તમારી જાતને દેશપ્રેમી કહો છો?

14 એપ્રિલ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ! માસ્ક પહેરીને આવેલા પ્રધાનમંત્રીએ માસ્ક ઉતારીને સંબોધન કર્યું, ટૂંકું છતાં મહત્વપૂર્ણ મુદ્દા સાથેનું આ સંબોધન દેશવાસીઓને મહામારીમાંથી બચાવવા માટેના પ્રયાસની એક નવી જાહેરાત હતી. લોકડાઉનની મર્યાદા વધારવામાં આવી, વધુ સખત કરવામાં આવી, માસ્ક કમ્પલસરી થયા અને સાથે પ્રધાનમંત્રીએ આ દેશના ગરીબ અને રોજ કામ કરીને ખાનારા લોકોની જવાબદારી લેવાનું વચન આપ્યું… જે લોકો ઘરમાં બેઠા છે એને ખબર નથી, પરંતુ સવા કરોડના આખા દેશને એક મુદ્દા પર એકત્રિત કરીને એમની પાસે આવી ડિસિપ્લિનથી સરકારી કાયદો પળાવવો સરળ નથી. આ મહામારીમાં જે હિંમત અને તાકાતથી ભારતવાસીઓ લડી રહ્યા છે એ પણ કાબિલે દાદ છે જ. આ લોકડાઉનમાં હાઈવે ઉપર શહેરના એક્ઝીટ અને એન્ટ્રી પોઈન્ટ પર જે રીતે પોલીસકર્મીઓ કામ કરી રહ્યા છે એને સલામ કરવી પડે.

ગરમી વધી રહી છે. 43 ડિગ્રી ગરમીમાં આપણે પંખા નીચે પણ પરસેવે નીતરી જઈએ છીએ ત્યારે પોલીસકર્મીઓ સવારથી સાંજ સુધી હાઈવે પર, શહેરની ગલીઓમાં, રસ્તાઓ ઉપર ઊભા રહીને, ફરતા રહીને પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી અદા કરી રહ્યા છે. આટલા વર્ષો સુધી પોલીસ માટે જાત-જાતનું ને ભાત-ભાતનું કહેવાતું હતું. કેટલાક લોકો પાસે એમને સંબોધવા માટે ‘ખાસ શબ્દો’ પણ હતા, પરંતુ આજે જ્યારે આપણે આપણા ઘરોમાં એ.સી. ચલાવીને, પૂરા ભરેલા ફ્રીજ સાથે પણ ઈન્સિક્યોરીટીમાં બેઠા છીએ ત્યારે કેટલાય પોલીસ કર્મચારીઓ પંદર દિવસથી ઘેર નથી ગયા, એની આપણે નોંધ લીધી છે ખરી ? એમના પરિવાર, સંતાનો, એમને ઘેર રહેલા વૃદ્ધોને કોઈ જરૂરત નહીં હોય. સતત રસ્તા પર ઊભા રહીને લોકોને ચેક કરતા આ કર્મચારીઓને ડર નહીં લાગતો હોય ? આ પોલીસ કર્મચારીઓમાં માત્ર પુરુષો નથી, બહેનો પણ છે…

ડોક્ટર્સ, નર્સ, કરિયાણાની દુકાનવાળા, અમૂલની દુકાનોના કર્મચારીઓ, દરેક સોસાયટીના દરવાજે ઊભેલા વોચમેન, રોજ આવીને સોસાયટી સાફ કરી જતા સફાઈ કર્મચારીઓ, એ.એમ.સી.ના બધા જ કર્મચારીઓ, ફૂડ પેકેટ્સ અને કિટનું વિતરણ કરતા બધા સેવાભાવીઓ… આમ તો લિસ્ટ ઘણું લાંબું બને, પરંતુ આપણે નોંધવું જોઈએ કે આપણા બધાની જિંદગી આ દિવસોમાં પણ આસાન બનાવનાર એવા ઘણા લોકો છે જેની આપણે હજી સુધી નોંધ નથી લીધી. રોજિંદું કમાઈને ખાનારા, ખાસ કરીને એવા કલાકારો જેમને પ્રોગ્રામ મળે કે શુટિંગ હોય, નાટકનો શો હોય તો જ એમની આજિવિકા ચાલે એમનું શું થયું એવો વિચાર સૌથી પહેલાં અભિલાષ ઘોડાને આવ્યો. એમણે ઝૂંબેશ શરૂ કરી.

એક કીટ બનાવીને ઘેર-ઘેર પહોંચાડવાની શરૂઆત કરી. ગુજરાતભરના રંગકર્મીઓ એમાં જોડાવા લાગ્યા. કોઈકે કીટ લખાવી તો કોઈકે પહોંચાડવાની જવાબદારી લીધી… આપણે જાણતા પણ નથી એવા નાના ગામમાં મંજીરા વગાડનારા, ઢોલક વગાડનારા, લાઈટ પકડીને ઊભા રહેનારા, સ્પોટ બોય્ઝ, સેટ લગાડનારા, ચા બનાવનારા, ઈસ્ત્રી કરનારા ઘણાં લોકો છે, જેમને શૂટિંગ કે શો હોય તો જ પૈસા મળે. આપણે મનોરંજનની દુનિયાને સ્ક્રિન કે સ્ટેજ પર જોઈને તાળી પાડનારા લોકો છીએ. એની પાછળ કેટલા માણસોની જહેમત અને રોજી છે એની આપણને હવે ખબર પડી છે… અભિલાષ ઘોડાએ આ કામ ઉપાડી લીધું એટલું જ નહીં, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓફિસમાંથી જરૂરી તમામ મદદ મળતી રહી. આજે ગુજરાતના નાનામાં નાના ગામડાના કલાકાર સુધી એની રોજિંદી જરૂરિયાત પહોંચાડવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે.

સવાલ એ છે કે જે આપણે માટે રાત-દિવસ એક કરી રહ્યા છે એને માટે આપણે શું કરી રહ્યા છીએ ? એમને અત્યારે વસ્તુઓની ગરજ નથી. સરકારે એમની જવાબદારી ઉપાડી છે, પાણીની બોટલ્સ, સૂકા નાસ્તાના પડિકા અને ફૂડ પેકેટ્સ એમને પહોંચાડવામાં આવી રહ્યા છે, પરંતુ શું એટલા ખાતર જ એ પોતાનો જીવ જોખમમાં નાખીને, 43 ડિગ્રીમાં કામ કરી રહ્યા છે ? કેટલાક પોલીસકર્મીઓના અનુભવ સાંભળવા જેવા છે… “લોકો માસ્ક ન પહેરે, દલીલો કરે… ક્યારેક ખોટા બહાના બતાવે, ક્યારેક જૂની ડેટના કાગળો લઈને અવર-જવર કરે. સત્ય પૂછીએ તો એમને એવું કોઈ કામ નથી હોતું જેને માટે ‘જવું જ પડે’.

કેટલીક એવી હસ્તી કે જેને બધા ઓળખતા હોય એ પણ કાયદાનો ભંગ કરે છે. એમને કંઈ કહેવા જઈએ તો ઓળખાણો કાઢે, ફોન કરાવે… નવાઈની વાત એ છે કે અમે એમની સેફ્ટી માટે, એમની સલામતી અને સગવડ માટે અહીં ઊભા છીએ. અમારે કંઈ સાબિત કરવાનું નથી. તેમ છતાં દરેક વાતને મુદ્દો બનાવીને પોલીસની જવાબદારીમાં રુકાવટ નાખવાની ઘણા લોકોને વિચિત્ર મજા આવે છે.” આ વાત તદ્દન ખોટી નથી. રસ્તા પર અમસ્તા જ બહાર નીકળતા લોકો હજી સાવ બંધ નથી થયા. જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આપણે ચોક્કસ બહાર નીકળીએ, પણ રોજેરોજ એવી કઈ જરૂરિયાત હોય ? અમસ્તા પણ આપણે રોજ શોપીંગ કરવા નહોતા જ જતા, તો પછી અત્યારે અચાનક એવી કઈ જરૂરિયાત ઊભી થાય છે ?

સ્વયં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક અઠવાડિયાનું ક્વોરેન્ટાઈન સ્વીકાર્યું છે, નીતિન પટેલ અને પ્રદીપસિંહજી જાડેજા પણ એક અઠવાડિયા સુધી કોઈને મળવાના નથી. જો આટલા ઉપરથી આપણને કોરોનાની ગંભીરતા સમજાતી હોય તો સમજવું જોઈએ કે સરકાર જે કંઈ કરી રહી છે એ ‘આપણા’ માટે કરી રહી છે. આ કોઈ ઈગો પ્રોબ્લેમ નથી, સેલિબ્રિટી સ્ટેટસ કે આપણી પહોંચ બતાવવાનો સમય નથી. આપણે કોને ફોન કરી શકીએ છીએ કે પોતાની ડ્યૂટી કરતા પોલીસ કર્મચારીને કેવી રીતે મૂરખ બનાવી શકીએ છીએ એ સાબિત કરવાનો પ્રયત્ન આપણી ભારતીયતાને લાંછન લગાડે છે.

આપણને ઘરમાં રાખીને સરકારને કોઈ ફાયદો થવાનો નથી, બલ્કે નુકસાન જ થવાનું છે. આપણી સલામતી માટે રાત-દિવસ ઝઝૂમી રહેલા લોકોને સહકાર નહીં આપીને આપણે સૌથી મોટા દેશદ્રોહી સાબિત થઈશું. જો આપણી જાતને ભારતીય કહેતા હોઈએ તો આ કાયદા પાળવાનો સમય છે, સરકાર અને પોલીસને સહકાર આપવાનો સમય છે, આપણાથી બનતી મદદ પહોંચાડવાનો સમય છે. જો આટલું ન કરી શકીએ તો કોરોના ફેલાવનાર દેશદ્રોહી અને આપણી વચ્ચે કોઈ ફેર નહીં રહે. સરકાર કે પોલીસ કદાચ આ નહીં જાણે તો પણ આપણો આત્મા આપણને દેશદ્રોહના આ ગુનામાંથી મુક્ત કરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *