વિનાયક સાવરકરઃ વીરની વેદનામય જીવનકથા

“મારા પ્રશ્નનો જવાબ આપો. મારા બુદ્ધિમાન દિયરજી ! હું તમારાથી બધી રીતે નાની હોવા છતાં, જ્યારે તમે
અમારા ઘરે આવ્યા ત્યારે મને પગે શા માટે લાગ્યા હતા ? મોટા થઈને નાનાનો ચરણસ્પર્શ કરવામાં બુદ્ધિ ક્યાં આવી એ
જણાવશો ?”

“યેશુ. તારા બંને સવાલો ભલે અલગ-અલગ છે, પણ એના જવાબો એકબીજા સાથે સંકળાયેલા છે. હું તને એકવચનમાં
સંબોધું છું, કારણ કે તું નાની છે અને હું તારો ચરણસ્પર્શ કરું છું કારણ કે તું મારી ભાભી છે. શાસ્ત્રોમાં ભાભીને મા સમાન
ગણવામાં આવી છે, પણ યેશુભાભી, શાસ્ત્રોની વાત જવા દે. વિનાયક પોતાનાં શાસ્ત્રો પોતે જ રચે છે અને મારા માટે તું મા
સમાન નથી, પણ મા જ છે.”

“ભાભી, તું મારા માઈ બની શકીશ ?” અચાનક વિનાયકે યેશુના બંને હાથ પોતાના હાથમાં જકડી લીધા. આ સવાલમાં
અવર્ણીય ભાવુકતા સમાયેલી હતી. મા વગરના દીકરાનો ખાલીપો આ શબ્દોમાં છલકાતો હતો.

જવાબ યેશુની જીભ ઉપરથી સરી પડ્યો, “હા, વિનાયક ! આજથી હું તારી મા છું. મોટા દીકરીની નાની મા. વિદ્વાન
પુત્રની અલ્પજ્ઞાની મા. એક મા વિનાના દીકરાની, પુત્ર વગરની મા. જીવીશ ત્યાં સુધી તને દિયર કહીને બોલાવીશ અને દીકરો
માનીને વર્તીશ. વચન આપવાની જરૂર છે ? કે પછી મારું વાક્ય જ પૂરતું છે ?”

આ સંવાદ ડૉ. શરદ ઠાકરના પુસ્તક ‘સિંહપુરુષ’માંથી લેવામાં આવ્યું છે. આ પુસ્તકની આઠ જેટલી આવૃત્તિ થઈ ચૂકી
છે. વિનાયક દામોદર સાવરકર જેને આપણે વીર સાવરકર તરીકે યાદ કરીએ છીએ એવી એક રાષ્ટ્રપ્રેમી, હિન્દુત્વપ્રેમી છતાં
વિવાદાસ્પદ વ્યક્તિના જીવનચરિત્ર પર આધારિત આ કથામાં ડૉ. શરદ ઠાકરે પૂર્ણ પ્રામાણિકતાથી એક જબરજસ્ત વ્યક્તિત્વને
વાચક સામે ઉજાગર કરવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો છે.

કોણ છે આ વિનાયક દામોદર સાવરકર ? અને આ સંવાદ, કોની સાથે થયો હતો ? પોતાના મોટા ભાઈ ગણેશ દામોદર
સાવરકરના વિવાહ જેની સાથે થયા હતા એ, યેશુને મળવા પહોંચેલા વિનાયકે પોતાની થનારી ભાભી સાથે કરેલો આ સંવાદ
એમના નાળિયેર જેવા વ્યક્તિત્વને ચિત્રિત કરે છે. ક્યાંક તો વિનાયક પ્રશ્નો પૂછે છે, થનારી ભાભી યેશુને ગૂંચવે છે અને ક્યાંક એ
પોતાની મૃત્યુ પામેલી માને પોતાની ભાભીમાં શોધે છે. ગણેશ, વિનાયક અને નારાયણ ત્રણ ભાઈઓ. દામોદર સાવરકરના પુત્રો.
આજે, 13મી જૂન-ગણેશ સાવરકરનો જન્મદિવસ.

મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલા ભગુર ગામમાં એમનો જન્મ 1883ના મે માસની 28મી તારીખે થયો હતો.
ઓગણીસમી સદી એમના અંતિમ ચરણોમાં હતી. 1857ની ક્રાંતિનું લોહી હજી સૂકાયું નહોતું. આઠ વર્ષના વિનાયક અને ત્રણ
વર્ષના નારાયણ અને બાર વર્ષના ગણેશને મૂકીને એમની મા મૃત્યુ પામી.

બાલ્યાવસ્થાથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. ઈ.સ. 1905માં બંગભંગની લડત ઊપડી.
સ્વદેશીની હાકલ થઈ ત્યારે વિદેશી કાપડની પ્રથમ હોળી પ્રગટાવનાર સાવરકર. એ સાલમાં જ એ ગ્રેજ્યુએટ થયા. પંડિત
શ્યામજી કૃષ્ણવર્માની શિષ્યવૃત્તિ મેળવી બેરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા. બેરિસ્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થયા, પરંતુ
ઈંગ્લેન્ડમાં ક્રાંતિની જ્વાળા પ્રજ્વલિત રાખનાર સાવરકર સરકારની નજરે ચઢી ગયા. ક્રાંતિની તૈયારી આગળ ધપવા લાગી.
આથી સાવરકરને બેરિસ્ટરની પદવી એનાયત કરવામાં ન આવી.

ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારીઓના સૂત્રધાર સાવરકર છે એવી ખાતરી સરકારને થઈ તેથી તેમની ધરપકડ કરી એક સ્ટીમરમાં
તેમને ભારત મોકલવામાં આવ્યા. સ્ટીમરે માર્સેલ્સ બંદરે લંગર નાખ્યું ત્યારે શૌચાલયમાં ગયા અને અંદરથી બારણું બંધ કરી
સમુદ્રમાં કૂદી પડ્યા. તરતાં તરતાં તેઓ ફ્રાન્સને કિનારે પહોંચ્યા. પાછળથી સ્ટીમર પરથી માણસો આવ્યા અને સાવરકરને પકડી
લીધા. વિશ્વભરમાંથી આ કૃત્યનો વિરોધ થયો. તે છતાં ભારતમાં અંગ્રેજ સરકારે સાવરકર પર કામ ચલાવી ઈ.સ. 1910ના
ડિસેમ્બરની 23મી તારીખે જન્મટીપની સજા ફટકારી. બીજા એક કેસમાં પણ તેમને જન્મટીપની સજા થઈ. આમ, પચાસ વર્ષ
સાવરકર જેલમાં ગાળવાનાં હતાં. જન્મટીપ સજાવાળા કેદીઓને ત્યારે આંદામાન લઈ જવામાં આવતા.

પોર્ટ બ્લેર અથવા આંદામાન તરીકે ઓળખાતી આ જેલમાં માત્ર વીરસાવરકર નહોતા. અહીં ઉલ્લાસ કરદત્ત,
ઈન્દુભૂષણ રોય, નાની ગોપાળ, રામ રક્ષા જેવા અગણિત લોકો એમની સાથે હતા. ડૉ. શરદ ઠાકરે લખ્યું છે કે, “તેલની જે
ઘાણીમાં જોડાઈને બળદ એક દિવસનું સોળ પાઉન્ડ તેલ કાઢી શકે એ ઘાણીમાં બળદની જગ્યાએ સજા પામેલા
કેદીઓને જોડવામાં આવતા, એમણે દિવસનું એંસી પાઉન્ડ તેલ કાઢવું પડતું. નાળિયેરની છાલના છીલકા ઘસીને
ચામડી ઉખાડી નાખ્યા પછી પીઠ ઉપર ડંડા મારવામાં આવતા. કેદીઓ આપઘાત ન કરે એ માટે જનોઈ પણ છીનવી
લેવામાં આવતી. કંતાનના કપડા પહેરાવીને ચામડી છોલાઈ જાય એવી સજા આપવામાં આવતી. ડંડાબેડી અને
હાથબેડીની સજા માટેની સાંકળો બાંધીને એમને તડકા, ઠંડી, વરસાદમાં ખુલ્લામાં નાખી દેવામાં આવતા…” આ
આંદામાનમાં સાવરકરને એકાંત કોટડીમાં રાખ્યા. શરીર તૂટી જાય તેવું કામ કરાવ્યું. સાવરકરે પ્રતિરોધ કરવા ઉપવાસ શરૂ કર્યા.
થોડી અસર થઈ. તેઓ પરના જુલ્મો ઘટ્યા. જેલવાસ દરમિયાન પરધર્મમાં ગયેલાઓને સાવરકરે સ્વધર્મમાં લાવી
‘શુધ્ધિકરણ’ની પ્રક્રિયા ચાલુ કરી. કેદીઓને અક્ષરજ્ઞાન આપવાની વ્યવસ્થા કરી. દરમિયાનમાં ઈ.સ. 1921માં
સાવરકરને આંદામાનના કારાગારમાંથી રત્નાગિરિના જેલખાનામાં લાવવામાં આવ્યા. ત્યાંથી યરવડા જેલમાં ફેરવ્યા.
અંતે રાજકારણમાં ભાગ નહીં લેવાની અને રત્નાગિરિમાં જ વસવાની શરતોએ વિનાયકને મુક્તિ મળી. છેવટે ઈ.સ.
1937માં સ્થાનબદ્ધતાની સજામાંથી પણ મુક્તિ મળી.

અન્ય મહાન નેતાઓની જેમ સાવરકરને વ્યવહારુ બનતાં ન આવડ્યું. ગાંધીજી એમના મુલાકાતીઓને એક
સામાન્ય યજમાનની જેમ મળતા હતા. લોકમાન્ય ટિળકના નિવાસસ્થાને રાજકીય હસ્તિઓ માટે મોંઘા, આરામદાયક
ઉતારાની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પં. નહેરુ તો વિદેશી મહેમાનો માટે જયાફતો અને શરાબની
મહેફિલો યોજવા માટે જાણીતા હતા.

અનિદ્રા એ સાવરકરજીને આંદામાન તરફથી મળેલી કાયમી ભેટ હતી. સૂવા માટે રોજ એમણે બ્રોમાઈડનો
ડોઝ ગળવો પડતો હતો.

સતત તેર-તેર વર્ષ સુધી સેલ્યુલર જેલની કોટડીમાં ગોંધાયેલા રહ્યા પછી સાવરકરને એકાંત સદી ગયું હતું.
સમયના કાંટે જીવી-જીવીને, એક જગ્યાએ એક રીતે રંધાયેલો એકનો એક બેસ્વાદ ખાઈ-ખાઈને એ ચીડિયા બની ગયા
હતા. સાદગી એમને મન સહજ બની ગઈ હતી.

એકવાર ‘સાવરકર સદન’માં એમનો સાદભીગર્યો ઓરડો જોઈને શ્રી શ્રીનિવાસ શાસ્ત્રી પૂછી બેઠા હતા,
“સાવરકરજી, શું આ એ ઘર છે જેમાં તમે રહો છો ?”

સાવરકરના જવાબમાં વીતેલી જિંદગીની યાતનાઓ પડઘાતી હતી, “હા, કેમ તમને આમાં શાની ઊણપ
લાગી રહી છે ? આંદામાનની સેલ્યુલર જેલની કોટડી કરતાં તો આ ઘણું વધારે આરામદાયક છે !”

વીર સાવરકર નોબેલ પ્રાઈઝ વિજેતા સર વી.વી. રામનના તેજસ્વી હીરો હતા, રાજાજીને મન હિંમત અને
શૌર્યની મૂર્તિ હતા, ગાંધીજીને મન અજોડ દેશભક્ત હતા, એમ.એન. રૉયના મતે કરોડો હિંદવાસીઓને પોતાના ત્યાગ
અને પરાક્રમોથી પ્રેરણા પૂરી પાડનાર યુગપુરૂષ હતા અને હિંદુસ્તાનના તમામ પ્રજાજનોને મન સ્વાતંત્ર્ય વીર હતા.
એમની આત્મકથા ‘મારી જનમટીપ’ અને જે પુસ્તકનો ઉલ્લેખ ડૉ. શરદ ઠાકરે કર્યો છે એ પુસ્તક, ‘સાવરકર એન્ડ
હિન્દુત્વ’. જેના લેખક હતા, એ.જી. નુરાની. ગાંધીજીની હત્યામાં સાવરકરજીને સંડોવી દેવામાં આવ્યા, પરંતુ સુપ્રીમ
કોર્ટે, ‘ગાંધીજીની હત્યામાં એમનો હાથ નથી’ એવો ચૂકાદો આપ્યો. નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા,
ગોપાલ ગોડસે, શંકર કિસ્તય અને ડૉ. દત્તાત્રેય પરચુરેને સજા સંભળાવવામાં આવી.

સાવરકરે એમની જિંદગીની ઉત્તરાવસ્થામાં આવી પડેલી આ અદાલતી કાર્યવાહીથી ખુશ ન હતા. ત્રીસ વર્ષ
પહેલાંની વાત અલગ હતી. જ્યારે નાસિક ખટલાને એમણે હસતા મુખે અને સામી છાતીએ ઝીલ્યો હતો, માણ્યો
હતો, પણ એ સમયે સાવરકર પર કામ ચલાવનારા વિદેશીઓ હતા અને જે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા તે
માતૃભૂમિની આઝાદી માટે સાવરકરે ચલાવેલા સાહસિક અભિયાન અંગેના હતા. જ્યારે અહીં તો પોતાના જ દેશના
એક મહાન વ્યક્તિની સામે પોતાની જ સ્વદેશી સરકાર એમની ઉપર તહોમત મૂકતી ખડી હતી. વધતી વય અને
ભાંગેલું શરીર આ યંત્રણા સહન કરી શકે તેવું મજબૂત ન હતું.

એમણે જેલમાંથી એમના પુત્રને જે પત્રો લખ્યા, એમાં એમની માનસકિતા છતી થાય છે, “બેટા, તું
આત્મનિર્ભર બનજે. મારા વગર જિંદગી જીવવાનું શીખી જજે.”

એમણે પત્નીને લખ્યું, ‘આ મુકદ્દમો એ આપણા જીવનની સૌથી મોટી દુર્ઘટના છે, પણ એને ભૂલી જજે અને
આપણે સાથે મળીને વિતાવેલાં સુખદ વર્ષોને યાદ કરજે.’

અંગત રીતે પણ સાવરકરને ભયાનક માનસિક યાતના ભોગવવી પડી. એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી
તેઓ પોતાના દેશબાંધવોના તિરસ્કારનો ભોગ બની રહ્યા.

વીર સાવરકર વૃદ્ધ થયા હતા, બીમાર હતા, દેશની કોંગ્રેસી સરકારે આપેલા આઘાતોથી વ્યથિત હતા, તેમ
છતાં તેઓ એક ઊજવણીમાં પધાર્યા. પોતાના સન્માનનો પ્રત્યુત્તર આપતું પ્રવચન પણ તેમણે આપ્યું, પણ એમનો
અવાજ હવે ઉંમર અને તબિયતને કારણે ક્ષીણ થઈ ગયો હતો.

એમના એક જૂના મિત્ર અને સમાજવાદી નેતા એસ.એમ. જોશીએ સાવરકરજીનું પ્રવચન ચાલુ હતું, ત્યાં જ
વચ્ચે ઊભા થઈને ટકોર કરી, ‘અમારે આજના શાંત અને સૌમ્ય સાવરકરજીને નથી સાંભળવા, પણ અમારી ઈચ્છા તો
લંડનવાળા ગર્જના કરતા સાવરકરને સાંભળવાની છે !’

સભામાં સન્નાટો છવાઈ ગયો. શ્રોતાઓને થયું કે આ ટકોર ક્યાંક સાવરકરજીના અપમાન જેવી ન બની રહે !
પણ સાવરકર એટલે સાવરકર ! થોડીવારના સન્નાટા પછી એ ધીમેકથી હસ્યા અને પછી અમોઘ બ્રહ્માસ્ત્ર જેવી
આગાહી કરી, “આપનું વિચારવું યોગ્ય છે, પણ સમય જ ખરો શક્તિશાળી હોય છે. મારી વય મારા અવાજની
બુલંદીને અસર કરી ગઈ છે, પણ એક વાત યાદ રાખજો, જેમ તમે આજે 1961માં પચાસ વર્ષ પહેલાંના લંડનવાળા
સાવરકરને સાંભળવા ઈચ્છો છો, તે જ રીતે પચાસ વર્ષ બાદ આવતી સદીમાં ભારતના લોકો આજના સાવરકરને
સાંભળવા માટે ઝંખતા હશે !”

કેવી સચોટ ભવિષ્યવાળી ! કાગડા અને શિયાળ જેવા આજના લુચ્ચા, કપટી રાજકારણીઓને જોયા પછી
ભારતની જનતા આજે ફરી એકવાર એ ભગૂરના સિંહને પામવા તલસી રહી છે.

  • ડો. શરદ ઠાકરના પુસ્તક ‘સિંહપુરુષ’માંથી સાભાર.

One thought on “વિનાયક સાવરકરઃ વીરની વેદનામય જીવનકથા

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *