સમીરભાઈ ન્યૂરોલોજિસ્ટ પાસે ગયા. એમની ફરિયાદ હતી કે, ‘મને કશું યાદ
રહેતું નથી. માણસ, માણસના નામ, જગ્યાઓ, મૂકેલી વસ્તુઓ બધું હું ભૂલી જાઉ
છું…’ ન્યૂરોલોજિસ્ટ સાયકોલોજિસ્ટ પણ હતા. એમણે પૂછ્યું, ‘તમારા ભાઈ સાથે કેવું
બને?’ સમીરભાઈએ તરત જ કહ્યું, ‘અરે જવા દો, એના ઘરે લગ્ન હતા ત્યારે મારી
સાથે એટલો બધો ઝઘડો કર્યો, ગાળ બોલ્યો અને મારી પત્નીને ઘરમાંથી નીકળી
જવાનું કહ્યું…’ ન્યૂરોલોજિસ્ટે ફરી પૂછ્યું, ‘આ કેટલાં વર્ષ જૂની વાત છે?’
સમીરભાઈએ કહ્યું, ‘10 વર્ષ અને 7 મહિના…’ ન્યૂરોલોજિસ્ટ હસી પડ્યા, ‘તમને એ
યાદ છે અને આજની મૂકેલી વસ્તુ કે થોડા દિવસ પહેલાં મળેલો માણસ યાદ રહેતો
નથી?’ સમજવાનું એટલું જ છે કે આપણી પાસે મગજના નિશ્ચિત જીબી છે. કહેવાય
છે કે માણસના મગજની તાકાત અમાપ છે, પરંતુ સાથે જ મગજ પાસે એક
સિલેક્ટિવ મેમરી છે. આપણે જે યાદ રાખવા માગીએ એ યાદ રહે! સૌના મગજ પાસે
આ પસંદગીનો અવકાશ છે અને આ નિર્ણયનો આધાર આપણી પ્રકૃતિ અને સ્વભાવ
ઉપર રહેલો છે.
*
લગ્નના મંડપમાં રતનબા, સાવ એકલાં ખૂણામાં બેઠા હતા. એક યુવાન
દીકરી સ્નેહથી એમની પાસે જઈને બેઠી કે તરત એમણે શરૂ કર્યું, ‘અડધો કલાકથી
બેઠી છું. કોઈ પાણીનું ય પૂછવા આયું નથી.’ દીકરીએ પૂછ્યું, ‘મંગાવી આપું?’
રતનબાએ છણકો કર્યો, ‘મંગાવવાનો સવાલ નથી. એમને દરકાર જ નથી. આજના
જમાનામાં બધા આવા થઈ ગયા છે. અમારી વહુએ ય હરામ હાડકાંની છે. લગનમાં
મહાલ્યા કરે, પણ બાનું શું થયું એવી તપાસ કરવા ય ન આવે…’ એ બોલતાં રહ્યાં,
એમની પાસે બેસવા આવેલી યુવાન દીકરી ધીમે રહીને સરકી ગઈ. રતનબાને કોઈ
દુઃખ નહોતું. પૈસો ઘણો હતો. બે દીકરા, બે વહુઓ ને એક દીકરી પણ કોઈ એમની
પાસે કે સાથે રહેવા તૈયાર નહોતું. વહુની સામે દીકરીનું ઘસાતું બોલે, દીકરીની સામે
વહુને ભાંડે. એમના ભાઈ-બહેનો પણ એમની સાથે સંબંધો રાખતા નહીં કારણ કે, જે
મળવા આવે એમની સામે બીજાના ખોડખાપણ કાઢે. પતિ સુરેશભાઈ બહુ સારા
માણસ હતા. જીવ્યા ત્યાં સુધી સૌનો પ્રેમ પામ્યા-ને, લોકોએ ત્યાં સુધી રતનબેનને
સહન પણ કર્યા, પછી પડતા મૂક્યા. હવે એકલવાયા જીવે છે… પણ, કડવાશ છોડી
શકતા નથી.
*
સ્વાતિ અમેરિકામાં રહે છે. એલ.એ.માં એનું મોટું ઘર છે. પતિ ખૂબ પૈસા
કમાયા છે, પરંતુ સ્વાતિને જિંદગીમાં સતત કશું ખૂટે છે. ભારત આવે ત્યારે અર્થહીન
શોપિંગ કરે. બેગમાં સમાય નહીં તો અમેરિકા પાર્સલ કરે, પરંતુ એ પછી બધી
વસ્તુઓ એના વોર્ડરોબમાં ઢગલો થઈને પડી રહે. અમેરિકામાં પણ મોલ્સમાં ફર્યા
કરે. જરૂર હોય કે નહીં ખરીદી કરે, પછી કોઈને ભેટ આપી દે… પૈસા ખરચવા કે
વસ્તુઓ ખરીદવી એ એનો શોખ નથી, એક કમ્પલઝિવ પ્રોબ્લેમ છે. શરૂઆતમાં
એનો પતિ એને રોકતો-ટોકતો, પરંતુ સમય જતાં એણે કહેવાનું છોડી દીધું. હજી કોઈ
રોકે કે ટોકે તો એ એક જ સવાલ પૂછે છે, ‘અત્યાર સુધી મેં મારી ખુશીનો વિચાર
નથી કર્યો. હવે હું મારી જાતને ખુશ રાખું તો એમાં ખોટું શું છે?’ ખોટું કશું નથી…
પરંતુ, વસ્તુઓ સુખ કે આનંદ આપી શકે એ ખ્યાલ એના મનમાં એટલા માટે છે કે
એની પાસે સંબંધોના સુખની સમજણ નથી!
આપણે જે સ્થિતિમાં હોઈએ છીએ એને માટે આપણા સિવાય અન્ય કોઈ
વ્યક્તિ જવાબદાર હોઈ શકે જ નહીં, આ વાત જે દિવસે સમજાઈ જાય એ દિવસે
જિંદગીના મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. આપણે બ્લેઈમગેઈમ રમવામાં
ઉત્સાદ છીએ. આપણી સ્મૃતિમાં કડવાશ સંઘરી રાખવી-ને પછી એ કડવાશોથી
આપણી સારી સ્મૃતિ, આનંદ, રોજિંદા જીવન પર અસર થાય ત્યારે ફરિયાદ કરવી,
આપણી એકલતા માટે બીજા લોકોના સ્વભાવ, બેદરકારીને જવાબદાર ઠેરવવી કે
પૈસા ખરચવાથી સુખ મળી જશે એવા કોઈ ભ્રામક ખ્યાલમાં રાચવું… આ બધું
આપણા જ મનને નુકસાન કરે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે આપણા મનને સમજવું જેટલું જરૂરી છે એટલું જ
બીજાના મનને પણ સમજવું જોઈએ. મોટાભાગના લોકો પોતાની પરિસ્થિતિ અને
અનુભવોને આધારે નિર્ણય કરીને પોતાનું વર્તન કરતાં હોય છે, પરંતુ સામેની વ્યક્તિ
પાસે પણ એની પરિસ્થિતિ, એના અનુભવો અને એની માનસિક સ્થિતિ હોય છે જેના
વિશે વિચાર્યા વગર આપણે વર્તીએ ત્યારે આપણને પોતાને જ સમસ્યાઓ થાય છે.
દુઃખ અથવા પીડા જીવનનો અનિવાર્ય ભાગ છે, પરંતુ એ પીડાને ક્યાં સુધી
પંપાળવી એ તો આપણે જ નક્કી કરી શકીએ ને? વિજ્ઞાનના નિયમ મુજબ એક્શન
અને રિએક્શન સરખા હોય છે-વિરુધ્ધ દિશામાં બળ કરે છે… આ માત્ર પદાર્થ પૂરતું
મર્યાદિત નથી. માણસ સાથે પણ આ જ નિયમ લાગુ પડે છે. આપણે જે વર્તીએ
એનું રિએક્શન એટલી જ તીવ્રતાથી સામેના પક્ષે આવતું હોય છે. સ્નેહ અને ધિક્કાર,
અપમાન અને આદર, સ્વીકાર અને તિરસ્કાર બધું જ જેટલું આપીએ એટલું જ પરત
મળતું હોય છે! કોઈ કદાચ એવી ફરિયાદ કરે કે, ‘હું તો બધા માટે કરું છું, પણ મને
મળતું નથી…’ એવા સંજોગોમાં હરિન્દ્ર દવેની પંક્તિ યાદ કરવી, ‘કોઈનો સ્નેહ ઓછો
નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.’
કેટલાંક લોકોને એવું લાગે છે કે, જવાબ નહીં આપવામાં, પાઠ નહીં
ભણાવવામાં, માફ કરી દેવામાં આપણે નાના અને નીચા થઈ જઈએ. આજના
સમયમાં તૂટતા સંબંધોનું કારણ ઈગો કે અહમ છે. જ્યારે કોઈપણ વ્યક્તિ બીજી
વ્યક્તિ સાથે ઈગો કે અહમનું યુધ્ધ કરે છે ત્યારે નુકસાન બંને પક્ષે થાય જ છે. નાની
નાની વાતોમાં સામેની વ્યક્તિ સાથે સરખામણી કરવી, સામેની વ્યક્તિને હરાવીને
પોતાનું ધાર્યું કરવાની જીદ કે અહંકારથી પોતાને સર્વશ્રેષ્ઠ પ્રસ્થાપિત કરવાનો
પ્રયત્ન અંતે તો માણસને પોતાને જ નુકસાન કરે છે. માણસ માત્રને પ્રેમ, સ્વીકાર,
આદર જોઈએ છે-જેટલો મળે એટલો ઓછો પડે છે, પરંતુ આ જ લાગણીઓ આપતી
વખતે એ કેમ કંજુસ થઈ જાય છે? સતત ફરિયાદ કરવાની કે નેગેટિવિટી જોયા
કરવાની વૃત્તિને કારણે જ અંતે માણસને સાયકોસોમેટિક (મનોદૈહિક રોગો) થાય છે.
સર્વેમાં પૂરવાર થયું છે કે, સ્કીનડીસીઝ, અસ્થમા, બ્લડપ્રેશરથી શરૂ કરીને કેન્સર
જેવા રોગોના મૂળમાં હતાશા, નેગેટિવિટી અને ફરિયાદ કરવાની મનોવૃત્તિ રહેલી છે.
ડિસઓર્ડર અને ડીસીઝમાં ફેર છે. મનમાં રહેલી નાનકડી અવ્યવસ્થા પણ વ્યક્તિને
પોતાને અને એની નીકટના વર્તુળને ડિસ્ટર્બ કરે જ છે. આપણા ડિસઓર્ડરની અસર
સંબંધો પર થાય-કે એ ડીસીઝ (રોગ)માં ફેરવાય એને બદલે સમયસર ચેતીને સ્વયં
પર નિયંત્રણ મેળવી લેવું જોઈએ.
સાજા રહેવા માટે ખુશ રહેવું જરૂરી છે. એવું લાગે કે, આપણે આપણા મનને
નથી સમજી શકતા તો પ્રોફેશનલ હેલ્પ લેવામાં કોઈ નુકસાન નથી. માનસિક રીતે
બિમાર માણસ જ મનોચિકિત્સક પાસે જાય એવું જરૂરી નથી, બિમાર થઈ જઈએ કે
અન્યને બિમાર કરીએ એ પહેલાં સારવાર લેવી જરૂરી છે.


