પ્રકરણ – 48 | આઈનામાં જનમટીપ

મુંબઈ ઈન્ટરનેશનલ પર ઊભેલા મંગલસિંઘનો જીવ તાળવે ચોંટ્યો હતો. એને ભયાનક પરસેવો થઈ રહ્યો
હતો. એણે સિક્યોરિટીને ચેક કરવા આપેલા પાસપોર્ટ અને ટિકિટને સિક્યોરિટીનો માણસ જરા વધુ ઝીણવટથી તપાસી
રહ્યો હતો. કોઈપણ એક સેકન્ડે પકડાઈ જવાની માનસિક તૈયારી સાથે મંગલસિંઘે આંખો મીંચી, પણ બીજી જ સેકન્ડે
સિક્યોરિટીના માણસે એને કહ્યું, ‘મુજે તો લગા તુમ કોઈ પિક્ચર કે હીરો હો.’
મંગલસિંઘે એની સામે ફિક્કું સ્મિત કર્યું, ‘ઈસ વક્ત તો સ્ટ્રગલ કર રહા હૂં સર. કિસી દિન હીરો બન ગયા તો
આપ કી દુઆ યાદ રખેંગે.’
‘મલેશિયા ક્યૂં જા રહે હો?’ પાછળ ઊભેલી લાંબી લાઈનની તરફ જોતા મંગલસિંઘ આ સવાલોથી અકળાઈ
રહ્યો હતો, પણ જવાબ આપ્યા વગર છુટકો નહોતો.
‘શૂટિંગ હૈ સર. દો-તીન દિન કા કામ હૈ.’ મંગલસિંઘે કહ્યું.
‘મજે કરો.’ કહીને સિક્યોરિટીના માણસે પાસપોર્ટ એને આપી દીધો. બોર્ડિંગ પાસ લઈને મંગલ બિઝનેસ
ક્લાસની લાઉન્જમાં એવી જગ્યાએ ગોઠવાયો જ્યાં એને કોઈ ખાસ જોઈ ન શકે. પહેલાં ઈકોનોમી ક્લાસમાં જવાનું
નક્કી થયું હતું. પછી લાંબું વિચારતાં સૌને સમજાયું કે, પોલીસની નજર બિઝનેસ ક્લાસના મુસાફર પર પ્રમાણમાં
ઓછી રહે છે એટલે મંગલસિંઘ મુંબઈથી બિઝનેસ ક્લાસમાં, પંચમ અને લાલસિંગ અમદાવાદથી ક્વાલાલમ્પુરની
ફ્લાઈટમાં બેસશે એવું નક્કી થયું. શૌકત બેંગ્લોરથી મલેશિયા પહોંચવાનો હતો.
ચારે જણાં જુદા જુદા ટાઈમે લેન્ડ થયા. મલેશિયામાં દિલબાગનો એક ખાસ માણસ અંજુમઅલી એમને
વારાફરથી સિટ ઓફ સુધી લઈ ગયો. ચારે જણાં ભેગાં થયા એટલે અંજુમઅલીએ દિવાલ ઉપર સ્ક્રીન લગાવીને
પ્રોજેક્ટરથી ઓમ અસ્થાનાના ઘરના ફોટા, એનું ડેઈલી રૂટિન, એના મહત્વના માણસો અને બીજી બાબતોની બ્રીફ
આપવા માંડી. એક જ કંપાઉન્ડમાં ત્રણ ભાઈઓના ત્રણ બંગલા હતા. કંપાઉન્ડની દિવાલો 22 ફૂટ ઊંચી હતી અને
એના ઉપર ઈલેક્ટ્રીક કરંટ ધરાવતા તાર લગાવેલા હતા. ત્રણેય બંગલામાં દાખલ થવા માટે એક જ ગેટ હતો. જ્યાં
સતત ગાર્ડ હાજર હતા અને પૂરી પૂછપરછ કરીને અંદર બેઠેલા ગાર્ડને સૂચના આપતો. અંદર બેઠેલો ગાર્ડ ફરી એકવાર
આઈડી ચકાસતો, જરૂર પડે તો પૂછપરછ કરતો અને પછી જે-તે વ્યક્તિને બંગલામાં પ્રવેશ મળતો. વચલો બંગલો
ઓમ અસ્થાનાનો હતો. એની ડાબી તરફ નાનો ભાઈ શિવ અને જમણી તરફ મોટો ભાઈ સાંઈ રહેતા હતા. ઓમ
અને સાંઈ પરણેલા હતા. ઓમને બાળકો નહોતા. સાંઈને ત્રણ વર્ષનો દીકરો અને દોઢ વર્ષની દીકરી હતી. શિવ 36
વર્ષનો હતો, હજી કુંવારો અને એને પરણવાની કોઈ ઈચ્છા પણ નહોતી.
એ પછી એણે ઓમ અસ્થાનાના અંગત માણસો અને એના ડેઈલી રૂટિન વિશે માહિતી આપી. ઓમની સાથે
સતત ચાર ગાર્ડ રહેતા. એની ગાડી બુલેટ પ્રૂફ હતી અને ગાડીમાં આગળ એક ગાર્ડ એની સાથે બેસતો. ચારમાંથી કયો
ગાર્ડ ગાડીમાં બેસશે એ છેલ્લી ઘડીએ, ઓમ અસ્થાના પોતે નક્કી કરતો. એ વિશે કોઈને, કશી જ ખબર રહેતી નહીં.
ગાડીમાં કે જાહેર સ્થળે ઓમને મારવો અશક્ય છે, પરંતુ એક જગ્યા એવી હતી જ્યાં એ હથિયાર વગર, ગાર્ડ
વગર અને ચપ્પલ વગર જતો. માતાજીનું મંદિર. ઓમ અસ્થાનાને શિવ અને શક્તિમાં ભયાનક શ્રધ્ધા હતી. દર
મંગળવારે એ મંદિર જતો. એના ઘર તમન દુત્તાથી આ મંદિર લગભગ 15 મિનિટના અંતરે હતું. આ એક જ એવી
જગ્યા હતી જ્યાંથી એને ઊઠાવી શકાય, કે મારી શકાય… ચારે જણાંની સાથે અંજુમઅલીએ મળીને મંગળવારના
ઓપરેશનનો પ્લાન બનાવી દીધો. શૌકત તમન દુત્તામાં ઓમના ઘરની બહાર બેસશે. ઓમની ગાડી નીકળે કે તરત જ
મરિયમ્માના મંદિરે પહેલેથી પહોંચી ગયેલા ચાર જણાંને શૌકત જાણ કરી દેશે. ઓમ જેવો મંદિરમાં પ્રવેશે કે તરત એને
ઊઠાવી લેવો, ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ એને મંદિરની બહાર કેવી રીતે લઈ જવો એ ગોઠવણ ખૂબ અઘરી
હતી. અંતે, લાંબી ચર્ચા-વિચારણા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે, અંજુમઅલી એક વ્હીલચેર લઈને મંદિરમાં દર્શન
કરવા આવશે. ઓમ અસ્થાનાને ઊંઘનું ઈન્જેક્શન આપીને બેહોશ કરી નાખ્યા પછી એને એ જ વ્હીલચેરમાં બેસાડીને
પાછો લઈ જવો. એના ગાર્ડ બહાર બેઠા જ હોય એટલે અંજુમ સાડી પહેરીને આવશે અને ઓમને એ જ સાડી
પહેરાવીને, ચહેરો ઢાંકીને પાછો લઈ જવામાં આવે…

બધું નક્કી થઈ ગયું અને પ્લાન પ્રમાણે મંગળવારની સવારે શૌકત તમન દુત્તામાં ઓમના ઘરની બહાર આવેલા
એક ગ્રોસરી સ્ટોરમાં પ્રતીક્ષા કરતો રહ્યો. દસને પાંચે ઓમના ઘરમાંથી ત્રણ ગાડી બહાર નીકળી. શૌકતે ફોન કરીને
કાપી નાખ્યો. આ મિસ્ડ કોલનો મતલબ હતો કે, ઓમ નીકળી ચૂક્યો છે.
મરિયમ્માના મંદિરમાં રાહ જોઈ રહેલા ચારે જણાં સાવધ થઈ ગયા. એમણે કરેલી રેકી મુજબ બરાબર બાર
મિનિટ પછી હાથમાં નારિયળ, ફૂલો, અગરબત્તી અને ફળોની ટોકરી લઈને ઓમ મંદિરમાં દાખલ થયો. એ સીધો
ગર્ભગૃહ તરફ ગયો. એણે ફૂલો ચઢાવી દીધા. ફળો પંડિતને આપી દીધા. અગરબત્તી પેટાવી, હાથ જોડ્યા. થોડીક ક્ષણો
ઊભો રહીને એ મંદિરની પરિક્રમા કરવા માટે જેવો પાછળના ભાગમાં પહોંચ્યો કે મંગલસિંઘે એને પૂછ્યું, ‘નમસ્તે સર!
પહેચાના?’ ઓમે તોછડાઈથી ડોકું ધૂણાવીને ના પાડી. મંગલસિંઘે ધીમેથી કહ્યું, ‘દિલબાગ કા બેટા હૂં સર.’
‘ઓહ!’ ઓમ કંઈ સમજે કે પ્રતિભાવ આપે તે પહેલાં અચાનક એની ગરદનના પાછળના ભાગમાં એક
નાનકડી સોય ભોંકાઈ. ક્ષણોના ખેલમાં ઓમ બેહોશ થઈ ગયો. પરિક્રમા કરી રહેલા લોકોમાંથી એકાદ જણે આ જોયું
અને ઊભા રહ્યા, પરંતુ મંગલસિંઘે નિરાંતે કહ્યું, ‘કોઈના! મેરે પિતાજી હૈ, અક્સર ઐસા હોતા હૈ. હમ વ્હિલચેર રખતે
હૈ.’ એકાદ-બે જણાં તમાશો જોવા ઊભા રહ્યા. બાકીના પોતાની પૂજામાં વ્યસ્ત થઈ ગયા. ચાર જણાંએ ઓમને
ટિંગાટોળી કરીને વ્હિલચેર પર બેસાડ્યો. વ્હિલચેર અગાઉથી કરી રાખેલી ગોઠવણ મુજબ મંદિરના એક એવા ખૂણામાં
લઈ જવામાં આવી જ્યાં બે નાની નાની ડેરીઓની વચ્ચે એક એવો ખૂણો મળતો હતો જ્યાં કોઈ અવરજવર નહોતી.
બરાબર કરેલી રેકી અને 25 વાર કરેલા રિહર્સલ મુજબ બેહોશ ઓમ અસ્થાનાનું પેન્ટ અને ટી-શર્ટ ઉતારીને એને સાડી
પહેરાવતા જરાય વાર ન લાગી. એને માથે ઓઢાડવામાં આવ્યું. કપાળ ઢંકાઈ જાય એ રીતે એનો ચહેરો ઢાંકીને એને
માસ્ક પહેરાવવામાં આવ્યું. પેન્ટ અને ટી-શર્ટ ડૂચો વાળીને પોતાની સાથે લાવેલા થેલામાં ભરીને લાલસિંગે વ્હિલચેર
ધકેલવા માંડી. અંજુમ અને પંચમ એની આજુબાજુ ગોઠવાઈ ગયા. મંગલ નિરાંતે મંદિરના ઓટલે બેસી ગયો.
વ્હિલચેરને ધકેલતા આ ત્રણેય જણાં બહાર નીકળ્યા ત્યારે ઓમની ગાડી એની પ્રતીક્ષા કરી રહી હતી. મંદિરના દરવાજા
પાસે ઊભેલા ગાર્ડ્સ વાતોમાં વ્યસ્ત હતા એટલે એમનું ધ્યાન આ વ્હિલચેર તરફ ગયું નહીં.
ઓમ અસ્થાનાની ગાડીથી 50 મીટર દૂર ઊભેલી ગાડીમાં જ્યારે બેહોશ ઓમને ઊભો કરીને બંને તરફ
ખભાનો સહારો આપીને બેસાડ્યો ત્યારે ત્રણેય જણાંને નિરાંત થઈ. અંજુમ ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો, લાલસિંગ
એની બાજુમાં અને પંચમ બેહોશ ઓમની બાજુમાં પોતાની રિવોલ્વર કાઢીને ગોઠવાઈ ગયો. ઓમના ખીસામાંથી
સેલફોન કાઢીને સ્વીચ ઓફ કરી નાખવામાં આવ્યો. એની પાસે કોઈ હથિયાર નથી એ વાતની પૂરી ચોકસાઈ કરી
લેવામાં આવી, એ પછી અંજુમ ગાડી ચલાવતો, ગાર્ડની સામેથી જ નીકળ્યો.
વીસેક મિનિટ પછી જ્યારે ઓમ પાછો ન ફર્યો ત્યારે પોતાની ગન બીજા ગાર્ડને આપીને ઓમનો એક ગાર્ડ બુટ
ઉતારીને મંદિરના પરિસરમાં પ્રવેશ્યો. એણે ચારેતરફ જોયું, પ્રદક્ષિણા ફરી, ચકોર નજરે પરિસ્થિતિને સમજવાનો
પ્રયાસ કર્યો, પણ એને ઓમ ક્યાંય દેખાયો નહીં. એણે ખીસામાંથી સેલફોન કાઢીને ઓમનો નંબર જોડ્યો. ફોન સ્વીચ
ઓફ હતો. હવે એને પરિસ્થિતિ સમજાઈ ગઈ. એ દોડતો બહાર ગયો અને એણે બાકીના ગાર્ડ્સને જણાવ્યું કે, ઓમ
મંદિરમાં નથી.
સઘન તપાસ શરૂ થઈ. ઓમ નહોતો જ.
સૌથી પહેલો ફોન શિવને કરવામાં આવ્યો, ‘સર ગુમ હો ગયે.’ ગાર્ડે શિવને કહ્યું. એની જીભમાં લોચા વળતા
હતા. શિવ એને જીવતો નહીં છોડે એ વાતથી એ સુક્કા પાંદડાની જેમ ફફડતો હતો.
‘ગુમ હૈ મતલબ?’ શિવનો અવાજ સંયત હતો.
‘મંદિર મેં ગયે થે, અબ નહીં હૈ.’ કહેતાં કહેતાં તો ગાર્ડને યમપૂરીના દ્વાર દેખાઈ ગયા.
‘ઠીક હૈ. મૈં આ રહા હૂં.’ શિવે કહ્યું અને ફોન કાપી નાખ્યો.

ઓમને લઈ જઈને પીજે તરીકે ઓળખાતા પેટાલિન જાયા નામના વિસ્તારના એક મકાનના ચોથા માળ સુધી
ચઢાવવામાં આવ્યો. વેલબિલ્ટ શરીર અને મજબૂત હાડકાં ધરાવતા ઓમ અસ્થાનાને ઉપાડતા ત્રણેય જણાંના મોઢે
ફીણ આવ્યાં હતાં.
આ પીજે-પેટાલિન જાયા નામનો વિસ્તાર ક્વાલાલમ્પુરનો સૌથી નોટોરિયસ અને ક્રીમિનલ વિસ્તાર છે. અહીં
ચીનાઓનું સામ્રાજ્ય છે. મલેશિયામાં હથિયાર, ડ્રગ્સ કે બીજી કોઈપણ સાચી-ખોટી પ્રવૃત્તિઓ માટે આ વિસ્તાર
બદનામ છે. એકદંડીયા મહેલ જેવા સીધા મકાનો, નાના નાના રૂમ્સ અને સીધી, પછડાઈ જવાય એવી સીડીઓ
સહિતના આ મકાનોમાં દાખલ થવાનો એક જ દરવાજો હોય, ઓછી બારીઓ હોય એટલે આ મકાનો ગોરખ ધંધા
અને કિડનેપિંગ માટેની શ્રેષ્ઠ જગ્યાઓ પૂરવાર થતા. એવા જ એક મકાન ‘લિ યુંગ’માં ચોથે માળે હવે ઓમ અસ્થાના
કેદ હતો.
શૌકત છેલ્લા અડધા કલાકથી વારેવારે ફોન કરતો હતો. એક જણ ફોન ન ઉપાડે એટલે બીજાને, બીજો ન
ઉપાડે એટલે ત્રીજાને, પણ સલામતીના ભાગરૂપે સૌએ પોતાના ફોન મંદિરની બહાર જ તોડીને ફેંકી દીધા હતા. કોઈ
રીતે ટ્રેસ ન થઈ શકે એવી રીતે સહુ અહીં, આ પીજે તરીકે ઓળખાતા વિસ્તારમાં પહોંચ્યા હતા. શૌકત બેચેન થઈ
ગયો હતો. અડધો-પોણો કલાકથી વધુ સમય થયો, એ ગ્રોસરી સ્ટોરની બહારની ફૂટપાથ પર આંટા મારતો હતો, ફોન
કરતો કંટાળી રહ્યો હતો. અત્યાર સુધીમાં એ બે સેન્ડવિચ ખાઈ ચૂક્યો હતો, બે કોલ્ડ્રીંક્સ પી ચૂક્યો હતો અને હવે
આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો. સ્ટોરનો માલિક પણ એને નવાઈથી જોઈ રહ્યો હતો. અંતે, એકવાર એણે પૂછી નાખ્યું,
‘ઓલ ગુડ?’
‘યસ યસ ઓલ ગુડ.’ શૌકતે કહ્યું. પછી ફિક્કું હસીને ઉમેર્યું, ‘ગર્લફ્રેન્ડ બીચ. નો કમ.’ સ્ટોરવાળો બુઢ્ઢો
મલેશિયન ડોસો હસી પડ્યો. શૌકત નિરાંતનો શ્વાસ લઈને સ્ટોરની બહાર નીકળી ગયો, પણ હવે એને સમજાઈ ગયું
હતું કે, અહીં ઊભા રહેવામાં સાર નથી એટલે એણે દૂર દેખાતા બસ સ્ટોપ પર ચાલવા માંડ્યું. ફોન તોડીને ફેંકી દેવાના
છે એવું શૌકતને કોઈએ કહ્યું નહોતું. આમ જોવા જઈએ તો ચારેય જણાં શૌકતને બાળક જ માનતા હતા. કોઈપણ
મહત્વનો પ્લાન એની હાજરીમાં ડિસકસ ન કરવો, એને કોઈ જવાબદારીભર્યું કામ ન સોંપવું અને એને કોઈ નુકસાન
ન થાય એનું બરાબર ધ્યાન રાખવું-આ ત્રણેય નિયમો ચાર જણાંએ એકબીજા સાથે વગર બોલે જ સમજી લીધા હતા.
લિ યુંગના ચોથા માળે પહોંચીને સૌએ પહેલેથી ત્યાં મૂકી રાખેલી સેન્ડવિચ ખાવા માંડી. કોફી મશીન ચાલુ
કરીને ત્રણેય જણાંએ કોફી પીધી, પછી લેપટોપથી મંગલસિંઘને ફોન લગાવ્યો.
‘ઓમ નમઃ શિવાય.’ મંગલસિંઘે કહ્યું. અંજુમ સમજી ગયો કે, શિવ આવી પહોંચ્યો છે અને શોધખોળ શરૂ થઈ
ચૂકી છે. જરાક પણ ગફલત થશે તો એમને ઓમ સુધી પહોંચતા વાર નહીં લાગે એ વાત ચારે જણને બરાબર ખબર
હતી.
‘ભોલેનાથ સબ ઠીક કરતે હૈ.’ સામેથી અંજુમે કહ્યું. મંગલસિંઘ સમજી ગયો કે, એ લોકો સલામત રીતે લિ યુંગ
પહોંચી ગયા છે, ‘સત્સંગ પર જરૂર આવી જજો.’ મંગલ સમજી ગયો કે એને માટે આ મંદિરથી નીકળવાની સૂચના છે.
‘સહી હૈ.’ મંગલસિંઘે કહ્યું, ‘મેં સત્સંગ પર પહુંચ જાઉંગા.’ કહીને મંગલે ફોન કાપ્યો અને મંદિરમાં ચાલી રહેલી
અફરાતફરીનો લાભ લઈને એ મંદિરની બહાર નીકળી ગયો.
શૌકત હજી તમન દુત્તા વિસ્તારના બસ સ્ટોપ પર એકલો બેઠો હતો. અચાનક એક ગાડી એની સામે આવીને
ઊભી રહી. શૌકતે જોયું તો એ ગાડી મંગલસિંઘ ચલાવી રહ્યો હતો. ઉશ્કેરાયેલા, કંટાળેલા અને કોઈએ ફોન ન ઉપાડ્યો
એટલે ચિડાયેલા શૌકતે દરવાજો ખોલ્યો, ‘ફોન કેમ નથી ઉપાડતા? હું ક્યારનો અહીં બેઠો છું.’ એણે કહ્યું. મંગલે મોહત
સ્મિત સાથે ડોકું હલાવીને એને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો. ધૂંધવાતો, અકળાતો શૌકત ગાડીમાં બેઠો. મંગલે ગાડી
પીજે વિસ્તારમાં આવેલા લિ યુંગ તરફ મારી મૂકી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *