અત્યાર સુધી જેમને ‘વિકલાંગ’ કહેવાતા હતા એમને પ્રધાનમંત્રીએ નવું નામ
આપ્યું, ‘દિવ્યાંગ.’ આમ જોવા જઈએ તો આ બાળકો સાચે જ દિવ્યાંગ છે. એમ
કહેવામાં આવે છે કે, માનવ શરીર તરીકે જેનો અંતિમ જન્મ હોય, એને ફરી જન્મ ન
મળવા માટે અને એની ચોર્યાસી લાખ યોનિની યાત્રા જ્યારે પૂરી થવાની હોય ત્યારે
એના આગલા-પાછલા તમામ કર્મોનો હિસાબ ઝીરો-ઝીરો કરવા માટે દિવ્યાંગ સ્વરૂપે
અવતાર થાય છે. આવા બાળકો માટે હવે તો સ્પેશિયલ્સ સ્કૂલ્સ છે, સગવડો છે અને
એમને એમના જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક જીવી શકાય એવી મદદ કરવા માટે ઘણી
સંસ્થાઓ છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એમના માતા-પિતાનો છે. એમને માટે એક
દિવ્યાંગ બાળક ક્યારેક એટલી મોટી સમસ્યા હોય છે જેનો ઉકેલ એમને જડતો નથી.
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને મળેલા એક બહેન, ડૉ. બોસ્કી મોરબીઆએ એક
પુસ્તક આપ્યું, ‘મંદબુધ્ધિનો સદબુધ્ધિથી સ્વીકાર’… આ પુસ્તકમાં એમણે બહુ જ
સુંદર રીતે ચેલેન્જ્ડ અથવા દિવ્યાંગ બાળકોની વૈજ્ઞાનિક, ઈમોશનલ અને તબીબી
વિગતો, છણાવટ અને ઉપાયોની ચર્ચા કરી છે. જેમ કે, 2011ના એક આંકડા મુજબ
ઈન્ટેલેક્ચ્યુલ ચેલેન્જ્ડ (માનસિક મંદતા) 1,505,624 (5.6%) અને માનસિક રોગ
ધરાવતા દર્દીઓની સંખ્યા આશરે 7,22,826 (2.7%) છે. 2016માં સરકારે વિકલાંગતા
અથવા દિવ્યાંગ લોકો માટે કાયદો બનાવ્યો. જેમાં લગભગ 25થી વધુ પ્રકારના એવી
કેટેગરીના લોકોને આવરી લેવાયા જેમને એક યા બીજી રીતે પોતાનું જીવન જીવવા માટે નાની
મોટી મદદની જરૂર પડે છે. સત્ય તો એ છે કે, જેમને આપણે દિવ્યાંગ કહીએ છીએ એ સામાન્ય
માણસથી વધુ સેન્સિટિવ અને સમજદાર હોય છે. બસ, એમનો વિકાસ એક ઉંમરે અટકી જાય
છે. આવા બાળકોનું નિદાન એમનો બુધ્ધિ આંક માપીને કરવામાં આવે છે, જેને આપણે આઈ
ક્યૂ (ઈન્ટેલિજન્સ કોશેન્ટ) કહીએ છીએ. બાળક સામાન્ય પ્રવૃત્તિ કરી શકે છે કે નહીં, સૂચના
સમજી શકે છે કે નહીં, પોતાની રોજિંદી ક્રિયાઓ (ટોઈલેટ, બાથરૂમ, ભોજન) જેવી પ્રવૃત્તિમાં
સ્વતંત્ર છે કે નહીં-એવી જુદી જુદી તપાસ દ્વારા આ આઈ ક્યૂ શોધવામાં આવે છે. જેનો આઈ
ક્યૂ 0થી 24 હોય એ 3 વર્ષના બાળકો જેટલો જ માનસિક વિકાસ થાય. 25-49 હોય એ 3-5
વર્ષના બાળકો જેટલો માનસિક વિકાસ થાય. 50-69 હોય એ 5-8 વર્ષના બાળકો જેટલો
માનસિક વિકાસ સાધી શકે. 70-85 હોય એ 8-11 વર્ષના વ્યક્તિ જેટલો માનસિક વિકાસ થઈ
શકે. પ્રસૂતિ સાથે જોડાયેલા, જન્મ સમયના, જન્મ પહેલાંના અને આનુવાંશિક કારણોથી આ
બાળકોનો વિકાસ પ્રમાણમાં ધીમો થાય છે-આ બધી વાતો મોટાભાગના લોકો જાણે છે અથવા
સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. સવાલ વૈજ્ઞાનિક નથી, ઈમોશનલ છે.
આ બાળકોના માતા-પિતા ઉપર થતી અસર સમજવા જેવી તો છે જ સાથે સાથે એમને
માટે આપણે-સમાજ અને આસપાસના, પરિવારના, જાણીતા કે અજાણ્યા લોકોએ સંવેદનશીલ
થઈને એમની પરિસ્થિતિમાં પોતાની જાતને ગોઠવીને એકવાર વિચારવું જોઈએ. જે બાળક મોટું
થઈને સમાજમાં પૈસા, પ્રતિષ્ઠા મેળવશે, પોતાનું ધ્યાન રાખશે એવી આશા સાથે માતા-પિતા
બાળકને જન્મ આપે, ઉછેરે એ આશા જ મરી પરવારે… બલ્કે એથી ઉલ્ટું માતા-પિતાએ
બાળકનું હવે જીવનભર ધ્યાન રાખવાનું છે એવી જાણ થાય ત્યારે મોટાભાગના માતા-પિતા
નિરાશ થાય છે. હતાશ થાય છે. આવા બાળકને પોતાના પાપનું ફળ કે ઈશ્વરની સજા માનીને
અપરાધભાવ અનુભવે છે. કંટાળે છે, ત્રાસે છે અને સતત દુઃખી રહે છે.
દિવ્યાંગ વ્યક્તિનાં લક્ષણો જેવાં કે એમની જીદ, કચકચિયો સ્વભાવ, અનિદ્રા, દોષભર્યું
ઉચ્ચારણ, એકની એક વાત વારંવાર કરવી, દુઃખનો અનુભવ થવા છતાં વ્યક્ત ન કરી શકવું
વગેરે કોઈને પણ હેરાન-દુઃખી કરી શકે છે. આવા સમયમાં-આવી વ્યક્તિનો સૌ પ્રથમ સહારો
જો કોઈ બની શકે એમ હોય તો એ છે તેના ‘માતા-પિતા’. પોતાનું બાળક દિવ્યાંગ હોવાની
જાણ થતાં જ મા-બાપ નિરાશ થઈને-કંટાળીને પૂજા-પાઠ-જ્યોતિષી તરફ વધુ ધ્યાન
દેવા લાગે છે, જે તદ્દન સમય વેડફવા જેવું છે. વાસ્તવિકતાનો મનથી સ્વીકાર કરવો
એ જ મા-બાપની પ્રથમ જવાબદારી છે. પોતે સ્વીકારશે તો જ એ પોતાના બાળકને
આત્મવિશ્વાસ આપી શકશે અને અન્ય લોકોને પણ એનો સ્વીકાર કરવાની સમજ
આપી શકશે, ફરજ પાડી શકશે. પોતાના, જરા જુદા દેખાતાં-જુદું વર્તતા બાળક તરફ
જ્યારે લોકો કુતૂહલ કે દયાની નજરે જુએ ત્યારે જો માતા-પિતા જ સમજદાર નહીં
હોય, એમણે જ આ પરિસ્થિતિનો સ્વીકાર નહીં કર્યો હોય તો એ બાળક માટે અત્યંત
ભયાનક સ્થિતિ બની જાય છે.
દિવ્યાંગ વ્યક્તિ જાણીજોઈને કોઈને હેરાન નથી કરતી કે નથી એનામાં કોઈ
બેઈમાની-સૂઝબૂઝ કે એ કોઈને મારે… આવી વ્યક્તિ કંઈ ખોટું-ચોરી કરશે તો પણ
સામેથી કહી દેશે. એમના જીવનમાં પ્રમુખ સ્થાને હોય તો એ છે ‘ડર’. એના કારણે
તેઓ એકબીજાની સાથે હળતા-ભળતા ખચકાય છે, માટે એમની વાતો સમજવા અને
પોતાની વાતો સમજાવવા માતા-પિતાએ પહેલાં એમનો ડર દૂર કરવામાં સહયોગ
આપવો પડશે.
મા-બાપને જ્ઞાત રહેવું જોઈએ કે આવી વ્યક્તિને જો જરાક પણ ભવિષ્ય માટે
તૈયાર કરવામાં આવે તો સમાજ પણ એમને મહત્વ આપશે. સદબુધ્ધિથી સ્વીકારવા
માટે માત્ર ઉચ્ચ બુધ્ધિઆંકની જરૂર નથી, પરંતુ નમ્રતા અને નરમ વ્યવહારની પણ
આવશ્યકતા હોવી જોઈએ. માતા-પિતા ખોટા છે એવું કહેવાનો આશય નથી. એમને
પણ પોતાના બાળકની ચિંતા છે, એના ભવિષ્યની ચિંતા છે. ખાસ કરીને, પોતે નહીં
હોય ત્યારે બાળકનું શું થશે એ વિચારે પણ આવા માતા-પિતા ભય અને ચિંતા
અનુભવે છે. કેટલીકવાર એક બાળક દિવ્યાંગ હોય અને ભાઈ-બહેન નોર્મલ હોય
ત્યારે પણ એ બાળક સાથેના વ્યવહારમાં એના ભાઈ-બહેનને એમની જવાબદારી
સમજાવીને, સંવેદનશીલ બનાવીને માતા-પિતા એક આનંદી અને સહાનુભૂતિપૂર્ણ
વાતાવરણનું નિર્માણ કરી શકે છે.