પ્રકરણ – 42 | આઈનામાં જનમટીપ

નાર્વેકરે માથું ઊંચક્યું ત્યારે દિલબાગની લોહીલુહાણ લાશ પડી હતી. બાજુમાં એનો કોન્સ્ટેબલ પણ ડચકાં
ખાઈ રહ્યો હતો. ઝૂકી ગયેલા ઓફિસોમાં ભરાઈ ગયેલા, આંખો મીંચીને ઊભા રહી ગયેલા કે જમીન પર સૂઈ ગયેલા
લોકો જીવતા માણસો નહીં, પણ જાણે ચિત્રોમાં દોરેલા હોય એવા સ્તબ્ધ અને સ્થિર ઊભા હતા. સૌના ચહેરા પર
આઘાતનો એવો ભયાનક ભાવ હતો જેમાંથી બહાર નીકળતા સૌને થોડી સેકન્ડ લાગી. જેઓ સૌને ખ્યાલ આવ્યો કે,
હત્યારાઓ ફક્ત દિલબાગનું મૃત્યુ ઈચ્છતા હતા, એ પછી નાસભાગ શરૂ થઈ. હાજર પોલીસોએ રાઉન્ડઅપ કરી લીધું.
હવે કોઈ બહાર નીકળી શકે એમ નહોતું, એમાં સૂરિ પણ ફસાયો.
જડતી લેવામાં આવે તો સૂરિ પાસેથી રિવોલ્વર મળે, એ ગૂંચવાયો. એણે થોડે દૂર ઊભેલા પોલીસકર્મીને ટચલી
આંગળી ઊંચી કરી બાથરૂમ જવા દેવા માટેની વિનંતી કરી. પોલીસકર્મીને હસવું આવી ગયું. વકીલના કપડામાં ઊભેલો
આ માણસ એને જોખમકારક ન લાગે અને એ ડોકું ધૂણાવીને એને બાથરૂમ જવાની ‘હા’ પાડી. જાણે માંડ માંડ રોકી
હોય એવો અભિનય કરતો સૂરિ કોર્ટના બીજા માળે આવેલા જેન્ટ્સ બાથરૂમમાં ઘૂસી ગયો. એ આ પહેલાં અનેકવાર
કોર્ટમાં આવી ચૂક્યો હતો. એટલે બાથરૂમ શોધવાની એને જરૂર ન પડી, બાકી પોલીસકર્મીને કદાચ શંકા પડી હોત.
બાથરૂમમાં જઈને એણે ત્રણેય રિવોલ્વર કાઢી. પ્લાસ્ટિકની થેલી એ સાથે જ રાખતો. પહેલાં એક થેલીમાં પછી બીજી
થેલીમાં રિવોલ્વર લપેટીને એણે જેન્ટ્સ ટોઈલેટના એક બાથરૂમમાં ઉપરની તરફ આવેલા એક નાનકડા ગોખલા જેવા
દિવાલના પોલાણમાં એ રિવોલ્વર સંતાડી દીધી. આવું પહેલીવાર નહોતું થયું, એણે આ પહેલાં પણ રિવોલ્વર અહીં
સંતાડી હતી, એટલે એને આ જગ્યાની જાણ હતી. આરામથી રિવોલ્વર સંતાડીને એ હાથ હલાવતો નીચે ઉતર્યો. જ્યાં
હતો ત્યાં જ આવીને પાછો ઊભો રહ્યો. પોલીસ કોન્સ્ટેબલના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું. એને કલ્પના પણ
નહોતી કે, આ બાથરૂમ જઈ આવ્યા પછીની હળવાશ નહોતી, રિવોલ્વર સગેવગે કર્યા પછીની રાહત હતી.

એક ઘસરકો ય નહોતો પડ્યો તેમ છતાં સંકેત નાર્વેકરને ભયાનક આઘાત લાગ્યો હતો. જાણે કોઈ સ્વજન મરી
ગયું હોય એટલો હતાશ થઈ ગયો હતો એ. હજી ગઈકાલે રાત્રે જ એને દિલબાગે કહ્યું હતું કે, એને કોર્ટમાં રજૂ નહીં
થવા દે, પણ પોતે એની વાત ગંભીરતાથી ન લીધી એ વાતનો અફસોસ એને ખાઈ રહ્યો હતો. દિલબાગના મૃત્યુ સાથે
એણે મહેનત કરીને તૈયાર કરેલી ચાર્જશીટ તો નકામી થઈ જ ગઈ, પણ આ દેહવિક્રયના ધંધાના મૂળ સુધી પહોંચવાનો
એનો ઉદ્દેશ્ય પણ હચમચી ગયો હતો.
એણે ક્યાંય સુધી પોતાની સામે ચાલતી પ્રવૃત્તિઓને શૂન્ય નજરે જોયા કરી. ફાયરિંગ થતાં આવી પહોંચેલી
એડિશનલ ફોર્સ, ફોરેન્સિક એમ્બ્યૂલન્સ અને બીજી ઈન્વેસ્ટિગેશન ટીમો પોતપોતાનું કામ કરી રહી હતી. જમીન પર
ફસડાઈ પડેલા સંકેત નાર્વેકરને ઊભો કરવા માટે એક-બે કોન્સ્ટેબલ આવ્યા, પણ સંકેતે હાથ હલાવીને એમને ત્યાંથી
ચાલી જવાનું કહ્યું. સંકેતના શરીર પર હાથ ફેરવીને એને ક્યાંય વાગ્યું નથી એની ખાતરી કર્યા પછી સૌએ એને એકલો
છોડી દીધો. લગભગ બે કલાક અન્ય મનસ્ક બેસી રહ્યા પછી સંકેત ઊભો થયો ત્યારે લાઈનમાં ઊભા રાખેલા લોકોની
જડતી લેવાઈ રહી હતી. એ લાઈનમાં એણે સૂરિને જોયો. સૂરિ અને સંકેતની નજર મળી. સંકેતે સૂરિની આંખોમાં ઊંડે
સુધી જોયું. સંકેતની આંખોમાં દેખાતો પ્રશ્ન સૂરિને વંચાયો. એણે બે હાથ જોડી, ડોકું ધૂણાવીને ‘ના’ પાડી. બે કાન
પકડીને નાર્વેકર સામે જોયું. નાર્વેકરને સૂરિની આંખોમાં સચ્ચાઈ દેખાઈ. એણે થોડું વિચાર્યું, પછી પોતાની પહેલી અને
ત્રીજી આંગળી લાંબી કરીને સૂરિને ‘ફોન કરવાનો’ ઈશારો કર્યો. સૂરિએ ડોકું ધૂણાવ્યું. જડતી યથાવત્ ચાલુ રહી અને
સૂરિ નિરાંતે બહાર નીકળી ગયો.

એક પછી એક લોકોને જડતી લેવાઈ, જેમાં સૂરિ પણ હતો. જે નિર્દોષ અને જોખમ વગરના હતા એમને
જવા દેવામાં આવ્યા. સૂરિ પણ કોર્ટના પ્રાંગણની બહાર નીકળી ગયો. જોકે, આ બધા સમય દરમિયાન સૂરિના
મગજમાં સવાલો નાગની ફેણની જેમ ફૂત્કારતો હતો, ‘જો મેં ગોળી નથી ચલાવી તો આ બે જણાં કોણ હતા, કેમ
આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા અને એમને દિલબાગ સાથે શું વેર હોઈ શકે?’ આ સવાલનો જવાબ મેળવવો સૂરિ
માટે અનિવાર્ય થઈ ગયું હતું. એણે સુપારી લીધી હતી. દિલબાગ એનો ‘શિકાર’ હતો. સૂરિ જેવા માણસના નાક
નીચેથી એના શિકારને ખતમ કરી નાખનાર એવી તે કઈ હસ્તી છે એ જાણવાનું કુતૂહલ અને એની જોડે હિસાબ
બરોબર કરવાનો ઉશ્કેરાટ સૂરિને બેચેન કરવા લાગ્યો.
કોર્ટમાંથી બહાર નીકળીને એણે બે-ચાર ફોન કર્યા. દિલબાગના બીજા લોકો સાથેના સમીકરણ સમજવાનો
પ્રયત્ન કર્યો. પોતાના સિવાય કોણ હોઈ શકે, જેને દિલબાગના મોતથી ફાયદો થાય, એ સમજવા માટે હવે સૂરિએ
પોતાનું નેટવર્ક કામે લગાડ્યું.

*

‘બાઉઉઉજીજીજી…’ વિક્રમજીત પછાડા ખાતો રડી રહ્યો હતો, ‘મેં કહ્યું હતું, મુંબઈ છોડી દો, પણ એમણે મારું
માન્યું નહીં. મોત લઈ આવી એમને અહીંયા!’ વિક્રમજીતની આજુબાજુ અનેક કેદીઓ એકઠા થઈ ગયા હતા. નાના
બાળકની જેમ રડતાં વિક્રમજીતને કોઈ છાનું રાખવાનું પ્રયાસ કરતું હતું તો વળી ત્યાં ઊભેલા થોડા લોકોમાંથી કોઈ
મનોમન રાજી થતું હતું. દિલબાગના મોતના સમાચાર અહીં હજી હમણા જ પહોંચ્યા હતા.
સારું એવું રડી લીધા પછી, વિક્રમજીતનું મન હળવું થયું. બોડી હજી પોસમોર્ટમમાં હતી. મંગલ અને વિક્રમ
બંને જેલમાં હતા એટલે બોડી લેવા કોણ જશે અને અગ્નિસંસ્કાર કોણ કરશે એની ચિંતા પણ વિક્રમને થવા લાગી. એ
મનથી તૂટી ગયો. વિક્રમજીત ઓછું બોલનારો બહુ અભિવ્યક્ત ન કરી શકે એવો માણસ હતો. બાળપણથી એને
દિલબાગે ઉછેરીને મોટો કર્યો હતો. એ દિલબાગનો સૌથી વિશ્વાસુ માણસ ગણાતો. વિક્રમજીત માટે પણ દિલબાગની
પહેલાં કે પછી કોઈ નહોતું. એને સતત અફસોસ થઈ રહ્યો હતો કે, પોતે દિલબાગની સાથે હોત તો કદાચ આ ઘટના ન
બની હોત!
ક્યાંય સુધી સૂનમૂન બેસી રહ્યા પછી પોતાની આસપાસ ટોળું વળીને ઊભેલા કેદીઓ તરફ એક નજર નાખીને
વિક્રમજીતે પૂછ્યું, ‘કોણ હતું એ?’
‘ખબર નથી પડતી.’ એક જણે કહ્યું, ‘સૂરિ ત્યાં હતો… મારા એક માણસે જોયો એને.’
‘પણ, ગોળી સૂરિએ નથી ચલાવી.’ બીજા એક માણસે કહ્યું, ‘સૂરિ પોતાની રિવોલ્વર કાઢે એ પહેલાં તો બે
માણસોએ આવીને કામ કરી નાખ્યું.’ વિક્રમજીતે એ બોલી રહેલા માણસની આંખોમાં જોયું, એણે જે કહ્યું હતું એ
આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું.
‘તો કોણ હોઈ શકે?’ વિક્રમજીત વિચારવા લાગ્યો, ‘હવે અલતાફ સાથે દુશ્મની ખતમ થઈ ગઈ છે. સૂરિએ કર્યું
નથી, અવિનાશ હવે જીવતો નથી, રાહુલ સાથે માંડવડી થઈ ગઈ છે, તો પછી એવો કયો માણસ છે જેને બાઉજીના
મોતમાં રસ હોય?’ વિક્રમજીતે ઘણું વિચાર્યું, પણ એના મગજમાં આ દાખલાનો તાળો બેસતો નહોતો. આખી
મશીનરીમાં એક ઊર્જો-પાટ મિસિંગ હતો જેને કારણે આ ચક્કરડાં ગોઠવાતા નહોતા.

*

ભાસ્કરભાઈ ઓપીડીમાં પેશન્ટ જોઈ રહ્યા હતા. એમના ફોન ઉપર એક મેસેજ આવ્યો. સામાન્ય રીતે,
પેશન્ટ તપાસતી વખતે ભાસ્કરભાઈ ફોનને દૂર જ રાખતા, પરંતુ આજનો આ મેસેજ જોઈને એમણે ફોન હાથમાં
લીધો. એમના ફોનમાં ધડાધડ ચાલતી ગોળીઓનો અવાજ સાંભળીને સામે બેઠેલા પેશન્ટને નવાઈ લાગી.
ભાસ્કરભાઈએ ફોન સાયલેન્ટ કરીને મેસેજ જોયો. આ એક વીડિયો હતો. દિલબાગ ઉપર હુમલો થયાનો પરફેક્ટ
વીડિયો. વ્યવસ્થિત એન્ગલમાં કેમેરો ગોઠવીને આખો એટેક અને ઢળી પડતો દિલબાગ બરાબર દેખાય ત્યાં સુધીનો આ વીડિયો જોઈને ભાસ્કરભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એક વિચિત્ર નિરાંત, સહજતા આવી ગઈ એમના
ચહેરા પર. સામે બેઠેલા પેશન્ટે ઔપચારિકતા ખાતર પૂછ્યું, ‘સાહેબ, બધું બરાબર છે ને?’

‘હા… હા!’ ભાસ્કરભાઈએ કહ્યું. ઊંડો શ્વાસ લીધો અને પછી, ‘હું આવું એક મિનિટમાં.’ કહીને એ કેબિનની
બહાર નીકળ્યા. પેન્ટના ખીસામાં હાથ નાખીને એમણે હોસ્પિટલની ફોયરમાં બે-ત્રણ આંટા માર્યા. વર્ષોથી તપતી રેતી
ઉપર જાણે કોઈએ ઠંડુ પાણી રેડ્યું હોય એવી ટાઢક એમના મનમાં અનુભવાતી હતી. આમતેમ આંટા મારીને એ
નજીકમાં આવેલા એમના નાનકડા ડૉક્ટર્સ રૂમમાં ગયા. ગરમ પાણીને કેટલ, ચા-કોફી માટેના સેશે, બિસ્કિટના પેકેટ,
આરામ કરવા માટેના કાઉચ અને ટીવી સાથેનો આ એક ખાસ રૂમ હતો. જે ભાસ્કરભાઈએ પોતાના માટે બનાવડાવ્યો
હતો. રૂમમાં દાખલ થઈને ભાસ્કરભાઈ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. એમની નજર સામેથી કોર્ટ રૂમના
એ દ્રશ્યો, દીકરીનું એ અપમાન, દિલબાગના માણસોની ધમકીઓ અને એ ભયાનક રાતો પસાર થઈ ગઈ… થોડીવાર
રડ્યા પછી મન હળવું કરીને ભાસ્કરભાઈ સ્વસ્થ થયા ત્યારે એમણે પોતાનો સેલફોન કાઢીને નંબર લગાવ્યો, ‘થેન્ક યૂ.’
એમણે કહ્યું, ‘તારું પેમેન્ટ તૈયાર છે.’
‘આ મેં નથી કર્યું.’ સામે સૂરિનો અવાજ સંભળાયો.
‘હેં?’ ભાસ્કરભાઈને વિચિત્ર પ્રકારની નવાઈ લાગી, ‘તો કોણે કર્યું?’
‘હું પણ એ જ તપાસ કરી રહ્યો છું, પણ સગડ મળતા નથી.’ ભાસ્કરભાઈ આશ્ચર્ય અને આઘાત સાથે
સાંભળતા રહ્યા, ‘હું ત્યાં જ હતો. દિલબાગને મારી નાખવાના ઈરાદાથી જ ગયેલો, પણ હું રિવોલ્વર કાઢું એ પહેલાં
તો…’ સૂરિએ કહ્યું. એના અવાજમાં પોતાનો શિકાર કોઈકે ઉડાડી દીધાનું અપમાન હજી અકબંધ હતું.
‘ઠીક છે, તું ગયો હતો અને તેં તારું કામ કર્યું એમ માનીને હું તારા પૈસા ચૂકવવા તૈયાર છું.’
‘સૂરિ હરામના પૈસા નથી લેતો.’ સૂરિએ કહ્યું, ‘જે કામ મેં કર્યું નથી એના પૈસા મને નથી જોઈતા.’
‘તો એના બદલે બીજું એક કામ કરી નાખ.’ ભાસ્કરભાઈના અવાજમાં છરીની ધાર જેવી ઠંડક હતી.
‘બીજું કામ?’ સૂરિને કદાચ સમજાયું નહોતું.
‘સાપ મરી ગયો તો સાપોલિયાને કેમ છોડી દેવાનો?’ ભાસ્કરભાઈની વાત સાંભળીને સૂરિના હૃદયની ધડકનો
તેજ થઈ ગઈ, ‘જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. દસ દિવસમાં ચૂકાદો આવે એ પહેલાં… આપણે જ ન્યાય કરી નાખીએ.’
‘પણ, એ તો જેલમાં જવાનો જ છે.’ સૂરિએ પાંગળી દલીલ કરી.
‘એનાથી મને ફરક નથી પડતો. જેલમાં રહીને પણ મારી છોકરીનો પીછો નહીં છોડે, એ.’ ભાસ્કરભાઈએ કહ્યું,
‘મારે કાયમની શાંતિ જોઈએ છે.’ સહેજ અટકીને એમણે પૂછ્યું, ‘હા કે ના?’
‘હંમમ.’ સૂરિએ કહ્યું અને ફોન કાપી નાખ્યો.
ભાસ્કરભાઈએ પોતાના માટે નિરાંતે કોફી બનાવી. બે-ચાર ઘૂંટડા કડક કોફી પીને એ ફરી પાછા પોતાની કેબિન
તરફ ગયા, જ્યાં એ પેશન્ટને રાહ જોતા મૂકીને આવ્યા હતા.
*

રાહુલ તાવડે બેબાકળો થઈ ગયો હતો. ઈલેક્શનના થોડા જ દિવસ પહેલાં આવી રીતે કોર્ટમાં એક આરોપીને
ઉડાવી દેવામાં આવે એ પોલીસ તંત્રની બેપરવાહી છે એ વાતે મીડિયાએ એના પર માછલાં ધોવાના શરૂ કર્યા હતા.
માનવ અધિકારની સાથે સાથે આ સરકારે જ શરૂ કરેલું કોઈ ‘સિકરેટ ઓપરેશન’ છે એવા આક્ષેપ પણ શરૂ થઈ ગયા
હતા. આ ઘટનાને મંગલસિંઘના કન્ફેશન સાથે જોડવામાં આવી રહી હતી. સાથે સાથે, મીડિયામાં પાવનના
ફોટોગ્રાફ્સ પણ ફ્લેશ થઈ રહ્યા હતા. શંકાની એક સોંય એના તરફ પણ ઈશારો કરી રહી હતી…
‘આ અવિનાશકુમાર #*~# જતાં જતાં મારી ઈમેજ અને કારકિર્દી બંને માટે સમસ્યા ઊભી કરી ગયો છે.’ રાહુલ અકળાયેલો હતો, ‘આપણે તો દિલબાગ સાથે ટ્રીટી થઈ ગઈ. એ આપણને નહીં નડે એવું નક્કી થઈ ગયું, પછી આપણે ક્યાં કંઈ કરવાનું હતું? આ મીડિયાવાળા પણ…#!~#’ એને સમજાતું નહોતું કે, હવે એને શું કરવું જોઈએ.
અવિનાશકુમાર ઉપર એ ખાસો આધારિત રહેતો. ખાસ કરીને, આવી બધી ઊંધી-સીધી બાબતોમાં અવિનાશ એનો
ડેવિલ સલાહકાર હતો. રાહુલ ગૂંચવાયેલો હતો અને અકળાયેલો પણ. બરાબર એ જ વખતે એના ફોનની રિંગ વાગી.
નામ જોયા વગર આજે ફોન ઉપાડવામાં જોખમ છે એ સમજી ગયેલા રાહુલે ફોનમાં નામ વાંચ્યું, ‘ડૉ. શ્યામા
મજુમદાર.’ ફોન ઉપાડવો કે નહીં વિશે બે સેકન્ડ વિચારીને પછી રાહુલે ફોન રિસીવ કર્યો.

‘શું ફાયદો થયો, સર?’ શ્યામાએ સીધું જ પૂછ્યું.
‘અમે નથી કરાવ્યું આ.’ રાહુલે પણ કોઈ પડદો રાખ્યા વગર કે વાતને ચૂંથ્યા વગર જવાબ આપી દીધો.
‘તમારા સિવાય બીજા કોને રસ હોઈ શકે? તમારા માણસો છેક શાહપુર સુધી…’ શ્યામાએ કહ્યું, ‘મંગલ
કન્ફેશન કરવા તૈયાર થયો. મેં એની સજા ઓછી કરાવવાની વિનંતી કરી. દિલબાગ જો કન્ફેશન કરી લેત તો…’
શ્યામાની વાત એણે અડધેથી જ કાપી નાખી, ‘દિલબાગ મને મળવા આવ્યો હતો. એણે મને નુકસાન નહીં કરે
એવું વચન આપ્યું હતું. હું શું કામ નવા લફરાંમાં પડું? ઈલેક્શન આવે છે. મીડિયાને નાની સરખી પણ ગંધ આવે તો…’
કોઈ કારણ નહોતું તેમ છતાં રાહુલે કહ્યું, ‘ખરેખર! મારો વિશ્વાસ કરો. મેં નથી કર્યું આ.’
‘તો?’
‘આ જ સવાલ સૌના મગજમાં ગોળગોળ ઘૂમી રહ્યો છે.’ રાહુલે તદ્દન પ્રામાણિકપણે જવાબ આપ્યો, પછી
ઉમેર્યું, ‘એ તો અમે શોધી કાઢીશું. અત્યારે તમે મંગલસિંઘ પાસે જઈને એને સહારો આપવાનો, શાંત પાડવાનો પ્રયત્ન
કરો.’
‘મંગલ શાંત જ છે.’ શ્યામાએ કહ્યું, ‘એ તમને કોઈ નુકસાન નહીં કરે, આઈ પ્રોમિસ.’
‘એવું તમે માનો છો…’ રાહુલે કહ્યું, ‘એનો બાપ મર્યો છે. મંગલસિંઘ એના પિતાના હત્યારાને જીવતો નહીં
છોડે.’ એણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘એને કોઈપણ રીતે સમજાવવું પડે કે, મંગલસિંઘની હત્યા મેં નથી કરી, એમાં મારો
કોઈ હાથ નથી.’

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *