દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પોતાની દીકરીનું નામ ‘દુઆ’ પાડ્યું. દીપિકાએ કહ્યું
કે, ‘આ અમારી પ્રાર્થનાનું ફળ છે.’ એકમેક સાથે સુખી અને આનંદિત દેખાતું આ યુગલ જીવનમાં
અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યું છે. દીપિકા પદુકોણે પોતાના ઈન્ટરવ્યૂમાં પોતાના
ડિપ્રેશન અને સમસ્યાનો સ્વીકાર કર્યો ત્યારે એણે કહ્યું હતું કે, ‘દુનિયાના અનેક લોકો જાણે-
અજાણે માનસિક તકલીફોમાંથી પસાર થાય છે છતાં કેટલાક એને સમસ્યા તરીકે સ્વીકારતા નથી.’
સત્ય તો એ છે કે, જો આપણે પ્રોબ્લેમ જ નહીં સ્વીકારીએ, તો એનો ઉપાય કેવી રીતે શોધીશું?
અનેક જિનિયસ-બુધ્ધિશાળી લોકો, જેમણે આ જગતને કલા, સાહિત્ય, અને સિનેમાના
ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે એવા લોકો પણ માનસિક સમસ્યાનો શિકાર થયા છે. જેણે આખા
જગતને જીતવા વિશ્વ યુધ્ધ કર્યું અને હજારો લોકોના જીવ લીધા એવા એડોલ્ફ હિટલરે અંતે
આત્મહત્યા કરી. જેની ફિલ્મો ‘ક્લાસિક’ કહેવાય છે એવા ગુરૂદત્ત જેવા મહાન કલાકારે ઊંઘની
ગોળીઓ લઈને આત્મહત્યા કરી. વિદેશમાં ફિલીપ એડમ્સ જેવા ફૂટબોલ પ્લેયર અને ફિડેલ
કાસ્ટ્રો જેવા ક્યુબાના રાજકારણી આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા. એલ્વિસ પ્રેસ્લી, મેરેલિન
મોનરો, અને ત્રણ વર્ષ પહેલાં સુશાંતસિંહ રાજપૂત જેવા સફળ અને જેની પાસે જગતને ખૂબ
આશા હતી એવા લોકોએ આત્મહત્યા કરી. આ બધાની તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કે, આ
લોકો એન્ટિડિપ્રેસન્ટ દવા લેતા હતા. સાયકિયાટ્રિસ્ટ (માનસશાસ્ત્રી)ની ટ્રીટમેન્ટ હેઠળ હતા. આ
એન્ટિડિપ્રેસન્ટ દવાઓ કદાચ થોડો સમય માટે મદદ કરતી હશે, પરંતુ અંતે તો માણસે જાતે જ
પોતાની સમસ્યાનો ઉકેલ શોધવાનો હોય છે. દીપિકા પદુકોણે પોતાના એ જ ઈન્ટરવ્યૂમાં કહ્યું
હતું કે, ‘મારા ડૉક્ટરે તો મારી મદદ કરી જ, પરંતુ મેં જાતે પણ સાજા થવાનો ભરપૂર પ્રયાસ કર્યો
છે.’ માનસિક સમસ્યામાંથી બહાર નીકળવા માટે માણસે જાતે પણ ધીરે ધીરે દવાનો આધાર
છોડીને, આત્મવિશ્વાસ અને પોઝિટિવિટી તરફ પ્રવાસ કરવો જોઈએ.
કેટલાક લોકો દવાના ગુલામ બની જાય છે. થોડા દિવસ ઊંઘની ગોળી લેવાથી સારી ઊંઘ
આવે, પછી ધીરે ધીરે ગોળી લેવાની ટેવ પડે અને પછી સાંજથી જ ભય લાગવા માંડે કે જો
ઊંઘની ગોળી નહીં લઉં તો મને ઊંઘ જ નહીં આવે, એટલે ઊંઘવાનો પ્રયાસ કરવાને બદલે સીધા
દવા લઈને જ સૂવાનું એક વ્યસન થઈ જાય… કેટલાક લોકોને ‘દવા’ લેવાનું કોઈ વિચિત્ર વળગણ
હોય છે. એક યા બીજી રીતે આવા લોકો પોતાના શરીરમાં બિમારી શોધ્યા કરે છે. પોતાની
આસપાસની પરિસ્થિતિ એમને અનુકૂળ ન હોય તેથી પોતાના પ્રિયજન કે સ્વજનનું અટેન્શન
મેળવવા, ધ્યાન ખેંચવા કેટલાક લોકો સતત માંદા હોવાનું, અસ્વસ્થ હોવાનું બહાનું બનાવ્યા કરે
છે. કેટલીકવાર પરિસ્થિતિથી ભાગવા માટે કે કામ નહીં કરવા માટે, અણઆવડત કે લઘુતાગ્રંથિને
કારણે પાછા પડતા લોકો માટે પણ ‘બિમારી’નું બહાનું કામ લાગી જાય છે. આવા લોકો
બિમારીના નામે કમરનો દુઃખાવો, છાતીમાં દુઃખાવો કે ચક્કર આવવા જેવી ફરિયાદ કરે છે. આ
ફરિયાદોનું કોઈ તબીબી પ્રમાણ નથી હોતું, એટલે આવા લોકો માટે શારીરિક તકલીફની ફરિયાદ
કરીને અન્ય લોકોની સહાનુભૂતિ કે અટેન્શન મેળવવાનું સરળ બને છે. આવા લોકો ધીરે ધીરે
બોરિંગ અને કંટાળાજનક બનતા જાય છે. લોકો એમને મળવાનું ટાળે છે કારણ કે, એમની પાસે
પોતાની બિમારી સિવાય બીજી કોઈ વાત હોતી નથી. આ એક વિષચક્ર છે, લોકો એમને નથી
મળતા અને ટાળે છે માટે એમનું અટેન્શન મેળવવા આ લોકો વધુને વધુ બિમાર હોવાનું નાટક કરે
છે-સતત બિમાર હોવાનું કહ્યા કરતા લોકો શારીરિક રીતે બિમાર હોય કે નહીં, માનસિક રીતે તો
અસ્વસ્થ હોય જ છે.
આવા લોકો એક યા બીજા બહાને દવા લીધા જ કરે છે. જાતે જ શોધેલી, ઊભી કરેલી
બિમારીની જેમ ‘સેલ્ફ મેડિકેશન’ (જાતે જ દવાઓ લીધા કરવી) પણ માનસિક સમસ્યા છે.
લગભગ બધા જ ગુગલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એટલે જાતે જ ગુગલ પર સર્ચ કરીને કે
અધકચરી માહિતી સાથે દવાની ટીકડીઓ લેવાની કુટેવ વધતી જાય છે. કફ સિરપને શરાબની
જેમ પીવો, ડૉક્ટરને પૂછ્યા વગર ઊંઘની ગોળીઓ લેવી અને અમુક પ્રકારની દવાઓને ડ્રગ્સની
જેમ વાપરવાની ફેશન અને ઘેલછા યુવા પેઢીને બરબાદ કરી રહી છે. કેટલાક લોકોને લાગે છે કે,
સતત વધારાના વિટામિન લીધા કરવાથી એ સ્વસ્થ રહેશે અને એમની ઈમ્યુનિટી વધુ મજબૂત
થશે. આ એક બહુ જ મોટો વહેમ અને એક પ્રકારની માનસિક બિમારી પણ છે. આપણા રોજિંદા
ખોરાકમાં પૂરતું પોષણ હોય છે તેમ છતાં, પ્રોટીન શેક, ઝિન્ક, બાયોટિન, વિટામિન સી અને
આયન જેવી દવાઓ લેવી એ કેટલાક લોકોનો ‘શોખ’ છે. સત્ય તો એ છે કે, શરીરમાં જેટલા
વિટામિન કે મિનરલ્સ એબસોર્બ (શોષાય) એટલા જ ફાયદાકારક હોય છે. ડૉક્ટરની સલાહ વગર
લેવામાં આવતું કેલ્શિયમ પથરી જેવા રોગને અથવા વધારે પડતું પ્રોટીન ગાઉટ જેવા રોગોને
નિમંત્રણ આપે છે.
વિદ્યા બાલને હમણા ખૂબ વજન ઉતાર્યું છે. એ પછી એણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં
એણે કહ્યું કે, ‘માણસે વજન ઉતારવા માટે કસરતની સાથે સાથે પોતાના ખોરાક ઉપર ખૂબ ધ્યાન
આપવું જોઈએ. આપણે સ્વાદ માટે ખાઈએ છીએ, શરીરને પૂરતું પોષણ મળે એવો ખોરાક
વજનને કંટ્રોલમાં રાખે છે એટલું જ નહીં, આપણને બિનજરૂરી દવાઓથી પણ દૂર રહેવામાં
મદદ કરે છે.’
જીવમાત્રને કુદરતે સેલ્ફ હીલિંગ (જાતે જ સાજા થવાનું એક અદભૂત વરદાન) આપ્યું છે.
માત્ર પ્લાસ્ટરમાં રાખવાથી હાડકાની તિરાડ સંધાય છે એવી જ રીતે ઘા ધીરે ધીરે રૂઝાય છે, માંદી
પડેલી વ્યક્તિ ધીમે ધીમે સાજી થાય છે. આ કુદરતની કરામત છે. પ્રાણીઓ પોતાના ઘાને ચાટીને
સાજા કરે છે, આપણે પણ જો થોડાક ઉપવાસ અને શરીરના અંગોને જરૂરી આરામ અને પૂરતી
કસરત આપીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ, અને કદાચ બિમાર હોઈએ તો સ્વસ્થ થઈ
શકીએ.
જાતભાતના નુસ્ખા અજમાવીને, વધુ પડતી દવાઓ લઈને આપણે આપણા જ શરીરને
અને કુદરતે આપણને આપેલા આ સેલ્ફ હીલિંગના વરદાનને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગમે
તેટલા દાવા કરવા છતાં પણ એલોપેથી દવામાં કે આયુર્વેદિક દવામાં પણ કોઈને કોઈ સાઈડ ઈફેક્ટ
હોય છે. એક બાબત સાજી થાય એની સાથે એક નવી સમસ્યા ઊભી થવાની શક્યતા રહેલી છે.
બિનજરૂરી દવાઓનું વ્યસન, વિટામિનનો મારો શરીરને સ્વસ્થ રાખવાને બદલે વધુ બિમાર કરી
શકે છે. માનસિક રોગ એટલે માત્ર સ્કિઝોફ્રેનિયા, બાયપોલર કે ડિપ્રેશન નહીં, સેલ્ફ મેડિકેશન-
સોશિયલ મીડિયા પર જોઈ જોઈને અજમાવવામાં આવતા નુસ્ખા કે જાણ્યા-સમજ્યા વગર
બીજાને આપવામાં આવતી મેડિકલ સલાહ પણ એક પ્રકારની માનસિક બિમારી જ છે.