કોરોનાઃ હવામાં નથી એટલો મગજમાં છે…

કોરોના વાઈરસ (કોવિદ-19) આખી દુનિયાને ધ્રુજાવી રહ્યો છે. આ લખાય છે ત્યારે અમેરિકાએ એની રસી શોધી કાઢી છે અને ભારતમાં એક દર્દીને સાજો કરીને ઘેર મોકલી આપવામાં આવ્યો છે એવા સમાચાર આપણા સુધી આવી ગયા છે… 12 રાજ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપટમાં છે. સ્કૂલ, કોલેજ, થિયેટર, મોલ અને ક્લબ્સ બંધ કરી દેવાઈ છે. સેન્સેક્સ પડી રહ્યો છે. સોનું-ચાંદી ગગડી રહ્યા છે… આખી દુનિયા એક આર્થિક તોફાનમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ શું કરવું, શું ન કરવું, કઈ કઈ વાતની તકેદારી રાખવીથી શરૂ કરીને સેલ્ફ ક્વોરેન્ટાઈન થવાની સલાહો અપાઈ રહી છે ત્યારે, આ કોરોના વાઈરસ (કોવિદ-19) વિશે કેટલીક વાતો સમજી લેવા જેવી છે.

આપણા ઉપર આવી મહામારી કે રોગચાળાનો હુમલો કંઈ પહેલી વાર નથી થયો. આ પહેલાં પ્લેગ, ટાઈફોઈડ, પોલિયો અને ટીબી સામે આપણે લડી ચૂક્યા છીએ. રક્તપિત્તને આ દેશમાંથી લગભગ સંપૂર્ણપણે નાબૂદ કરી શક્યા છીએ. દરેક વખતે આપણે એકાદ રોગને મારી હટાવીએ, ત્યાં નવો રોગ શોધાય છે. સ્વાઈન ફ્લૂ, બર્ડ ફ્લૂ, એઈડ્સ અને હવે આ કોરોના… જે જન્મે છે તે મરવાના છે, કારણો અલગ અલગ હોઈ શકે છે. ખાતો-પીતો, મજા કરતો, હરતો-ફરતો માણસ એમ જ મરી જાય એનાથી મોટું કોઈ સુખ નથી, પણ દરેકને આ સુખ મળતું નથી. મરવાનું એકાદ કારણ એટલે રોગ. સવાલ એ છે કે આપણે શેનાથી ડરીએ છીએ, રોગથી કે મૃત્યુથી ? કે પછી બંનેથી ?

કોરોના વાઈરસ ચીનમાં તૈયાર થયેલું કોઈક જૈવિક હથિયાર હોઈ શકે. એનો ઉપયોગ બીજા દેશો ઉપર કરવાનો હતો, કદાચ ! ભગવદ્ ગીતા ભલે ભારતમાં કહેવાઈ હોય, પરંતુ કર્મનો સિદ્ધાંત વિશ્વમાં કોઈને, ક્યાંય છોડતો નથી. જો સંભળાતી અફવા સાચી હોય, ને ચીને આ જૈવિક હથિયાર બીજા દેશો માટે તૈયાર કર્યું હોય તો એનાથી સૌથી વધુ નુકસાન ચીનને પોતાને થયું છે. એ પછી આ રોગ જુદા જુદા દેશોમાં ફેલાયો, પરંતુ અગત્યનું એ છે કે સૌથી વધુ મૃત્યુ આંક પણ ચીનમાં જ નોંધાયો છે.

આટલું બધું થયા છતાં ચીને કોઈ જાહેર સ્ટેટમેન્ટ કર્યું નથી. એમણે પોતાનો સત્તાવાર મૃત્યુઆંક જાહેર કર્યો નથી. એક અફવા મુજબ કોરોના વાઈરસગ્રસ્ત કેટલાક લોકોને મારી નાખવામાં આવ્યા, કારણ કે હોસ્પિટલમાં એમને રાખવાની સગવડ નહોતી. આ અફવા સાચી હોય તો પોતાની જ પ્રજાને ખતમ કરી નાખવાનો નિર્ણય કેટલા ક્રૂર હૃદયે અને ઠંડા રાજનીતિક મગજ સાથે લેવો પડ્યો હશે! આપણે જે દેશમાં વસીએ છીએ ત્યાં ગમે તેટલી ફરિયાદ કરીએ તેમ છતાં કોઈપણ મુશ્કેલીમાં આવો નિર્ણય આપણી સરકાર ન જ કરે, એટલી આપણને બધાને ખાતરી છે. આપણે ત્યાં માનવતા રોજેરોજ દેખાય કે નહીં પણ જ્યારે સમસ્યા આવે ત્યારે આપણા બધાની ભીતર રહેલી ભારતીયતા, ધાર્મિકતા અને માનવતા જાગી ઊઠે છે.

ધરતીકંપ હોય કે પૂર, સુરતની આગ હોય કે વાવાઝોડું, દેશના કોઈપણ ભાગમાં નુકસાન થાય ત્યારે દેશના બીજા રાજ્યોમાં સહાનુભૂતિ અને સંવેદનાનો પવન ફૂંકાયા વગર રહેતો નથી. આ આપણી ભારતીયતા છે. મુંબઈમાં ભરાયેલા પાણી દરમિયાન ફસાયેલા લોકોને પોતાને ઘેર લઈ જઈને રાખનારા, રસ્તા ઉપર ખવડાવનારા મળી જ રહે છે. આનું કારણ કદાચ એ છે કે આપણે બધા બેઝિક સંસ્કારો સાથે મોટા થયા છે.

કોઈપણ માણસ મુશ્કેલીમાં હોય તો એને મદદ કરવી એવું આપણને શીખવવામાં આવ્યું છે. કોરોનાના આ ભયગ્રસ્ત વાતાવરણમાં આપણી શીખામણ અને સમજણ જગાડવાનો સમય થયો છે. આપણને રોગ થશે કે નહીં, એની તો ખબર નથી, પરંતુ એ રોગનો ભય આપણા શ્વાસમાં થઈને ફેફસાંમાં થઈને હૃદય અને મગજ સુધી ચોક્કસ પહોંચી ગયો છે. આપણે પૂરી માહિતી મેળવતા નથી. અધૂરી જાણકારી સાથે સોશિયલ મિડિયા ઉપર બીનજરૂરી ભય ફેલાવે છે. પાટીદાર આંદોલન દરમિયાન ઈન્ટરનેટ બંધ કરીને આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેને આવી અધૂરી જાણકારી અને અફવાઓને જબરદસ્ત કન્ટ્રોલ કરી બતાવી હતી.

સ્કૂલ, કોલેજ, મોલ અને મલ્ટીપ્લેક્સ કરતાં પણ વધારે જરૂરિયાત સોશિયલ મિડિયા ઉપર ફેલાતી આ માહિતીને બંધ કરવાની છે. જેના મગજમાં જે આવે એ લખાઈ રહ્યું છે. વાંચ્યા વગર ફોરવર્ડ થઈ રહ્યું છે. અજાણ્યા અંધારાંનો હંમેશા વધુ ભય લાગે છે. અત્યારે આપણી અધૂરી માહિતીનું અંધારું આપણને તો ડરાવે જ છે પણ સાથે સાથે આપણે બીજાને પણ એ ડરનો ચેપ લગાડી રહ્યા છીએ. દરેક ફોનમાં કોલર ટ્યૂન મુકાઈ છે, સરકાર સતત એ વિશે માહિતી અને જાગૃતિ ફેલાવી રહી છે. કન્ટ્રોલ રૂમ્સ ઊભા કરાયા છે. પબ્લિક સર્વિસના ફોન નંબર પણ તૈયાર કરાયા છે, તેમ છતાં કોરોના વાઈરસનો ભય રોગથીયે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોના ગંભીર નથી, એનાથી ડરવાની કોઈ જરૂર નથી એવું નથી, પરંતુ આપણે જેટલા ડરી રહ્યા છીએ એટલા ડરવાની તો જરૂર નથી જ. ટેલિવિઝન અને અખબારોએ પોતાની હેડલાઈન્સ ચમકાવવા અને ચોવીસ કલાક ચાલતી ચેનલમાં ટીઆરપી વધારવા જે રીતે સતત આપણી આસપાસ કોરોનાની જ વાતો વહેતી મૂકી છે એનાથી પણ આ ભયમાં વધારો થઈ રહ્યો છે. એઈડ્સ, કેન્સર કે કોરોના-આપણે બધા રોગથી નથી મરતા એટલા ઝડપથી અને એનાથી વધુ ભયથી મરીએ છીએ. સત્ય એ છે કે આપણા આજના આ આંધળા વિકાસ અને ભારેલા અગ્નિ જેવા આ વાતાવરણમાં એક પછી એક રોગ આવતા જ રહેવાના છે.

માણસનું પંચમહાભૂતનું બનેલું છે. બહારની દુનિયામાં પણ આ જ પંચમહાભૂત છે. અગ્નિ, પાણી, પૃથ્વી, વાયુ અને આકાશ… જ્યારે અંદર અને બહાર એક બેલેન્સ હોય ત્યારે આ ધરતી પર જીવન સ્વસ્થ અને શાંત રહી શકે છે. માણસે પોતાની અંદરના તત્વો સાથે બહારના તત્વોનું બેલેન્સ તોડી નાખ્યું છે. આ ખોરવાઈ ગયેલા બેલેન્સને કારણે કુદરત રિએક્ટ થવા લાગી છે. આપણે જો રોગને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય કે આ પંચમહાભૂતમાંથી જ રોગનું પણ નિર્માણ થાય છે. શરીરનું તાપમાન વધવું, નાકમાંથી પાણી જવું કે શ્વાચ્છોશ્વાસની તકલીફ થવી એ આ પંચમહાભૂતનું ઈમ્બેલેન્સ છે. તાવ ચઢે ત્યારે પાણીના પોતા મૂકવા, ગેસ થાય ત્યારે શેક કરવો કે ગરમી વધી જાય ત્યારે માટીનો લેપ કરવો એ આપણી ભીતર રહેલા પંચમહાભૂતને બેલેન્સ કરવાની ઔષધિય પ્રવૃત્તિ છે. કુદરતી ઉપચારનો અર્થ જ એ છે કે આપણે આપણી ભીતર રહેલા પંચમહાભૂતને આપણી આસપાસના પંચમહાભૂત સાથે તાલમેલ બેસાડીએ. જ્યારે જ્યારે આ ખોરવાય, અટવાય છે ત્યારે આવો કોઈક રોગ વિશ્વભરને પોતાની ઝપેટમાં લઈ લે છે.

પ્લાસ્ટિકથી, ફૂડ પ્રિઝર્વેટીવથી, મોબાઈલ ફોનના કિરણોથી કેન્સર થાય છે, આવું આપણે અનેકવાર વાંચ્યું, તેમ છતાં આમાંથી કઈ વસ્તુનો ઉપયોગ ઘટ્યો છે ? અસુરક્ષિત શારીરિક સંબંધોથી એઈડ્સ થાય છે. આવી આપણને ખબર છે, તેમ છતાં વેબ સિરિઝ અને ફિલ્મોમાં દેખાડવામાં આવતા સેક્સ વખતે સિગરેટ અને શરાબની જેમ સૂચના કેમ લખવામાં આવતી નથી ? કેટલી મમ્મીઓ પોતાના ટીનએજ વટાવી ચૂકેલા સંતાનને સેક્સ એજ્યુકેશન અને સુરક્ષિત સેક્સ વિશે માહિતી આપે છે ?

એક તરફથી કોરોનાનો ભય વ્યાપ્યો છે ને બીજી તરફ એ જ કોરોના સાથે જોડાયેલા જોક્સ, મિમ અને ગીતો પણ સોશિયલ મિડિયા પર ફરી રહ્યા છે ! જે વાતનો ભય લાગતો હોય એ જ વાત ચોવીસ કલાક આપણી નજર સામે આવ્યા કરે તો આપણે એનો વિચાર કર્યા વગર રહી શકતા નથી. ખરેખર સાજા થવા માટે કે સાજા રહેવા માટે સ્વસ્થ વિચાર બહુ જરૂરી છે. આપણે સતત કોરોના વિશે જ વાત કરીએ છીએ, એના વિશે જ વિચારીએ છીએ. બ્રહ્માંડનો નિયમ છે કે જે વિચારીએ, જેના વિશે વાત કરીએ, જે બોલીએ એ જ આપણા તરફ આકર્ષાય. આપણી આસપાસ રહેતા શુભ અને અશુભ તત્વો આપણી માનસિકતા પ્રમાણે વર્તે છે. આપણી વડવાઓ અને ઋષિ મુનિઓ કહેતાં કે, “શુભ વિચારો, શુભ બોલો તો આપોઆપ સર્વકાંઈ શુભ થશે.”

કોરોના વાઈરસ હોય કે બીજી કોઈ માનવસર્જિત સમસ્યા, જેનું સર્જન આપણે કર્યું છે એનો ઉપાય પણ આપણી પાસે હશે જ, કારણ કે ઋગ્વેદના એક શ્લોક પ્રમાણે પહેલાં સમાધાન સર્જાય છે અને પછી સમસ્યા આપણા સુધી પહોંચે, એવું બ્રહ્માંડનું નિયમન છે. જેટલું નુકસાન થવાનું હશે એટલું ચોક્કસ થશે, પરંતુ જે નુકસાન નિર્મિત કે નિર્ણિત નથી એ આપણા મનમાં રહેલા ભય અને સતત એ જ વિશે વિચાર્યા કરવાથી થાય છે.

વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે માણસના મન પાસે એટલી તાકાત છે, મગજ પાસે એટલી શક્તિ છે કે એ ધાર્યું કરી અને કરાવી શકે છે. ચાલો સાથે મળીને આ વૈશ્વિક સમસ્યાનો માનસિક તાકાતથી સામનો કરીએ. કુદરતના નિર્ણયને સ્વીકારીએ, પરંતુ એનાથી ભય પામવાને બદલે એને શરણે જઈએ. જે નથી જાણતા એની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ અને જે જાણીએ છીએ એટલું જ બીજા સુધી પહોંચાડીએ…

જેને આપણે મૃત્યુના દેવ, મહાકાલ કહીએ છીએ એના રૂદ્રીપાઠના પાંચમા અધ્યાયના 47મા મંત્રની પ્રાર્થના છેઃ

द्रापेअन्धसस्पतेदरिद्रनीललोहित ।

आसाम्प्रजानामेषाम्पशूनाम्माभेर्म्मारोङ्गोचनः किञ्चनाममतः ।।

હે પાપીઓની દુર્ગતિ કરનાર, સોમવેલના પાલક, પરિગ્રહ નહીં કરનાર નીલકંઠ તથા રક્ત શરીરવાળા રુદ્ર ! અમારી આ પ્રજા તથા પશુઓને ભય પમાડો નહીં, તેમજ અમારા મનુષ્યો અને પશુઓ રોગવાળા કરો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *