સરદારઃ શબ્દ વગરનો સ્નેહ!

અમદાવાદ અને વડોદરા વચ્ચેના પંચોતેર માઈલની બરાબર અધવચ્ચે આ
બંને શહેરોને જોડતી નકશારેખા પર નડિયાદ શહેર વસેલું છે. આડીઅવળી
ગલીકૂંચીઓ અને પચ્ચીસ હજારની વસતી ધરાવતા આ શહેરમાં વલ્લભભાઈ
પટેલનો જન્મ થયો હતો, પણ તેની નક્કી તારીખ આપણે જાણતા નથી. સન
1897માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા ત્યારે તેમણે પોતે પાછળથી કબૂલ કરેલું છે તેમ,
‘મનમાં આવ્યું તે સન 1875ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ ઠોકી દીધી હતી.
મારી ઉંમર પૂછવામાં આવે ત્યારે મારે ગપ્પું મારવું પડે છે. સોગંદ લઈને કહેવું પડે
ત્યારે હું હંમેશાં આશરે એવો શબ્દ ઉમેરી દઉં છું.’ તેવું તેમણે કહેલું છે.

વલ્લભભાઈ લાડબાનું ચોથું સંતાન અને ચોથા દીકરા હતા. તે જમાનાના
રિવાજ પ્રમાણે લાડબા સુવાવડ માટે સાસરેથી પિયર આવ્યાં હતાં. લાડબાના પતિ
ઝવેરભાઈ નડિયાદથી દક્ષિણે બાર માઈલ અને આણંદથી ત્રણ માઈલ પશ્ચિમે
આવેલા કરમસદ નામના ગામડાના વતની હતી અને તેમની પાસે દસ એકરનું
ખેતર અને ઘરનું ઘર હતાં.

સોમાભાઈ, નરસિંહભાઈ અને વિઠ્ઠલભાઈ વલ્લભભાઈથી મોટા હતા.
વલ્લભભાઈ પછી તેમના નાના ભાઈ કાશીભાઈનો જન્મ થયો. ડાહી કે ડાહીબા,
ઝવેરભાઈનાં એક માત્ર દીકરી અને છેલ્લું સંતાન હતાં. કરમસદમાં વલ્લભભાઈના
પિતરાઈઓ અને બીજા લોકો ઝવેરભાઈને ‘મોટા કાકા’ કહેતા, તેથી વલ્લભભાઈ અને
તેમનાં ભાઈબહેનો પણ તેમને, ‘બાપુ’ના બદલે ‘મોટા કાકા’ કહેવા લાગ્યાં. મોટા
કાકાનો દાખલો લઈને વલ્લભભાઈ પણ મહિનામાં બે અપવાસ કરતા અને તે વખતે
પાણી પણ પીતા નહીં. વલ્લભભાઈ પાતળા અને ખડતલ હતા. વચેટ હોવાને કારણે
તેમને કપડાં કે મીઠાઈની વહેંચણી વખતે છેલ્લા અને કામ કરવાનું આવે ત્યારે
પહેલા યાદ કરવામાં આવતા. સહુ કોઈ વલ્લભભાઈને કામ સોંપતા. વલ્લભભાઈ
સીધા અને ઊંડા ચાસે હળ ચલાવતાં, યોગ્ય રીતે બિયારણ પેરતાં અને ઢોરઢાંખરને
સાચવતાં શીખ્યા. ખેતરમાં કામ કરતી વખતે બાપ દીકરાને ગણિતના પાડા
શીખવતા. થોડા વખત પછી ઝવેરભાઈએ દુનિયાદારી છોડી દીધી અને તે મંદિરમાં
જ રહેવા લાગ્યા. માત્ર જમવા માટે બપોરે ઘેર આવતા. માબાપના સ્નેહથી વંચિત
રહેલા વલ્લભભાઈએ મોટા ભાઈઓ-સોમા, નરસી, વિઠ્ઠલભાઈની આજ્ઞા ઉઠાવવી
પડતી. વલ્લભભાઈ સામે થાય તો મોટા ભાઈઓ તેમને ‘ગાંડો બળદ’ કહેતા.
બાળપણમાં સરદારને લોકો તોફાની બહારવટિયા કહેતા.

અંગ્રેજી શાળાનાં ત્રણ ધોરણ પૂરાં કર્યાં ત્યારે વલ્લભભાઈ સત્તર વરસના હતા.
વિઠ્ઠલભાઈ નવ વરસના હતા ત્યારે, તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. વલ્લભભાઈનાં
લગ્ન થયાં ત્યારે તેમની ઉંમર સત્તરેક વરસની હતી. માબાપ અને કાકા-કાકીઓએ
પસંદ કરેલાં તેમનાં પત્ની ઝવેરબા બારતેર વરસનાં હતાં. તેમના વિશે ખાસ
જાણકારી મળતી નથી. કરમસદથી ત્રણ માઈલ દૂર આવેલા ગણા ગામનાં ઝવેરબા,
છ ગામના ગોળની બહારનાં હતાં. ઝવેરબા ઓગણત્રીસ વરસની ઉંમરે સન 1909ના
જાન્યુઆરીમાં ગુજરી ગયાં ત્યારે વલ્લભભાઈ તેત્રીસ વરસના હતા અને તેમનાં
સંતાનો પાંચ અને ત્રણ વરસનાં હતાં. વલ્લભભાઈ તેમના વિશે ભાગ્યે જ વાતો
કરતા.

‘તમારાં બા રૂપાળાં હતાં?’ તેવો સવાલ પૂછ્યો ત્યારે ત્યાશી વરસનાં
મણિબહેને કહ્યું કે, ‘મને ખબર નથી.’ ‘તેમના વિશે તમે શું કહી શકો?’ ‘કશું જ
જાણતી નથી.’ ‘તમારા પિતા તેમના વિશે કંઈ વાતો કરતા?’ ‘મારા પિતા મારી જોડે
કશી વાતો કરતા નહીં. સવારે માત્ર કેમ છો તેટલું પૂછતા.’ ‘તમારા બા કાળાં હતા કે
ગોરાં?’ ‘મને ખબર નથી.’

નડિયાદની ઈશાને 66 માઈલ દૂર આવેલા પંચમહાલ જિલ્લામાં ગોધરાના
ધૂળિયા ગામે વલ્લભભાઈએ ત્રણ વરસ વકીલાત કરી. વલ્લભભાઈએ ઝવેરબાને
તેડાવી લીધાં. ઝવેરબા તે વખતે સાસરાના ગામ હતાં કે પિયરમાં રહેતાં હતાં તે
આપણે જાણતા નથી. વલ્લભભાઈએ મિત્ર પાસેથી નાણાં ઉછીનાં લીધાં, ગોધરામાં
ઘર ભાડે રાખ્યું, હરાજીમાંથી એક ટેબલ, થોડી ખુરશીઓ, થોડી શેતરંજીઓ ખરીદી
લીધાં અને પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. લગ્ન તો સાતઆઠ વરસ અગાઉ થયાં
હતાં, પણ તેમનું સહજીવન હવે શરૂ થયું.

ચરિત્રલેખક ગોરધનભાઈ પટેલના મત મુજબ વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબા
જોહુકમીવાળાં, સ્વાર્થી અને કુનેહ વગરનાં હતાં. વળી તે અભણ, અસંસ્કારી હતા.
દિવાળીબાની નારાજી વેઠવાની અનિચ્છાને કારણે વિઠ્ઠલભાઈએ પોતાની ઈંગ્લેન્ડની
મુસાફરી અંગે તેમને કશી ખબર આપી નહીં. વિઠ્ઠલભાઈને વળાવવા માટે મુંબઈ
જઈને પાછા આવેલા વલ્લભભાઈએ જ્યારે ખબર આપ્યા ત્યારે જ દિવાળીબા અને
બીજા ઘણા લોકોને આ વાતની ખબર પડી. દિવાળીબા જોડે રહેવામાં ઝવેરબાએ
પૈસેટકે ઘસાવું પડતું અને માનસિક ત્રાસ પણ વેઠવો પડતો હતો. ઝવેરબા મનમાં
આવે તેમ બોલતાં અને દિવાળીબા પણ તેવું જ કરતાં. આવા ઝઘડા વખતે ઝવેરબા
હલકા ગોળનાં હતાં તે વાતનો ઉલ્લેખ થયા વગર રહે નહીં. વલ્લભભાઈએ
ઝવેરબાને પિયર મોકલી આપ્યાં. ઝવેરબા બે વરસનાં મણિબહેન અને છ મહિનાના
ડાહ્યાભાઈને લઈને પોતાના પિયર ગણામાં જઈને બે વરસ રહ્યાં. વલ્લભભાઈએ
પોતાનો નિયમ પાળ્યો અને ધણીની ઉદારતાનો ભોગ બનેલાં ઝવેરબાએ પોતાની
ટેક નિભાવી.

ઝવેરબા માટેની લાગણી હંમેશાં અવ્યક્ત રહી હોવા છતાં આ નિર્ણય પાછળ તેનો ફાળો પણ
હોવો જોઈએ. ઝવેરબા માટે તેમણે હેત દર્શાવ્યું નથી, તેમ કદી અણગમો પણ દર્શાવ્યો નથી. જે માણસ
પ્રેમ રાખતો હોય તે ક્યારેક બોલ્યા સિવાય રહી શકતો નથી તે વાત સાચી હોવા છતાં, અણગમો હોત તો
આખી જિંદગી ઢાંકી રાખવાનું વલ્લભભાઈ માટે પણ અશક્ય ગણાય. હરખ કે શોક બહાર દેખાડવા નહીં
તે વલ્લભભાઈની ખાસિયત બની ગઈ હતી. પોતાની ઉદાસી જોઈને છોકરાં વધારે હિજરાશે તે
જાણકારીથી તેમની સહનશીલતા વધારે દ્રઢ બની હશે. એમણે આણંદની અદાલતમાં જાન્યુઆરીની 11મી
તારીખે 2 વાગ્યે પત્નીના મૃત્યુનો તાર ખીસ્સામાં મૂકીને એમણે કેસ ચલાવ્યો… એ વાત સૌ જાણે છે,
પરંતુ વલ્લભભાઈનો મણિબહેન પરનો પત્ર (16.6.33) વાંચતાં સમજાય છે કે, એમને પણ એકલતા
સાલતી હશે. યશોદાના (ડાહ્યાભાઈના વહુ) ગયાને વરસ થવા આવ્યું. ડાહ્યાભાઈએ હવે ભવિષ્યનો
વિચાર કરવો જોઈએ. બાબા (બિપિન) માટે તો બંને બાજુ દુઃખ છે, પણ દુનિયાનો અનુભવ એવો છે કે
સાવકીમાનું દુઃખ ઓછું ગણવું નહીં. નમાયાં છોકરાંનું દુઃખ પણ ઓછું હોતું નથી.

સરદારનું આ ચરિત્ર કદાચ આપણી નજર સામે આવ્યું નથી. સહુએ એમને ‘લોખંડી પુરુષ’ કહ્યા,
પરંતુ મૌલાના શૌકત અલીએ વલ્લભભાઈને ‘બરફથી છવાયેલા જ્વાળામુખી’ કહ્યા હતા!
(રાજમોહન ગાંધીના ‘સરદાર પટેલ’માંથી સાભાર.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *