લગ્નજીવન એમનું છે, એમને જ જીવવા દો.

લગ્નની 50મી એનિવર્સરી ઉજવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ મૂળ દક્ષિણમાંથી
આપણી તરફ આવ્યો છે. દક્ષિણ ભારતમાં લગ્નના 50 વર્ષ થાય ત્યારે ફરીથી લગ્નની આખી વિધિ
કરવામાં આવે… જેમ પહેલીવાર લગ્ન થયા હતા એમ જ માતા-પિતાને ફરીથી વર-કન્યા બનાવીને
સંતાનો અને સંતાનોના ય સંતાનોની હાજરીમાં ફરીથી એ જ ઉત્સાહ, બલ્કે એના કરતાં વધુ
ધામધૂમથી પરણાવવામાં આવે. ધીરે ધીરે ગુજરાતમાં પણ, લગ્નના 50 વર્ષ ઉજવવાનો આ રિવાજ
પ્રવેશ્યો છે. આનંદની વાત છે, કે એક યુગલ પોતાના સહજીવનના પાંચ દાયકા એકબીજાની સાથે
સ્નેહ અને આનંદથી વિતાવે, એ સાચે જ ઉજવણી અથવા સેલિબ્રેશનનો પ્રસંગ છે.

લગ્નજીવનના પાંચ દાયકા સાથે વિતાવવા એટલે શું? એવો સવાલ કોઈ પૂછે તો એના
પ્રતિઉત્તરમાં આ મિલેનિયમ જનરેશન પાસે કોઈ ઠોસ જવાબ નથી કારણ કે, છેલ્લા થોડા સમયમાં
આપણે જે જોઈ રહ્યા છીએ એમાં હજી તો લગ્ન થયાને છ મહિના પણ ન થયા હોય ત્યાં જ ‘નથી
ફાવતું’ અથવા ‘એ મને નથી સમજતી/સમજતો’ જેવાં અર્થ વગરના બહાના સાથે છૂટાછેડાની તૈયારી
શરૂ થઈ જાય છે. લગ્ન જ શું કામ, કોવિડ પછી લગભગ દરેક વ્યક્તિને ‘જી લે જરા’ અથવા ‘જિંદગી
ના મિલેગી દોબારા’ જેવાં સૂત્રો જીવનનું સત્ય લાગવા માંડ્યા છે. જે માતા-પિતા પોતાના સંતાનના
લગ્ન માટે જબરજસ્ત તૈયારીઓ કરે છે, પૈસા ખર્ચે છે અને ઉત્સાહથી ઉજવણી કરે છે એ માતા-
પિતાને જ્યારે એમનું સંતાન છૂટાછેડા લેવાની વાત કરે છે ત્યારે કેટલી તકલીફ થતી હશે… એની
કલ્પના યુવા અને ઉતાવળા નિર્ણય કરતી આ ‘નવી પેઢી’ને કદાચ નથી સમજાતી.

એક સંતાન જ્યારે પોતાનું લગ્નજીવન ન નિભાવી શકે, ત્યારે મોટાભાગના લોકો એના ઉછેર
કે માતા-પિતાને એના માટે જવાબદાર ઠેરવતા હોય છે. સામસામે થતાં આક્ષેપોમાં બંને પક્ષ પોતે
‘નિર્દોષ’ હોવાનો દાવો કરે છે! કોઈપણ લગ્ન તૂટે ત્યારે સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિના કારણે તૂટતા
નથી. બંને પક્ષે ધીમે ધીમે એ લગ્નમાં પડેલી તિરાડને મોટી કરવાનું કામ કર્યું હોય છે. હવે સવાલ એ
છે કે, 1950-60માં જન્મેલા લોકોના લગ્નજીવનમાં સમસ્યા નહીં આવી હોય? એમને એકબીજા
સાથે ફરિયાદ કે અણગમા નહીં હોય? તેમ છતાં એમના લગ્નજીવનમાં પડેલી તિરાડોને સાંધવા માટે
થઈ શકે એટલા પ્રયાસ કર્યા કારણ કે, એમને માટે ‘પરિવાર’ – ખાસ કરીને એમના સંતાનનું ભવિષ્ય
અને ઉછેર મહત્વના હતા.

જેમણે પોતાના લગ્નમાં સમજણ બતાવી છે, ક્યારેક સહનશક્તિ તો ક્યારેક સમર્પણથી પણ
લગ્ન નિભાવવાનો પ્રયાસ કર્યો છે એવાં માતા-પિતા જ્યારે પોતાના સંતાનને ખોટી સલાહ આપે
ત્યારે આશ્ચર્ય અને દુઃખ બંને થાય. વિશ્વના કોઈપણ સંબંધમાં શાંતિ અને સમજણ અનિવાર્ય છે.
જીવનસાથી જ નહીં, પડોશી સાથે રહેવા માટે પણ થોડું જતું કરવું પડે છે. ઓફિસમાં સહકર્મચારી
સાથે પણ આપણે સમાધાન કરતાં હોઈએ છીએ તો જીવનસાથી સાથે કેમ નહીં? પરંતુ, હવેના
સમયમાં ‘સમાધાન’ને ઈગો પ્રોબ્લેમ નડવા લાગ્યા છે. ‘હું કેમ કરું?’નો પ્રશ્ન કેટલાંય લગ્નજીવનને
બરબાદ કરી રહ્યો છે અને સૌથી દુઃખની વાત એ છે કે જે માતા-પિતાએ પોતાના લગ્નને ટકાવવા
માટે પ્રયાસ કર્યો છે એવાં માતા-પિતામાંથી કેટલાંક સંતાનને એના લગ્નને સાચવવા કે મજબૂત
બનાવવાને બદલે તોડી-ફોડીને બધું ધ્વસ્ત કરી દેવાની સલાહ આપતા જોવા મળે છે.

હવે, આજના સમયમાં માતા-પિતા બે વર્ગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગ એવો છે જે હજી
પણ પોતાના સંતાનને સમજદારી અને સહનશક્તિ કેળવવાની સલાહ આપે છે. બીજો એક વર્ગ
એવો છે જે સંતાનનો પક્ષ લઈને સામેવાળી વ્યક્તિને (પુત્રવધૂ કે જમાઈ) જવાબદાર ઠેરવે છે એટલું
જ નહીં, સંતાનને સમાધાન ન કરવાની અને ચલાવી ન લેવાની સલાહ આપે છે. ખાસ કરીને
દીકરીનાં માતા-પિતા અચાનક જ બળવાખોર થઈ ગયા હોવાનો આખા સમાજમાં એક વિચિત્ર ટ્રેન્ડ
શરૂ થયો છે. દીકરીનાં લગ્નજીવનમાં માતા-પિતા (ખાસ કરીને માતા) ઈન્ટરફિયર (હસ્તક્ષેપ) કરે
એટલું જ નહીં, બલ્કે એને જવાબ આપી દેવાની, સંભળાવી દેવાની સલાહ આપે ત્યારે એ મા (ને
ક્યારેક પિતા પણ) ભૂલી જાય છે કે એમની દીકરીનું લગ્નજીવન આવી સલાહ અને હસ્તક્ષેપથી
મુશ્કેલીમાં મૂકાશે. પતિ-પત્ની વચ્ચેના નાના ઝઘડાને મોટું સ્વરૂપ આપનારા પતિ-પત્ની નહીં, બલ્કે
એના માતા-પિતા હોય એવા કિસ્સા વધતા જાય છે.

આજના માતા-પિતાએ સમજવાની જરૂર છે કે, એમના સંતાનનું લગ્નજીવન ‘આજના’
સંબંધનું સહજીવન છે. સાસુ તરીકે માએ એ વાત સ્વીકારવી પડશે કે, પોતે પોતાની સાસુ માટે જે કંઈ
કર્યું એ ‘બધું’ એની વહુ નહીં કરે. અથવા, દીકરીને ભણાવીને પુત્રસમોવડી બનાવનાર માતા-પિતાએ
સમજવું પડશે કે પત્ની અથવા પુત્રવધૂ તરીકે એની કેટલી જવાબદારીઓ છે, જે માત્ર સમજદારી
અને થોડીક સહનશક્તિથી નિભાવશે તો ભવિષ્યમાં એણે એકલવાયું જીવન નહીં જીવવું પડે! ‘સ્ત્રીએ
જ કેમ સમજદારી બતાવવાની?’ એવો સવાલ નવી પેઢી તો પૂછે જ છે સાથે સાથે દીકરીનાં માતા-
પિતા પણ પૂછવા લાગ્યા છે ત્યારે એમને માટે ઉત્તર એ છે કે, આપણે હજી ક્રાંતિ અને રૂઢિની વચ્ચે
ઊભાં છીએ. સંપૂર્ણ ક્રાંતિ થઈ નથી અને રૂઢિમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા નથી. એવાં આ
ટ્રાન્ઝિશનના પીરિયડમાં સ્ત્રી હજીએ પરણીને બીજા ઘરે જાય છે… જે માતા-પિતા પોતાની દીકરીને
‘ચલાવી નહીં લેવાની’ સલાહ આપે છે એ માતા-પિતાએ પહેલાં પરિસ્થિતિ અને પ્રશ્નોને
સમજવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ.

હવેના સમયમાં મોટાભાગના પરિવારમાં એક જ સંતાન હોય છે એટલે માતા-પિતાનું ટોટલ
ફોકસ પોતાના સંતાન પર હોય એ સ્વાભાવિક પણ છે અને સારું પણ છે, પરંતુ 24-25 કે એથીયે
મોટા સંતાનના જ્યારે લગ્ન થાય ત્યારે એ માતા-પિતા માટે કશું કરવાનું રહેતું નથી. આ વાતને થોડી
સચ્ચાઈ અને પોઝિટિવિટીથી સમજવાનો પ્રયાસ કરીએ તો સમજાય કે જે માતા-પિતાએ 25 કે એથી
વધુ વર્ષો સુધી પોતાના જીવનને સંતાનના જીવનની આજુબાજુ જ ગોઠવી દીધું હોય એ માતા-પિતા
અચાનક ‘નવરા’ પડી જાય તો એ બીજું શું કરે?

આવાં માતા-પિતા પોતાના સંતાનના ભવિષ્યને અજાણતાં જ નુકસાન કરે છે. માતા-પિતાનો
પ્રેમ, એમની લાગણી, એમનો સ્નેહ કે સંતાન માટેની કાળજી નકારી ન જ શકાય, પરંતુ દરેક વ્યક્તિએ
પોતાનું લગ્નજીવન જાતે જ જીવવાનું હોય છે. એકબીજા સાથેના સંબંધોને જાતે જ મેનેજ કરવાના
હોય છે એ વાત સંતાનના જીવનમાં હસ્તક્ષેપ કરનારા માતા-પિતાએ સમજવી પડશે.

લગ્નજીવન ટકે કે નહીં, એ માત્ર નસીબ કે ગ્રહો ઉપર નહીં બલ્કે બંને વ્યક્તિની સમજ અને
જવાબદારી ઉપર પણ આધારિત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *