારાની શિક્ષા મૃત્યુ છે. 1/140/22
अर्थानामीश्वरो यः स्यादिन्द्रियाणामनीश्वरः ।
इन्द्रियाणामनैश्वर्यादैश्वर्याद् भ्रश्यते हि सः ।। 5/34/63
જે ધનનો માલિક હોય પરંતુ ઈન્દ્રિયોનો માલિક ન બની શકે તે પોતાની ઈન્દ્રિયો પર કાબૂ ન હોવાને કારણે
મળેલું સુખ અને વૈભવ ગુમાવે છે. 5/34/63
असंत्यागात्पापकृतामपापां-
स्तुल्यो दण्डः स्पृशते मिश्रभावात् ।
शुष्केणार्द्रं दह्यते मिश्रभावात्
तस्मात्पापैः सह सन्धिं न कुर्यात् ।। 5/34/70
પાપીઓને ત્યજી ન દેવાથી, એમની સાથે રહેનાર પુણ્યશાળીઓને પણ પાપી જેવી જ શિક્ષા
ભોગવવી પડે છે. સાથે રહેવાને કારણે સૂકાંની સાથે લીલું બળી જાય છે તેથી, પાપીઓ સાથે ક્યારેય
સંગત ન કરવી જોઈએ. 5/34/70
ऋणशेषमग्निशेषं शत्रुशेषं तथैव च ।
पुनः पुनः प्रवर्धन्ते तस्माच्छेषं न धारयेत् ।। 12/140/58
બાકી રહી ગયેલું દેવું, શાંત દેખાતો છતાં ભારેલો અગ્નિ તેમજ શિક્ષા વગર છોડી દીધેલો શત્રુ ફરી ફરીને જાગે
છે, ધીરે ધીરે વધે છે માટે દેવું અગ્નિ અને ક્ષત્રુને સંપૂર્ણ શાંત-સમાપ્ત કરી દેવા. 12/140/58
एक शत्रुर्न द्वितीयोडस्ति शत्रुरत्रानतुल्यः पुरुषस्य राजन् ।। 12/297/28
શત્રુ એક જ છે, હે રાજા, અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી. 12/297/28
कालो हि परमेश्वरः ।। 13/148/39
કાળ જ પરમેશ્વર છે. 13/148/39
गौरवेण परित्यक्तं निःस्नेहं परिवर्जयेत् ।
सोदर्यं भ्रातरमपि किमुतान्यं पृथग्जनम् ।। 12/292/2
ગૌરવ વગરના અને લાગણી વગરના સહોદર ભાઈનો પણ ત્યાગ કરવો જોઈએ એમ શાસ્ત્રો કહે
છે. તો અન્ય, હલકા સ્વભાવના અને દુષ્ટ માણસની તો વાત જ શી કરવી? 12/292/2
चतुर्वेदोडपि दुर्वुत्तः स शूद्रादतिरिच्यते ।। 3/313/111
ચાર વેદ ભણેલો હોય છતાં જેનું વર્તન ખરાબ હોય તે શૂદ્ર કરતાં પણ નીચી કક્ષાનો હોઈ શકે.
3/313/111
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ।। 6/40/21
આત્માનો નાશ કરતા નરકને ત્રણ બારણા છેઃ કામ, ક્રોધ અને લોભ. જેને નરકમાં ન જવું હોય
તેણે આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ. 6/40/21
न कश्चिज्जात्वतिक्रामेज्जरामृत्यू हि मानवः ।
अपि सागरपर्यन्तां विजित्येमां वसुन्धराम् ।। 12/28/15
આ સાગર સુધી પથરાયેલી પૃથ્વીને (આખું જગત) જીત્યા પછી, આજ સુધી કોઈ માણસ ઘડપણ અને
મૃત્યુને જીતી શક્યો નથી. 12/28/15
न कुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः ।
अन्तेष्वपि हि जातानां वृत्तमेव विशिष्यते ।। 5/34/41
ચારિત્ર્ય વગરના માણસનું કુળ ગમે તેટલું ઊંચું હોય એ જરાય મહત્વનું નથી. નીચા માનવામાં
આવતા કુળમાં જન્મેલાનું ચારિત્ર્ય જો સારું હોય તો એ કહેવાતા ઉચ્ચ કુળ કરતા વધુ મહત્વનું છે.
5/34/41
आस्ति जात्या रिपुर्नाम मित्रं वापि न विद्यते ।
सामर्थ्ययोगाज्जायन्ते मित्राणि रिपवस्तथा ।। 12/144/51
જન્મથી કોઈ શત્રુ હોતો નથી કે નથી કોઈ જન્મથી જ મિત્ર. માણસની શક્તિ, સંપત્તિ અને
સત્તાને લીધે મિત્રો અને શત્રુઓ ખડા થાય છે. 12/144/51
नास्ति भार्यासमो बन्धुर्नास्ति भार्यासमा गतिः ।
नास्ति भार्यासमो लोके सहायो धर्मसंग्रहे ।। 12/144/16
પત્ની જેવો બીજો સગો નથી. પત્ની જેવો બીજો કોઈ ઉપાય (સોલ્યુશન અથવા મદદ) નથી.
ધર્મનું આચરણ કરવામાં પત્ની જેવો કોઈ સાથીદાર નથી. 12/144/16
नास्ति मातृसमा च्छाया नास्ति मातृसमा गतिः ।
नास्ति मातृसमं त्राण नास्ति मातृसमं प्रियम् ।। 12/266/31
માતા જેવો કોઈ છાંયડો નથી. માતા જેવો કોઈ ઉપાય નથી. માતા જેવું કોઈ સંરક્ષણ નથી અને માતા જેટલો
પ્રેમ કોઈ કરતો નથી, અને મા જેટલું પ્રિય કોઈ ન હોઈ શકે. 12/266/31
प्रभवन् योडनहंवादी स वै पुरुष उच्यते ।। 13/146/15
સમર્થ અને શક્તિવાન હોવા છતાં જે અભિમાન કરતો નથી તે જ સાચો પુરુષ-યોગ્ય વ્યક્તિ
કહેવાય છે. 13/146/15


