છોકરીઓની ડિલિવરી પછી પહેલું કામ મોટાભાઈને શોધવાનું હતું. જરૂર નહોતી તેમ છતાં ખાલી બસ
ચલાવી રહેલા શિવે સાંઈને ફોન કર્યો, ‘પતી ગયું છે. હું નીકળું છું.’ સામાન્ય રીતે શિવ ઓમને જ પોતાના કામ અને
લોકેશનની માહિતી આપતો. આજે એણે સાંઈને ફોન કર્યો એટલે સાંઈને નવાઈ લાગી.
એણે શિવને પૂછ્યું, ‘ભાઈને કહ્યું?’
‘હમમ…’ શિવે જવાબ આપવાનું ટાળ્યું. એ ખરેખર ચિંતામાં હતો. ઓમનું શું થયું હશે, એને કોણે ઉઠાવ્યો
હશે અને હવે શું કરવાનું છે એ વિશે એના મગજમાં ફટાફટ વિચારો શરૂ થઈ ગયા.
લાલસિંગ, પંચમ, મંગલ અને અંજુમે આ સાંભળ્યું. મનોજ ઉર્ફે માઈકલ શિવનો ફોન ટ્રેસ કરી રહ્યો હતો.
એણે એના લેપટોપના સ્ક્રીન પર શિવનું એક્ઝેટ લોકેશન આપ્યું. મોડી રાતનો સમય હતો. લાલસિંગ અને મંગલે
એકમેકની સામે જોયું. બંનેની આંખોમાં એક જ વાતનો ઝબકારો થયો… મન્નુએ લાલસિંગનો હાથ પકડી લીધો, ‘નો.’
મન્નુએ કહ્યું, ‘હું તમારી ઉતાવળ અને ઉશ્કેરાટ સમજું છું, પણ આજે અને અત્યારે તો નહીં જ જવા દઉં તમને.’
‘અહીં બેસીને રાહ જોવાથી તો કંઈ નહીં થાય.’ મંગલ ઉશ્કેરાયો.
‘તું સમજતો કેમ નથી મંગલ?’ અંજુમે ખૂબ ધીરજથી અને સ્નેહથી કહ્યું, ‘હું પણ આ ગંદકીને ખતમ કરવા
માગું છું, પણ શિવને જરા જેટલી ગંધ આવશે તો…’ અંજુમે ડોકું ધૂણાવ્યું, ‘હું ડરતો નથી બસ, સાવધાનીથી અને
પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધવા માગું છું.’
‘શિવ એકલો છે. આપણી પાસે લોકેશન છે.’ મંગલસિંઘે હજી હમણા જ હાથમાં આવેલી રિવોલ્વર પર હાથ
ફેરવ્યો, ‘આનાથી વધારે પ્રોપર પ્લાનિંગ શું હોઈ શકે?’
‘એ એકલો નથી.’ અત્યાર સુધી ચૂપ બેઠેલા માઈકલે મંગલ સામે જોયું. ઘુંઘરાળા, લાંબા વાળ, આંખની ઉપર
ભમ્મર પાસે કરાવેલું પિઅર્સિંગ, બાવળા અને કાંડા ઉપરના ટાટૂ, ટિપિકલ મલેશિયન ગંજી અને નીચે ચડ્ડો પહેરીને
બેઠેલો માઈકલ ચહેરા પરથી ગાંજાબાજ અને રખડું યુવાન દેખાતો હતો, પરંતુ એવો હતો નહીં. એણે જિંદગીને ખૂબ
નજીકથી જોઈ હતી. મલેશિયામાં શરૂઆતના દિવસોમાં ભૂખ્યા રહીને દિવસો કાઢ્યા હતા. અંડરવર્લ્ડના ઘણા લોકોને
નજીકથી ઓળખતો અને એના હેકિંગના કામને કારણે સૌ એને ઓળખતા, ‘એ જેવો ડિલિવરીના લોકેશનથી બહાર
નીકળશે કે તરત એની આસપાસ સિક્યોરિટી ગોઠવાઈ જશે. ઓમ એને એકલો પડવા દેતો જ નથી. પોતાની જાત
કરતાં શિવની વધારે ચિંતા કરે છે, ઓમ!’ એણે કહ્યું, પછી એણે સ્પોર્ટ કરીને બતાવવા માંડ્યું. શિવની બસના
લોકેશનની આસપાસ ધીમે ધીમે ગાડીઓ ગોઠવાવા લાગી હતી. એક પછી એક વળાંક પસાર થતા તેમ તેમ એનો
કોન્વોય મોટો થતો જતો હતો. માઈકલે બધી ગાડીઓ સ્પોર્ટ કરીને પછી કહ્યું, ‘શિવ માત્ર એક જ જગ્યાએ તદ્દન
એકલો હોય છે.’
‘ક્યાં?’ મંગલસિંઘે ઉશ્કેરાટ અને ઉતાવળથી પૂછ્યું, ‘ક્યાં હોય છે એકલો અને ક્યારે?’
‘અઠવાડિયે એકવાર એ ‘હમામ સ્પા’માં અચૂક જાય છે. એનો જવાનો સમય નિશ્ચિત નથી હોતો. એના
સિવાય એ સમય કોઈને ખબર પણ નથી હોતી. એ જાતે જ ફોન પર એપોઈન્ટમેન્ટ બુક કરે છે અને એકલો ગાડી
ચલાવીને સ્પા જાય છે. એની નબળાઈ ગણો, શોખ ગણો કે જરૂરિયાત ગણો, પણ મસાજ એ અનિવાર્યપણે કરાવે જ
છે. બહાર એના માણસો ઊભાં હોય છે, પણ અંદર તો એ એકલો જ હોય છે.’
મંગલસિંઘનું મગજ ચાલવા લાગ્યું, ‘આપણને કેવી રીતે ખબર પડે કે એ ક્યારે અને કયા દિવસે જવાનો છે?’
‘શિવનો ફોન હેક કરેલો છે એ સ્પામાં ફોન કરશે એટલે આપણને ખબર પડશે જ.’ માઈકલે કહ્યું, ‘બસ રાહ
જોવી પડશે.’
‘કેટલી?’ મંગલ બેચેન થઈ ગયો.
‘એ જ તો સવાલ છે…’ માઈકલે કહ્યું, ‘એવું બને કે ગઈકાલે જ ગયો હોય તો આખું અઠવાડિયું…’
એનું વાક્ય પૂરું થાય એ પહેલાં મંગલે કહ્યું, ‘આઈ કેન નોટ વેઈટ સો લોન્ગ.’ એણે મન્નુ તરફ જોયું, ‘હું એક
અઠવાડિયું બેસી નહીં રહું.’
‘ભાઈ તમે સમજતા નથી…’ અંજુમ પણ ચીડાઈ ગયો, ‘આ શિવ અસ્થાના છે. કોઈ બકરીનું બચ્ચું નથી કે
પાછળ દોડીને પકડી લઈએ.’
‘પાછળ નહીં. હું સામે ઊભો રહીશ.’ મંગલે કહ્યું. અંજુમે લાલસિંગ સામે જોયું. લાલસિંગે આંખો મીંચકારીને
એને શાંત રહેવાનો ઈશારો કર્યો.
‘આપણે સમય નહીં બગાડીએ.’ લાલસિંગે સ્નેહથી મંગલનો ખભો પસવાર્યો, ‘પણ ધીરજ તો રાખવી જ
પડશે.’ મંગલ કંઈ કહેવા ગયો, પણ લાલસિંગે એને અટકાવી દીધો, ‘હવે સૂઈ જઈએ… સવારે ઊઠીને બહુ કામ કરવાનું
છે.’ મંગલ કશું બોલે એ પહેલાં સૌ ઊભાં થઈ ગયા એટલે મંગલે પણ ના છૂટકે ઊભા થવું પડ્યું. સૌ પોતપોતાના
રૂમમાં જઈને આડા પડ્યા, પરંતુ ઊંઘ કોઈનીય આંખમાં નહોતી.
*
મોડી રાત્રે માઈકલને મન્નુએ લી યુંગથી પીકઅપ કર્યો. માઈકલ અને મન્નુ એમની ટેક્સીમાં ક્વાલાલમ્પુરના
રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કુતૂહલથી માઈકલે પૂછ્યું, ‘આ મંગલને આટલો બધો શું પ્રોબ્લેમ છે શિવ
સાથે?’
‘એના બાપને માર્યો છે.’ કહીને મન્નુએ માઈકલ તરફ જોયું, ‘એની મા સાથે ઓમ અસ્થાનાએ…’ મન્નુએ દાંત
પીંસ્યાં, ‘મંગલ તો કફન બાંધીને આવ્યો છે માથા ઉપર. ત્રણેય ભાઈઓને માર્યા વગર જશે નહીં.’
‘તમે આમાં ક્યાં કૂદ્યા?’ માઈકલે મન્નુને પૂછ્યું.
‘આમ તો હું પણ આ લંકા બળે એવું ઈચ્છું જ છું ને? એકલા હાથે નહીં થઈ શકે એની મને ખબર છે.’ મન્નુએ
નિઃશ્વાસ નાખ્યો, ‘ને એકલા હાથે ઝઝૂમવાની હિંમત પણ નથી. આ છોકરો આવ્યો છે તો એની સાથે હું પણ પુણ્ય
કમાઈ લઉં. બસ!’ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પછી બંને જણાં ચૂપચાપ ટેક્સીમાં ક્વાલાલમ્પુરના
વિસ્તારોમાંથી પસાર થતા પોતપોતાના ઘર સુધી પહોંચી ગયા.
*
શિવ ઘેર પહોંચ્યો ત્યારે અડધી રાત થઈ ગઈ હતી. સાંઈ પોતાના રૂમમાં આરામ ખુરશી પર બેસીને શિવની
રાહ જોઈ રહ્યો હતો. એના હાથમાં આલાદરજ્જાની સિંગલ મૉલ્ટનો ગ્લાસ હતો. સામે આઈસ ક્યૂબ ભરેલી
ક્રિસ્ટલનું બાઉલ અને ક્રિસ્ટલની બોટલ ચાંદીની ટ્રોલીમાં પડ્યા હતા. એ ટીવી પર સમાચાર જોઈ રહ્યો હતો. શિવની
ગાડીનો અવાજ સાંભળ્યો કે તરત એણે ટીવી બંધ કર્યું. શિવ પગથિયાં ચડીને ઉપર આવ્યો ત્યાં સુધીમાં તો સાંઈ ઊભો
થઈને બેડરૂમના દરવાજા સુધી પહોંચી ગયો, ‘આજે ખૂબ ચિંતા કરાવી તે.’
‘ભાઈ!’ શિવના અવાજમાં નવાઈ હતી, ‘ચિંતા શેની?’
સાંઈએ કશું બોલ્યા વગર શિવને બાથ ભરી લીધી. સાંઈએ કહ્યું, ‘આ વખતે કન્સાઈનમેન્ટના થોડા લફરા
થયાને એટલે હું…’
શિવ હસી પડ્યો, ‘ધંધો છે ભાઈ. ઊંચનીચ તો ચાલ્યા કરે. મેનેજ થઈ ગયું ને?’ કહીને એણે ફરી શિવને બાથ
ભરી લીધી, ‘હવે પછી હું તને ડિલિવરી કરવા એકલો નહીં જવા દઉં.’
‘ભાઈ!’ શિવ મહામુશ્કેલીએ છુટ્ટો પડ્યો, ‘શું થઈ ગયું છે તમને? આજ સુધી ડિલિવરી કરવા એકલો જ ગયો
છું અને આપણો ધંધો એટલે જ સેઈફ છે કારણ કે…’
‘હું કંઈ જાણતો નથી. હવે પછી તારે એકલાએ નથી જવાનું…’ શિવનું વાક્ય પૂરું થાય એ પહેલાં સાંઈએ કહ્યું,
‘તારી સિક્યોરિટી વધારી દેવી પડશે. હવેથી બે માણસ સતત તારી સાથે રહેશે. લોડેડ ગન સાથે.’
ખૂબ મોડી રાત થઈ ગઈ હતી એટલે શિવે લાંબી ચર્ચા કરવાને બદલે અત્યારે ડોકું ધૂણાવીને ‘હા’ પાડી. શિવ
વહાલથી સાંઈને ભેટ્યો અને બિલકુલ બાજુમાં આવેલા પોતાના બંગલામાં જવા માટે નીકળી ગયો. એક જ કેમ્પસમાં
આવેલા એકસરખા ત્રણ બંગલા હતા. ત્રણેય ભાઈઓ આમ જુદા છતાં ભેગાં રહેતા. લોકો કહેતા કે શિવ એમનો સગો
ભાઈ નહોતો, ઓમ એને રસ્તા પરથી લઈ આવ્યો હતો. એક બીજી અફવા એવી પણ હતી કે, ઓમ અસ્થાનાના
પિતાને એક રખાત હતી. એ ગુજરી ગયા ત્યારે પોતાના અવૈદ્ય સંતાનને લાવીને સાથે રાખવાની અંતિમ ઈચ્છા એમણે
પોતાના દીકરાને જણાવી હતી. પિતાની ઈચ્છા પૂરી કરવા અને એમને અંતિમ ઘડીએ આપેલું વચન નિભાવવા માટે
ઓમ પોતાના ભાઈને લઈ આવ્યો હતો. જે હોય તે, પરંતુ શિવ હવે ઓમ માટે સગા દીકરા કરતાં પણ વધુ વહાલો
હતો અને શિવ માટે ઓમનું મહત્વ પિતા કરતા પણ વધારે હતું.
શિવના ગયા પછી સાંઈ બેસીને શરાબ પીતો રહ્યો.
શિવે જાણી જોઈને સાંઈને જણાવ્યું નહીં કે, ઓમ કિડનેપ થઈ ગયો છે.
એ રાત્રે શિવ સૂઈ શક્યો નહીં.
હવે એણે ઓમની તપાસ કરવાનું શરૂ કર્યું. ઓમના ગાર્ડ્સને બોલાવ્યા, મંદિરમાં શું થયું, કેવી રીતે થયું એ બધા
સવાલોના જવાબમાં એણે એક પછી એક વ્યક્તિ સાથે વાત કરીને કડીઓ જોડવા માંડી.
શિવને લાલસિંગ, અંજુમ કે બીજા કોઈ વિશે જરાય ખ્યાલ નહોતો. વર્ષો પહેલાં ઓમ સાથે થયેલા પ્રોબ્લેમને
કારણે લાલસિંગ જેલમાં ગયો, એનો દીકરો મૃત્યુ પામ્યો. આ બધી વિગતોની ઓમને ખબર નહોતી.
લાલસિંગ ઓમનો વફાદાર માણસ હતો, પણ એનો દીકરો ઓમ અસ્થાનાના ફ્લેશ ટ્રેડ અથવા છોકરીઓના
આ ધંધાનો વિરોધી હતો. એણે વારંવાર પિતાને ઓમથી છૂટા પડવા સમજાવ્યા હતા, પરંતુ લાલસિંગ એ ધંધામાંથી
નીકળી શકે એમ નહોતો, ઓમ એને જવા દેવા તૈયાર નહોતો.
આખરે કંટાળીને, ચીડાઈને લાલસિંગના દીકરાએ પોલીસને માહિતી આપી હતી. એ માહિતી ઉપરથી ઓમના
અડ્ડા પર છાપા મારવામાં આવ્યા, ઓમ અસ્થાનાને ગિરફ્તાર કરવામાં આવ્યો, પણ એની પહોંચ અને ઓળખાણોને
કારણે એ બહુ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યો નહીં…
છૂટતાં જ એણે સૌથી પહેલાં લાલસિંગના દીકરાને ખતમ કર્યો, લાલસિંગને ફસાવીને જેલમાં મોકલ્યો… જોકે
એ પછી ઓમ અસ્થાના માટે મુંબઈમાં રહેવું અઘરું બની ગયું, એટલે એને ધીમે ધીમે પોતાનો આખો ધંધો અને બેઝ
મલેશિયા શિફ્ટ કરવો પડ્યો. ઓમ લાલસિંગને ભૂલી ગયો હતો, પરંતુ લાલસિંગનો ફોન આવ્યો એ ક્ષણથી ઓમ
અસ્થાનાને વિતેલા દિવસો, એ દિવસોમાં પોતે જે પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યામાંથી પસાર થયો એ બધું ફરી
એકવાર યાદ આવી ગયું!
લાલસિંગ એના દીકરાના મૃત્યુનું વેર લીધા વગર નહીં રહે, એ વાતની ઓમને ખાતરી થઈ ગઈ હતી. એનો
જીવ તાળવે ચોંટ્યો હતો કારણ કે, એને બરાબર ખબર હતી કે, લાલસિંગ પોતાને નહીં મારે. એનું ટાર્ગેટ ઓમનો સૌથી
વહાલો ભાઈ ગણો કે દીકરો, શિવ જ હશે!
પરંતુ, એની ગણતરી ઉંધી પડી. લાલસિંગે શિવને નહીં, પહેલા ઓમને ઉઠાવ્યો. હવે ઓમ લાલસિંગના સકંજામાં હતો,
બેહોશ!
બધા જાણતા હતા કે, શિવ આખી રાત ઓમને શોધવાના પ્રયાસ કરશે. મંગલની ઈચ્છા હતી કે, માઈકલને
રોકીને શિવના બધા ફોન સાંભળવા જોઈએ, પરંતુ અંજુમે એમ કરવાની ના પાડી. આ ત્રણેય ભાઈઓના બંગલા
અદ્યતન ઈલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ હતા. કોઈ હેક કરીને ફોન સાંભળી રહ્યું છે એવો ખ્યાલ આવે તો કદાચ શિવ
સાવધ થઈ જાય એવો અંજુમને ભય હતો, ‘જો ત્રણેય જણાં છૂટા હશે તો એમને પકડવા અને મારવા સહેલા પડશે.’
અંજુમે કહ્યું.
‘યસ!’ લાલસિંગે અંજુમની વાતને ટેકો આપ્યો, ‘શિવ ખૂબ ચાલાક છે. ઓમ ગૂમ છે એટલે હવે શિવ વધુ
સાવધ થઈ જશે. ઓમને ખતમ ના કરીએ ત્યાં સુધી શિવને છંછેડવો ના જોઈએ એવું મારું પણ માનવું છે.’
‘ઓમને હું કાલ સવારે મારી નાખીશ.’ મંગલસિંઘના અવાજમાં રહેલો દ્રઢ નિર્ણય સૌને સંભળાયો, ‘મારે
હિન્દી ફિલ્મની જેમ લાંબા ભાષણ આપીને કે હાથોહાથની મારામારી કરીને ટાઈમ વેસ્ટ નથી કરવો. હું ફક્ત એના
જાગવાની રાહ જોઉં છું. બેહોશીમાં નથી મારવો મારે. એ જાગે, એને ખબર પડે કે એને કોણે-શેને માટે મારી નાખ્યો…
બસ! એની જ રાહ જોઉં છું.’ મંગલે કહ્યું.
‘બરાબર છે.’ પંચમે ડોકું ધૂણાવ્યું, ‘સવાર સુધી વેઈટ કરી લઈએ.’ પછી એણે અંજુમ તરફ જોયું, ‘સવાર
સુધીમાં આપણે બોડીને ડિસ્પોઝ કરવાની તૈયારી પણ કરી જ લેવી જોઈએ.’
‘વસ્તુઓ આવી ગઈ છે. બધું પ્લાન મુજબ જ થશે.’ અંજુમે એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું. ત્યાં પડેલા
પ્લાસ્ટિક કોરેગેટેડ બોક્સ, પ્લાસ્ટિકના થેલાઓ, પરફ્યૂમની બોટલ્સ અને આખા મીઠાના મોટા કોથળા તરફ એણે
નજર નાખી. આ બધી વસ્તુઓ જુદા જુદા વિસ્તારની, જુદી જુદી દુકાનમાંથી જુદા જુદા લોકોએ ખરીદી હતી એટલે
કદાચ પણ પોલીસ તપાસ કરે તો એકબીજા સાથે આના સાંધા જડે એમ નહોતા.
ડિસઈન્ફેક્ટન્ટના મોટામોટા કેરબા તૈયાર હતા. એકવાર કામ પતી જાય એટલે તરત જ આ અપાર્ટમેન્ટને
સાફસૂફ કરીને કૂતરાઓને ગંધ ન આવે એ રીતે ડિસઈન્ફેક્ટન્ટની ગંધ ફેલાવી દેવાની હતી.
લાલસિંગ, અંજુમ, પંચમ અને શૌકત હવે ઓમના જાગવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એ રાત્રે સૌ પોતપોતાના
પલંગમાં પડ્યા, પરંતુ કોઈ ઉંઘી શક્યું નહીં. એકવાર ઓમ જાગે પછી શું થશે અને શું કરવાનું છે એના તાણાંવાણાં
ગૂંથવામાં સૌએ પોતપોતાની રાત ખુલ્લી આંખે જ પૂરી કરી.
(ક્રમશઃ)