જાતને બદલવી જરાય અઘરી નથી…

આપણે આપણા રસ્તે, આપણી રીતે સાવ શાંતિથી ચાલ્યા જતા હોઈએ… આસપાસની દુનિયામાં કોઈને બને ત્યાં સુધી ન નડવાના આપણા નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો છતાં જો કોઈક અદકપાંસળિયો વગર કારણે આપણને છંછેડે તો શું કરવું ? આ સવાલ ઘણાને થતો હશે ! આપણે જે કરીએ એમાં અમુક લોકોને વાંધો પડે જ, તો અંતે કરવું શું ? આ સવાલ પણ ઘણાને થતો હશે… આજકાલ, સોશિયલ મિડિયાને કારણે દુનિયા નાની થઈ છે, એટલે દરેકને બીજાની જિંદગીમાં રસ પડે છે. મજાની વાત એ છે કે બીજાની જિંદગીમાં રસ લેનારા આવા લોકો પોતાની જિંદગીને અજાણતાં જ સૌ માટે ગોસિપ અને મજાકનો વિષય બનાવી દે છે, જેની મોટાભાગે એમને પોતાને ખબર નથી હોતી, અથવા એટલિસ્ટ એવું દેખાડે છે કે એમને ખબર નથી !

જ્યારે દૂરદર્શન નહોતું ત્યારે અમદાવાદ ઉપર ‘પીજ’ કેન્દ્રથી કાર્યક્રમો પ્રસારિત થતા. એમાં એક કાર્યક્રમ હતો, ‘કાકા ચાલે વાંકા’. કેટલાક લોકો આ લેબલને પોતાના જીવનના મહત્વના ભાગ તરીકે અપનાવી લે છે. પોતાની રીતે જીવતા અને કોઈને ન નડતા માણસને જાણી જોઈને ઉકસાવવાની કે ચાલતા બળદને પરોણો મારીને એને અકળાવવાની પ્રવૃત્તિ કેટલાક લોકોની ફેવરીટ ‘હોબી’ હોય છે. એમનો પ્રોબ્લેમ એ છે કે આ ‘હોબી’ એ ગુપ્ત રાખવા માગે છે. જાહેરમાં પોતાનો શોખ સ્વીકારવા જેવો નથી, એની એમને ખબર જ છે. આમ જુઓ તો, આવા લોકો પ્રમાણમાં ભીરૂ અને ડરપોક હોય છે.

કોકના ઘરનો બેલ મારીને ભાગી જવામાં જે મજા નાના બાળકને આવે એવી મજા આ લોકોને બીજાની જિંદગીમાં દખલ દઈને આવે છે ! પણ, જેમ પકડાઈ જાય ત્યારે બાળક તરત જ ‘હું નહોતો’ કહીને છૂટવાનો બાલિશ પ્રયાસ કરે એવી જ રીતે આવા લોકો પોતે મારેલા પરોણા વિશે કે પોતે કરેલી બિનજરૂરી દખલઅંદાજી વિશે જવાબદારી લેતા નથી ! આપણને નવાઈ લાગે, પણ જો આસપાસ તપાસ કરીશું તો દરેકને એકાદ તો આવા મળી જ રહેશે.  આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી. ક્લાસ, એજ્યુકેશન, આવડત, ઉછેર કે વ્યવસાયનો કોઈ ભેદ આવા લોકોને નડતો નથી. આવા લોકો અત્ર-તત્ર-સર્વત્ર મળી રહે છે.

જેને દરેક વાતમાં વાંધો પડે, વાંકુ દેખાય, ઉંધું જ જોવાની ટેવ પડી હોય એની સાથે કેવી રીતે કામ પાડવું એ આપણા બધા માટે મોટી ચેલેન્જ હોય છે. એનાથી મોટી ચેલેન્જ એ છે કે આવા લોકો ‘વાંધો છે’ એવું સ્વીકારવા તૈયાર નથી હોતા. એમને તો ગુપ્તદાનની જેમ, ગુપ્ત પ્રોબ્લેમ ઊભા કરવા હોય છે. હવે, ગુપ્ત પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવા એ આપણા માટે જીવનનો મહાપ્રશ્ન બની રહે છે. આપણે એમને પૂછીએ, “શું થયું છે ?” તો એમનો પરમેનેન્ટ ગોખેલો જવાબ, “કંઈ નહીં” હોય છે. હવે જેને કંઈ પ્રોબ્લેમ જ ના હોય એની સાથે સંવાદ, ચર્ચા, વિચારણા કે સમાધાન કઈ રીતે થઈ શકે ?

તેમ છતાં, એમની સાથે હસીને વાત કરીએ તો કહેશે કે મારી મજાક કરે છે, ગંભીર રહીએ તો કહેશે કે મોઢું ચઢાવે છે, વાત ન કરીએ તો કહેશે કે ઈગ્નોર કરે છે અને એમને જ બોલવા દઈએ તો કહેશે કે મારી સાથે સંવાદ નથી કરતા. એમની વાતનો વિરોધ કરીએ તો કહેશે, મને ખોટા પાડે છે અને સહમત થઈએ તો કહેશે, તમારી પાસે પોતાનો અભિપ્રાય છે કે નહીં ? બધામાં હા એ હા કરે છે… આપણો આત્મવિશ્વાસ એમને અહંકાર લાગે, ને આપણી આવડત એમને માટે લઘુતાગ્રંથિનું કારણ હોય… આપણી નાનકડી સફળતા એમને માટે આપણી ચાલાકી, લુચ્ચાઈ કે ગેરરીતિ હોય, પણ એ જ્યારે કંઈ ખોટું કરે ત્યારે ચોક્કસ એમને કોઈકે ફસાવ્યા હોય ! આપણે રમીએ તે બાજી, ને એ રમે ત્યારે એ જ ફરિયાદી ને એ જ કાજી ! આપણી જિંદગીમાં એમને સખત રસ હોય, પણ દેખાડે એવું કે જાણે એમની પાસે કોઈ માટે સમય નથી.

આવા માણસોની અંદર બે જણા જીવે, પહેલો… જ્યારે એને આપણું કામ હોય ત્યારે પ્રગટ થાય અને બીજો… જ્યારે આપણે એનું કામ હોય ત્યારે પ્રગટ થાય ! આપણે કોઈપણ કામ કરીએ અને એ કામ માટે જો પરિવાર, સમાજ કે મિત્રો આપણા વખાણ કરે તો એમને એટલી ઈર્ષ્યા થાય કે એ એમાં શું ખોટું છે અથવા ક્યાં ભૂલ થઈ છે એ શોધવા માટે એ પોતાનો આખો દિવસ કે મહિનો પણ બગાડી શકે. આવા લોકોની મજા એ છે કે એમની પાસે દરેક વાતના બે જવાબ હોય છે. કબૂતર લઈને મહાત્મા પાસે ગયેલા પેલા બે છોકરાઓ જેવો સવાલ પૂછે, “મારા ખિસ્સામાં શું છે ?” જો મહાત્મા કહે કે “જીવતું કબૂતર છે”, તો ડોકું મરડી નાખવાનું… અને જો મહાત્મા કહે કે “મરેલું છે”, તો કબૂતર જીવતું બહાર કાઢવાનું ! એમનું આખું જીવન બીજાને હરાવવામાં, ડરાવવામાં અને ફસાવવામાં જ પૂરું થઈ જાય. એમનો એકાદ ઉપકાર આપણે ભૂલી ગયા હોઈએ પણ, એને બરાબર યાદ હોય, પરંતુ જો આપણે એને માટે કંઈ કર્યું હોય, એ એને યાદ કરાવીએ ત્યારે ‘સંભળાવ્યું’ કહેવાય! એ કોઈ કામમાં મોડું કરે તો, એમનું પરફેક્શન, પણ આપણે મોડું કરીએ તો આપણે આળસુ અને બેજવાબદાર…

આવા લોકોનો પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે કંઈ કહીએ ત્યારે એણે વિરોધ કરવો પડે, પણ એની એ જ વાત, એ પોતાની ટેગલાઈન સાથે મૂકે ત્યારે એવી દલીલો રજૂ કરે કે આપણે એમની વાત માનીને નહીં, એકનું એક સાંભળીને, કંટાળીને એની સાથે સંમત થઈ જઈએ ! એમને ‘એકાંત’ અને ‘એકલતા’ વચ્ચેનો ભેદ ખબર નથી એટલે જે કોઈ ચૂપ રહે, એકલા રહે, એમની જેમ નક્કામું ટોળું ભેગું ન કરે એ બધા એમને ‘બિચારા’ લાગે. પોતાના જ કરમ અને શરમને કારણે એ પોતે એકલા પડ્યા હોય, પણ દેખાડે એવું કે જાણે એમણે સાધના માટે એકાંતવાસ પસંદ કર્યો છે !

તમારી આસપાસ આવું કોઈ હોય તો એને માફ કરજો, કારણ કે એ બિચારા જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે અને એનું પરિણામ શું હોઈ શકે, એની પણ એમને કદાચ કલ્પના નથી. એમનો પ્રોબ્લેમ એ છે કે એમની પાસે કરવાનું ખાસ કંઈ છે નહીં, એટલે આવા લોકો બીજાના કામ, દામ અને નામ કેવી રીતે ઝાંખા પાડી શકાય એ માટે પોતાની તમામ ઉજ્જવળ શક્યતાઓને ખર્ચી નાખતા હોય છે. આવા લોકો અચૂક બુદ્ધિશાળી હોય છે, એમની પાસે ઘણી આવડત હોય છે, પરંતુ એને સાચા રસ્તે વાપરવાને બદલે એ ઈશ્વરે આપેલી અનુપમ ભેટને કચરાના ડબ્બામાં ફેંકી દેતાં અચકાતા નથી. તમે આવા નથી ને ? જો હો, તો જાતને બદલજો. જિંદગી એક જ વાર મળે છે. વિતેલો સમય પાછો નથી આવતો અને તૂટેલા સંબંધો કદાચ જોડાય તો પણ એની તિરાડમાંથી અફસોસ ટપકતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *