અભાવમાં સ્વભાવ બદલાયો છે? નિભાવ શીખ્યા?

છેલ્લા બે મહિનાના સમયમાં આપણે બધાએ સાંભળેલી, મળેલી ખબરો ઉપર આધાર રાખીને દિવસો કાઢ્યા છે. મિડિયા હોય કે વ્હોટ્સએપ યુનિવર્સિટી, સચ્ચાઈ સંપૂર્ણપણે કોઈના સુધી પહોંચી નથી, અથવા તો જે પહોંચી તે સંપૂર્ણ સચ્ચાઈ હતી કે નહીં એવી ખાતરી કરવાનો પ્રયત્ન આપણે કોઈએ કર્યો નથી. લોકડાઉન-4.0 દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસીસ વધ્યા એવી એક ફરિયાદ અખબારો અને મિડિયામાં સંભળાતી રહી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, નિયમો પળાતા નથી અને ડિસઈન્ફેક્શન, સેનેટાઈઝેશન પણ જેવું અને જેટલું થવું જોઈએ એવું અને એટલું થતું નથી, લોકો માનતા નથી… આવી અનેક ફરિયાદો આપણે સાંભળતા રહ્યા. વ્હોટ્સએપમાં આ ફરિયાદોને સપોર્ટ કરતા ફોટા પણ વાઈરલ થતા રહ્યા.

આપણા દેશમાં બેફિકરાઈ અને બેદરકારીને બહાદુરી માનતા લોકો વસે છે. 22 માર્ચે આપણે સ્વયંભૂ બંધ પાળ્યો. એ પછીથી આજ સુધી, 70 દિવસમાં આપણે બધી વસ્તુ વિના ચલાવી શક્યા, ઘરમાં રહી શક્યા, કારણ કે આપણને પહેલી વાર આપણા મૃત્યુનો ભય લાગ્યો. હવે લોકડાઉન ખુલ્યું છે, આજથી મોટાભાગના રાજ્યોને એમની જવાબદારી સોંપી દેવામાં આવી છે. કેન્દ્રએ પોતાની પકડ થોડી ઢીલી કરી છે, કારણ કે એમણે હવે બીજી બાબતો ઉપર પણ ધ્યાન આપવું પડશે. જ્યાં સુધી ઘરમાં બંધ હતા ત્યાં સુધી આપણને ખબર પણ નહોતી પડી, પાંવભાજી, પાણીપુરી અને પીઝા-પાસ્તાના ફોટા કે અનેક કલાકારોએ ઘરમાં રહીને બનાવેલી શોર્ટ ફિલ્મ્સ સોશિયલ મિડિયામાં ફરતી રહી. આપણે પણ ઓટીટી પ્લેટફોર્મ પર જાત-જાતનું જોતા રહ્યા અને મજા કરતા રહ્યા. પરિવારને સમય આપ્યો… પણ હવે આ બધું ખતમ થઈ ગયું. છેલ્લા થોડા સમયથી એક વિચિત્ર ડિપ્રેશન જોવા મળે છે. લગભગ દરેક વ્યક્તિ જે શરૂઆતમાં પરિવારને સમય આપવાની વાત કરતી હતી, કુદરતે આપણને સ્વયં સાથે સમય વિતાવવાનો મોકો આપ્યો છે, એમ કહીને પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરતા હતા એમાંના મોટાભાગના લોકો ‘હવે પછી’ના સવાલોમાં ગૂંચવાઈ ચૂક્યા છે.

લોકડાઉન ખુલ્યું છે, દુકાનો ખુલી છે, પણ કોરોનાનો ભય યથાવત છે… એટલું જ નહીં, ઘરમાં બંધ હતા ત્યાં સુધી જે વાતો વિશે વિચાર્યું જ નહોતું એ બાબતોનો ભય પણ હવે ધીમે ધીમે આળસ મરડીને જાગી રહ્યો છે. નોકરીઓ જશે, પગાર કપાશે, ધંધામાં પણ થોડીક ઓટ આવ્યા વગર રહેશે નહીં. આ બધું સાચું હોવા છતાં જિંદગી અટકી નથી, ક્યારેય અટકશે નહીં એ સત્ય છે. બાળકો જન્મે છે, શ્વાસ ચાલતા રહે છે, વૃક્ષોના નવા પાંદડા ઉગતા રહે છે, સવારે સૂરજ ઉગે જ છે અને પ્રકૃતિ પોતાનું કામ કરતી રહે છે. અટક્યા તો આપણે, કારણ કે ભટક્યા !

રસ્તો ભૂલી ગયા એટલે ગૂંચવાયા, ગૂંચવાયા એટલે અટવાયા… હવે, આ ગૂંગળામણ, અકળામણ, બેચેની આપણા જીવનનો હિસ્સો બની ગઈ. છેલ્લા બે મહિનામાં ગમે તેટલું પોઝિટિવ રહેવાનો પ્રયાસ કર્યાં છતાં ડોમેસ્ટિક વાયોલેન્સના કિસ્સા વધ્યા છે, કેટલાક પરિવારોમાં ઝઘડા થયા છે, વૃદ્ધ માતા-પિતા અને સંતાનો, કે ટીનએજ સંતાનો અને માતા-પિતા વચ્ચેના સંબંધોમાં એક અજબ જેવો તનાવ આવ્યો છે. બધા પોતપોતાની દિશામાં બહાર નીકળી જતા હતા ત્યારે થોડોક જ સમય સાથે વિતાવવો પડતો. હવે બે મહિનાના ચોવીસ કલાક સાથે વિતાવવા પડ્યા ત્યારે આકરું પડ્યું છે, સહુને નહીં, પરંતુ કેટલાક ઘરોમાં સંબંધો એટલા બધા તંગ થઈ ગયા છે કે લોકડાઉન સંપૂર્ણપણે ખૂલે તો સાથે નહીં રહી શકાય એવું પણ કેટલાક લોકોએ નક્કી કરી લીધું હશે. આમાં કોઈનો વાંક નથી. સત્ય એ છે કે આપણે બધા સંબંધોની બાબતમાં સ્વાર્થી થઈ ગયા હતા, હજી છીએ.

સામેની વ્યક્તિ આપણને એડજસ્ટ કરે એવો આગ્રહ હંમેશા રાખ્યો, પરંતુ આપણે પણ એડજસ્ટ કરવું પડશે એવી તૈયારી નહોતી. આ બે મહિનાએ સહુને એકબીજા સાથે રહેવાની ફરજ પાડી, એટલું જ નહીં જે નહોતું કર્યું તે બધું જ કરવું પડ્યું. શરૂઆતમાં મજા પડી. આ બદલાવ થોડા દિવસ તો પિકનીક જેવો લાગ્યો, પરંતુ જેમ લોકડાઉન લંબાતું ગયું તેમ તંગદીલી વધતી ગઈ. આર્થિક સંકડામણ અને ઘરની ગૂંગળામણ પણ પોતાની ભીંસ વધારતી ગઈ. અંતે તો સૌ માણસ જ છે ને ? સંજોગો સામે ટકવાની ક્ષમતા દરેકની સરખી ન હોય… એટલે એકબીજા પર ઉતારવા લાગ્યા, પોતાની ચિંતા અને અકળામણનો ભાર… દરેક પાસે પોતાનો ભાર તો હતો જ એટલે બીજાએ ઉતારેલો બોજ ઉઠાવવાની કોઈની તૈયારી નહોતી. બસ ! ત્યાંથી શરૂ થઈ ડિપ્રેશન, ડોમેસ્ટિક વાયોલેન્સ અને સંબંધોની તંગદિલી.

આપણે આટલા દિવસ પોઝિટિવિટીની વાતો કરી, પોઝિટિવ રહેવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ પણ કર્યો, એકબીજાને એડજસ્ટ કરવાની કોશિશ કરી, પરંતુ સત્ય એ છે કે આ બધું ભીતરથી કર્યું નથી. ‘થોડા દિવસ છે.’ એમ માનીને જે કર્યું છે તે સંબંધ કે સ્વયંને સુધારવાનો પ્રયાસ નથી. થોડા દિવસ કરેલું બધું જ, થોડા દિવસ પછી પૂરું થઈ જાય છે. સોનાનું પાણી ચઢાવેલા દાગીના થોડા દિવસમાં ઝાંખા લાગવા માંડે એમ જ ! જેમ જેમ લોકડાઉન ખુલવા માંડ્યું છે, તેમ તેમ આપણે ‘હતા તેવા’ થવા માંડ્યા છીએ. આટલા દિવસમાં ઘણું શીખ્યા એવું આપણે જ આપણી જાતને કહેતાં હતાં, પણ શીખેલા પાઠ ટક્યા નહીં કદાચ ! આ આપણી બદનસીબી છે કે બદગુમાની, એ તો આપણે જ કહી શકીએ.

અગત્યનું એ છે કે આ વિતેલા દિવસોમાં જે બન્યું છે એમાંનું થોડું ભૂલવાનું છે અને થોડું યાદ રાખવાનું છે. જે સારું શીખ્યા છીએ તે યાદ રાખવાનું છે અને જે ખરાબ-કડવું બન્યું છે એ ભૂલવાનું છે, કારણ કે એને માટે કદાચ આપણે નહીં, સમય જવાબદાર હતો. સત્ય તો એ છે કે આવી રહેલો સમય હજી વધુ ખરાબ આવવાનો છે. આપણે એને સ્વીકારીને જીવતાં શીખવાનું છે. ગમે તેટલા ધમપછાડા કરીએ, જાતને ગમે તેટલી બહાદૂર માનીએ કે આપણને કોઈ પણ વ્યક્તિ વિના ચાલશે એવી ડંફાસ હાંકીએ, પરંતુ આપણે જે સમયમાંથી પસાર થયા છીએ એ સમયના શીખેલા પાઠ હવે આપણને બાકીની જિંદગી જીવવામાં મદદરૂપ ન થાય તો માનવું કે ક્યાંક આપણી જ ભૂલ, ક્યાંક આપણે જ ખોટા.

જો વિતેલા સમયમાંથી બહાર નીકળીને થોડા વધુ સરળ અને સહજ થઈ શક્યા હોઈએ, વધુ શાંત થઈ શક્યા હોઈએ તો માનવું કે સમયની સર્વોપરીતાને આપણે સમજ્યા છીએ અને આ સમજણ હવે ટકાવી રાખવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *