સાયબર ફ્રોડના કિસ્સાઓ દિવસ-રાત વધી રહ્યા છે. હવે માત્ર ઓટીપીનો ખેલ નથી રહ્યો. ફૂડ
અને પાર્સલ ડિલીવરી કરતી કંપનીના ઓટીપી, કુરિયર કંપનીના ઓટીપીની સાથે સાથે ફેક વેબસાઈટ્સ
ગુગલ ઉપર શિકારની પ્રતીક્ષા કરે છે. રેલવેની ટિકિટ કે પ્લેનની ટિકિટ બુક કરવા માટે પણ જો ક્રેડિટ
કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કોઈ અજાણ્યા શહેરમાં એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા
હોય, તો દરેક જગ્યાએ ટાંપીને બેઠેલા સાયબર ફ્રોડના શિકારીના સકંજામાં સપડાતા લોકોની સંખ્યા
વધતી જાય છે. ફોન સેક્સ, ડેટિંગ વેબસાઈટ્સ પર ચાલતા ફ્રોડના કિસ્સાઓમાં પૈસા ગૂમાવવાની સાથે
સાથે આત્મહત્યા સુધી પહોંચી ગયેલા કિસ્સાઓ પણ ઓછા નથી. હવે એક નવી સમસ્યા ઊભી થઈ
છે… એક સમાચાર મુજબ સોશિયલ મીડિયા પર મળતા ‘બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ’માં અટવાઈ જતા
ટીનએજર્સનો આંકડો આપણને ડરાવી દે એ હદે વધી રહ્યો છે. આ ટીનએજર્સ ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર
એકબીજાના સંપર્કમાં આવે છે. લાંબા સમય સુધી ચેટિંગ ચાલે છે પછી, ક્યારેક મળે છે… આ મુલાકાત
સામાન્ય રીતે બહુ ખતરનાક નીવડે છે!
સોશિયલ મીડિયા ઉપરની બધી જ વિગતો-પ્રવાસ અને મિત્રો, શોખ, ગમા-અણગમા સહિત
ઘર, પરિવાર આ ટીનએજર્સ પૂરેપૂરા હોમવર્ક સાથે ત્રાટકેલા આ સાયબર ફ્રોડના શિકારીઓની જાળમાં
ફસાય છે. મળવા ગયેલી છોકરી, અને હવે તો છોકરો, પણ શારીરિક સંબંધ બાંધી બેસે છે. એના વીડિયો
બને છે. આ વીડિયો દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે-પૈસા પડાવવા સુધી તો કદાચ, સમજી શકાય,
પરંતુ ડ્રગ્સના બિઝનેસમાં અને બીજા ખોટા કામોમાં પણ આવા ટીનએજર્સને ધકેલી દીધાના દાખલા
સાયબર ક્રાઈમમાં નોંધાયા છે.
માની લઈએ કે ટીનએજર્સને દુનિયાની સમજ નથી અથવા આકર્ષણ કે ઈનફેચ્યુએશનમાં
ઘસડાઈને એ ભૂલ કરી બેસે, પરંતુ આધેડ વયના સ્ત્રી-પુરુષો પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના રવાડે
ચડીને પોતાના પારિવારિક જીવન બરબાદ કરી રહ્યા છે. આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ સત્ય એ છે
કે સ્કૂલમાં, કોલેજમાં સાથે ભણતા કેટલાય લોકો હવે સોશિયલ મીડિયાના કારણે એકબીજાના સંપર્કમાં
આવ્યા, ધીમે ધીમે એ સંપર્ક વધે-ક્યારે આકર્ષણમાં અને શારીરિક સંબંધ સુધી પહોંચી જાય એનું ભાન ન
રહે… પછી પરિવાર સુધી આ વાત પહોંચે ત્યારે બાળકો, જીવનસાથી, માતા-પિતા સૌએ આવા
સોશિયલ મીડિયા પર શરૂ થયેલા એક વર્ચ્યુઅલ સંબંધનું નુકસાન સહેવું પડે. સવાલ એ થાય છે કે
ટેકનોલોજીએ માણસને ફાયદો કર્યો કે એના જીવનને બરબાદ કર્યું?
માણસ કદાચ, આ જ હતો… બેફામ, તકસાધુ, સ્વાર્થી અને લોલુપ! શારીરિક સંબંધ માટે
‘કંઈપણ’ કરવા તૈયાર! સોશિયલ મીડિયાએ એક નવી દુનિયા ખોલી આપી છે, જેને કારણે માણસની
અંદર સૂતેલા જાનવરની સુસુક્ત ઝંખનાઓ જાગી ચૂકી છે. એકમેકને મળવાની આટલી બધી તકો ન હોય
એને કારણે આજથી દોઢ દાયકા પહેલાં આવા સંબંધો આ રીતે અને આ હદ સુધી પાંગરતા નહોતા.
પારિવારિક જવાબદારીઓ અને નોકરી કે વ્યવસાયની જવાબદારી હોવાને કારણે પણ સ્ત્રી કે પુરુષ
પોતાના ઘરમાંથી, ઓફિસમાંથી નીકળીને આવા સંબંધો માટે સમય ચોરી શકતા નહોતા, પરંતુ હવે
સોશિયલ મીડિયાએ સૌ માટે ક્યાંયથી પણ, કોઈને પણ સંપર્ક કરવાની તક ઊભી કરી છે. બીજી એક
મહત્વની બાબત એ છે કે, વ્યક્તિને ઓળખવા માટે કે એના વિશે જાણવા માટે હવે એને મળવું જરૂરી
નથી! એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી વ્યક્તિ વિશે બધી જ વિગતો મેળવી શકાય છે. એકવાર
વ્યક્તિ વિશે વિગતો મળી જાય એ પછી એને ‘ફસાવવી’ કે ‘પટાવવી’ જરાય અઘરી નથી જ! સોશિયલ
મીડિયાએ સાયબર ફ્રોડની સાથે સાથે ઈમોશનલ ફ્રોડનું આ જે મોટું નેટવર્ક ખોલી નાખ્યું છે એને કારણે
સમાજમાં આર્થિક નુકસાન તો થઈ જ રહ્યું છે, સાથે સાથે સંબંધોનું અને સામાજિક મૂલ્યોનું નુકસાન
પણ બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયાએ પસંદગીની અખૂટ તકો આપી છે. આંગળીના એક ક્લિક ઉપર જોઈતી
વસ્તુ, વ્યક્તિ કે વિચાર ઉપલબ્ધ છે. હવે, માણસ માત્રને આ તક એક્સપ્લોર કરવી છે! અહીં આર્થિક,
સામાજિક કે ઉંમરનો કોઈ વર્ગ બાકી નથી રહેતો. એક વૃધ્ધ વ્યક્તિને પણ ટીનએજર જેવું જીવવાની
ઈચ્છા બાકી રહી ગઈ છે… એક સ્ત્રી જેના નાની ઉંમરે અરેન્જ મેરેજ થઈ ગયા છે એને પ્રેમમાં પડવાની
તક નથી મળી… સજાતિય સંબંધમાં મનોમન ઘૂંટાતા એવા કેટલાય લોકો છે જેમને સમાજથી છુપાઈને
પોતાની ઈચ્છા મુજબ જીવવું છે… આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે બહાર મળવા કરતા સોશિયલ
મીડિયાના માધ્યમથી એકમેકને શોધી કાઢવાનું સરળ પડે છે, વળી એમની વાતચીત ગુપ્ત રાખવાનું વચન
આપતું પ્લેટફોર્મ એમને આ પ્રકારની પ્રવૃત્તિ માટે સરળતા કરી આપે છે.
આપણે સૌ એક એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં નિયંત્રણ વગરની જિંદગી અને ઈચ્છિત
મેળવવાની ઝંખનામાં સહુ અંધાધૂંધ દોડી રહ્યા છે. ફ્રોડ કરનારા લોકો આ જાણે છે. એમને ખબર છે કે
આ સમાજે રૂંધી નાખેલી ઈચ્છાઓ પૂરી કરવા નીકળેલો માણસ આસાનીથી એનો શિકાર બની જશે.
‘વિકાસ’ની વાતો અને સાચા અર્થમાં વિકાસ બે તદ્દન જુદી બાબતો છે. ટેકનોલોજી ઘર આંગણે આવી
ગઈ, પરંતુ એ વિશેનું શિક્ષણ, આવડત અને સતર્કતા હજી સુધી મોટાભાગના મગજ અને મોબાઈલ સુધી
પહોંચી નથી.
જે લોકો સમાજના ઠેકેદારો બનીને ‘બગડી રહેલા’ સમાજ વિશે ફરિયાદો કરે છે એમણે રોદણાં
રડવાને બદલે આર્થિક અને ઈમોશનલ ફ્રોડમાં ફસાઈ જતાં લોકોને શિક્ષિત અને સતર્ક કરવાનો વિચાર
કરવો જોઈએ.


