અદકપાંસળિયા, ચાંપલા, દોઢડાહ્યા ! હુ કેર્સ ?

જેને ગામનો અનુભવ હશે એને ખબર હશે કે દરેક ગામમાં એક ચોરો હોય, એ ચોરા ઉપર કેટલાક નવરા અને નકામા માણસો બેસી રહે. આવા લોકોને અદકપાંસળિયા કહેવાય, જેમનું કામ બીજાને ચીડવવાનું, ઈરીટેટ કરવાનું, ઘસાતી કોમેન્ટ કરવાનું હોય. એમાં એમને અનોખો આનંદ આવે. ગામના લોકો આવા માણસો પ્રત્યે ધ્યાન ન આપે. આજના સમયમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આવો ચોરો છે. અહીં પણ આવા ચાંપલા, દોઢડાહ્યા બેઠા હોય છે, પરંતુ જેમ ગામડાં મોડર્ન થતા જાય છે એમ આવા ચાંપલા, દોઢડાહ્યા લોકો અને ચોરો પણ મોડર્ન થતા જાય છે. આનું કારણ કદાચ એ છે કે નવી પેઢી “બીજા શું કહે છે” એમાં ધ્યાન આપતી નથી. આપણે જો ધ્યાનથી વાંચીએ તો સમજાય કે નવી પેઢીના લેખકો એકબીજા સાથે ઝઘડવાને બદલે પોતાની વાત અંડરલાઈન કરવાનું પસંદ કરે છે. ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશનની સાથે સાથે ફ્રીડમ ઓફ સ્ટુપીડીટીનો અધિકાર પણ આ નવી પેઢીએ સ્વીકારી લીધો છે, જે બહુ આનંદની વાત છે !

1982માં એશિયાડ રમતોત્સવ વખતે ભારતમાં રંગીન ટીવી દાખલ થયાં. એ પછી જન્મેલી પેઢીના વિચારો પ્રમાણમાં વધુ રંગીન અને સ્પષ્ટ થતા ગયા. 1995માં સેલફોન ભારતમાં આવ્યા. એ પછીની પેઢી વાયરલેસ પેઢી છે. એમનું કનેક્શન એમની મરજીથી અને અનુકૂળતા પ્રમાણે જોડાતું રહ્યું. આ ઉતારી પાડવા માટેની વાત નથી, બલ્કે સમજવા જેવો મુદ્દો છે. એક આખી જનરેશન હવે, બીજાની જિંદગીમાં રસ લેતી નથી અને પોતાની જિંદગીમાં બીજાને રસ લેવા દેતી નથી ! આ ‘બીજા’ એટલે એમના સિવાયના અથવા એ છૂટ આપે તે સિવાયના કોઈપણ ! આમાં માતા-પિતા કે સગાં-વહાંલાં, પડોશી પણ ક્યારેક ‘બીજા’ના લિસ્ટમાં આવી જાય છે. આ પેઢી પોતાની વાત કહેતા અચકાતી નથી, નિર્ણયો કરે છે, પરિણામો ભોગવે છે… એમની જિંદગીની મહત્વની વાતો જાણવી હોય તો ઈન્સ્ટા કે એફ.બી. ઉપર જવું પડે.  એમની કોમેન્ટ્સ પણ હ્યુમરસ અને રસપ્રદ હોય છે. આ પેઢીમાં એકબીજાને ઉતારી પાડવાની કોઈ હોડ નથી. એમનામાં ‘બ્રો કોડ’ છે. (આ ‘બ્રો’ શબ્દને હવે જેન્ડરની દીવાલો નડતી નથી.)

એની પહેલાંની એક આખી પેઢી અદકપાંસળિયાઓની પેઢી રહી. ઈર્ષ્યા, અહંકાર અને અધૂરપ આ પેઢીનો આગવો ‘બ્રો કોડ’ છે. સામેની વ્યક્તિના વખાણ કરવાં એ જાણે કોઈ ગુનો હોય એમ એક આખી પેઢી સતત સરખામણીમાં સમય બગાડતી રહી છે. કોઈપણ વ્યક્તિ એક સારું કામ કરવાની શરૂઆત કરે એટલે એને રોકનારા, એના પર કોમેન્ટ કરનારા, ઉતારી પાડનારા અને રોડાં અટકાવનારા અનેક નીકળી પડે છે. એમને પોતાને કશું જ કરવું નથી અથવા તો આ જ કરવું છે ! આ એવા લોકો છે જેમને માટે આખા દિવસનું ધ્યેય જ ”આજે કોની ટીકા કરવી” અથવા, “કોની પોસ્ટ પર ઘસાતી કોમેન્ટ કરવી” એ હોય છે. એમાંય, જો એમને કોઈ જવાબ આપનારું મળી જાય તો એમનો દિવસ હર્ષોલ્લાસથી ભરાઈ જાય છે ! આખા દિવસ માટેની અદભુત પ્રવૃત્તિ એમને હાથ લાગી જાય છે. પછી તો એ છે ને એમની ચાંપલાવૃત્તિ છે! પૂરું વાંચ્યું હોય કે નહીં, મુદ્દો સમજાયો હોય કે નહીં… એ પોતાનું દોઢડાહ્યાપણું દેખાડવા ઉત્સાહી બની જાય છે. “વિરોધ કરવો” એ એમનો એકમાત્ર ઉદ્દેશ હોય છે, એ પણ મુદ્દાનો નહીં, વ્યક્તિનો !

આ કંઈ નવી વાત કે રોકેટ સાયન્સ નથી. સવાલ એ છે કે જેને આવી કોમેન્ટ વાંચીને ગુસ્સો આવે છે કે ચીડ ચડે છે એ પોતાનો સમય બગાડે છે. આવા લોકો કંઈ એકાદ જણની પોસ્ટ પર કોમેન્ટ કરતા નથી, એ તો સવાલ પડતાં અનેક બારણા ખખડાવી નાખે છે, એકાદ જણ તો દલીલમાં ઉતરશે એમ માનીને એ પોતાની અદકપાંસળિયાવૃત્તિથી સામેની વ્યક્તિ ચીડાય એવી જ કોમેન્ટ કરે છે. જવાબ ન મળે તો આવા લોકો પોતાની મેળે બીજા દરવાજા તરફ, બીજી પોસ્ટ તપાસવા નીકળી પડે છે !

નવી પેઢી પાસે શીખવા જેવી એક મહત્વની વાત એ છે કે આપણે જો આપણી વાત કહેવી હોય તો આવા લોકોની ચિંતા ન કરવી જોઈએ. એમની સાથે દલીલમાં ઉતરીને આપણો સમય ન બગાડવો જોઈએ. એક આખી પેઢી હવે ‘કેર-લેસ’ પેઢી છે. એમાં ‘કેર’ નહીં કરવી એવો ભાવ નથી, પરંતુ જેની જેટલી કેર કરવી જોઈએ એની એટલી જ કેર કરવી જોઈએ, એવી સમજણ છે. જૂની પેઢીએ આ શીખવા જેવું છે. આપણે બધા દરેક વાતનો જવાબ આપવો એને આપણી જવાબ-દારી સમજીએ છીએ. લોકો શું કહેશે એની ચિંતા આપણને સતત કોરી ખાય છે. ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ ઉપર બધા ઓલોઅર્સ આપણા વિશે સારું જ લખે એવો આગ્રહ આપણને ઉદ્વેગ આપે છે. સત્ય તો એ છે કે આપણે જ્યારે જે લખીએ ત્યારે જ સારા અને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવ માટે તૈયાર થઈ જવું પડે. આપણો વિચાર આપણને ગમે એટલે સહુને ગમે એવું જરૂરી નથી. આપણી વાત કોઈને ન ગમે તો એને પણ અભિવ્યક્ત થવાનો પૂરો અધિકાર છે, એ અભિવ્યક્તિને આપણે સિરિયલી લેવી એ નક્કી કરવાનો આપણો અધિકાર છે…

ફેસબુક એક એવી જગ્યા છે જ્યાં કેટલાક દોઢડાહ્યા, ચાંપલા અને અદકપાંસળિયા લોકો ગામના ચોરાની જેમ બેસીને આવતા-જતા બધા વિશે કંઈ ને કંઈ બોલ્યા કરે છે. જેમ ગામના ચોરે બેઠેલા કેટલાક નવરા, મૂર્ખ માણસોની એ જમાનામાં કોઈ પરવાહ નહોતું કરતું એમ આજના સમયમાં પણ આવા લોકોની ચિંતા કર્યા વગર જીવી શકાય એવું આપણને નવી પેઢી શીખવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *