‘પારકા માણસની શું ફરિયાદ કરું ? મને તારામાં જ વિશ્વાસ નથી… ‘ એક પ્રિયજને બીજી વ્યક્તિને આ વાત કહી. સાંભળનારને એમને થોડી વાર માટે ઝટકો લાગ્યો, પીડા થઈ, આંખમાં પાણી આવી ગયાં પણ પછી એવું સમજાયું કે સામેની વ્યક્તિ જે કહી રહી છે એ એની સચ્ચાઈ છે. આમ જોવા જઈએ તો, કેટલા લોકો આવું સત્ય મોઢે કહી શકતા હશે ? આ કહેતાં પહેલાં એ પોતે કેટલી પીડા અને અસમંજસમાંથી પસાર થયાં હશે એ પણ સમજવા જેવું છે.
જિંદગીના સત્યો હંમેશાં કડવા હોય એવું જરુરી નથી, ને દરેક કડવી વાત સત્ય હોય એ પણ જરુરી નથી. આપણે બધા એવા સમયમાં પ્રવેશી ગયા છીએ જેમાં સાચું સ્પષ્ટ મોઢે કહેવું આપણને અનુકુળ પડતું નથી. સામેની વ્યક્તિ સાથે સંબંધ ઓછો કરી નાખવો, તોડી નાખવો આપણને પોષાય છે પણ એક સત્ય મોઢામોઢ કહીને સંબંધ સાચવી લેવો કે બચાવી લેવો એ હવે આપણો સ્વભાવ રહ્યો નથી. જાણીને નવાઈ લાગશે પણ સત્ય એ છે કે સાચું કહેવાથી સંબંધ ક્યારેય તૂટતા નથી. સંબંધો જુઠ્ઠાણાને કારણે તૂટે છે. હા, જુઠ્ઠાણું પકડાય ત્યારે…
આપણી પ્રિય વ્યક્તિને, સ્વજનને કે જેને આપણે ખૂબ પ્રેમ કરતા હોઈએ એને જ્યારે ખબર પડે કે આપણે કોઈ કારણ વગર અથવા કદાચ નજીવા કારણસર એની સાથે જુઠ્ઠું બોલ્યા છીએ ત્યારે પહેલાં વિશ્વાસ તૂટે છે ને પછી સંબંધ ! સંબંધ તૂટવાનું કારણ એ નથી કે આપણે એને અણગમતું વર્તન કર્યું છે અથવા એની અનુકુળતા પ્રમાણે વર્તી શક્યા નથી. સંબંધ તૂટવાનું કારણ એ છે કે આપણે એનામાં એટલો વિશ્વાસ રાખ્યો નહીં કે કદાચ આપણે એને અણગમતી વાત પણ કહીશું તો એ પ્રેમને કારણે આપણી વાતને સમજશે અને સ્વીકારશે.
આપણે બધા વિશ્વાસ શબ્દને શ્રધ્ધા, ભરોસો કે પરસ્પરની સમજદારી સાથે મિક્સ કરી દઈએ છીએ. સત્ય એ છે કે આ બધા જ શબ્દોનો અર્થ જુદા છે. શ્રધ્ધા ઈશ્વરમાં હોઈ શકે, પરમતત્વમાં કે આપણાથી ઘણી વધુ મજબૂત એવી કોઈ શક્તિમાં શ્રધ્ધા મૂકી શકાય. શ્રધ્ધા સમર્પણ છે, સરેન્ડર ! સમર્પણ કર્યા પછી સવાલ પૂછવાનો રહેતો નથી. શ્રધ્ધા આંધળી પણ હોઈ શકે, બહેરી પણ ને મુંગી પણ… આંખ મીંચવી એ ચોઈસ હોઈ શકે, આંધળા હોવું એ ચોઈસ નથી ! આપણે જ્યારે શ્રધ્ધા મૂકીએ ત્યારે આંખ મીંચી શકીએ, પરંતુ આંધળા થઈ જવું એ શ્રધ્ધા માટે જરુરી નથી. એવી જ રીતે પરમતત્વ પર, અંતર્યામી પર શ્રધ્ધા મૂકીને મૌન થઈ શકાય પણ જરુર પડે ત્યારે સંવાદ થવો જોઈએ. મુંગા અથવા મ્યૂટ થઈ જવાની વાત નથી. એવી જ રીતે ભરોસો પ્રામાણિકતાનો, શબ્દનો, વ્યક્તિનો હોઈ શકે. કોઈપણ વ્યવહારમાં એ ભરોસો જ બે વ્યક્તિ વચ્ચેનો તાંતણો કે અનુસંધાન હોય છે. પૈસામાં, લેવડદવેડમાં કે એકબીજાની સાથે નાની મોટી સમજૂતી એમઓયુમાં આ ભરોસો કામ કરતો હોય છે, પણ વિશ્વાસ, સંબંધોમાં હોય છે. ભરોસો વ્યવહારુ શબ્દ છે, જ્યારે વિશ્વાસ ઈમોશનલ શબ્દ છે. ભરોસો આર્થિક કે સામાજિક સંબંધોમાં વપરાતો શબ્દ છે, જ્યારે વિશ્વાસ અંગત સંબંધમાં મહત્વની કડી છે. સામેની વ્યક્તિ પર આપણને વિશ્વાસ હોય, કે આપણે વિશ્વાસ મૂકીએ તો એમાં પહેલી જવાબદારી તો આપણી જ બને છે. વિશ્વાસ મૂકતા પહેલાં વિચારી લેવાનું, જોઈએ તો પરીક્ષા લઈ લેવાની, માણસને અજમાવી જોવાનો, પૂરી પ્રતિક્ષા કરવાની, પણ એક વાર વિશ્વાસ મૂક્યા પછી રોજ એ વિશ્વાસની ચકાસણી કર્યા કરવી યોગ્ય પણ નથી અને શક્ય પણ નથી !
આપણે માત્ર પતિ-પત્નીના કે સ્ત્રી-પુરુષના સંબંધની ચર્ચા નથી કરી રહ્યા. આપણે માતા-પિતા અને સંતાન, માલિક અને કર્મચારીથી શરુ કરીને બે પડોશીઓ ભાઈ કે બહેન અથવા સાદા સંબંધોની ચર્ચા પણ કરી રહ્યા છીએ. એક સાથે એક ઘરમાં ઉછરેલા બે ભાઈઓ એકબીજા પર વિશ્વાસ ન કરે ત્યારે થોડી નવાઈ પણ લાગે ને હસવું પણ આવે. તેમ છતાં, સત્ય તો એ છે કે આપણે જેટલી સરળતાથી વિશ્વાસ તોડીએ છીએ એટલી સરળતાથી હવે વિશ્વાસ મૂકી શકતા નથી ! કોઈ નાનકડું જુઠ્ઠું બોલે, ક્યારેક વાત છૂપાવે કે વાતને થોડી બદલીને આપણી સામે મૂકે તો દરેક વખતે એ વ્યક્તિ આપણને છેતરવાના ઈરાદાથી જ આવું કરે છે એવું આપણે માની લઈએ છીએ. એ વ્યક્તિ સાથેના આપણા સંબંધોનો ઈતિહાસ કે એની સાથેના આપણે વિતાવેલા વર્ષો વિશે વિચાર્યા વગર ફક્ત એકાદ જુઠ્ઠાણું કે એકાદ નાનકડી ભૂલ, સ્ખલન જેવી વાતમાં આપણો વિશ્વાસ ઊઠી જતો હોય છે ત્યારે સવાલ એ થાય છે કે વિશ્વાસ મૂકવામાં આપણી ભૂલ થઈ કે સામેનો માણસ ખોટો છે ? મોટાભાગના લોકોને લાગે છે કે સામેના માણસે આપણો વિશ્વાસ તોડ્યો છે પણ સચ્ચાઈ એ છે કે સામેની વ્યક્તિને જુઠ્ઠું બોલવાની ફરજ, છેતરવાની કે નાની-મોટી ચાલાકી કરવાની જરુરિયાત આપણે જ ઊભી કરતા હોઈએ છીએ. આપણે જેને ચાહતા હોઈએ એ વ્યક્તિ આપણી મરજી વિરુધ્ધનું કંઈ પણ કરે એ આપણને મંજૂર નથી હોતું. એણે આપણને ગમતું જ કરવું જોઈએ, આપણા કહ્યામાં જ રહેવું જોઈએ એટલું જ નહીં, પણ આપણે જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ આપણા મનમાં એની જે ઈમેજ ‘આપણે’ ઊભી કરી છે એની વિરુધ્ધ વર્તે એ પણ આપણને મંજૂર નથી. ‘વ્યક્તિ સ્વાતંત્ર્ય’ નામનો શબ્દ મોટાભાગના લોકો પ્રેમસંબંધમાં, લોહીના સંબંધમાં (માતા-પિતા, ભાઈ-બહેન કે સંતાન) ભૂલી જતા હોય છે. જ્યારે સામેની વ્યક્તિને પોતાની સ્વતંત્રતા ઉપર વધુ પડતા બંધનો લાગે ત્યારે એ જુઠ્ઠું બોલવા, છેતરવા કે વિશ્વાસ તોડવા પ્રેરાતી હોય છે. લાગણીના કે ઈમોશનલ સંબંધોમાં સામાન્ય રીતે કોઈને પણ પોતાની પ્રિય વ્યક્તિને દુઃખ પહોંચાડવું ગમતું નથી. વિશ્વાસ તોડવાનું કામ મોટાભાગના લોકો બાયચોઈસ નથી કરતા, બલ્કે બને ત્યાં સુધી પોતાની પ્રિય વ્યક્તિનો વિશ્વાસ ટકી રહે એ માટે જ જુઠ્ઠું બોલતા હોય છે. આ દલીલ કદાચ પોકળ લાગે, અર્થહીન લાગે પણ શાંતિથી વિચારતા ચોક્કસ સમજાશે કે સંબંધો બાંધવામાં અને તોડવામાં પહેલાં, આપણે પછી બીજા જવાબદાર હોય છે. આ વાત સમજવી અઘરી છે ને સ્વીકારવી તો એથીય અઘરી છે, પરંતુ ‘વિશ્વાસ તૂટ્યાની’ કે ‘છેતરાયાની’ ફરિયાદ કરતાં પહેલાં એક વાર પોતાનું વર્તન, વાણી અને વ્યવહાર ચકાસી લેવા જરુરી છે.
સતત કચકચ કરતા મા-બાપ, શંકાશીલ પત્ની કે વધુ પડતો પઝેસિવ પતિ, જબરી સાસુ કે કકળાટિયણ વહુ, વાતે વાતે પૈસા ગણતો ભાઈ કે લાલચુ બહેન… જો આપણે આમાંથી કંઈ પણ હોઈએ તો પહેલાં જાતને સુધારવાની જરુર છે. ટીનએજના કે મોટા થઈ રહેલા સંતાનને સ્વચ્છંદ ન જ બનવા દેવાય, પરંતુ એની સ્વતંત્રતાને પણ સતત સવાલો ન જ પૂછાય. પતિના મિત્રો, અવરજવરના સમય, એના માતા-પિતા સાથેના એના સંબંધો કે એની નાનકડી પણ અંગત જિંદગી વિશે બધું જ જાણવાનો અને જાણીને એ વિશે પોતે જે સલાહ આપે છે તે મુજબ જ એણે વર્તવું જોઈએ એવો આગ્રહ પતિને જુઠ્ઠું બોલવા ને પછી વિશ્વાસ તોડવા મજબૂર કરે છે. આજના જમાનામાં પુત્રવધૂને વધુ પડતી દાબમાં રાખવાનો પ્રયત્ન કે સાસુ ઉપર બિનજરુરી હુકમ ચલાવવાની પુત્રવધૂની માનસિકતા વિશ્વાસ તોડવાનું કારણ બને છે.
વિશ્વાસ એક સમજૂતી છે, સમજદારી છે. સહિષ્ણુતા અને ક્ષમા એના બે મહત્વના પાયા છે. સ્વતંત્રતા અને સ્નેહ એની બારીઓ છે. ખુલ્લી બારીમાંથી આવતી સ્વતંત્રતા અને સ્નેહનો પવન સંબંધને તાજો અને હુંફાળો રાખે છે.
મોટેભાગે સંબંધો ગરજમાં બંધાય છે. બે દાયકા પહેલાં બે ભાઈઓ વચ્ચે માતા-પિતા અને સંતાન વચ્ચેના સંબંધો જરુરિયાત વગરના માત્ર પ્રેમના સંબંધ હતા. હવે પરિવારમાં ત્રણ ભાઈઓ હોય તો એમના સંબંધો એકબીજા સાથે એકસરખા નથી હોતા, બલ્કે બે-ત્રણ ભાઈઓ કે ભાઈ-બહેનોના અંદર અંદરના સંબંધોમાં પોઝિશન, પૈસા, સ્વાર્થ અને પોલિટિક્સ પણ જ્યારે પ્રવેશે છે ત્યારે એ સંબંધની ગરીમા અને વિશ્વાસ ખોવાઈ જાય છે. જેને ખરેખર પ્રેમ કરતા હોઈએ, જે વ્યક્તિ આપણા જીવનમાંથી ન જાય એવું ઈચ્છતા હોઈએ, જે સંબંધ આપણને મહત્વનો લાગતો હોય અને કોઈ પણ ભોગે ટકાવવા માગતા હોઈએ એ સંબંધમાં ક્યારેય ખોટું ન બોલવું. કડવું બોલવું, તોછડું બોલવું પણ સત્ય બોલવું. સંબંધો ગળપણ કે પ્રસંશા પર નથી ટકતા, સત્ય પર ટકે છે… શક્ય છે સામેની વ્યક્તિને કદાચ થોડીક ક્ષણો માટે ખોટું લાગે, જટકો લાગે, તકલીફ થાય, એ ચીડાય, થોડા દિવસ-મહિનાઓ સુધી એ ક્ષમા ન કરે, પરંતુ અંતે એણે એ સંબંધમાં પાછા ફરવું પડે કારણ કે, આપણું સત્ય એ સંબંધનું કારણ બને છે…