“સચ કહું તો…”; બધા બોલ્ડ નિર્ણયો સાચા નથી હોતા !

“મસાબાની સ્કૂલના એડમિશન માટે અમે અમારી ટ્રીપ કેન્સલ કરી… વિવિયનને કદાચ સ્કૂલના એડમિશનનું
મહત્વ સમજાયું નહીં હોય કે પછી હું બરાબર સમજાવી શકી નહીં. એને લાગ્યું કે, હું એને મળવા માટે સિરિયસ
નહોતી અને સાવ નકામું બહાનું બનાવીને એને મળવાનું ટાળી રહી છું. એણે ચાલુ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો ને
પછી પાંચ વર્ષ સુધી મારી સાથે વાત ન કરી…” પોતાની આત્મકથા “સચ કહું તો”માં નીના ગુપ્તાએ પોતાના જીવનની
બધી સારી-નબળી વાતોને ખુલ્લા દિલે વાચકો સમક્ષ મૂકી આપી છે.

પાંચ ભાગમાં વહેંચાયેલી આ આત્મકથાનો પહેલો ભાગ, “દિલ્હી ગર્લ” છે. જેમાં એની બાળપણ અને
માતા-પિતાના ભયાનક સંબંધો વિશે લખ્યું છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સુધીનો પ્રવાસ પૂરો થાય છે અને બીજો
ભાગ, “બોમ્બે ગર્લ” શરૂ થાય છે. મુંબઈના શરૂઆતના સંઘર્ષના દિવસોની વાતમાં એમણે લખ્યું છે, “સાઉથ ઈન્ડિયન
ફિલ્મોના એક બીગ શોર્ટ પ્રોડ્યુસરે મને હોટેલમાં મળવા બોલાવી. મેં એમની સાથે મારા રોલની ચર્ચા કરી. એમણે મને
અષ્ટમ-પષ્ટમ રોલ સમજાવ્યો અને પછી મેં કહ્યું, ફોટોશૂટ માટે ક્યારે આવું ? એમણે પૂછ્યું, અત્યારે તમે ક્યાં જાઓ છો
? મેં કહ્યું, મારા મિત્રો રાહ જોઈ રહ્યા છે. એણે કહ્યું, મને તો એમ કે તમે રાત અહીં રોકાવાના છો…” મારા ઉપર
કોઈકે ઠંડા પાણીની બાલ્ટી ઊંધી કરી નાખી હોય એવી ફિલીંગ મને થઈ હતી. મુંબઈના સ્ટ્રગલના દિવસોની વાત પૂરી
થાય છે અને ત્યાં મસાબાના જન્મની અને વિવિયન સાથેના સંબંધોની વાત શરૂ થાય છે, “ધ પ્રિન્સેસ અરાઈવ્સ.”
ચોથો ભાગ ટીવીની કારકિર્દી અને ફિલ્મોની કારકિર્દી વિશેનો છે, “મેડ ટાઈમ્સ” અને છેલ્લો ભાગ “ફોર ગુપ્તાઝ એન્ડ
અ મહેરા” એમના બીજાં લગ્ન, અને પરિવારના સભ્યો વિશેનો છે.

નીના ગુપ્તાના પહેલાં લગ્ન અમલાન કુસુમ ઘોષ સાથે થયા હતા, આ લગ્ન લાંબો સમય સુધી છૂપાવીને
રાખવામાં આવ્યા. એ પછી એમણે એક રિલેશનશિપ વિશે લખ્યું છે જેમાં એમણે લખ્યું છે કે, “એક વ્યક્તિ સાથે મારા
લગ્ન ઓલમોસ્ટ નક્કી થઈ ગયા હતા. દિલ્હીમાં હોટેલ બુક થઈ ગઈ હતી. કપડાં પણ બની ગયા હતા. એમણે
અચાનક ફોન કરીને મને કહ્યું, મારે તારી સાથે લગ્ન કરવા નથી. મને આજે પણ ખબર નથી કે એણે એવું શું કામ કર્યું.
એ આ વાંચશે એની મને ખબર છે. એ જીવિત છે અને એના લગ્ન થઈ ચૂક્યા છે એ એક સુખી પરિવાર ધરાવે છે…”

એમણે લખ્યું છે, “મેં જ્યારે વિવિયન રિચર્ડ્સના બાળકની મા બનવાનું નક્કી કર્યું ત્યારે 1980નો દાયકો
ચાલતો હતો… આજે 2021માં પણ હું યુવાન છોકરીઓને સલાહ આપું છું કે એમણે મારા જેટલા બોલ્ડ થવાની
જરૂર નથી. મારી યુવાનીના ઉત્તમ વર્ષો મેં એકલતામાં અને પીડામાં વીતાવ્યા છે. એ એવો સમય હતો જ્યારે હું
વિવિયનના પ્રેમમાં હતી. એણે કોઈ દિવસ મારા પ્રેમમાં હોવાનો દાવો કર્યો નથી. એને માટે તો એના અનેક
સંબંધોમાંનો એક સંબંધ હતો, પરંતુ મેં એના બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો ત્યારે એણે મારી બાજુમાં ઊભા
રહેવાનું નક્કી કર્યું. એણે એ બાળકનો સ્વીકાર કર્યો એટલું જ નહીં, ભાગી છૂટવાને બદલે એણે મારી સાથેના સંબંધોને
સ્વીકાર્યા… એ પછી મસાબાને મળવા એ નિયમિત આવતો રહ્યો… તેમ છતાં, મને મારી યુવાનીના, એકલતાના
દિવસો આજે પણ યાદ આવે ત્યારે હું ભીતરથી હચમચી જાઉં છું. ક્ષણિક આવેશમાં કરાયેલા નિર્ણયો ક્યારેક આખી
જિંદગીનો ભાર બની જતા હોય છે.” નીના ગુપ્તાએ પોતાની આત્મકથામાં સ્વીકાર્યું છે કે, સામાન્ય રીતે શારીરિક
સંબંધોને પ્રમાણમાં ઘણા બોલ્ડલી જોઈ શકતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 1980માં એણે કરેલા, લગ્ન વગર મા બનવાના
નિર્ણયને કારણે લગભગ એનો બહિષ્કાર કર્યો હતો !

આપણે બધા જ દંભી સમાજના માણસો છીએ. બધાને ‘બધું’ કરવું છે, પણ સાથે સાથે એની કોઈને ખબર
ન પડે એવો પ્રયત્ન પણ કરવો છે. આપણી પબ્લિક ઈમેજ અને પ્રાઈવેટ ડિઝાયર જુદી જુદી હોય છે. આપણે જાહેરમાં
ક્યારેય આપણી નબળી ક્ષણોનો સ્વીકાર કરતા નથી કારણ કે, આપણો સમાજ જજમેન્ટલ સમાજ છે. આપણી
આજુબાજુનો લગભગ દરેક માણસ, ન્યાયાધીશ છે. આપણે શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય આપણે સામાન્ય
રીતે આવા ‘ઓપિનિયન મેકર્સ’ના સર્ટિફિકેટને આધારે કરતા થઈ ગયા છીએ.

નીના ગુપ્તાના લગ્ન વગરના માતૃત્વ કે પ્રિયંકા ચોપરાના દસ વર્ષ નાના નિક જોનાસ સાથેના લગ્ન, સૈફ
અને કરિનાના લગ્ન કે જોન અને બિપાશાનું લિવઈન રહેવું… રણબીર કપૂરના અનેક સંબંધો કે જુહી ચાવલાએ
છૂપાવી રાખેલા પોતાના લગ્નની વાત… આ બધું એક જુદી દુનિયાનું જીવન છે. એમની પબ્લિક ઈમેજ અને અંગત
જિંદગી સાવ જુદી છે. જે કઈ દેખાય છે એ બધું જ સાચું નથી… અને જે સાચું છે એ દેખાડવાની હિંમત ભાગ્યે જ
કોઈનામાં છે. સ્ક્રીન પર દેખાતા ખૂબસુરત અને દિલચશ્પ ચહેરાઓના મોહરા પાછળ ભય, અસલામતી, ઈર્ષા,
લફરાબાજી કે અધૂરપના અનેક રંગો છે. ત્યાં પણ દિલ તૂટે છે, ત્યાં પણ સફળ મનાતા લોકો ડિપ્રેશનમાં ધકેલાય છે.
દિપીકા પદુકોણે સ્વીકાર્યું હતું કે, રણબીર કપૂર સાથેના સંબંધો તૂટ્યા ત્યારે એને માનસિક સારવાર લેવી પડી હતી.
સુશાંતનો આપઘાત હોય કે ઐશ્વર્યાને ઘરે જઈને સલમાન ખાને કરેલી મારપીટનો કિસ્સો… આ બધા મીડિયા માટે
સમાચારો છે અને જેમના વિશે કહેવાય છે એ લોકોની અંગત જિંદગીની તીવ્ર પીડા…

આજના યુવાનો આવા કિસ્સાઓમાંથી પોતાના જીવન માટે કોઈક રસ્તો પસંદ કરી લે છે… મીડિયાએ જેટલું
જણાવ્યું છે એનાથી ઘણું વધારે અને ઘણું ઊંડું હોય છે, જીવનનું સત્ય ! કોઈપણ નિર્ણય સાથે એના પરિણામ
જોડાયેલા હોય છે. મોટેભાગના યુવાનો એ નિર્ણય અને એની સાથે જોડાયેલા ગ્લેમરમાં અટવાઈ જાય છે. 1980માં
સિંગલ મધર બનવાનો નિર્ણય હોય કે શાહિદ કપૂરને છોડીને પંદર વર્ષ મોટા નવાબને પરણવાનો નિર્ણય, એની સાથે
જોડાયેલા પરિણામો વિશે આપણે ક્યારેય જાણી શકતા નથી. એ તો જે જીવે છે એને જ સમજાય છે…

“સચ કહું તો…” એક એવી આત્મકથા છે જે સાદી ભાષામાં લખાયેલું સત્ય છે. સામાન્ય રીતે આત્મકથાઓ
“જે જીવવા માગતા હતા” એ વિશેની હોય છે, આ એક એવું પુસ્તક છે જે જીવાયેલી જિંદગી વિશે સત્ય અને પારદર્શક
સ્વીકારનો દસ્તાવેજ છે.

4 thoughts on ““સચ કહું તો…”; બધા બોલ્ડ નિર્ણયો સાચા નથી હોતા !

  1. Anonymous says:

    Kaajal ma’am , excellent blog
    હું પણ એ વાત સાથે સહમત છું કે દરેક નિર્યણ પાછળ એના સારા અથવા ખરાબ નિર્યણ હોય જ છે.

Leave a Reply to Bina Cancel reply

Your email address will not be published. Required fields are marked *