એક દીકરીના લગ્ન પછી વિદાય થઈ રહી હતી, એની માએ એને પૂછ્યું,
‘મહારાજાની પત્નીને શું કહેવાય?’ આંખોમાં આંસુ સાથે દીકરીએ જવાબ આપ્યો,
‘મહારાણી…’ માએ દીકરીને માથે હાથ ફેરવીને પૂછ્યું, ‘અને નોકરની પત્નીને?’
દીકરીને સહેજ નવાઈ લાગી, કે અત્યારે વિદાયના સમયે મા આ શું પૂછી રહી છે!
પરંતુ, એણે જવાબ આપ્યો, ‘નોકરાણી…’ માએ બંને હાથ દીકરીના બંને ગાલ પર
હાથ મૂકી એની આંખોમાં આંખો પરોવી, ‘રાણી તો બંને છે… પરંતુ, સ્ત્રી પોતાના
પતિને કઈ રીતે મૂલવે છે-એની સાથે કઈ રીતે વર્તે છે એની આસપાસના લોકો પર
અસર થાય છે. તું તારા પતિને મહારાજાની જેમ રાખીશ તો તું મહારાણી કહેવાઈશ,
અને તું તારા પતિને નોકરની જેમ રાખીશ-તો તું નોકરાણી કહેવાઈશ. નક્કી તારે
કરવાનું છે…’
કથા જૂની છે! એ વખતે લગ્ન સમયે ફક્ત દીકરીને શિખામણ આપવી એવું
માનવામાં આવતું હતું. પત્નીએ જ પોતાના પતિનું માન જાળવવું-એની સાથે
એડજેસ્ટ કરવું, સમર્પણ, ત્યાગ, બલિદાનની અપેક્ષા ફક્ત સ્ત્રી પાસેથી રાખવામાં
આવતી હતી, કારણ કે એ વખતે મોટાભાગના પરિવારોમાં સ્ત્રી ઉપર આર્થિક
પ્રદાનની જવાબદારી નહોતી. બીજું, ત્યારે સ્ત્રી માત્ર ગૃહિણી હતી-‘ઘર’ સંભાળવું-એનો
અર્થ સંબંધો અને ઘરેલુ સમસ્યાઓ સાથે કામ પાડવાની જવાબદારી પણ સ્ત્રી પર જ
વધુ હતી.
હવે સમય બદલાયો છે-લગ્નજીવન એક વ્યક્તિથી ટકતું કે તૂટતું નથી. સ્ત્રી
ગમે તેટલું એડજેસ્ટ કરે, સમાધાન, સમર્પણ કે એકવાર તદ્દન સરેન્ડર પણ કરી દે
તેમ છતાં લગ્નજીવન સુખી અને શાંત જ રહેશે એવી ગેરંટી આજના સમયમાં આપી
શકાય તેમ નથી. પહેલાં એક છોકરીના લગ્ન એક પરિવાર સાથે કરવામાં આવતા
હતા. હવે એક સ્ત્રી અને એક પુરુષ પરણે છે, એકમેકની સાથે જીવવાનું નક્કી કરે છે.
પરિવારનો રોલ પ્રમાણમાં ઘણો ઓછો, લગભગ નહિવત્ થઈ ગયો છે. વ્યવસાય કે
કામ કરતાં બે જણાં પોતપોતાના આગવાં સ્વપ્નાં અને થોડાંક સહિયારાં સપનાં
લઈને લગ્નજીવન શરૂ કરે છે. આપણે ગમે તેટલો વિકાસ કરીએ, પરંતુ ભારતીય
સમાજમાં આજે પણ-ગુજરાત કે ગુજરાતની બહાર, લગ્નજીવન ટકાવાની જવાબદારી
સ્ત્રીની છે-અથવા સ્ત્રી ઉપર જ આધારિત છે એવું માનનારા લોકોની સંખ્યા ઓછી
નથી. જે ‘મમ્મી’ 60 વર્ષની નજીક પહોંચી છે એમાંની મોટાભાગની મમ્મીઓએ
(સાસુ કે મા) પોતાની કારકિર્દી અને સપનાંઓનું બલિદાન આપ્યું છે. પોતાની
પુત્રવધૂ કે દીકરીની જિંદગી જોઈને એમને સતત એવું લાગે છે કે, એમણે જીવનમાં
ઘણું બધું મિસ કર્યું છે. રહી ગયાની લાગણી, 50થી 65 વર્ષની સ્ત્રીઓના વર્ગમાં
સૌથી વધુ છે કારણ કે, આ સ્ત્રીઓ પાસે શિક્ષણ છે-બહારની દુનિયા સાથેનો સંપર્ક છે
તેમ છતાં, કોઈક કારણસર એમણે પોતાની આગવી પ્રતિભા, કારકિર્દી કે શોખને
બાજુએ મૂકીને પરિવારને પ્રાધાન્ય આપ્યું. એમની પાસે સમજદાર, પ્રેમાળ પતિ છે,
જે સારું કમાતા હોય તો પત્ની પાસે નાનામોટા અંગત ખર્ચનો હિસાબ માગતા નથી-
વર્ષે બે વેકેશન છે-જેમાં સોલો કે ગર્લ્સ ટ્રીપ પણ હોઈ શકે છે! આ સ્ત્રીઓ ટેકનોલોજી
જાણે છે, વિદેશી વાનગીઓ બનાવે છે, પેન્ટ કે ફ્રોક પહેરે છે, જીમ જાય છે, કિટી કરે
છે… પરંતુ, એમના મનમાં ક્યાંક જીવાઈ ગયેલા જીવન વિશેનો અફસોસ અકબંધ છે.
યુવાન-90ના દાયકા પછી જન્મેલી યુવતીઓએ પોતાની જિંદગીને જાતે ઘડી
છે. એમાંની ઘણી લગ્ન કરવાની ના પાડે છે. આ છોકરીઓ-નવી પેઢી કહી શકાય
તેવી, યુવતીઓ પાસે એક વાત શીખવા જેવી છે-એમને અફસોસ નથી. જીવાઈ
ગયેલા જીવન વિશે ભાગ્યે જ કોઈ ફરિયાદ છે. જે મળ્યું, તે સ્વીકાર્યું-અને ન મળ્યું તે
મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો. આ નવી પેઢીમાં ઉદાહરણ તરીકે દીપિકા પદુકોણ,
અનુષ્કા, કેટરિના અને આલિયા છે. ચારેય જણે અલગ રીતે પોતાની કારકિર્દીને ઘડી-
સંબંધો બંધાયા, તૂટ્યા, લગ્ન કર્યાં અને પોતાની રીતે પરિવારને ગોઠવવાની અને
પરિવારમાં ગોઠવાઈ જવાની એમની આવડત દાદ માગે એવી છે. આ યુવતીઓ
પોતાના સંબંધોની વાત પૂરી શિદ્દતથી, ખુલ્લા દિલે કરે છે. પબ્લિક ફિગર છે, માટે
ટ્રોલર્સ અને પાપારાઝીનો પણ સામનો કરે છે. વાતેવાતે પતિને આગળ કરવાને
બદલે પોતાની સમસ્યાઓ અને સફળતા સાથે જાતે જ ડિલ કરે છે!
વિતેલી પેઢીની મમ્મીઓ-સાસુઓ કે સ્ત્રીઓની કમજોરી એ છે કે, એ સ્ત્રીઓ
સ્વતંત્ર થવા માગે છે, પરંતુ એમનું મન, મગજ અને ઉછેર એમને સ્વતંત્રતાનો પૂરો
અર્થ સમજવા દેતાં નથી. સ્વતંત્રતા એટલે માત્ર અધિકારો નહીં-એ વાત આ નવી
પેઢીની યુવતીઓએ બહુ સારી રીતે સમજી લીધી છે. 50થી 65ની સ્ત્રીઓનો આ સમૂહ
આર્થિક રીતે સ્વતંત્ર નથી-એમની ‘સ્વતંત્રતા’ પણ માગેલી, અને પતિ કે પરિવાર
તરફથી ‘ઉદાર હૃદયે’ આપવામાં આવેલી-સપ્રમાણ સ્વતંત્રતા છે! એટલે, કે પછી
એમને એવો ભય લાગે છે કે, અચાનક સ્વતંત્ર થઈ જવાથી આવી પડેલી
જવાબદારીઓ અને સમસ્યાઓ સાથે કદાચ એ કામ ન પાડી શકે!
પરિવારની હૂંફ-સંતાનો, પૌત્ર-પૌત્રીઓનો પ્રેમ, વેવાઈ અને સાસરા પક્ષની
નજરમાં જાળવી રાખેલી ઈમેજ અચાનક તૂટે કે છૂટે તો આ સ્ત્રીઓ કદાચ એ ઝટકો
બરદાશ્ત ન કરી શકે એવા ભય સાથે એ બધી જ-50થી 65ની સ્ત્રીઓ ડરી ડરીને
સ્વતંત્રતાના ટૂકડા ચાખે છે. એમની નજરમાં એમની દીકરીઓ-પુત્રવધૂઓ, ‘આજની
યુવતીઓ’ બેજવાબદાર-બેપરવાહ છે, પરંતુ કદાચ એમને નથી સમજાતું કે જે એમને
બેજવાબદારી લાગે છે એ ખરેખર પસંદ કરેલી સ્વતંત્રતા છે.
ફરી એકવાર, પેલી વાર્તા તરફ જઈએ તો સમજાય કે રસોઈ કરવી, ઘર
ચોખ્ખું રાખવું, સંતાનો ઉછેરવાં કે પારિવારિક જવાબદારીઓ ઉઠાવવી એ માત્ર સ્ત્રીનું
કામ નથી રહ્યું. આધુનિક પતિને સ્વાદિષ્ટ વાનગીઓ ઓર્ડર કરવાનું અનુકૂળ છે,
પરંતુ પત્ની સતત રસોડામાં વ્યસ્ત રહે એ સ્વીકાર્ય નથી. આજના પુરુષને એની
સેવા કરતી કહ્યાગરી અને ડાહીડમરી પત્ની નહીં, એક દોસ્ત, કમ્પેનિયન કે
જીવનસંગિની જોઈએ છે. આજનો યુવાન પુરુષ જાણે છે, કે એ શું માગે છે-સાથે જ એ
સમજે છે કે એણે સામે શું આપવું પડશે!
પોતે જીવ્યાં એવું પુત્રવધૂ જીવે, અને દીકરી ન જીવે-એવી ઈચ્છા-પ્રયત્ન સાથે
જે મમ્મીઓ વિતી ગયેલી કાલના અફસોસમાં અટકી ગઈ છે. દીકરીના સુખ માટે
આનંદ અને પુત્રવધૂના સુખ માટે અસંતોષ સાથે જીવતી આ સ્ત્રીઓએ સમજવું પડશે
કે, ‘નિયમ’ તો એક જ હોય! દીકરી અને પુત્રવધૂની પેઢી જુદી નથી, માટે એમના
લગ્નજીવન કે જવાબદારી પણ કન્વિનિયન્ટલી જુદા નહીં હોય. 50થી 65ની આ
‘અફસોસ ક્વિન્સ’ માટે હવે આવતીકાલ તરફ જોવા માટે નવા ચશ્મા કરાવવાનો
સમય થઈ ગયો છે.