- શું તમે કદી વિચાર્યું છે કે આપણે જેટલી એપ ડાઉનલોડ કરીએ છીએ એ દરેક એપ સાથે આપણે એક વધુ અસલામતીને આમંત્રણ આપી જ દઈએ છીએ
ઇઝરાયેલી ઇન્સ્ટિટ્યૂશન દ્વારા ઇન્સ્ટોલ કરાયેલી આ સિસ્ટમમાં કોઈના પર મોબાઇલમાં એક ફોન આવે, એ ફોન આપણે રિસીવ કરીએ કે નહીં, સામેની વ્યક્તિ આપણા મોબાઇલમાં દાખલ થઈ શકે. ફોટો વિડિયો નોટ્સથી શરૂ કરીને આપણી ઝીણામાં ઝીણી અંગત ડિટેલ જે ફોનમાં સ્ટોર કરવામાં આવી હોય ત્યાં સુધી આ હેકિંગ એપ દ્વારા પહોંચી શકાય છે. આટલું ઓછું હોય એમ, ફોન ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય એ ગૂગલ એકાઉન્ટની બધી જ વિગતો વોટ્સએપમાંથી દાખલ થઈને સામેની વ્યક્તિ મેળવી શકે છે.
સવાલ એ છે કે એ અજાણ્યો નંબર ન ઉપાડીએ તોપણ સામેની વ્યક્તિ આપણા ફોનમાં દાખલ થઈ શકે તો એનાથી બચી કઈ રીતે શકાય? ઈન્ટરનેટ સાથે જોડાયેલી કેટલીક ન સમજી શકાય તેવી સમસ્યાઓમાંની આ એક બહુ મોટી સમસ્યા આપણી સામે આવી છે. આપણે જાણતા નથી, પરંતુ આપણી લગભગ દરેક વાત વ્યવહાર કે વિગત હવે છુપાવીને રાખી શકાય એમ નથી.
આપણે બધા એક ન સમજી શકાય તેવા ઉઘાડા વિશ્વમાં પ્રવેશી ચૂક્યા છીએ. આપણે જેટલી એપ ડાઉનલોડ કરીએ છીએ એ દરેક એપ સાથે આપણે એક વધુ અસલામતીને આમંત્રણ આપી જ દઈએ છીએ. થોડા વખત પહેલાં ગૂગલ કંપનીને એક મેલ આવ્યો. મેલમાં એક બાવીસ વર્ષના છોકરાએ ગૂગલ પરથી જ ડાઉનલોડ કરેલી ગૂગલ હેક કરવાની આખી સિસ્ટમ એમની સામે ખોલી આપી. પોલીસમાં પકડાવાને બદલે ગૂગલે એને નોકરીની ઓફર આપી. પોતાની સિક્યોરિટી સિસ્ટમ્સને વધુ સરસ રીતે સલામત અને મજબૂત કઈ રીતે બનાવી શકાય એના કોડિંગ માટે એને લાખો ડોલરના પગારે રાખી લેવામાં આવ્યો. ફેસબુક હેક થયાના સમાચારે માર્ક ઝકરબર્ગને થોડા સમય માટે આરોપીના પીંજરામાં ઊભો કરી દીધો હતો, પરંતુ એ વાતને ભૂલી જવામાં આપણને બહુ જ સમય લાગ્યો નહીં.
ચોથી જાન્યુઆરી, 2012 નેટ પર એક મેસેજ ફરતો થયો. અમારે ખૂબ જ બુદ્ધિશાળી અને એમ્બિશિયસ લોકોની જરૂર છે, જો તમે તમારી જાતને બુદ્ધિશાળી માનતા હો તો આ જ મેસેજને ડિકોડ કરીને આગળ વધો. ‘3301’ આઈડી ઉપર ક્લિક કરવાથી એક પઝલ મળતી હતી. એ પઝલ એક પુસ્તક સુધી લઈ જતી હતી, એ પુસ્તકમાંથી કોડ કરેલા કેટલાક નંબર્સને ઉકેલવાથી એક ફોનનંબર મળતો હતો. ફોનનંબર ઉપર ડાયલ કરવાથી એક મેસેજ સંભળાતો હતો, ‘સરસ! તમે અહીં સુધી પહોંચ્યા છો. હવે આગળ વધવું હોય નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ક્લિક કરવાથી એક નવી પઝલ મળતી હતી. જેમ જેમ આગળ વધતાં જાઓ તેમ તેમ એ પઝલ વધુ ડીપમાં, વધુ મુશ્કેલ રસ્તેથી પસાર થતી હતી. લગભગ 14 લોકેશન ઉપર આખા વિશ્વમાંથી માત્ર વીસ જેટલા લોકો આ આખીયે પઝલ ડિકોડ કરી શક્યા. એ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક સીકેડાના નામના પોસ્ટર જોવા મળ્યા. પોસ્ટર ઉપર એક ક્યૂઆર કોડ હતો. એ કોડ કોણે રિસીવ કર્યો અને એનું શું થયું એ વિશે કોઈ વિગતો મળી નહીં. એ પછી એક વર્ષ અને એક દિવસ સુધી કોઈ પણ પ્રકારની હિલચાલ થઇ નહીં.
આ જીતેલા લોકોનું શું થયું એ વિશે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. બરાબર એક વર્ષ અને એક દિવસ પછી ફરી એક મેસેજ ફરતો થયો. બીજા લેવલની પઝલ વધુ અઘરી, પણ એ જ રીતે ગોઠવવામાં આવી હતી. મેસેજ ડિકોડ કરીને પુસ્તક સુધી જવાનું, પુસ્તકમાં આપેલા કોડ ફરી એક નંબર સુધી લઈ જતા હતા. એ વખતે માત્ર 14 લોકો ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી શક્યા. ફરી પોસ્ટર અને ફરી ક્યૂઆર કોડ જોવા મળ્યા. નીરવ શાંતિ છવાઈ ગઈ. એ પોસ્ટર્સ ને ક્યૂઆર કોડનું શું થયું એ કોઈને ખબર નથી!
ચાર વર્ષ સુધી કશું જ બન્યું નહીં ફરી એકવાર મેસેજ ફરતો થયો. આ વખતે સૌથી ડિફિકલ્ટ રાઉન્ડ હતો. આ વખતે એક લેટિન પુસ્તક સુધી લઈ જતા કોડ મળ્યા. પુસ્તકમાં જીવનની ફિલોસોફી અને સલામતી વિષયક બાબતો હતી. એમાં જીતેલા આઠ લોકોને એક ઇ-મેઇલ આવ્યો. એમને પ્રતીક્ષા કરવાનું કહેવામાં આવ્યું. એ
પછી કોઈએ ક્યારેય એમનો સંપર્ક કર્યો નથી!
આ સીકેડા શું હતું? જીતેલા આ આઠ જણનું શું થયું? એમને કોઈ નોકરીએ રાખી લેવામાં આવ્યા? આ કોઇ સલામતી સંસ્થાનો ભાગ છે. કોઈ કાર્પોરેટની રમત છે કે પછી કોઈ ભયાનક ઈન્ટરનેશનલ ષડ્યંત્ર છે એ વિશે કશું જ શોધી શકાયું નહીં!! નવાઈની વાત એ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સહિત વિશ્વના કોઈ દેશની ટેક્નોલોજી સીકેડા સુધી પહોંચી શકી નહીં.
છેલ્લીવાર 20 નવેમ્બર, 2017ના દિવસે સીકેડા તરફથી આ આઠ વ્યક્તિને આવેલો email મેળવી શકાયો છે. જેમાં લખ્યું છે, ‘આ ઇન્ટરનેશનલ સંસ્થામાં તમારું સ્વાગત છે. શું તમે માનો છો કે માહિતી મુક્ત અને ફ્રી હોવી જોઈએ? જો હા, તો આ માહિતી કોઈની સાથે શેર નહીં કરવાની, એવી સૂચના આપવામાં આવે છે.’ પરસ્પર વિરોધાભાસી આ વાક્યોનો અર્થ શું હતો? એની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી તપાસ કરવામાં આવી તેમાંથી કશું શોધી શકાયું નહીં.
આ પહેલાં યુએસ નેવી અને બ્રિટિશ સરકારે નવા રિક્રૂટમેન્ટ માટે આવી રમત કરી હતી. જીસીએચક્યૂ નામની એક સંસ્થાએ પણ ‘can you find it’ની એક પઝલ પબ્લિક ડોમેન પર ફરતી કરીને highly ટેક્નોક્રેટ લોકોને નોકરીએ રાખ્યા હતા. આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર થઈ રહેલા હેકિંગ અને જાસૂસીની આપણને જાણ સુધ્ધાં નથી. આપણા માટે ઇન્ટરનેટ એ સોશિયલ મીડિયા ઓનલાઇન શોપિંગ અને નેટફ્લિક્સ, એમેઝોન પર સિનેમા કે સિરીઝ જોવા પૂરતી મર્યાદિત છે.
વિમાનના બારકોડને ડિકોડ કરીને છેક આપણા બૅન્ક એકાઉન્ટ સુધી પહોંચી શકાય છે. ઓનલાઈન કરેલી શોપિંગના એક ઓપ્શન ઉપરથી આખેઆખું ખાતું ટ્રાન્સફર કરી શકાય છે. લકી ડ્રોની લાલચે આપેલા ઈ-મેલ કે કોઈની સાથે શેર કરેલા આઈએફએસ કોડ ઉપરથી આપણી જિંદગીભરની મૂડી ખતમ થઈ શકે છે. રસ્તા પર થૂંકનારાના ફોટા પડી શકે છે, દિલ્હીમાં ઇન્સ્ટોલ કરાયેલી રડાર ગન ગાડીની ગતિના ફોટા પાડીને પોલીસ સ્ટેશન સુધી મોકલી શકે છે. વિશ્વભરનો એરટ્રાફિક રડાર ટેક્નોલોજી ઉપર નિયંત્રિત થાય છે. હમણાં થોડા દિવસ પહેલાં જ મુંબઈના એરટ્રાફિક કંટ્રોલના એક અધિકારીએ કહ્યું હતું કે એકલા મુંબઈ એરપોર્ટ પર જ હજારો વિમાનો આવે છે અને જાય છે. એક વિમાન ગુણ્યા 180 મુસાફર ગણીએ તોપણ એમનો સામાન અને એમની સમય સાથે જોડાયેલી અવરજવરને નિયંત્રિત કરવામાં આ રડાર ટેક્નોલોજી કામ
લાગે છે!
હજી થોડા દિવસ પહેલાં જ પ્રધાનમંત્રીએ કરેલા એક વિધાન પ્રમાણે વાદળોમાં છુપાયેલા વિમાનને રડારથી બચાવી શકાયાં એટલે બાલાકોટની એરસ્ટ્રાઈક આટલી સફળતાથી કરી શકાઈ, પરંતુ પલ્લવ ભાગલા નામના આપણા ફિઝિસિસ્ટનું કહેવું છે કે, રડારને વાદળો સાથે કોઈ નિસબત નથી, ઓપ્ટિકલ સેટેલાઇટ અને રડાર ઇમેજિંગ અલ્ટ્રા સાઉન્ડ વેવ્ઝ પર કામ કરે છે. ‘રડાર’નું આખું નામ રેડિયો ડિટેક્શન એન્ડ રેજિંગ છે. એરટ્રાફિકની આખી ગતિવિધિ આ ટેક્નોલોજી પર કામ કરે છે. જો ફક્ત વાદળને કારણે વિમાનો છુપાઈ શકાતાં હોય તો આજે આપણે જેમ છુપાયા એમ ક્યારેક આપણા દેશ ઉપર પણ કોઈ છુપાઈને હુમલો કરી શકે એવી શક્યતા કેમ ન કરી શકાય?
આપણે ફક્ત છાપામાં છપાતી વિગતો, ટીવી પર દેખાડવામાં આવતા ફેબ્રિકેટેડ ન્યૂઝ અને વોટ્સએપ પર ફેલાતી અફવાઓના આધારે જીવી રહ્યા છીએ. હવે જો બદલાતી દુનિયામાં ટકવું હશે ટેક્નોલોજી શીખ્યા વગર નહીં ચાલે. માહિતી હવેના સમયમાં પ્રાણવાયુ જેટલી મહત્ત્વની બનવાની છે. ‘ગુડનાઈટ ટેક કેર’ નામની મરાઠી ફિલ્મમાં એક છોકરી અજાણી વ્યક્તિ સાથે ચેટરૂમમાં ચેક કરતી વખતે પિતાના એકાઉન્ટનો પાસવર્ડ આપીને કેટલી મોટી ભૂલ કરે છે એની કથા મગજ બહેર મારી જાય એવી છે. દરેક વખતે આપણી ભૂલથી જ ગરબડ થાય એવું જરૂરી નથી.
આપણા પરિવારજન માતા-પિતા કે ટેક્નોલોજી નહીં જાણતી પત્ની આપણને મોટી સમસ્યામાં ધકેલી શકે છે. ઘરના સૌએ ટેક્નોલોજી વિશે જાગૃત થવું જ પડશે. નુકસાન થયા પછી રડવા બેસવાની આપણને જાણે કે આદત પડી ગઈ છે. નવાઈની વાત એ છે કે આપણા દેશના લોકોને કેટલીક સાદી વાતો વિશે જાણકારી છે નહીં અને મેળવવામાં રસ પણ નથી!