નયે દૌર મેં લિખેંગે હમ મિલકર નયી કહાની… હમ હિન્દુસ્તાની !

છેલ્લા થોડા સમયથી આપણી પાસે વાત કરવાના વિષયો ખૂટી ગયા છે. મોટાભાગના લોકો એકબીજા સાથે વાત કરવાનું ટાળી રહ્યાં છે. નજર સામે પડેલા સેલફોનમા રિંગ વાગતી હોય તો પણ ફોન ઉપાડવાનું મન ન થાય એવું ઘણાં સાથે થઇ રહ્યું છે. કેટલાકને કશું ગમતું નથી. કોરોના ન થયો હોય તો પણ જાણે જીભનો સ્વાદ મરી ગયો હોય, શોખ કે ગમતી વાતોમાં પણ રસ ન પડતો હોય એવી ફરિયાદ ઘણા કરી રહ્યા છે.

ઓફિસ જઇને બેસનારી વ્યક્તિને ખબર છે કે બિઝનેસ ઠંડો છે. માર્ચ એન્ડ શરૃ થાય એ પહેલાં બાકી રહી ગયેલી ઉઘરાણીઓ સરળતાથી પૂરી થાય એમ નથી. દુકાનોમાં ઘરાકી નથી. ઓનલાઇન પણ, ન માની શકાય એવા સેલ ચાલી રહ્યાં છે. લગભગ રોજ આત્મહત્યાનો એક કિસ્સો આપણી સામે આવે છે. લગભગ દરેક વ્યક્તિ એમ કહી રહી છે કે,  ‘આ સમય ખરાબ છે, અને વધુ ખરાબ સમય આવી રહ્યો છે’ અનેક સરકારી યોજનાઓ આપણી સામે બુસ્ટર તરીકે મુકવામાં આવે છે તેમ છતાં આપણો આત્મવિશ્વાસ અને હિંમત ડગમગી રહ્યાં છે… આટલું ઓછું હોય તેમ, કોરોનાનો ભય હજી માથે ઝળુંબી રહ્યો છે. કેટલાંય પોતાના સ્વજનને ગુમાવ્યાની પીડામાં છે, તો કેટલાકને સ્વજન ગુમાવવાનો ભય સતાવે છે.

2020નું વર્ષ અનેક લોકો માટે સમસ્યાઓ, ઘાવ અને પીડા લઇને આવ્યું છે… હજી આવનારું વર્ષ શું કરશે અને આપણું શું થશે એ વિષે કોઇ નિશ્ચિત સધિયારો કે વચન નથી ત્યારે, જગત આખું એક અનિશ્ચિતતા, ભય અને પીડાના માહોલમાં છે. ડિપ્રેશન, હતાશા કે નિરાશા માણસ માત્ર માટે નોર્મલ છે. સમસ્યાઓ અનેક હોય, ઉપાય ન સૂઝતા હોય ત્યારે માણસ હતાશ થાય, નિરાશ થાય એમાં લેશ માત્ર શરમાવા જેવુ નથી. બહાદૂર હોવું એટલે ક્યારેય નબળા ન પડવું એવું નહીં, પરંતુ નબળાઈની પળમાં પણ ટકી જવું, આવનારા સમય તરફ આગળ વધતા રહેવું એ બહાદૂરી છે. ચહેરા ઉપર ખોટું સ્મિત કે સતત પોઝિટિવ હોવાનું મહોરું પહેરીને ફરતા લોકો ભીતર ક્યારેક એટલા બધા પોલા થઈ ગયા હોય છે કે સહેજ હાથ આંગળી અડે તો પણ એમનું આખું માળખું તૂટી પડે છે.

આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એ સમયનો તકાજો અને એની સાથે જોડાયેલી સમસ્યાઓથી જો ભાગીશું તો એનો ઉપાય નહીં જડે એ નક્કી છે. કેટલાક લોકો આ સમયમાં પણ પોઝિટિવીટીનો મેસેજ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, એમને અભિનંદન આપવા પડે, પરંતુ આ મેસેજ અથવા એમનો પ્રયાસ કેટલા સાચા અને અસરકારક છે એનો આધાર એમના ઉદ્દેશ્ય ઉપર છે. વિચારીએ તો સમજાય કે, ઇન્ટાગ્રામ, એફબી લાઇવ, ઝૂમ અને યુટ્યૂબ ઉપર ઢગલાબંધ  અપલોડ થાય છે તેમ છતાં આપણે શોધી શોધીને નેગેટિવ ન્યૂઝ કેમ વાંચીએ છીએ? કારણ એ છે કે આપણી ભીતર અત્યારે નિરાશા, નેગેટિવિટી અને હતાશા ઓછા-વત્તા પ્રમાણમાં છે જ. બીજા કેટલા દુઃખી છે, અટવાયેલા છે, સપડાયેલા છે એ જાણીને એક વિચિત્ર પ્રકારની રાહત થાય છે !

નોટબંધી વખતે જેમ બીજાને લાઈનમાં ઊભેલા જોઈને આપણને સારું લાગતું હતું એમ અત્યારે બીજાની સમસ્યા સાંભળીને આપણને આપણી સમસ્યા હળવી લાગે છે… આ સારી વાત નથી, પણ સાચી તો છે જ. આપણે અત્યારે ડિનાયલના સ્ટેટમાં છીએ. સત્યનો સ્વીકાર કરવો આપણને અનુકૂળ આવે એમ નથી, એટલે આપણે એવું કહ્યા કરીએ છીએ કે પ્રોબ્લેમ છે જ નહીં. બનાવટી પોઝિટિવીટી તો નેગેટિવિટી કરતાં પણ વધુ ડેન્જરસ છે. નકારાત્મકતા અથવા નેગેટિવીટી આપણી અંદર ગોઠવાયેલા કેટલાક સોફ્ટવેરમાંનુ એક છે. બાળક જન્મતાંની સાથે રડે છે. એના ફેફસાં ચાલુ કરવા માટે આ રુદન જરૃરી છે. એ રુદનને આપણે પોઝિટિવ કહીશું કે નેગેટીવ ? અત્યારનો સમય બદલાવનો સમય છે. દરેક ટ્રાન્ઝિશન પોતાની સાથે સમસ્યા લઈને આવે છે. આ સમસ્યા એટલી મોટી નથી હોતી કે એનો સામનો ન થઈ શકે, પરંતુ આપણે ગોઠવાયેલી પરિસ્થિતિથી એટલા ટેવાયેલા હોઈએ છીએ કે બદલાવ આપણને ડરાવી મૂકે છે.

નોટબંધી પણ બદલાવ હતો, હવે કોરોના પણ બદલાવ લઈને આવ્યો છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી આર્થિક પરિસ્થિતિ તરત જ યથાવત નહીં થાય, પરંતુ ક્યારેય નહીં થાય એવું માની લેવું યોગ્ય છે ? ઉધ્વસ્ત થઈ ગયેલું ભૂજ આજે ધમધમે છે. 9-11માં પડી ગયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર્સ આજે ફરી માણસોથી ઊભરાય છે. કોઈ કલાક 60 મિનિટથી લાંબો હોઈ શકે નહીં, કોઈ સમસ્યા આજીવન ટકી શકે નહીં…

ઈ-પેપર, માસ્ક, સેનિટાઈઝેશન કે સોશિયલ (એક્ચ્યુલી ફિઝિકલ કહેવું જોઈએ) ડિસ્ટન્સિંગ, લગ્નો કે બીજા પ્રસંગે ભેગા ન થઇ શકવું, ભેટી ન શકવું, કે રેસ્ટોરાંમાં ન જઇ શકવુ, થિયેટરોના ખુલવા વગેરે એવી મોટી સમસ્યા જ નથી. આ જે કંઇ છે તે નવી પરિસ્થિતિ સાથે જીવવાની ટેવ પાડવાનો બદલાવ છે. નવું છે, એટલે આપણને અગવડ પડે છે. આપણે આપણા સગવડના બ્લેન્કેટમાં ઢબુરાઈને જીવતાં-જીવતાં ટેવાઈ ગયાં છીએ. બદલાવ સાથે જૂનું ઉખડી જશે, ખખડી ગયેલી સિસ્ટમ અને બીજી ઘણી વસ્તુઓ ફેંકી દેવી પડશે. જેમ દર વર્ષે વાવણી કરતા પહેલાં ખેતર ખેડી નાખવું પડે, એમ આ કોરોનાની સમસ્યાએ આપણા સમાજને, આપણી જિંદગીઓને સાફ-સૂફ કરી નાખી છે. હવે, કશું નવું વાવવાનો સમય થયો છે. ‘ન્યૂ નોર્મલ’ આપણી જિંદગીઓનો નવો તરાહ છે. જેમ સાયકલને દલે ટુવ્હિલર, પથ્થરની ખાંડણીને બદલે મિક્સર કે અરિઠાંને બદલે શેમ્પૂ વાપરતા થયા એમ, નવી જિંદગી અને નવી પરિસ્થિતિ સાથે ધીમે ધીમે ગોઠવાઇ જઇશુ. જે એને સ્વીકારી શકશે, અપનાવી લેશે એ નેગેટિવિટીમાંથી નીકળીને આગળ વધશે. બદલાવનો અસ્વીકાર એ નિષ્ફળતાની શરૂઆત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *