મેનેજમેન્ટઃ માત્ર શિક્ષણ નહીં, સમજણ પણ!

છેલ્લા થોડા સમયથી એમ.બી.એની ડિગ્રી ખૂબ મહત્વની બનતી જાય છે. માસ્ટર્સ ઈન
બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-વ્યવસ્થાપન અથવા આયોજન, નિર્દેશન, સંકલન અને નિયંત્રણ હવે
લગભગ દરેક સંસ્થાની જરૂરિયાત બનતી જાય છે. મેનેજમેન્ટની વ્યાખ્યા અથવા સમજૂતી તરીકે જો
ટેક્સ્ટ બુક તપાસીએ તો એમાં લખ્યું છે કે, મેનેજમેન્ટ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સંસ્થાના
લક્ષ્યને અસરકારક અને કાર્યક્ષમ રીતે પહોંચી શકાય છે. યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય લોકો દ્વારા
નિર્ધારેલું કામ પૂર્ણ કરવાની પ્રક્રિયાને મેનેજમેન્ટ કહેવામાં આવે છે. હેનરી ફેયોલ નામના
મેનેજમેન્ટના એક વિદ્વાને કહ્યું છે, ‘વ્યવસ્થાપન-મેનેજમેન્ટ એટલે આવનારા દિવસો વિશે ધારણા
કરવી, આપણે જે નિર્ધાર્યું હોય એ માટેની યોજના બનાવવી. ટીમ અથવા કર્મચારીઓને એ માટે
તૈયાર કરવા, ગોઠવવા, યોગ્ય આદેશ આપવો અને યોજનાનું સંકલન તથા નિયંત્રણ કરવું.’ એવી જ
રીતે પીટર ડ્રકર નામના એક મેનેજમેન્ટ ગુરૂ કહે છે કે, ‘મેનેજમેન્ટ કોઈપણ સંસ્થાનું મહત્વનું અંગ છે
જે એના કર્મચારીઓ અને સંસાધનો દ્વારા શ્રેષ્ઠ ઉત્પાદકતાને પહોંચી વળવાનું કામ કરે છે.’
વ્યવસ્થાપન કે મેનેજમેન્ટ માત્ર વ્યવસાય કે કારકિર્દી પૂરતું મર્યાદિત નથી. એક રીતે જોવા જઈએ તો
સમજાય કે, જીવનના દરેક પાસાંમાં મેનેજમેન્ટ અતિઆવશ્યક તત્વ છે. ટાઈમ મેનેજમેન્ટ,
રિલેશનશિપ મેનેજમેન્ટ, કરિયર મેનેજમેન્ટની સાથે સાથે ઈમોશનલ મેનેજમેન્ટ પણ હવે શહેરી
જીવનનો કે આધુનિક જીવનનો હિસ્સો બનવા લાગ્યું છે.
એક રીતે જોવા જાઓ તો મેનેજ કરવું એટલે આવનારી સમસ્યા વિશે તૈયાર રહેવું… સાથે જ
આપણે જે વિચાર્યું હોય કે ધાર્યું હોય એ પરિણામ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કઈ રીતે થઈ શકે એ
માટેના તમામ સંસાધનોને યોગ્ય રીતે કામે લગાડવા. આ જ વ્યાખ્યા સાથે આપણે જો ઈમોશનલ
મેનેજમેન્ટને જોડીએ તો સમજાય કે, માણસનું મન આવનારી સમસ્યા વિશે સામાન્ય રીતે અનભિજ્ઞ
હોય છે. આપણે સારી બાબતોની કલ્પના કરી શકીએ છીએ, પરંતુ સમસ્યા કે મુશ્કેલી વિશે કલ્પના
કરવાનું માણસ માત્રને ગમતું નથી, માટે માણસ ખરાબ સમયે સમસ્યા, મુશ્કેલી વિશે કોઈ ધારણા
કરતો નથી. જોકે, બીજી રીતે જોવા જઈએ તો સમજાય કે, મોટાભાગના લોકોને સારા કરતા ખરાબ
વિચાર પહેલાં આવે છે. કોઈને મોડું થયું હોય, તો એક્સિડેન્ટ થયો હશે-જુઠ્ઠું બોલીને કોઈને મળવા
ગયા હશે જેવા વિચારો તરત જ આવવા લાગે છે. આપણે કોઈને પૈસા આપ્યા હોય-એણે પાછા
આપવાનો વાયદો કર્યો હોય એ જ દિવસે કે સમયે ફોન ન ઉપાડે તો પહેલો વિચાર એ જ આવે છે કે
એમને પૈસા પાછા આપવાની ઈચ્છા નથી-વ્યક્તિ બિઝી હશે, વાહન ચલાવતા હશે, થોડીવારમાં
કરશે, એવા વિચાર આપણને સામાન્ય રીતે આવતા નથી! કેવી નવાઈની વાત છે! આપણે બધા ખોટી
અટકળો કરીએ છીએ, પરંતુ મુસીબત માટે તૈયાર રહેવાનું આપણને સૂઝતું નથી! ઈમોશનલ
મેનેજમેન્ટ શીખવે છે કે, આપણે વિચારો પોઝિટિવ રાખવાના છતાં કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર
રહેવાનું! અંગ્રેજીની એક કહેવત, ‘વર્ક ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ.’ ઈમોશનલ
મેનેજમેન્ટનો સરળ સિધ્ધાંત છે.
ટાઈમ મેનેજમેન્ટનો એક રસપ્રદ સિધ્ધાંત એ છે કે, ખોટી બાબતોમાં સમય બગાડવાનું બંધ
કરી દો. આજની તારીખમાં સોશિયલ મીડિયા પર આપણે જેટલો સમય બરબાદ કરીએ છીએ
એમાંથી અડધો સમય પણ જો બચાવી શકાય તો કેટલાય મહત્વના કામો પતી શકે. ટાઈમ મેનેજમેન્ટ
શીખવું હોય તો ‘પછી કરીશ’ કે ‘ટાઈમ મળશે ત્યારે કરીશ’ એવું બહાનું કાઢવાને બદલે જે કામ,
અત્યારે થઈ શકે એ હમણાં-તરત જ કરી નાખવું. ટાળેલું કામ ક્યારેક તો કરવું જ પડે છે… મોડું થાય
તેમ તેમ કામ કરવાનું આળસ વધે છે એટલું જ નહીં, કેટલીક વાર ટાળેલા કામ વધતા વધતા અંતે
ક્યાંથી શરૂ કરવું એ જ ન સમજાય! બીજી એક મહત્વની બાબત, ટાઈમ મેનેજમેન્ટ સાથે જોડાયેલી
છે, એ છે પ્રાયોરિટી નક્કી કરવાની બાબત. કયું કામ મહત્વનું છે, કરવું જ પડશે અને હમણાં જ કરવું
પડશે એની સાથે કયું કામ થોડું મોડું કરીએ કે આરામથી કરીએ તો ચાલશે એવી સમજણ કેળવવી બહુ
જ જરૂરી છે. કબાટ ગોઠવવાનું છોડીને મિત્રો સાથે નીકળી જવાની મજા તો ચોક્કસ આવે, પરંતુ
પાછા આવીએ ત્યારે એ વિખરાયેલી વસ્તુઓથી ચીડ ચડે! રસોઈ કરવાની હોય એ છોડીને ફોન પર
વાતો કર્યા કરીએ ને પછી જ્યારે જમવાનો સમય થાય ત્યારે ઉતાવળ કરવી પડે ત્યારે ગુસ્સો આવે…
દિવાળીનું હોમ વર્ક જો વહેંચી નાખવામાં આવે તો રોજ એક જ કલાક કામ કરવું પડે, પરંતુ આખું
વેકેશન મજા કર્યા પછી જ્યારે ચાર જ દિવસ બાકી હોય ત્યારે હોમ વર્ક કરવા બેસીએ ત્યારે હોમ વર્ક
ખૂબ વધારે છે, એવું લાગે, કંટાળો આવે!
ત્રીજો મુદ્દો છે રિલેશનશિપ મેનેજમેન્ટ. માણસ માત્ર એના સંબંધોના આધારે જીવે છે. પ્રેમ,
પ્રશંસા, સ્નેહ, સહાનુભૂતિ, સમજણ કે સંવાદ… આપણા બધાની જરૂરિયાત છે. આપણે કારકિર્દી,
વ્યવસાય, શિક્ષણ કે મોજમજામાં સમયનું ભાન રાખ્યા વગર અટવાતા જઈએ-એને કારણે કદાચ
આપણને ભૌતિક (મટિરિયાલિસ્ટિક) લક્ષ્ય તો પ્રાપ્ત થઈ જાય. વ્યવસાયમાં ખૂબ કમાણી થાય,
કારકિર્દીમાં આગળ વધાય કે મિત્રો સાથે ખૂબ મજા કરી શકાય, પરંતુ આ બધું પરમેનેન્ટ નથી. શાશ્વત
કહી શકાય એવી એક જ ચીજ છે અને એ છે સંવેદના. સંપત્તિ, સત્તા, સગવડ પામી લીધા પછી
સામાન્ય રીતે માણસને યાદ આવે છે કે, આ બધું મેળવવાની દોડમાં એણે એના જીવનના આધારસમા
મહત્વના સંબંધો ગૂમાવી દીધા છે. ત્યારે, મોડું થઈ જતું હોય છે! ભૌતિક ચીજવસ્તુઓથી સગવડ
અને સરસાઈ તો મેળવી શકાય છે, પરંતુ સુખ અને સંતોષ મેળવી શકાતો નથી… માણસ માત્રએ
રિલેશનશિપ મેનેજમેન્ટ શીખવું જોઈએ જ્યાં એ પોતાના લક્ષ્ય, મહત્વકાંક્ષા અને ઝંખનાઓની
સાથે સાથે સંબંધ, સંવાદ અને સ્નેહનું બેલેન્સ કરી શકે.
આજકાલ બી.બી.એ અને એમ.બી.એની ડિગ્રીનું મહત્વ વધ્યું છે ત્યારે જીવનની મહત્વની
બાબતોનું મેનેજમેન્ટ પણ આ કોલેજોમાં શીખવાડવામાં આવવું જોઈએ જેથી માણસ વ્યવસાય અને
જીવન બંનેનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *