ફાધર્સ ડેઃ એમનો વર્તમાન એ આપણું ભવિષ્ય

મારી દીકરીને, ફાધર્સ ડેના દિવસે…

મારી સફળતાઓને બદલે મારા જીવનની નિષ્ફળતાઓ મારે તને કહેવી છે. જે લોકોને મેં ચાહ્યા, એમને ઓળખ્યા પછી
ગુમાવી દીધા એ વાત મારે તને કહેવી છે. મારી જિંદગીના દર્દ, દુઃખ અને એકલતા મારી સંપત્તિ છે, અફસોસ નહીં. મારી ભૂલો મને
દરેક વખતે કશુંક શીખવીને ગઈ છે. મને જે પ્રેમની પળો મળી છે, એ સ્મૃતિઓ મારી સંપત્તિ છે અને મેં આપેલો પ્રેમ પણ મારી જ
સંપત્તિ છે. મેં માણેલી ક્ષણેક્ષણ હું તને વારસામાં આપવા માંગું છું. મેં જીવેલી પ્રત્યેક પળ મારે તને આપીને જવું છે, અફસોસ! એ શક્ય
નથી.

તારી જ રીતે લોકોને ચાહવા પડશે, ઓળખવા પડશે ને પછી ગુમાવવા પણ પડશે. તારા દુઃખ, દર્દ અને એકલતા તારી
સંપત્તિ બનશે. તારી ભૂલો તને શીખવીને જશે.

મેં કરેલા કામ કે વિચારેલા કામ, બધા જ કંઈ સાચા કે સંપૂર્ણ નથી. ક્યારેક મારા સંબંધોમાં મેં સંતોષ અનુભવ્યો છે તો ક્યારેક
અપરાધભાવ… હું દરેક વખતે સાચો હતો એવું તો હું નહીં જ કહી શકું, પરંતુ હું દરેક વખતે ખોટો પણ નહોતો જ એવો મને વિશ્વાસ
છે. મારા સંબંધોમાંથી જન્મેલી સમજણ અને એની સાથે જોડાયેલા અનુભવો મારી સંપત્તિ છે, જે હું તને આપીને જવા માંગું છું, પણ
એ શક્ય નથી.

તારે તારી જ રીતે વિચારવું પડશે, ગુમાવવું પડશે, મેળવવું પડશે… તું દરેક વખતે સાચી કે સંપૂર્ણ નહીંજ હોઈ શકે, પણ દરેક
વખતે ખોટી જ છે એવું નહીં માનતી. તારા સંબંધોમાંથી જન્મેલી સમજણ અને તને મળેલા અનુભવો તારી આગવી અંગત સંપત્તિ
બનશે…

મારા ભય, મારી શંકાઓ, મારા સવાલો કે મારો બોજ હું તને આપીને નહીં જાઉં, વચન આપું છું. મારા સ્વપ્નો, મારી
આશાઓ, મારા વિચારો અને મારી બધીજ લાગણીઓ, સ્નેહ અને સલામતી હું તને વારસામાં આપું છું. હું જીવુ કે નહીં… હું હોઈશ,
વચન આપું છું! હું જવાબ આપી શકું કે નહીં, પણ તારી વાત સાંભળીશ, વચન આપું છું! હું તને રસ્તો બતાવી શકું કે નહીં, પણ તારી
સાથે ચાલતો રહીશ, વચન આપું છું! તારા હાસ્યમાં, તારા આંસુમાં, તારા ચહેરાની ઝલકમાં, તારા ગુસ્સામાં, તારી સર્જનશક્તિમાં,
તારા અદ્ભૂત સર્જનોમાં અને તારી અધૂરપમાં પણ હું હોઈશ જ…

તું પવનની જેમ વહેતી રહેજે… હું પણ પવનની જેમ વહીને તને ક્યાંક સ્પર્શતો રહીશ.

-ડેડી (આ એક અંગત પત્રનો અનુવાદ છે) એક પિતાએ પોતાની પુત્રીને લખેલો પત્ર છે. આ પત્ર પુત્રને પણ લખી શકાય
છે… વાત તો એકજ છે! આ પત્રની મજા એ છે કે એમાં પિતાએ પોતાના મનની વાતની સાથે સાથે પોતાના અનુભવો, સફળતા,
નિષ્ફળતા, અભાવો, અસુખ, ભૂલોની ચર્ચા કરી છે. સાથે સાથે પોતાની દીકરીને એક અજબ જેવી સલામતીનું વચન આપ્યું છે.
આપણે વિચારીએ તો સમજાય કે લગભગ દરેક પિતા પોતાના સંતાનને આજ વાત કહેવા માંગતા હોય છે. માતા એક ધરતી જેવી હોય
છે. તમામ પરિસ્થિતિને પોતાનામાં સમાવીને એ એક જીવનું સર્જન કરે છે. જ્યારે પિતા આકાશ જેવા હોય છે, એ તમામ
પરિસ્થિતિમાં છત્ર બનીને ઊભા રહે છે. પિતા એક એવી વ્યક્તિ છે જેના તરફ આપણે જ્યારે જોઈએ ત્યારે ઊંચું જોવું પડે છે, આપણે
શારીરિક રીતે ગમે તેટલા ઊંચા હોઈએ તો પણ પિતા આપણાથી વેંત ઊંચા હોય જ છે. આજે આપણે જે કંઈ છીએ એ માટે આપણા
માતા-પિતાનો આભાર માનવો એ જ ફાધર્સ ડેનો સાચો સંદેશો છે. યાદ કરીએ તો સમજાય કે આપણા નાના એચિવમેન્ટ પર માતા-
પિતા કેટલા ખુશ થઈ જતા હતા. આપણા નાનકડા દુઃખ કે સમસ્યાઓ પર એ કેટલા દુઃખી થઈ જતા હતા… એમની ચિંતા, એમનો
સ્નેહ, એમની કાળજી અને એમણે આપેલા ઉછેરને કારણે આજે આપણે વ્યક્તિ તરીકે સમાજમાં જીવવાની સગવડ ભોગવી રહ્યા
છીએ.

મોટાભાગના સંતાનો જ્યારે 50-55ના થાય છે ત્યારે સમજાય છે કે એમના માતા-પિતા જે કંઈ કહેતા હતા એ બધુંજ
એમના સમય અને સમજણ પ્રમાણે સાવ સાચું હતું! આજના નવી પેઢીના, 2000 પછી જન્મેલા સંતાનોને જોઈએ ત્યારે સમજાય કે
સમય અને પરિસ્થિતિ કેટલા બદલાયા છે! મોટાભાગના માતા-પિતા પોતે ઉછર્યા એવી રીતે પોતાના સંતાનોને ઉછેરવાનો પ્રયાસ કરે
છે, એમાં કશું ખોટું નથી પરંતુ મહત્ત્વનું એ છે કે બદલાતા સમયની સાથે બાળઉછેર પણ બદલાતો હોય છે. નવી પેઢીના ઉછેરમાં
કેટલીક નવી બાબતોનો સમાવેશ કર્યા વગર સારા માતા-પિતા બની શકાતું નથી.

આજે ફાધર્સ ડેના દિવસે, આપણે બધા આપણા પિતાને યાદ કરીએ અને જો હાજર હોય તો એમની સાથે વાત કરીએ…
આજના સમયમાં સંતાનો માતા-પિતાને ઘણું બધું આપે છે. મોટું ઘર, આગવો ઓરડો, ગાડી, ડ્રાઈવર, મહારાજ અને બીજી અનેક
સગવડો પરંતુ વાત કરવાની તક મળતી નથી. ખરેખર તો આ ઉંમરે માત્ર વાતો કરવાની ગમે છે, એ વાત સંતાનોને ત્યાં સુધી સમજાતી
નથી જ્યાં સુધી પોતે ‘એ’ ઉંમરમાં ન પહોંચે… માતા-પિતાની વાત એટલે શું? એમના ભૂતકાળના દિવસોને મમળાવવાની એક પ્રવૃત્તિ.
આપણને એવું લાગે કે એ લોકો ભૂતકાળમાં જીવે છે, જૂની વાતો કર્યા કરે છે, પરંતુ એમની પાસે એમના ભૂતકાળ સિવાય બીજું કશું જ
નથી. આપણી પાસે વર્તમાન અને ભવિષ્ય છે. એટલે આપણને ભૂતકાળમાં ઝાઝો રસ પડતો નથી. પરંતુ એમનો ભૂતકાળ એ આપણો
વર્તમાન અને એમનો વર્તમાન એ આપણું ભવિષ્ય છે એટલું પણ જો સમજી શકાય તો ફાધર્સ ડેના દિવસે પિતાને સાચી અંજલિ આપી
શકાય.

ઉપર લખાયેલા એક અજ્ઞાત વ્યક્તિના પત્રને જો ફરી એકવાર વાંચો તો સમજાય કે એમણે એમનો ભૂતકાળ, વર્તમાન અને
ભવિષ્ય બધું જ પોતાના સંતાનના નામે કરી દીધું છે… આપણે પણ માતા-પિતા તરીકે એમજ કરવું જોઈએ.

One thought on “ફાધર્સ ડેઃ એમનો વર્તમાન એ આપણું ભવિષ્ય

Leave a Reply to Parul Gala Cancel reply

Your email address will not be published. Required fields are marked *