હૈરાન હૂં મેરે દિલ મેં સમાયે હો કિસ તરહ…

માણસની સરેરાશ જિંદગીમાં એ કેટલા માણસોને મળતો હશે ? ઓળખીતા, મિત્રો, સ્નેહી, સ્વજન, સગાં અને પ્રિયજન… આવા અનેક વિભાગમાં આપણે આપણી જિંદગીમાં રહેલા લોકોને વહેંચી શકીએ. કેટલાક લોકો આપણને મળે પછી તરત વિસરાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એક વાર મળે તો પણ ભૂલાતા નથી. સાથે રહેતા માણસોને આપણે પૂરા ઓળખી નથી શકતા. જ્યારે કેટલીક વાર આપણાથી વિખૂટા પડી ગયેલા લોકોને પણ આપણે એટલા સારી રીતે ઓળખીએ છીએ કે એમની સાથે જીવતા લોકોને નવાઈ લાગે ! મનથી મનની ઓળખાણ હોય છે, સંવાદ પણ બે મન વચ્ચે હોઈ શકે. શબ્દો તો માત્ર આપણા મગજમાં ચાલતા વિચારોની અભિવ્યક્તિ છે. ધીમે ધીમે આપણે એટલા ચાલાક થઈ ગયા છીએ કે લાગણીની અભિવ્યક્તિને પણ ગોઠવીને મુકવા લાગ્યા છીએ. શું મળશે, અને શું આપવું પડશે… આ બે સવાલો પૂછાય એને સંબંધ નહીં વ્યાપાર કહેવાય. સંબંધો સમયના મહોતાજ નથી. કોણ, કોને, કેટલા સમયથી ઓળખે છે કે કોની સાથે કેટલો સમય વિતાવે છે એના ઉપર જો સંબંધોનો આધાર હોત તો અનેક વર્ષો સાથે વિતાવનાર પતિ-પત્ની એકબીજાથી દૂર ન હોત… માતા-પિતા અને સંતાન એકબીજાની વિરુદ્ધ ન હોત !

‘સંબંધ’ નો અર્થ છે સમ-બંધ. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ એટલે એમની વચ્ચે સમાન પ્રકારની લાગણીનો સેતુ. આ સેતુનો ધ્યેય બે વ્યક્તિને જોડવાનું છે. મન, મગજ, ઈમોશન કે સ્વાર્થથી પણ જોડાઈ શકે ! ‘સેતુ’નો અર્થ જ પ્રવાસ છે. એક તરફથી બીજી તરફ જવા માટેનો પ્રવાસ. માણસોના મન બે કિનારા જેવા જ હોય છે. સમાંતર અને જુદા. એમની વચ્ચે જ્યારે સેતુ બંધાય ત્યારે ‘સંબંધ’ જન્મે છે. બ્રિજ ઉપર રહેવાય નહીં, માત્ર પસાર થવાય ! રહેવું તો કિનારે જ પડે. દરેકે પોતાનો કિનારો અકબંધ રાખવો પડે છે. આપણે જેવા છીએ તેવા રહીને જ જો સામેના કિનારા સાથે સેતુ બાંધી શકાય તો એ સંબંધનું આયુષ્ય લાંબુ હોય છે. બીજાના કિનારે વસવાનો પ્રયાસ કરનાર, કે બીજાને પોતાના કિનારે ઢસડવાનો આગ્રહ રાખનાર અંતે થાકી જાય છે. છેલ્લા થોડા સમયથી ‘સમાધાન’ કે ‘એડજસ્ટ’ જેવા શબ્દો આપણી જિંદગીમાં ઉમેરાયા છે. અર્થ એ થયો કે આપણે બધા સેતુ ઉપર ઘર બાંધવાના આગ્રહી થતા જઈએ છીએ. સ્વાર્થ કે જરૂરિયાતના સમાધાનથી જોડાયેલા સંબંધનો પુલ કાચો હોય છે ! જેની પાસે પોતાના કિનારા પર પોતાનું અસ્તિત્વ હોય છે, એ સામેની વ્યક્તિના કિનારા અને અસ્તિત્વ બંનેને સમજી શકે છે અથવા સન્માન આપી શકે છે. એવા લોકોના સંબંધનો પુલ મજબૂત અને વજન ખમી શકે એવો હોય છે.

સતત સંબંધની અભિવ્યક્તિ થયા જ કરવી જોઈએ, મળ્યા જ કરવું પડે, રીએશ્યોરન્સ આપ્યા જ કરવું પડે, એવા સંબંધ મૃતઃપ્રાય થઈ જતા હોય છે. કેટલાક સંબંધો રોજ પાણી રેડીને લીલા રાખવા પડતા છોડ જેવા હોય છે. થોડા દિવસ પાણી ન મળે તો તરત મુરઝાઈ જાય… પરંતુ કેટલાક સંબંધો વર્ષો વિત્યા પછી ઘટાટોપ વૃક્ષ જેવા થઈ જાય છે. પાણી રેડો કે નહીં, એને ઝાઝો ફેર પડતો નથી. સિઝનલ વરસાદમાં એ પોતાની જરૂરિયાતના પાણીનો સંગ્રહ કરી લે છે. જ્યારે મળીએ કે વાત થાય, એકબીજા સાથે સમય વિતાવી શકાય ત્યારે એ સંબંધ પોતાની જરૂરિયાતનો પ્રેમ, સ્નેહ કે લાગણીઓ સ્ટોર કરી લે છે, એવા સંબંધો ફળ આપી શકે છે !

સંબંધોમાં મેઈન્ટેનન્સ માગનારા વ્યક્તિને એ નથી સમજાતું કે આ કોઈ મશીન નથી, અહીં કોઈ એ.એમ.સી. કોન્ટ્રાક્ટ આપવાથી બધું બરાબર ચાલશે એવું વચન આપી કે લઈ શકાતું નથી. સંબંધોમાં લેવડ-દેવડ કે પાર્ટનરશીપનો વિચાર કરનાર લોકોને એ નથી સમજાતું કે આ એમ.ઓ.યુ. નથી. ‘હું શું કરીશ’ અને ‘તમે શું કરશો’, એવા વચનોની આપ-લે કરીને, સમય સમયાંતરે એને યાદ કરાવનારા, એનો હિસાબ માગનારા લોકો સંબંધમાંથી કશું જ પામી શકતા નથી.

આપણે કોઈ સ્ત્રી-પુરુષના સંબંધની વાત કરતા નથી… વિશ્વના કોઈપણ બે માણસો વચ્ચેના સંબંધની આ વાત છે ! માલિક-નોકર, ભાઈ-બહેન, પડોશી કે બસ અથવા વિમાનમાં પ્રવાસ કરનારા બે સાવ અજાણ્યા સહપ્રવાસી વચ્ચે પણ એક સંબંધ હોય છે. દરેક સંબંધની સમયાવધિ નિશ્ચિત હોય છે. સત્ય તો એ છે કે વ્યક્તિ હોય કે નહીં, તેમ છતાં જે ટકે એનું નામ સંબંધ ! આપણે સંબંધને ‘બાંધવો’ સાથે જોડીએ છીએ. સત્ય તો એ છે કે સ્વસ્થ સંબંધ બે મુક્ત વ્યક્તિઓ વચ્ચે જ સંભવી શકે. ગાંઠો વાળવાથી સંબંધ ‘બાંધી’ શકાતો નથી.

એક લેખક સાથે એક વાચકનો સંબંધ, એક સ્ટાર સાથે એના ફેનનો સંબંધ મળવાથી ટકે છે? કોઈ એક વ્યક્તિને ચાહવા માટે એની હાજરીને જરૂરી માનનારા બધા જ કદાચ ઈશ્વર સાથે અન્યાય કરે છે. એની હાજરીની કોઈ સાબિતી નથી, તેમ છતાં આ જગતના તમામ ધર્મો એના હોવાની સાક્ષી પૂરે છે. જો ઈશ્વર વિશે આપણે એવી કોઈ સાબિતી કે હાજરીનો આગ્રહ નથી રાખતા તો એના જ સર્જેલા આ વિશ્વમાં, એના જ રચેલા માણસો સાથેના સંબંધમાં એવો આગ્રહ શા માટે ? જે ઈશ્વર આપણને આપણા મિત્રની, પ્રિયજનની આંખોમાં દેખાય છે એ જ ઈશ્વર આપણને અણગમતી વ્યક્તિ કે જેને આપણે દુશ્મન માનતા હોઈએ એ વ્યક્તિની આંખોમાં પણ વસે જ છે. એ આપણને દેખાતો નથી, કારણ કે આપણે એને ત્યાં જોવો નથી.

જેનો વિચાર માત્ર કરવાથી આપણી નજર સામે તાદ્રશ્ય થઈ શકે એવો સંબંધ ફક્ત ઈશ્વર સાથે હોઈ શકે… આપણે જે વ્યક્તિને આપણા ઝહેનમાં, મનમાં ઊંડી ઉતરવા દીધી હોય એ વ્યક્તિ કે વિભૂતિ, ઈન્સાન કે ઈશ્વર આપણા હૃદયમાં પોતાની જગ્યા બનાવી લે છે. આમ જુઓ તો હૃદય શરીરનો એક અવયવ છે. એનું કામ લોહી પમ્પ કરવાનું છે, તેમ છતાં એને આપણે આપણી સ્મૃતિ સાથે, સ્નેહ સાથે, ઈમોશન સાથે જોડીએ છીએ, કારણ કે એ શરીરનો મુખ્ય અવયવ છે. એ ધબકે છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ છે… આપણું અસ્તિત્વ છે, ત્યાં સુધી જ લાગણીની અભિવ્યક્તિ સંભવ છે ! જે ઈન્સાન કે ઈશ્વર આપણી ભીતર, આપણા અસ્તિત્વ સાથે એકાકાર થઈ જાય એને જ હૃદયમાં સ્થાન આપી શકાય છે. એ આપણા લોહી સાથે નસોમાં વ્યાપી જાય છે, મગજ સુધી પહોંચી જાય છે… ત્યારે સમજાય છે કે એ ઈન્સાન કે ઈશ્વર વગર આપણું અસ્તિત્વ અધૂરું છે. જેની જિંદગીમાં આવો એકાદ પણ સંબંધ હોય, જેની પાસે આવો એકાદ વિચાર કે વ્યક્તિ હોય, જેની પાસે પરમતત્વ સાથે આવું અનુસંધાન હોય એને પોતાને જ ક્યારેક આ દિવાનગી પર હૈરાની થાય (નવાઈ લાગે), કારણ કે અસ્તિત્વ સાથે અસ્તિત્વનું કે અસ્તિત્વ સાથે પરમતત્વનું એક થઈ જવું એ જ સાચો સંબંધ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *