‘હું ધર્મને જીવનની કળા કહું છું. ધર્મ કોઈ પૂજાપાઠ નથી. ધર્મને મંદિર કે મસ્જિદ સાથે
કંઈ લેવાદેવા નથી. જીવનમાં હજાર પાંખડીઓવાળું કમળ ખીલે. તમારી ભીતર એવી સુંદર
ભાવભંગિમાંઓ જાગે. મીરાંનું નૃત્ય અને ચૈતન્યના ભજન પ્રગટ થાય એવા કલાત્મક ઢંગથી
પ્રસાદપૂર્ણ રીતે જીવવું એ જ ધર્મ છે.’ આ ઓશોના શબ્દો છે. એ જ્યારે જીવંત હતા ત્યારે અને
એ પછી પણ સતત વિવાદમાં ઘેરાયેલા રહ્યા. એમની વાતો કદાચ એમના સમયથી બહુ વહેલી
કહેવાઈ ગઈ, માટે એમના સમયના લોકોને સમજાઈ નહીં. આજે, જ્યારે એ નથી રહ્યા ત્યારે
એમણે કહેલી વાતો-કરેલી વ્યાખ્યાઓ અને એમનું ચિંતન અનેક લોકો ‘પોતાનું’ કહીને કરોડો
કમાઈ રહ્યા છે!
ઓશો જેવી જ એક ફિલોસોફી આપણને આપણા પુરાણમાંથી મળે છે. જેમ ઓશોની
ફિલોસોફી અથવા દર્શન વિશે બે તીવ્ર મતો પ્રવર્તે છે, એવી જ રીતે એક બીજી ફિલોસોફી અથવા
દર્શન છે જેના વિશે આપણને ઓછી જાણ છે, પરંતુ એ વિશે પણ આવા જ બે તીવ્ર મત પ્રવર્તે
છે. કેટલાંક લોકો એ ફિલોસોફી અથવા દર્શનના દિવાના છે અને કેટલાંક લોકો એના તરફ
સુગાળવી અણગમાની નજરથી જુએ છે.
એ ફિલોસોફી ચાર્વાકની ફિલોસોફી છે. ‘ઋણં કૃત્વા ઘૃતં પીબેત’ ચાર્વાક દર્શનનો બહુ
જાણીતો શ્લોક અથવા મત છે. એનું કહેવું એમ છે કે યજ્ઞમાં દેવું કરીને ઘી હોમીએ એને બદલે જો
એટલું ઘી આપણે પીએ તો આપણને સ્વાસ્થ્ય અને વધુ કામ કરવાની શક્તિ મળે. ચાર્વાક
દર્શનનો એક બીજો પ્રસિધ્ધ શ્લોક છે,
યાવજ્જીવેત્સુખં જીવેન્નાસ્તિ મૃત્યોરગોચરઃ ।
અસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુતઃ ।।
‘મૃત્યુથી કોઈ બચી શકતું નથી, દેહ રાખ બની જાય, ભસ્મીભૂત થઈ જાય એટલે ફરી
પાછા આ ધરતી પર આવવાનું નથી માટે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આનંદ કરીએ અને
જીવીએ ત્યાં સુધી સુખમાં જીવીએ.’ આ ચાર્વાકવાદની મહત્વની ફિલોસોફી અથવા બિલીફ છે.
‘ચાર્વાક.’ ચારુ+વાક્= મીઠી આકર્ષણવાળા અથવા મધુર ભાષા ધરાવતા એવા આ વાક્
ચતુર લોકો ચાર્વાક દર્શકનો હિસ્સો છે. એમ કહેવાય છે કે, ચાર્વાક કોઈ વ્યક્તિનું નામ નથી, જે
લોકો પરલોક, પુનર્જન્મ, દેવના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતાં એવા લોકોની ઓળખ ચાર્વાક
સંપ્રદાય અથવા દર્શનના વ્યક્તિ તરીકે કરવામાં આવે છે.
તત્વચિંતન, તત્વજ્ઞાન, ફિલોસોફી કે સમજણ જેવી બાબતો માટે ‘દર્શન’ શબ્દ વપરાય
છે. માણસ પોતાની સમજણથી ભીતર જોઈને-ભીતરના અનુભવ અને સંવાદમાંથી જે મેળવે
એને કદાચ ‘દર્શન’ કહેતા હશે. દેવસ્થાનમાં મૂર્તિની સમક્ષ ઊભા રહેવા માટે પણ આ જ શબ્દ
પ્રયોજાય છે. બૌધ્ધ, જૈન, સૂફી, તાવો જેવાં ‘દર્શન’ એટલે કે ફિલોસોફીની જેમ જ ચાર્વાક પણ
એક ફિલોસોફી છે. આને માટે લોકાયત બાર્હસ્પત્ય, ચાર્વાક, પૌરંદર જેવાં નામો પણ વપરાય છે.
‘લોકેષુ આયતમ્’ એટલે કે લોકો અને માનવ સમાજમાં ફેલાયેલો એવો વિચાર લોકવ્યાપી અથવા
પ્રચલિત વિચાર પણ ચાર્વાક દર્શનની એક ઓળખ છે. આ દર્શનને કેટલાક લોકો ભૌતિકવાદી,
જડવાદી, નાસ્તિકવાદી, અનાત્મવાદી, સુખવાદી, સ્વભાવવાદી, સ્વાર્થવાદી અને
સ્વેચ્છાચારવાદી જેવાં શબ્દોથી પણ ઓળખે છે. 2500 વર્ષ કે એથી પણ વધુ જૂનો આ વિચાર
હોઈ શકે એવું પંડિતો માને છે. છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વેતર અને કથોપનિષદ વગેરે
શાસ્ત્રોમાં કેટલાક વાક્યો એવા મળે છે જે ચાર્વાક વાદના માત્ર શારીરિક અસ્તિત્વ કે ભૌતિક
અસ્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. એમની નીતિમત્તા જુદા પ્રકારની છે. એમના દર્શનને ‘સુખવાદ’
પણ કહેવાય છે, કારણ કે ચાર્વાક પરંપરા માને છે કે જ્યાં સુધી જીવતાં હોઈએ ત્યાં સુધી શારીરિક
સુખનો પૂરેપૂરો ઉપભોગ કરવો. સંયમ, નિરોધ, અવરોધ, ત્યાગ જેવી બાબતોનો ચાર્વાક પરંપરા
વિરોધ કરે છે.
ચાર્વાક પરંપરાનો એક શ્લોક કહે છે કે, માણસ જો એમ માને કે સંસારમાં દુઃખ જ દુઃખ
છે અને સુખને ત્યાગવાથી દુઃખ નહીં મળે તો એ મૂર્ખ છે. દુઃખના ભયથી સુખને ત્યાગવા
જેટલી મોટી મૂર્ખતા બીજી કોઈ નથી. અનાજમાં જેમ કાંકરા હોય એમ સુખની વચ્ચે રહેલા
દુઃખને કાઢીને સુખ ભોગવવું એ જ ચાર્વાકની ફિલોસોફી છે.
દેવોના ગુરૂ આંગિરસ બૃહસ્પતિ આ દર્શનના પ્રણેતા છે એમ કેટલાંક લોકો માને છે.
ભારતીય સંસ્કૃતિના દર્શન પ્રમાણે અનેક બૃહસ્પતિ છે. કેટલાંક પંડિતો માને છે કે, દાનવોના ગુરૂ
શુક્રાચાર્ય આ મત લઈ આવ્યા હોવા જોઈએ, પરંતુ જેણે પણ આ વિચાર મૂક્યો છે એ અન્યથી
ભિન્ન અને એ સમયે પ્રવર્તી રહેલા આશ્રમ અને વર્ણવ્યવસ્થાના વિરોધમાં આ વિચારને રજૂ કરે
છે એટલું નક્કી છે.
એક ગ્રંથમાં વિગત છે કે, ચાર્વાક એક પ્રખ્યાત આચાર્ય હતા. વાચસ્પતિએ લખેલા
લોકાયત શાસ્ત્રના પ્રચારમાં એમણે ચાર્વાક પરંપરાનો આરંભ કર્યો. મહાભારત શાંતિપર્વમાં
ચાર્વાક એક રાક્ષસ સ્વરૂપે મળે છે. એ બ્રાહ્મણ વેશમાં દુર્યોધનનો મિત્ર બનીને આવે છે. એક
ગ્રંથમાં ચાર્વાકને એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને એના પ્રમાણમાં પણ
એ ગ્રંથમાંથી મળે છે. આ બધા વિવિધ મતો પરસ્પર વિરોધી છે, પરંતુ એક વાત નક્કી છે કે,
જેણે પણ આ પરંપરાની સ્થાપના કરી એને ઈશ્વર અને યજ્ઞયાગાદિ, કર્મકાંડ સામે વિરોધ હોવો
જોઈએ. વૈદિક પરંપરાઓ સામે બંડ પોકારનાર અને ભયાનક તર્ક ધરાવતો જ્ઞાની માણસ હોવો
જોઈએ કારણ કે, એણે જે કંઈ લખ્યું છે એ તર્કબધ્ધ અને મજબૂત દલીલો સાથે લખ્યું છે.
જુદા જુદા સમયમાં જુદા જુદા ચાર્વાકવાદીઓ અથવા પરંપરાના વાહકો મળ્યા છે.
ઋગ્વેદના સમયમાં ધિષણ, પરમેષ્ઠિન, અનિલ, મહિદાસ, ભૃગુ વગેરે, ઉપનિષદના સમયમાં
ઉદ્દાલક આરુણિ, રૈકવ, યાજ્ઞવલ્ક્ય વગેરે, પૌરાણિક કાળમાં જાબાલિ, ભારદ્વાજ વગેરે, બૌધ્ધના
સમયમાં પુરણકશ્યપ, સંજય વેલટ્કિપુત્ત, અજિત કેશકમ્બલ, મક્ખલિ ગોસાલ, પ્રકુદ્ધ
કાત્યાયન, નિગંઠ નાતપુત્ત વગેરે, જૈનકાળમાં રાજા પએસિ, ઈન્દ્રભૂતિ, વાયુભૂતિ, સમ્ભિન્નમતિ,
કમ્બલાશ્વતર વગેરે અને બુધ્ધોતર સમયમાં પુરંદર, કૌટિલ્ય, વાત્સ્યાયન વગેરેને ચાર્વાકવાદી
ગણાવી શકાય.
જોકે, આ બધા સંપૂર્ણપણે ચાર્વાકવાદી નથી એવું પણ કેટલાંક ગ્રંથો કહે છે. મોટાભાગના
તમામ ઋષિઓ ચાર્વાકવાદના કેટલાંક સિધ્ધાંતોને માનતા હતા. જેમ કે, પ્રમાણ-પ્રત્યક્ષ પ્રમાણ
મળે તો જ એ સત્ય છે. ઈશ્વરના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી માટે ચાર્વાકવાદીઓ એને નકારે
છે. ચાર્વાક પુનર્જન્મમાં માનતા નથી અને સ્વર્ગ-નર્કનો વિચાર પણ એ નકારે છે.
ચાર્વાક દર્શનનો એક શ્લોક કહે છે,
ન સ્વર્ગો નાપવર્ગોવા નૈવાત્મા પારલૌકિકઃ
જો શોધવા જઈએ તો સ્વર્ગ ક્યાં નથી? અને ક્યાંક બીજે સ્વર્ગ છે એવી લાલચમાં
ફસાઈને અત્યારે મળેલું સ્વર્ગ ખોવું નહીં. મોક્ષ ક્યાંય નથી અને પરલોક તરફ ગતિ કરતો આત્મા
પણ અસ્તિત્વ ધરાવતો નથી.