વિશ્વના દરેક ધર્મમાં પૂજનીય સ્ત્રીઓ હોય છે. એ સ્ત્રીઓનાં ચારિત્ર્ય અને ચરિત્રથી ધર્મ
વધુ નિખરે છે, શોભે છે અને આ સ્ત્રીઓ આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ સ્વરૂપ પૂરવાર થાય
છે. વિશ્વનો દરેક ધર્મ એવું શીખવે છે કે, સ્ત્રી ઈતિહાસની વાહક છે. એક પછી એક પેઢી સ્ત્રીનાં
શરીરમાં જન્મ લે છે. અર્થ એ થાય કે, જે મા પોતાના સંતાનને જન્મ આપે છે, એ સંસ્કાર, સંસ્કૃતિ
અને સભ્યતાને પણ જન્મ આપે છે. બદલાતી પેઢીની સ્ત્રીઓ સાથે વિચાર કે વસ્ત્રો કદાચ બદલાયાં
હોય, પરંતુ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ તો એ જ, અકબંધ છે-રહેવા જોઈએ એવું આપણો ધર્મ કહે
છે. આ ‘આપણો ધર્મ’ એટલે કોઈ સંકુચિત, સનાતન, શીખ, ઈસ્લામ કે જૈન, બૌધ્ધ ધર્મની ચર્ચા
નથી. આપણો સૌથી પહેલો ધર્મ ‘માણસ’ હોવાનો ધર્મ છે અને એ ધર્મ આપણને શીખવે છે કે,
આપણે આપણી જન્મદાત્રી, આપણને પોષણ આપનાર, ઉછેરનાર અને સંસ્કાર આપનાર માતા
સ્વરૂપ પ્રત્યેક સ્ત્રીને સન્માન આપીએ.
હિન્દુ ધર્મમાં જેમ આપણે સીતા, તારા, મંદોદરી, ઉર્મિલા, ત્રિજટા જેવી સ્ત્રીઓને
પ્રાતઃસ્મરણીય કે વંદનીય કહીએ છીએ એવી રીતે જૈન ધર્મમાં પણ 16 સતીજીઓનું નામ સ્મરણ
જીવનમાં મંગલ પ્રગટાવે છે એમ માનવામાં આવે છે.
‘બ્રાહ્મી, ચંદનબાલિકા, ભગવતી, રાજેમતી દ્રૌપદી
કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા, સીતા સુભદ્રા શિવા,
કુંતી શીલવતી નલસ્ય દયિતા ચુલા પ્રભાવત્યપિ,
પદ્માવતી ચ સુંદરી પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ્’
આ 16 ગુણવાન સ્ત્રીઓએ વિતરાગ, નિર્મળ પ્રેમ, કર્તવ્ય નિષ્ઠા, પતિવ્રત, શ્રધ્ધા, પ્રેરણા અને
પશ્ચાતાપના અદભૂત ઉદાહરણો આપ્યાં છે. આ સૌની કથાઓ જાણવા જેવી છે. સામાન્ય રીતે
આપણે અન્ય ધર્મો વિશે જાણવામાં એક વિચિત્ર પ્રકારનો નકાર ધરાવતા થઈ ગયા છીએ. આપણો
ધર્મ શ્રેષ્ઠ અને બાકીના ધર્મ આપણા ધર્મ કરતાં ઉતરતા છે એવું આપણે ધીમે ધીમે માનવા લાગ્યા
છીએ. સત્ય તો એ છે કે, વિશ્વના તમામ ધર્મને સન્માન આપી શકે એ જ સાચા અર્થમાં ધાર્મિક
વ્યક્તિ કહેવાય. જે ધારણ કરે છે તે ધર્મ છે, અર્થ એ થયો કે જે આપણને ટકાવે છે-આપણા જીવન
અને આપણી તમામ સારી-ખરાબ પ્રવૃત્તિને ચલાવે છે, ક્ષમા કરે છે અને ફરીથી આપણને સાચી અને
સારી દિશામાં પ્રવૃત્ત કરે છે તે ‘ધર્મ’ છે. આવો ધર્મ ‘કોઈ એકનો’ કેવી રીતે હોઈ શકે?
જેમ આપણા ધર્મમાં સારી બાબતો છે એમ અન્ય ધર્મોની સારી બાબતો જાણીને આપણે
આપણામાં સદવૃત્તિ અને સંસ્કૃતિ-સભ્યતા પ્રગટ કરી શકીએ. જૈન ધર્મના આ 16 સતી રત્નોની
કથાઓ બહુ જાણીતી નથી. ચાલો, આજે એ નારીરત્નો વિશે માહિતી મેળવીએ.
બ્રાહ્મીઃ શ્રી ઋષભદેવની પુત્રી અને 100 ભાઈઓની બહેન. ઋષભદેવે બ્રાહ્મીને અક્ષરજ્ઞાન
આપ્યું જે બ્રાહ્મી લિપિરૂપે પ્રસિધ્ધ છે અને અવસર્પિણી કાળની પ્રથમ સાધ્વી જેઓ 3 લાખ
સાધ્વીઓના અધ્યક્ષા હતા. અંતે મુક્તિપદને પામ્યા.
સુંદરીઃ ઋષભદેવની પુત્રી, 100 ભાઈઓની બીજી બહેન સ્ત્રીઓની સર્વકળાઓમાં કુશળ.
60,000 વર્ષ આયંબિલ તપ કરી ભરત પાસેથી દિક્ષાની આજ્ઞા મેળવી, બાહુબલીને પ્રતિબોધ પમાડી
અંતે મુક્તિપદ પામ્યા.
ચંદનબાળાઃ રાજકુમારી વસુમતી ચૌટે વેચાયા. કર્મોની જંજીર સામે કેસરિયા કરતાં ગુણસભર
ચંદનબાળા નામે શીલધર્મ પાલન કરતાં, તપ-ત્યાગ-સમભાવ પ્રતાપે વીરપ્રભુનો ભેટો થયો,
વીરપ્રભુની પ્રથમ સાધ્વી અને 36,000 સાધ્વીઓનું નેતૃત્વ કરતાં સ્વયં કેવળજ્ઞાનને પામી સિધ્ધાલયે
શાશ્વત સુખને પામી ગયા.
રાજેમતીઃ આઠ-આઠ ભવની પ્રીત નવમા ભવે રાજેમતીને પરણવા આવેલા નેમકુમારે
પશુઓનાં પોકાર સાંભળી પાછા વળી દિક્ષા લીધી. તેમના પગલે રાજેમતી પણ સંયમ લઈ
આત્મકલ્યાણ સાધતા નેમનાથ પ્રભુ પહેલા મોક્ષને પામનાર, રહનેમિજીનો કામનો અંધાપો દૂર કરી
કેવળજ્ઞાનની ભેટ અપાવનાર સતી રાજેમતી.
દ્રૌપદીઃ પૂર્વનું નિયાણું, પાંચ પાંડવોની પત્ની, જુગટામાં પતિએ સ્ત્રીને મૂકી ચીર હરણ, પરંતુ
સતીનું સતીત્વ ઝળકાવ્યું. શ્રી કૃષ્ણનાં રાણી સત્યભામા દ્વારા પતિને વશ કેમ કરી શકાય? તે પ્રશ્નના
જવાબમાં દ્રૌપદીના ઉચ્ચ વિચારો પ્રેરણારૂપ છે.
કૌશલ્યાઃ દશરથ મહારાજાની મહારાણી, શ્રી રામની માતા, પુત્રને 14 વર્ષનો વનવાસ,
વીરાંગના બની પતિની આજ્ઞા પાળી. અંતે સમય લઈ કર્મબંધન છોડી મુક્તિપદ પામ્યા.
મૃગાવતીઃ ચેટક મહારાજાની સાત પુત્રીઓમાંની ત્રીજી પુત્રી, મહારાજા શતાનિકનાં
પટ્ટરાણી, કુશળ ચિત્રકારે માત્ર પગનાં અંગુઠો જોઈ દેવ-વરદાનથી આબેહૂબ ચિત્ર બનાવ્યું અને તે
કારણે અપમાન થયું. તે ચિત્ર તેણે કામાંધ ચંડપ્રદ્યોતને બતાવ્યું. સતીની અત્યંત કપરી કસોટી, તેમાં
કુનેહથી પાર ઉતરી અંતે પ્રભુ પાસે દિક્ષા, કેવળજ્ઞાનને પામી, મોક્ષ પામી ગયા.
સુલસાઃ ધર્મનિષ્ઠ રોમે-રોમે પ્રભુ પ્રત્યેની દ્રઢ શ્રધ્ધા, સાક્ષાત પ્રભુ દ્વારા સતીને ધર્મલાભનો
સંદેશ, લબ્ધિ પ્રાપ્ત અંબડ સંન્યાસી દ્વારા કઠિન પરીક્ષામાં પાસ, આવતી ચોવીસીમાં 15મા
તીર્થંકરપદને પામનારી શ્રધ્ધાવાન શ્રાવિકા સતી સુલસા.
સીતાઃ પતિને સમર્પિત, વાત્સલ્યની મૂર્તિ, એક પછી એક નવા નવા દુઃખોને સમભાવે
સહેનારી, અગ્નિપરીક્ષા પાસ કરી સતીત્વની ઝાંખી કરાવતી ક્ષમા-મૂર્તિ સતી, લવ-કુશની માતા,
સંસારની અસારતાને સમજી અંતે સમય ગ્રહણ કરી ઉચ્ચ ચારિત્ર પાલન સાથે એકાવતારી પદને પામી
ગયા.
સુભદ્રાઃ ધર્મની જ્ઞાતા ગુણિયલ સતીનાં બૌધ્ધધર્મીએ જૈન શ્રાવકનો સ્વાંગ સજી કપટથી
વિવાહ કર્યા. સતી સુભદ્રા પર આપત્તિઓ છતાં ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ’માં દ્રઢ શ્રધ્ધા સાથે ચડેલ કલંકને
દૂર કરી પૂરા નગરમાં સતીત્વની ઝળહળતી જ્યોત જગાવી. અંતે ચારિત્ર ગ્રહણ કરી શુધ્ધ આરાધના
સાથે મોક્ષને વર્યા.
શિવાદેવીઃ ચેટક રાજાની પુત્રી, ચંડપ્રદ્યોત રાજાની પત્ની, રૂપ લાવણ્યથી મોહિત મંત્રીની
અનુચિત પ્રાર્થના ઠુકરાવી. નગરમાં ફેલાયેલ અગ્નિનો ઉપદ્રવ સતી દ્વારા જળ છંટકાવથી શાંત થયો.
સુર-નરથી વંદિત, પ્રભુની દેશનાથી પ્રેરિત સતી શિવાદેવી શિવપદ ગામિની બન્યા.
કુંતીઃ હસ્તિનાપુરના પાંડુરાજાની પતિવ્રતા મહારાણી, પુત્રપ્રેમથી 12 વર્ષ વનમાં ભીલડી
સમાન ભટકી, ફરી રાજમાતા બન્યા, સંસારની અસારતા જાણી દિક્ષા લઈ ઉત્કૃષ્ટ તપ-ત્યાગ-સંયમ
પાલનથી કર્મો ખપાવ્યા અંતે મુક્તિનાં દ્વાર ખોલી નાખ્યા.
દમયંતીઃ નિષધદેશના નળરાજાની રાણી, પૂર્વભવમાં મુનિ ભગવંતની ઘોર અશાતનાનાં
ફળસ્વરૂપ અશુભ કર્મનો ઉદય, નળરાજા જુગારમાં બધું હારી વનમાં ગયા, ઘોર ભયાનક જંગલમાં
સતીને ત્યાગી, ગાઢ જંગલમાં સતી દમયંતી એકલી રખડતી, કર્મોદયને સહન કરતી, નિમિત્તને દોષ
નહીં દેતી, સહનશીલતાની મૂર્તિ, સતીએ પરીક્ષાને ઉચ્ચ સીમાએ પાર કરી.
પુષ્પચુલાઃ સગા ભાઈ સાથે કર્મવશ વિવાહ થયા, દેવ બનેલી માતા દ્વારા પુષ્પચુલાને
સ્વપ્નમાં સ્વર્ગ-નર્કનું દર્શન, પુણ્યોદયથી અર્ણિકાપુત્ર આચાર્ય દ્વારા સ્વપ્નોનું રહસ્યોદ્ઘાટન,
વૈરાગ્ય, દિક્ષા, વૃધ્ધ આચાર્યની સેવા કરતાં કેવળી થઈ શાશ્વત સુખને પામ્યા.
પ્રભાવતીઃ ચેટકરાજાની પુત્રી, ઉદાયન રાજાની મહારાણી, દિક્ષાની આજ્ઞા માટે પોતાને બોધ
પમાડવાની મહારાજાની શરત, પ્રભુ પાસે દિક્ષા લીધી અને 6 માસ દિક્ષાપાલન સાથે સતીનું દેવલોક
ગમન, રાજા ઉદાયનને બોધ પમાડ્યો, ઉત્કૃષ્ટ સાધનાથી રાજર્ષિ કેવળપદને પામી ગયા.
પદ્માવતીઃ ચેટકરાજાની 7 પુત્રીમાં બીજી પુત્રી, દધિવાહન રાજાની દ્રઢધર્મી રાણી ગર્ભવતી
થઈ, દોહદ પૂર્ણ કરતાં કર્મોદયે રાજાથી વનમાં વિખુટી પડી, સાધ્વી પાસે દિક્ષા લીધી, પ્રાયશ્ચિત
લઈને અંતે શુધ્ધ પાલન સાથે સંયમમાર્ગ અજવાળ્યો.