હેપ્પી બર્થ ડે! ગોવિંદ નિહલાની

ચાર નેશનલ એવોર્ડ અને સાત ફિલ્મફેર એવોર્ડની સાથે નરગીસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફિચર
ફિલ્મ ઓન નેશનલ ઈન્ટિગ્રેશન જેવા અનેક એવોર્ડ્ઝ જેમની શેલ્ફ પર ચમકી રહ્યા છે એવા
સિનેમેટોગ્રાફર, ડિરેક્ટર ગોવિંદ નિહલાની વિશે ભાગ્યે જ નવી પેઢી કશું જાણે છે! રિચર્ડ એટેમ્બરો
સાથે ઓસ્કાર વિનિંગ પિરિયડ બાયોગ્રાફીકલ ફિલ્મ ‘ગાંધી’ના બીજા યુનિટમાં ગોવિંદજીએ પોતાની
સિનેમેટોગ્રાફીનો કમાલ બતાવ્યો હતો.

ભારતીય સિનેમા જ્યારે માત્ર કોમર્શિયલ ફિલ્મો અને પ્રેમકથાઓ, થ્રિલર્સ બનાવી રહ્યું હતું
ત્યારે શ્યામ બેનેગલ નામના એક દિગ્દર્શકે જુદી વાર્તા, જુદા વિચાર સાથે નવા જ પ્રકારની ફિલ્મો
બનાવવાની શરૂઆત કરી. સત્યજીત રાયની બંગાળી ફિલ્મોની અસર નીચે શ્યામ બેનેગલે પહેલી
ફિલ્મ બનાવી ‘અંકુર’. આ ફિલ્મમાં અનંતનાગ અને શબાના આઝમી હતાં. 1974માં બનેલી આ
ફિલ્મમાં ગોવિંદ નિહલાની સિનેમેટોગ્રાફર તરીકે દાખલ થયા. એ પહેલાં એમણે પોતાની કારકિર્દી
વી.કે. મૂર્તિ જેવા સિનેમેટોગ્રાફર સાથે શરૂ કરી હતી. 1940માં કરાંચીમાં એમનો જન્મ થયો હતો.
શ્રી જયા ચમારાજેન્દર પોલીટેકનિકમાંથી એમણે સિનેમેટોગ્રાફીનો કોર્સ કર્યો, જેને પછીથી ફિલ્મ
એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. 1962માં પોતાનો સિનેમેટોગ્રાફરનો કોર્સ
પૂરો કરીને એમણે આસિસ્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. 62થી 74 સુધી એમણે વી.કે. મૂર્તિ
સહિત અનેક દિગ્દર્શકો અને સિનેમેટોગ્રાફરને આસિસ્ટ કર્યા પછી, શ્યામ બેનેગલે પહેલીવાર એમને
સ્વતંત્ર રીતે સિનેમેટોગ્રાફીનું કામ સોંપ્યું. ‘અંકુર’ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા. શબાના
આઝમીને ઉત્તમ અભિનેત્રી, સાધુ મહેરને ઉત્તમ અભિનેતા અને શ્યામ બેનેગલને બેસ્ટ ફિલ્મના
એવોર્ડ મળ્યા. એ પછી હિન્દી સિનેમામાં એક જુદી જ મુવમેન્ટ શરૂ થઈ. જેને પેરેલલ સિનેમા તરીકે
ઓળખવામાં આવી. આ એવો સમય હતો જ્યારે આવી પ્રયોગાત્મક ફિલ્મોને વધુ પ્રાધાન્ય મળવા
લાગ્યું. શબાના આઝમી, નસરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, સુહાસીની મૂળે, ઓમ પૂરી જેવા અનેક
અભિનેતાઓ બહાર આવ્યા. ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પર આધારિત ફિલ્મ-ગુજરાતની શ્વેત
ક્રાંતિની કથા ‘મંથન’ અને પછી ‘નિશાન’, ‘ભૂમિકા’ (અભિનેત્રી હંસા વાડેકરની જીવનકથા) જેવી
ફિલ્મો એક પછી એક બનવા લાગી.

ગોવિંદજીએ પોતાનું પહેલું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘આક્રોશ’ નામની ફિલ્મથી કર્યું. નાગી લહાન્યા
નામની એક સ્ત્રી ઉપર થયેલા બળાત્કારની એ સત્યકથા, જેમાં એના પતિની જીભ કાપી લેવામાં
આવી હતી, એ કથાને એમણે હૃદયદ્રાવક રીતે પડદા પર ઉતારી. ‘આક્રોશ’ માટે એમને ઉત્તમ
ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

આજે જ્યારે આપણે દિગ્દર્શકોની ગ્લેમર જોઈએ છીએ ત્યારે કરણ જોહર, ફરહાન અખ્તર કે
આદિત્ય ચોપરા જેવા દિગ્દર્શકોને મળતી ઓળખ અને સન્માન જોઈએ છીએ ત્યારે ચોક્કસ એવો
વિચાર આવે કે ભારતીય (હિન્દી) સિનેમામાં એક નવો જ ચીલો ચાતરનારા આવા દિગ્દર્શકને આપણે
કેમ યાદ કરતા નથી?

લાઈફ ટાઈમ અચિવમેન્ટ, દાદાસાહેબ ફાળકે જેવા એવોર્ડ્ઝની કદાચ એમને ખેવના પણ
નથી છતાં હિન્દી સિનેમામાં એમણે કરેલા પ્રદાન બદલ એમને આવું કોઈ સન્માન મળવું જોઈએ.
એમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હવે જ્યારે અનેક યુવાનો ફિલ્મમેકિંગ તરફ વળી
રહ્યા છે ત્યારે ગોવિંદ નિહલાનીની ફિલ્મો એમને એક અભ્યાસ તરીકે બતાવવી જોઈએ, જેમાંથી
માત્ર સિનેમેટોગ્રાફી જ નહીં, પરંતુ બજેટમાં રહીને એક સારી ફિલ્મ કેવી રીતે બનાવી શકાય એનું
પણ શિક્ષણ આ પેઢીને મળી શકે.

એમણે બનાવેલી ફિલ્મ ‘અર્ધસત્ય’, ‘પાર્ટી’, ‘દ્રોહકાલ’ અને અમિતાભ બચ્ચન, શશી કપૂરની
ફિલ્મ ‘દેવ’ ભારતીય સિનેમાના લેન્ડમાર્ક્સ છે. જયા ભાદુરીની કમબેક ફિલ્મ મહાશ્વેતાદેવીની
નવલકથા પર આધારિત ‘હજાર ચોરાસી કી મા’ પણ એક અદભૂત ફિલ્મ હતી. ઈંગમાર બર્ગમેનની
નવલકથા ‘સિન્સ ફ્રોમ એ મેરેજ’ ઉપરથી બનાવેલી ફિલ્મ ‘દ્રષ્ટિ’માં એમણે ઈરફાન ખાનને પહેલીવાર
હિન્દી સિનેમાના પડદે રજૂ કર્યા. શશી કપૂર જ્યારે નિર્માતા બન્યા ત્યારે નેશનલ સ્વીમર નફીશા
અલીને ફિલ્મી પડદે લઈ આવવાનું કામ પણ ગોવિંદ નિહલાનીએ કર્યું. આ બધા પછી 82 વર્ષે
બાંદ્રાના એક નાનકડા ફ્લેટમાં ગોવિંદજી લગભગ એકાકી જિંદગી વિતાવી રહ્યા છે. એમણે લગ્ન
નથી કર્યા. પહેલાં દીપા સાહી નામની એક અભિનેત્રી સાથે એમના અફેરની ચર્ચા ચાલી હતી, પરંતુ
એ કંઈ બહુ ટકી નહીં!

ભારતીય સિનેમામાં આવા અનેક દિગ્દર્શકો છે જેમણે ભારતીય સિનેમાને એક નવી ઓળખ
આપી. સિનેમેટોગ્રાફીની એક નવી ભાષા ઊભી કરી, એક નવો ચીલો ચાતર્યો. આજે હિન્દી સિનેમા
જ્યારે ગ્લેમર અને રૂપિયાના ઢગલાં પર બેઠું છે ત્યારે આવા નિષ્ઠાપૂર્ણ અને સાચા અર્થમાં ‘સિનેમા’ને
સમજતા દિગ્દર્શકોની ખોટ વર્તાય છે.

સાઉથમાંથી કલાકારો લાવીને ફિલ્મને સફળ કરવાના વીએફએક્સના પેંતરાને બદલે જો
આવા કોઈ દિગ્દર્શકોની પ્રેરણા લઈને ભારતીય સિનેમા ફરી એકવાર ‘સ્ટોરી ટેલિંગ’ના રસ્તે વળે તો
એ સુવર્ણ યુગ પાછો આવી શકે. ગોવિંદ નિહલાનીને 19 ડિસેમ્બરે 82 વર્ષ પૂરાં થાય છે ત્યારે
ભારતીય સિનેમામાં એમણે કરેલા પ્રદાન બદલ આપણે સૌએ એમને એકવાર યાદ કરવા જોઈએ.
એમની સરળતા, સહજતા અને નિર્દંભ વ્યક્તિત્વને જેણે જાણ્યું હશે એને ચોક્કસ સમજાશે કે સફળ
હોવું એટલે અહંકારી હોવું નહીં, એ વાત ગોવિંદજીએ પોતાના વ્યક્તિત્વ દ્વારા સદાય સાબિત કરી
છે. એક અત્યંત ટેલેન્ટેડ સિનેમેટોગ્રાફર અને ઝીણવટભર્યું કામ કરનાર દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમા
એમની ફિલ્મોને ક્યારેય નહીં ભૂલી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *