ખાલિદા ઝિયા અને શેખ હસીનાઃ બાંગ્લાદેશના શતરંજની બે રાણીઓ

બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી હિન્દુઓના અસ્તિત્વ પર ખતરો તોળાઈ
રહ્યો છે. રોજ ક્યાંકને ક્યાંક હિન્દુની બેરહેમીથી કતલ થઈ રહી છે. ભારતમાં ઘૂસેલા
બાંગ્લાદેશીઓ અહીં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે ભારતે બાંગ્લાદેશને
1971માં જે મદદ કરી એ યાદ રાખવાને બદલે ભારતને-હિન્દુઓને જે રીતે નુકસાન
પહોંચાડવામાં આવી રહ્યું છે એ અશોભનીય છે.
ખાલિદા ઝિયાના મૃત્યુ પછી કદાચ આ પરિસ્થિતિમાં ફેરફાર થાય એવી
અપેક્ષા રાખનારા લોકો પણ હવે ખોટા પડ્યા છે. શેખ હસીનાને ભારતે આશ્રય તો
આપ્યો છે, પરંતુ એ પોતાના દેશ પાછા ફરી શકશે કે નહીં એ વિશે હજી શંકા સેવાઈ
રહી છે ત્યારે આ બે સ્ત્રીઓના અંગત ઈગો અને રાજકીય મહત્વકાંક્ષાઓની લડાઈ
ઉપર એક નજર નાખવા જેવી છે. આ બંને સ્ત્રીઓ પાસે પોતપોતાના સહાનુભૂતિના
વોટ હતા… એક પાસે પિતાની હત્યા, બીજી પાસે પતિની હત્યા! શેખ મુજીબુર
રહેમાનને એમના ઘર ‘32 ધાનમંડી’માં એમના પુત્રો, પુત્રવધૂઓ, અને પત્ની સહિત
કતલ કરી નાખવામાં આવ્યા. શેખ હસીના ત્યારે જર્મની હતા એટલે એમના બહેન
રેહાના અને એ બચી ગયા. નવાઈની વાત એ છે કે, શેખ હસીનાના પિતા મુજીબુર
રહેમાનની હત્યાના ષડયંત્રમાં જેનું નામ લેવાતું હતું એ જ ઝિયા ઉર રહેમાને 27
માર્ચ, 1971ના દિવસે ચટગાંવથી રેડિયો પર ઘોષણા કરી હતી, ‘બંગબંધુ શેખ
મુજીબુર રહેમાન તરફથી હું મેજર ઝિયા બોલી રહ્યો છું. આજે એક સ્વતંત્ર
બાંગ્લાદેશની ઘોષણા કરું છું.’ આ ઘોષણાએ એમને રાષ્ટ્રીય ઓળખ આપી, પરંતુ
1975માં મુજીબુર રહેમાનની હત્યા પછી રાજનીતિક અસ્થિરતાને કારણે એ ચીફ
માર્શલ લૉ એડમિનિસ્ટ્રેટરની પોસ્ટ પર ગોઠવાયા. એમણે મુજીબુર રહેમાનના
હત્યારાઓને સંરક્ષણ આપ્યું અને મુકદ્દમા ન ચાલે એ માટે પ્રયાસ કર્યો. બદલામાં
1977માં એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. વિપક્ષને એટલે કે આવામી
લીગને દબાવી દેવામાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી. એમણે બાંગ્લાદેશ
નેશનલિસ્ટ પાર્ટીની સ્થાપના કરીને 1978માં એક ચૂંટણીમાં જનમત સંગ્રહ દ્વારા
પોતાની બહુમતિ પ્રસ્થાપિત કરી. જોકે, આ વિશે ઘણા મતો પ્રવર્તે છે અને
મોટાભાગના લોકો માને છે કે બીએનપી પહેલેથી ચૂંટણીમાં ગોટાળા કરતી આવી
છે. ઝિયાના શાસન દરમિયાન ભારત સાથેના સંબંધો બગડ્યા. ઈસ્લામિક સમર્થક
હોવાને કારણે પણ એમણે ભારતના મુસ્લિમોને સમર્થન આપ્યું અને આંતરિક
વિગ્રહોને મદદ કરી એવું ઘણા લોકો માને છે. આજે હિન્દુઓની હત્યા થઈ રહી છે એના
બીજ છેક ઝિયાના શાસનમાં વવાયાં. 1971માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ‘ઓપરેશન
સર્ચલાઈટ’ નર્યો જનસંહાર હતો. લાખો લોકોને મારી નાખવામાં આવ્યા. સ્ત્રીઓ પર બળાત્કાર
કરવામાં આવ્યા. એક જ ધર્મના લોકો દ્વારા એમના જ ધર્મના લોકોની કતલ થાય એવો આ
ભયાનક અને પીડાદાયક હત્યાકાંડ હતો. ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કર્યા પછી પૂર્વ
પાકિસ્તાનના બંગાળીઓની ઓળખ ભૂંસાવા લાગી. જુટ, મસાલા અને રેશમના ઉત્પાદનમાં
કાળી મજૂરી કરતા આ લોકોને પોતાના પરિવારને પાળવા પૂરતા પણ પૈસા મળતા નહીં-
જઠરાગ્નિ અને સ્વમાન જાગી ઉઠ્યાં. વિદ્રોહ થયો જેને દબાવવા માટે પાકિસ્તાને નરસંહાર કર્યો.
કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. 30 મે, 1981ના દિવસે ઝિયાની હત્યા થઈ.
એ જ ચટગાંવમાં જ્યાંથી એમણે બાંગ્લાદેશના અસ્તિત્વની ઘોષણા કરી હતી. એ
એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. લ્યુટેનન્ટ કર્નલ એમ.એ. મંઝુર આ બળવાના
લીડર હતા એમ માનવામાં આવે છે. સવારે બેથી ત્રણની વચ્ચે ચટગાંવના સર્કિટ
હાઉસને ઘેરી લેવામાં આવ્યું. સાવ નજીકથી અનેક ગોળીઓ મારીને એમની હત્યા
કરવામાં આવી. જોકે, બાંગ્લાદેશના આંતરિક વિગ્રહોને કારણે લ્યુટેનન્ટ મંઝુરને
પણ તરત જ પકડીને મારી નાખવામાં આવ્યા… આ ષડયંત્ર કોણે રચ્યું હતું એ
વિશેનું સત્ય કદી કોઈ જાણી શક્યું નહીં.
આ ઘટનાને જો સીધી રીતે જોડવામાં આવે તો 6 વર્ષ સુધી દેશ નિકાલની પરિસ્થિતિમાં
જીવ્યા પછી શેખ હસીના 1981ના 17મી માર્ચે ઢાકા એરપોર્ટ પર ઉતર્યાં અને 1981ની 30મી
મેના દિવસે ઝિયાની હત્યા થઈ! ખાલિદા ઝિયાએ પાકિસ્તાન નેશનલિસ્ટ પાર્ટીનો દોર
સંભાળ્યો. 1972માં થયેલી શેખ મુજીબુર રહેમાનની હત્યાના હત્યારાઓને ઈન્ડેમ્નિટી
ઓર્ડિનન્સ હેઠળ ભગાડી દેવામાં આવ્યા, સંરક્ષણ આપવામાં આવ્યું, પરંતુ 1996માં જ્યારે શેખ
હસીના સત્તા પર આવ્યા ત્યારે કેસ ફરી ખૂલ્યો…
આ બધા સમય દરમિયાન ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચેનું યુધ્ધ ચાલતું રહ્યું.
દુનિયાના પત્રકારો અને મીડિયાએ આ યુધ્ધને ‘બેટલ ઓફ બેગમ્સ’નું ટાઈટલ આપ્યું. ખાલિદા
ઝિયા જ્યારે જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એમણે શેખ હસીનાને દેશ છોડાવવા સુધી ત્રાસ
વર્તાવ્યો તો બીજી તરફ, શેખ હસીના જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એમણે પણ ખાલિદા ઝિયાના
જૂના કેસીસ ખોલીને એમને જેલ કરાવવા સુધીનો સંઘર્ષ કર્યો! ખાલિદા ઝિયાના પતિ ઝિયા ઉર
રહેમાન બાંગ્લાદેશના લશ્કરનો હિસ્સો હતા, પરંતુ શેખ હસીનાના પતિ એમ.એ. વાઝેદ મિયાં
જે એક ન્યુક્લિયર સાયન્ટીસ્ટ હતા, એમણે રાજનીતિથી દૂર રહેવાનું નક્કી કર્યું
હોવા છતાં એમને અને હસીનાના પરિવારને સતાવવામાં આવ્યો. એનર્જી
કમિશન સાથે જોડાયેલા સન્માનપૂર્વકનો વ્યવસાય કરતા અને યુનિવર્સિટી ઓફ
ઢાકાના પ્રોફેસર હોવા છતાં વાઝેદને અવારનવાર રાત્રે જગાડવામાં આવતા.
પૂછપરછ માટે બોલાવવામાં આવતા. એમના બાળકો સાજીદ અને સાયમા નાના હોવા
છતાં એમને પણ સ્કૂલમાં અને બીજી રીતે પજવવામાં આવતા. જોકે, શેખ હસીનાને
એના પતિનો સહકાર ભરપૂર હતો. એમણે કોઈ દિવસ શેખ હસીનાને રાજનીતિથી
દૂર રહેવાનું કહ્યું નથી… દેશના સંઘર્ષમાં પત્નીની જોડાજોડ ઉભેલા એક મજબૂત
છતાં મૌન સાથી તરીકે એમણે હંમેશાં શેખ હસીનાને સહકાર આપ્યો.
નવાઈની વાત એ છે કે, જે બે જણાં એકબીજાના જાનના દુશ્મન હતા
એમણે પણ પોતાના અંગત સ્વાર્થ અને મહત્વકાંક્ષાઓને પૂરી કરવા એક વાર
હાથ મિલાવ્યા. 1990માં ખાલિદા ઝિયા અને બીએનપી સાથે મળીને જનરલ
એચ.એમ. ઈર્શાદ સામે જંગ છેડી. ઝિયા ઉર રહેમાનની હત્યા પછી 1982માં
જનરલ એચ.એમ. ઈર્શાદે સૈનિક બળવો કર્યો. હસીના અને આવામી લીગે માર્શલ
લૉનો ખુલ્લો વિરોધ કર્યો. લોકતંત્ર, સંવિધાન અને સિવિલ લૉની માંગ ઉઠાવી.
બાંગ્લાદેશના અસ્થિર શાસનની વચ્ચે, અર્થતંત્ર હાલમડોલમ થઈ રહ્યું હતું ત્યારે
આ સંઘર્ષ વધુ અઘરો હતો… લોકોને બે ટાઈમનું ભોજન નહોતું મળતું ત્યારે
રાજકીય આંદોલનમાં અમારો સાથ કોણ આપે? 1983માં હસીનાને ગિરફ્તાર કરી
લેવામાં આવી, પણ જેલમાંથી આંદોલન ચાલુ રહ્યું. 1984-85માં પ્રિલિમનરી
ઈલેક્શનની જાહેરાત થઈ. શેખ હસીના વિરોધ પક્ષના નેતા તરીકે સંસદમાં
પ્રવેશ્યા…
પરંતુ, 1990ના ઈલેક્શનમાં ખાલિદા ઝિયા અને બીએનપીએ સાથે
મળીને માસ મુવમેન્ટ કરી જેનાથી ઈર્શાદને રાજીનામું આપવું પડ્યું, માર્શલ
લૉ હટી ગયો, પરંતુ પ્રધાનમંત્રી બનેલા ખાલિદા ઝિયાએ શેખ હસીનાને દગો
કર્યો. વિરોધીને સાથે રાખવાની ચાલ કામયાબ નીવડી-હસીનાને વિરોધ
પક્ષમાં બેસાડીને ખાલિદા પોતાનું પ્રધાન મંડળ બનાવી શક્યા…
એક કહેવત સ્ત્રીની બુધ્ધિની મજાક ઉડાવે છે, પરંતુ બાંગ્લાદેશની બે
સ્ત્રીઓએ પોતપોતાની મહત્વકાંક્ષા અને ઉદ્દેશને લઈને 1972થી શરૂ કરીને
2025 સુધી જે યુધ્ધ કર્યું એ સાબિત કરે છે કે, રાજનીતિમાં પણ સ્ત્રી એટલી જ
કુશળ અને ચતુર હોઈ શકે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *