હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘ધૂરંધર’ ની કમાણી હજાર કરોડની નજીક પહોંચ્યાના દાવા
કરવામાં આવે છે. અચાનક મળેલી સફળતા પછી ફિલ્મના કલાકારોએ આની પહેલાં સાઈન કરેલી
ફિલ્મો છોડી દીધાના કિસ્સા પણ સાંભળવા મળે છે ત્યારે બોલિવુડ સાથે જોડાયેલી અનિશ્ચિતતા
અને કલાકારોની ન સમજી શકાય તેવી ઉતાર-ચઢાવભરી જિંદગી વિશે અનેક સવાલો થાય. બહારથી
દેખાતા ચમકદમકભર્યા અને રંગીન જીવનની પાછળ કેટલી અસુરક્ષા અને એકલતા છે એ તો જેને
કલાકારની અંગત જિંદગી વિશે જાણ હોય એને જ સમજાય. ફક્ત અભિનેતાઓ સાથેની આ વાત
નથી. હાલમાં જ વિક્રમ ભટ્ટ ઉપર ફ્રોડનો કેસ કરવામાં આવ્યો છે. એમના પત્ની, ને પણ આ ફ્રોડમાં
સામેલ કરવામાં આવ્યા છે, બંને જણાં હાલ જેલમાં છે ત્યારે બોલિવુડના અનેક લેખકો, ગીતકારો,
સંગીતકારોની ચઢતી-ઉતરતી કારકિર્દી, ઝાકઝમાળ અને અચાનક ગૂમનામીના અંધારામાં ધકેલાઈ
જતી બોલિવુડની આ હસ્તીઓના જીવનના અંધકારની કથામાં એક નામ આજે યાદ કરવાનો દિવસ
છે.
એક એવા ફોટોગ્રાફર જેણે બોલિવુડના દિગ્ગજોની અવિસ્મરણિય તસવીરો લીધી છે. ખાસ
કરીને, બ્લેક એન્ડ વ્હાઈટ અને નેચરલ લાઈટમાં લેવાયેલી આ તસવીરો ફોટોગ્રાફી અને કલાના
વિદ્યાર્થીઓને સિલેબસરૂપે ભણાવવામાં આવે છે, પરંતુ એ ફોટોગ્રાફરના જીવનમાં એવો સમય આવ્યો
હતો જ્યારે એને ખાવાની પણ તકલીફ પડી. એમણે અનેક રાતો રસ્તા પર વિતાવી છે. એમનું
માનસિક સ્વાસ્થ્ય કથળતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલિવુડના એ
કલાકારો જેમની તસવીરો એમણે અમર કરી નાખી એમાંના કોઈએ આગળ આવીને એમની મદદ
કરવાની માણસાઈ બતાવી નહીં! આ ફોટોગ્રાફર છે, જગદીશ માળી. અભિનેત્રી અંતરા માળીના
પિતા તરીકે પણ સૌ એમને ઓળખે છે. 2000 પછી એમણે ભયાનક આર્થિક તંગીનો સામનો કર્યો.
ડિજિટલ કેમેરા યુગના પ્રવેશ સાથે જગદીશ માળીની બ્લેક એન્ડ વ્હાઈટ નેચરલ લાઈટની કળાનું
મૂલ્ય ઘટ્યું. સંવેદનશીલ, અંતર્મુખી, કલાત્મક તસવીરોની જગ્યાએ ઝાકઝમાળભર્યા લાઈટિંગ અને
સ્ટાઈલિંગની કમાલ દેખાડવા માટે કરવામાં આવતા ફોટોશુટ કદાચ એમની પ્રકૃતિને અનુકૂળ નહીં
આવ્યા હોય. કદાચ, એટલે જ લોકો એમને ભૂલવા લાગ્યા. આ એક એવા ફોટોગ્રાફર હતા જેમણે
શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, નંદિતા દાસ, રેખા, અમિતાભ બચ્ચન, મિથુનચક્રવર્તી,
શ્રીદેવી, શાહરૂખ ખાન, કોંકણા સેન શર્મા, મનીષા કોઈરાલા, વિક્રમ ગોખલે, એમ.એસ.
ધોની, કરીના કપૂરની એવી તસવીરો લીધી છે જે ભૂલી શકાય એમ નથી. જગદીશ માળીની
તસવીરોની ખાસિયત એ હતી કે, એ ચહેરાને બદલે હાવભાવ પર ફોકસ કરતા. વ્યક્તિનો સ્વભાવ,
એની પર્સનાલિટી સહિત એના મનમાં ચાલતા વિચારો પણ ક્યારેક જગદીશ માળીની તસવીરોમાં
ડોકિયું કરતા. એમણે લીધેલી તસવીરોમાં વ્યક્તિનું પ્રામાણિક ચિત્રણ જોવા મળતું. કહેવાય છે કે,
જગદીશ માળી ફોટોશુટ પહેલાં બેથી ત્રણવાર કલાકાર સાથે લાંબો સંવાદ કરતા. કલાકારના જીવનનો
સંઘર્ષ, એના સપનાં અને એના વ્યક્તિત્વને સમજીને પછી જ એ તસવીરો લેતા. એમના ઉપર બનેલી
ડોક્યુમેન્ટ્રી ‘જગદીશ માળીઃ ધ અનસંગ ફોટોગ્રાફર’ અને શોભા ડેનો લેખ જેમાં એમણે ‘ટ્રેજિક
જિનિયસ’ની ઉપાધિ આપી હતી. ઈન્ડિયા ટુડેમાં પણ એમનો ફિચર લેખ છપાયો હતો. અન્ય
ફોટોગ્રાફર્સ દ્વારા એમના વિશે જે માહિતી મળી એમાં કોઈકે કહ્યું હતું, ‘એ શુટિંગની પહેલાં ચા
પીતા. શુટિંગ પહેલાં કલાકો સુધી કંઈ જ બોલતા નહીં. એમનું મૌન ડરાવે તેવું નહીં, બલ્કે ઉંડું હતું.
કેમેરા ઉપાડતા પહેલાં એ માણસને વાંચવાનો પ્રયાસ કરતા. માનવ મનના ઈતિહાસકાર હતા.’ આવા
અનેક સ્ટેટમેન્ટ આપણને જગદીશ માળી વિશે મળે છે.
વ્યક્તિ તરીકે અત્યંત અંતર્મુખી અને કેમેરાના જાદુગર જગદીશ માળી ઉપર અનેક વિદેશી
ફોટોગ્રાફર્સની અસર જોવા મળે છે. કલાના વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે ઈરવિંગ
પેન, રીચર્ડ એવેડન, રઘુબીર સિંઘ જેવા અનેક ફોટોગ્રાફરની અસર નીચે એમણે માનવ મનની
તસવીરો લેવાનું પસંદ કર્યું. શાહરૂખ ખાનનો પહેલો ફોટોશુટ પત્યો ત્યારે એમણે પોતાની તસવીરો
જોઈને કહ્યું, ‘આ તમે ક્યારે પાડી? હું તો બસ મારી વાત કરતો હતો… આવા ભાવ હું ક્યારેય આપી
શક્યો ન હોત.’
જગદીશ માળીની એક અંગત ઓળખ એ છે કે, એ સ્મિતા પાટીલના બહુ સારા મિત્ર હતા.
સ્મિતા પાટીલ પોતાના પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં જ્યારે એકલવાયા હતા ત્યારે જગદીશ માળીએ
એમની ખૂબ કાળજી રાખી હતી. એ સિવાય પણ મનીષા કોઈરાલા અને અનુ અગ્રવાલ, મોડેલ
ગીતાંજલિ જેવી અનેક સ્ત્રીઓને એમના ડિપ્રેશનમાંથી બહાર આવવા જગદીશ માળીએ મદદ કરી
હતી. નવાઈની વાત એ છે કે, જે વ્યક્તિએ બીજા લોકોને પોઝિટિવિટીનો સંદેશ આપ્યો.
ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી એ વ્યક્તિ પોતે જ 2001/02માં ડિપ્રેશનનો શિકાર બની
ગયા. એમના મિત્રો કહે છે કે, એ ખૂબ કમાતા હતા ત્યારે પણ એમણે કોઈ દિવસ મોટી ગાડી, મોટું
ઘર કે કરોડો રૂપિયાની આશા રાખી નહોતી. કેટલા બધા નવા-સવા કલાકારો અને સ્ટ્રગલિંગ એક્ટર
માટે એ ફ્રી ફોટોશુટ કરી આપતા. એ સમયે તો કાસ્ટિંગ ડિરેક્ટર જેવી કોઈ સુવિધા પ્રચલિત નહોતી,
ત્યારે જગદીશ માળીએ અનેક કલાકારોને કાસ્ટિંગમાં અને પહેલી ફિલ્મ અપાવવામાં મદદ કરી છે.
આ બધા પછી એમને જ્યારે જરૂર પડી ત્યારે એમની સાથે કોઈ નહોતું. એમની દીકરી અંતરા
માલીએ કહ્યું હતું, ‘મારા પિતા એક ઈમાનદાર વ્યક્તિ, અસાધારણ પ્રતિભાશાળી ફોટોગ્રાફર હોવા
છતાં માનસિક રીતે અસ્વસ્થ હતા એ વાત મારે સ્વીકારવી જોઈએ. એ એક જટીલ પર્સનાલિટીહતા.
એ એટલું બધું ચૂપ રહેતા કે એમને સમજવા ખૂબ અઘરા હતા. મેં મારાથી એમના માટે જે થઈ
શક્યું એ બધું જ કર્યું, પરંતુ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે, એક સારા પિતા તરીકે હું એમને ઓળખું
છું… બોલિવુડ સાથેના એમના કનેક્શન હું આજે પણ સમજી શકતી નથી.’
બોલિવુડમાં આવા અસંખ્ય લોકો છે જે અસાધારણ રીતે પ્રતિભાશાળી હતા, પરંતુ એમની
પ્રતિભા અને સંવેદનશીલતાનું મિશ્રણ જ એમને માટે ઘાતક પૂરવાર થયું હશે!


