હજારોં સાલ ચલને કી સજા હૈ; બતા ઐ વક્ત, તેરા જુર્મ ક્યા હૈ

“ઈતિહાસ ભૂલોથી ભરેલો છે. એમાંની કેટલીયે ભૂલો સારો ઈરાદો ધરાવતા તેજસ્વી, બુધ્ધિશાળી અને શક્તિશાળી
લોકો દ્વારા કરવામાં આવી છે. એમણે ખોટા નિર્ણયો લીધા. કેટલાક સાદી ભૂલોની કેટેગરીમાં આવે છે. એમણે રુટ એ લેવાને
બદલે રુટ બી લીધો. એમના એ નિર્ણયો જે તે સમયે કદાચ સાચા હતા, પરંતુ સમય જતાં એ નિર્ણયો અત્યંત મૂર્ખાઈ ભરેલા
લાગ્યા…”

‘ધ વર્સ્ટ ડિસિઝન્સ… એવર’ સ્ટિફન વિયરનું એક પુસ્તક વિશ્વ ઈતિહાસમાં લેવાયેલા ખોટા પૂરવાર થયેલા નિર્ણયોની
કથા કહે છે. આખી દુનિયામાં એવી કેટલીયે ઘટનાઓ બની હશે જેના નિર્ણયો એ સમયે સાચા લાગ્યા હશે, પરંતુ સમય જતાં એ
નિર્ણયો ભયાનક, ભયાવહ અને માનવજાત માટે નુકસાનકારક પૂરવાર થયા છે. આ પુસ્તકની અનુક્રમણિકા બહુ રસપ્રદ છે. આદમ
અને ઈવ દ્વારા સ્વર્ગમાં રહેલું ફળ, જેને ખાવાની એમને મનાઈ કરવામાં આવી હતી એ ખાવાની એમણે ભૂલ કરી. ત્યાંથી શરૂ
કરીને એવા અનેક ઐતિહાસિક પ્રસંગો આ પુસ્તકમાં નોંધાયા છે. જેમાં ક્લિયોપેટ્રાએ માર્ક એન્ટોનીના લશ્કરમાં જોડાવાનો
નિર્ણય કર્યો, લોર્ડ નોર્થ દ્વારા બોસ્ટન ટી પાર્ટીમાં લોકોને ઉશ્કેરવામાં આવ્યા. કિંગ લિયો પોલ્ડ અને આફ્રિકાને કચડી નાખવાનો
નિર્ણય વિન્સ્ટન્ટ ચર્ચિલ અને ગેલીપોલીની ભયાનક ઘટના, સ્ટાલેનના ખોટા નિર્ણયો કે સોવિયેત દ્વારા ચેરનોબિલ ખાતે
કરવામાં આવેલા પ્રયોગો… જેમાં મહાત્મા ગાંધી દ્વારા લેવાયેલો ભારતના ભાગલાનો નિર્ણય પણ સમાવી લેવાયો છે.

સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ થાબો મેબેકીએ 2000ની સાલમાં કહ્યું હતું, ‘આપણી સામાન્ય દુનિયામાં કેટલાક એવા
સવાલો છે જેને હમણાં ધ્યાન પર નહીં લઈએ તો આવનારા વર્ષોમાં આ સવાલો માનવજાતમાં સંહારનું કારણ બનશે.’ એમણે
એચઆઈવી એઈડ્સની સાથે સાથે એવા કેટલાક રોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો જે એ સમયે દેખા દેતા નહોતા, પરંતુ આવનારા
વર્ષોમાં એ બહુ જ મોટી સમસ્યા બની શકે એમ હતા. એ સમયે એમને શું દેખાયું હતું અને શું સમજાયું હતું એ તો આપણે નથી
જાણતા, પરંતુ આજે આપણે જે મહામારીનો સામનો કરી રહ્યા છીએ એ પણ આવનારા વર્ષોમાં એક ઐતિહાસિક ભૂલ તરીકે
નોંધાશે એટલું નક્કી છે. ચીને કે અમેરિકાએ, કોઈક લેબમાં તૈયાર કરેલો એક એવો વાયરસ ભૂલમાં કે જાણીને રિલીઝ થઈ ગયો છે
જેનો ઉપાય શોધતાં આખી માનવજાત અને જગત થાકી ગયું છે. પહેલાં સ્ટ્રેનમાંથી માંડ માંડ બહાર નીકળ્યા હતા ત્યાં એક નવી
સમસ્યા આવીને ઊભી રહી ગઈ છે.

માનવજાતનો ઈતિહાસ હંમેશાં બે-ચાર લોકોની ભૂલથી હજારો માણસોને થયેલા નુકસાનની કથા વારંવાર દોહરાવતો
રહે છે. આપણે સૌ ઈતિહાસ વાંચીએ છીએ, ભણીએ છીએ, ભણાવીએ છીએ તેમ છતાં આપણને કેટલીક વાતો સમજાતી નથી.
બધું જ સમજવા છતાં આપણે ફરી ફરીને ત્યાં જ પહોંચી જઈએ છીએ. કારણ કે, દરેક પેઢી માને છે કે, પાછલી પેઢીને ઝાઝી
સમજ નહોતી… દરેક નવી પેઢીને પોતાના નિર્ણયો લેવા છે. પોતાની નવી ભૂલો કરવી છે. એ ભૂલોમાંથી એમને પોતાનો નવો
ઈતિહાસ રચવો છે, પરંતુ દરેક વખતે એ નવો ઈતિહાસ રચવાનું મૂલ્ય સમગ્ર માનવજાતે ચૂકવવું પડે છે.

વિજ્ઞાન ધીરે ધીરે ઘણું આગળ વધી રહ્યું છે. અવનવી શોધ થઈ રહી છે, હવે કોમ્પ્યૂટર વાપરવા માટે આપણને મોનિટર
કે સ્ક્રીનની પણ જરૂર ન પડે એવો સમય ઝડપથી આવશે. ટેલિપ્રોમ્પટર તો ન દેખાય એવાં સર્જાવા લાગ્યા છે. બીજી તરફ રોબો
અને યંત્રો માણસની દરેક ક્રિયા અને પ્રક્રિયા કરી શકશે એવું વચન વિજ્ઞાન આપી ચૂક્યું છે ત્યારે આપણે સૌ કોઈ એક એવા
અજાણ્યા જગત તરફ ધકેલાઈ રહ્યા છીએ જે જગતમાં માત્ર ભૂલો અથવા સમસ્યાઓની શક્યતા વધારે છે. માણસ હોવું એટલે
વધુ વિકાસ, વધુ સગવડ અને વધુ સત્તા (કંટ્રોલ)ની ઝંખના હોવી, એમાં કશું ખોટું નથી, પરંતુ આપણે ધીમે ધીમે આપણો મૂળ
ધર્મ અથવા આપણું મૂળ તત્ત્વ માનવતાને ભૂલીને વધુને વધુ સગવડ કે સત્તા તરફ આકર્ષાતા જઈએ છીએ. આ સગવડ કે સત્તા
આપણને અંગત રીતે સુખ આપતી હોય ત્યાં સુધી કદાચ એનો વિરોધ ન કરી શકાય, પરંતુ આપણી સગવડ એ બીજાની અગવડ
હોવી જોઈએ… આપણી જીત એ અન્યની હાર હોવી જોઈએ, આપણું સુખ એ અન્યનું દુઃખ હોવું જોઈએ એવું આપણે જ્યારે
માનતા થઈએ છીએ ત્યારે પરસ્પર તિરસ્કાર અને નફરતની લાગણી ઊભી થતી જાય છે. ક્રિકેટ જેવી રમત હોય કે સિનેમા,
આપણે પાકિસ્તાનનો વિરોધ કરીએ છીએ, એ આપણો વિરોધ કરે છે… હવે આપણે ચીનનો વિરોધ કરવા લાગ્યા છીએ, સામે
ચીન પણ આપણને પાઠ ભણાવવા માટે પોતાની રીતે કેટલીક તૈયારી બતાવે છે ! લીબિયા, અફઘાનિસ્તાન, લેબેનન કે સીરિયા…
અંતે તો બધા સત્તા મેળવવાના ફાંફા છે. વિશ્વની સૌથી મોટી ગણાતી મહાસત્તા પણ, હજુ મોટી થવાના પ્રયત્નને છોડી શકતી
નથી ! પડોશીના કમ્પાઉન્ડમાંથી પાંચ ફૂટ આપણને મળી જતા હોય તો દિવાલ ચણી લેવામાં આપણે પણ પાવરધા છીએ જ !

છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આખું વિશ્વ મહામારીનો સામનો કરી રહ્યું છે. આ બીજા સ્ટ્રેનમાં
વધતા જતા આંકડા આપણને ડરાવે છે, પરંતુ સાથે સાથે આપણે પહેલાં સ્ટ્રેનમાંથી કશું શીખ્યા નથી ! બરાબર એવી જ રીતે,
જેવી રીતે વિતેલા ઈતિહાસની ભૂલોમાંથી આપણે કઈ શીખ્યા નથી… હિટલર હોય કે સ્ટાલિન, નેહરુ – ગાંધી પરિવાર હોય કે
કાશ્મીરનો વિવાદ, શરૂ થાય છે ત્યારે વાત બહુ નાની હોય છે. આપણે સામાન્ય રીતે એ વાતને અવગણીએ છીએ. કોરોના અથવા
કોવિડ – 19 પણ જ્યારે શરૂ થયું ત્યારે કોઈને કલ્પના નહોતી કે આખું વિશ્વ એના ઝપેટામાં આવી જશે. આપણે બધા જ
શરૂઆતમાં થોડા બેદરકાર, બેધ્યાન અને બેજવાબદાર હતા. આવી નાનકડી વાતમાંથી શરૂ થયેલો કોઈ પ્રશ્ન જ્યારે આપણા
સૌની પહોંચની બહાર નીકળી જાય ત્યારે જ આપણને સમજાય છે કે આપણે કેટલી મોટી ભૂલ કરી નાખી. ઈઝરાયેલ જેવો
નાનકડો દેશ આજે કોરોનાની ઝપટમાંથી બહાર છે પણ અમેરિકા કે બ્રિટન જેવા વિકસિત દેશો પણ સંપૂર્ણપણે મુક્ત થઈ શક્યા
નથી. એનું કારણ કદાચ એ છે કે, આપણે બધા વધુ પડતા આત્મવિશ્વાસના મનોરોગી છીએ, બીજો મુદ્દો એ છે કે, આપણો
અહંકાર જનસામાન્યના હિત કરતાં વધુ મહત્ત્વનો હોય છે, સામાન્ય રીતે આપણે સલાહ માનવા ટેવાયેલા નથી. એમાંય
આપણાથી નીચેના અમલદારો કે જેને આપણે ‘નાના માણસો’ કહીએ છીએ એવી વ્યક્તિઓની વાત આપણને ક્યારેય અમલમાં
મૂકવા યોગ્ય લાગતી નથી કારણ કે આપણે હંમેશાં આપણી જાતને એમનાથી વધુ બુધ્ધિશાળી અને વધુ સફળ માનતા રહ્યા
છીએ…

આવો અહંકાર અને બેજવાબદારી સામાન્ય રીતે બહુ મોંઘા પડે છે. સત્તા પર બેઠેલા લોકો અને અધિકારીઓ જે
જનસામાન્યના જીવન માટે જવાબદાર છે એ નિર્ણય લે છે, એમના નિર્ણયો દરેક વખતે સાચા કે યોગ્ય નથી હોતા જેની કિંમત
આવનારી સદીઓ સુધી અનેક પેઢીઓએ ચૂકવવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *