ટેસ્ટ એટલે વેસ્ટ નહીં…

‘ટેસ્ટ પોઝિટિવ આવશે તો ?’ એણે પૂછ્યું.
‘ટેસ્ટ નહીં કરાવો, તો નેગેટિવ આવશે ?’ ડૉક્ટરે પૂછ્યું.
‘પરંતુ, જો પોઝિટિવ આવશે તો રજા પડશે, પગાર કપાશે…’ એણે કહ્યું, ‘મારે ટેસ્ટ નથી કરાવવો.’ એ ગભરાયેલો
હતો.

આ માત્ર એક વ્યક્તિની વાત નથી. આરટીપીસીઆર ટેસ્ટ અથવા કોરોનાનો ટેસ્ટ કરાવતાં લગભગ દરેક માણસને
બીક લાગે છે. સૌ પોઝિટિવ રિપોર્ટથી ડરે છે. ક્વોરન્ટાઈન થવું પડશે, ઓફિસ નહીં જઈ શકાય. બે બેડરુમના ઘરમાં કેવી
રીતે મેનેજ કરીશું, અડોશી-પડોશી સાથે સંપર્ક કપાઈ જશે કે પછી જો ઘરની ગૃહિણીને કોરોના હશે તો આખું ઘર રવાડે
ચડશે… વગેરે વિચારોને કારણે મોટાભાગના લોકો ટેસ્ટ કરાવવાનું ટાળે છે. આ શાહમૃગ વૃત્તિ છે. રેતીમાં માથું ખોસી
દેવાથી દુશ્મન હાજર નથી એવું માની લેતું આ પક્ષી એસ્કેપિઝમનો સૌથી મોટો દાખલો છે. આપણે બધા પણ કોરોનાથી
ડરેલા છીએ. રોજ આંકડા વાંચીએ છીએ અને વધુ ગભરાઈએ છીએ. હાઈકોર્ટે પોતાનું જજમેન્ટ આપતા કહ્યું, ‘આ દેશ
ભગવાન ભરોસે છે’ એ પછી પણ રેમેડેસિવર, હોસ્પિટલના બેડ્સ, ઓક્સિજનના બાટલા કે વેન્ટિલેટરની કોઈ ચોક્કસ
વ્યવસ્થા કોઈ પણ રાજ્યની સરકાર કરી શકી નથી. એક મજબૂત સધિયારો નાગરિકને મળે એવી વ્યવસ્થા હજી સુધી,
આઝાદીના સાત દાયકા પછી પણ આપણી સરકાર ઊભી કરી શકી નથી એ આપણું પોતાનું દુર્ભાગ્ય છે કારણ કે, આ
સરકાર ક્યાંય બહારથી નથી આવી. આપણે જ ચૂંટેલા પ્રતિનિધિઓ વિધાનસભા અને લોકસભામાં ખુરશી પર બેઠા છે.
એમણે આપણને અનેક વચનો આપ્યા હતા, એ પછી આજે જ્યારે આખો દેશ કોરોનાની ભયાનક મહામારીમાં સપડાયો
છે ત્યારે જરૂરી દવાઓ, ઈન્જેક્શન કે બીજી સુવિધા આપણને ન મળે તો એ માટે આપણે કોને જવાબદાર ગણીએ ?

એક તરફ આખો દેશ કોરોનાથી ગભરાયેલો છે. કોઈકને સતત એમ્બ્યુલન્સની સાયરન સંભળાય છે તો કોઈકને
હોસ્પિટલમાં બેડ નહીં મળે તો શું થશે એ વિચારે ડિપ્રેશન આવી ગયું છે. કેટલાક વૃધ્ધો ઘરમાં રહી રહીને એવા કંટાળ્યા છે
કે એમને હવે જીવન જ અકારું લાગે છે. આર્થિક સંકડામણના કારણે કે ગૃહકલેશના કારણે આત્મહત્યાના સમાચારો વધતા
જાય છે ત્યારે 35 લાખ લોકો કુંભનું સ્નાન કરે છે !

આપણો દેશ અણસમજુ અને ઘણી હદે મૂર્ખ માણસોનો દેશ છે. આપણે આપણી હેલ્થ વિશે, સ્વાસ્થ્ય વિશે તદ્દન
બેદરકાર માણસો છીએ. આપણી પોતાની જિંદગીનું મૂલ્ય આપણને જ નથી. નવાઈની વાત એ છે કે આપણા હેલ્થના
પરિમાણો પણ અત્યંત ઉતરતી કક્ષાના છે. ટેસ્ટ નહીં કરાવવા પાછળનું લોજિક એ છે કે, આપણે ક્વોરન્ટાઈન થઈ જવું
પડે… પરંતુ, એથી કોરોનાથી બચી શકાય ? મોટાભાગના લોકો વાર્ષિક મેડિકલ ચેકઅપ કરાવતા ડરે છે, ‘કઈ નીકળી આવે
તો !’ આ એક માનસિકતા છે, બીજી માનસિકતા એ છે કે, ટેસ્ટ કરાવવાથી આપણને રોગ ન હોય તો પણ ડૉક્ટરો ફસાવી
દેવાનું કામ કરે છે. થોડુંક કોલેસ્ટરોલ વધારે હોય કે બોર્ડર લાઈન ડાયાબિટીસ હોય તો ડૉક્ટર્સ આપણને બિવડાવી દે અને
પોતાનો ધંધો કરે… આવું માનનારા લોકોની સંખ્યા ઓછી નથી. સત્ય તો એ છે કે, પચાસ વર્ષની ઉંમર પછી લગભગ દરેક
વ્યક્તિએ બની શકે તો દર વર્ષે અને નહીં તો ઓલ્ટરનેટ વર્ષે ફૂલ બોડી પ્રોફાઈલ કરાવતા રહેવું જોઈએ. કોઈપણ રોગની
શરૂઆત થતી હોય ત્યારે જ જો આપણે એના લક્ષણો અને એના કારણો શોધી શકીએ તો બને ત્યાં સુધી આપણે એનો
ઉપાય વધુ સારી રીતે કરી શકીએ.

હમણા ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે, કેન્સરનું ડાયોગ્નોસિસ ત્રીજા કે ચોથા સ્ટેજમાં થાય છે. એનું
કારણ એ છે કે, શરીર જે લક્ષણો બતાવતું હોય એના તરફ આપણે ધ્યાન આપતા નથી. અવારનવાર તાવ આવવો, ગળું
ખરાબ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા અનેક લક્ષણો આપણું શરીર આપણને બતાવતું હોય છે. આ
સિગ્નલ્સ જ્યારે મળવા લાગે ત્યારે ડૉક્ટર પાસે જવામાં શરમ કે સંકોચ કે ડર રાખવો જોઈએ નહીં. દુનિયાના બધા
ડૉક્ટરો માત્ર ‘કમાવા’ નથી બેઠા. એ ભણ્યા છે અને એ પોતાનું કામ સમજે છે એવા ભરોસા સાથે આપણા શરીરની
કાળજી લેવાનું કામ ડૉક્ટરને સોંપવામાં કશું ખોટું નથી.

એવી જ રીતે કેટલાક લોકો પોતાની તબિયત વિશે એટલા બેદરકાર હોય છે કે ડૉક્ટરે લખી આપેલી દવા લઈ
આવ્યા પછી પણ ખાતા નથી. દવા ઘરમાં મૂકી રાખવાથી સાજા થવાતું નથી… કેટલાક લોકો સેલ્ફ મેડિકેશનમાં ચેમ્પિયન
હોય છે. બે-ચાર દવાના નામ ખબર હોય એટલે બારોબાર એ દવા બીજી વ્યક્તિઓને આપી દેવી યોગ્ય નથી. ખાસ કરીને,
એન્ટીબાયોટિક જેવી દવા ડૉક્ટરની સલાહ વગર લેવી બહુ મોટું નુકસાન વહોરી શકે છે. આપણે બધા પેરાસિટામોલ અને
ઓવર ધ કાઉન્ટર (ઓટીસી ડ્રગ્સ) દવાઓ ચણા-મમરાની જેમ ખાતા થઈ ગયા છીએ. માથું દુઃખે, હાથ પગ દુઃખે, જરા
પેટમાં દુઃખે કે અનઈઝી લાગે તો જાતે જ દવા લઈ લેવાની આપણને સૌને ટેવ પડી ગઈ છે, પરંતુ શરીરની અંદર જે
એન્ટીબોડી છે એનું કામ આપણને સાજા કરવાનું છે. શરીર પાસે પોતાનું એક મિકેનિઝમ છે, આપણે બીનજરૂરી દવાઓ
નાખીને શરીરને પોતાનું કામ કરવા દેતા નથી. ખાસ કરીને, કોન્સ્ટિપેશન અને પાચનની દવાઓની જાહેરાત વાંચીને જે
લોકો પોતાની મેળે દવાઓ લેવા લાગે છે એ લોકો પોતાની પાચન સિસ્ટમને ખૂબ મોટું નુકસાન કરે છે. થોડા સમય પછી
સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે કારણ કે, એ બહારથી મળતી મદદની રાહ જોતી થઈ જાય છે. કોન્સ્ટિપેશન માટે
ઘરગથ્થુ ઉપાયો જેવા કે દૂધમાં ગાયનું ઘી નાખીને પીવું, રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવું કે સવારે ઊઠીને ગરમ પાણી
પીવું, જમ્યા પછી ચાલવાની ટેવ પાડવી… વગેરે પ્રયત્નો કર્યા પછી જ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.

એન્ટીબાયોટિકનો કોર્સ અડધેથી છોડનારા લોકો એ જાણતા નથી કે, એન્ટીબાયોટિક્સનું કામ પહેલાં શરીરમાં
રોગના જીવાણુંને જગાડવાનું અને પછી ભગાડવાનું છે. આપણને જરાક સારું લાગે કે આપણે એન્ટીબાયોટિક્સનો કોર્સ
અધૂરો છોડી દઈએ છીએ, પરંતુ એને કારણે શરીરને ફાયદાને બદલે નુકસાન થાય છે. એવી જ રીતે અજાણી દવાઓ,
સમજ્યા વગર લેવાથી શરીર અમુક દવાઓથી ટેવાઈ જાય છે. ખાસ કરીને ઊંઘની ગોળી અથવા કફસિરપનો ઉપયોગ
ઊંઘવા માટે કરનારા ઘણા લોકો ધીમે ધીમે પોતાની કુદરતી ઊંઘ ગુમાવવા માંડે છે. શરીરમાં બે ભ્રમણની વચ્ચે આવેલી
ગ્રંથિમાંથી મેલેટોનિન નામનું દ્રવ્ય ઝરે છે. જે ઊંઘ લાવવાનું કામ કરે છે. સમય થાય ત્યારે અંધારું કરીને, આંખો મીચવાથી
મોટેભાગે આપોઆપ ઊંઘ આવી જ જતી હોય છે, પરંતુ કેટલાક લોકો સાંજથી જ, ‘ઊંઘ નહીં આવે તો ?’ની
એન્ઝાઈટીમાં ઊંઘની ગોળી લઈને સૂવા ટેવાઈ જાય છે. એ પછી એમની માનસિકતા જ એવી બની જાય છે કે જો એ
ગોળી ન લે તો એમને ઊંઘ ન આવે…

આપણે બધા સાદા સ્વાસ્થ્યના નિયમોને અવગણીએ છીએ. જેમ કે, થોડીક સ્ટ્રેચિંગની, વોકિંગની કસરત શરીર
માટે જરૂરી છે. પૂરતી ઊંઘ અનિવાર્ય છે. સ્વસ્થ ખોરાક (વાસી, ફાસ્ટફૂડ કે રેડી ટુ ઈટ નહીં) શરીરને સ્વાસ્થ્ય આપવાનું
કામ કરે છે. ખરાબ પેટ્રોલથી જેમ ગાડીનું મશીન બગડે એવી જ રીતે વાસી, રેડી ટુ ઈટ-પ્રિઝર્વેટિવવાળા ખોરાક અને
બહારનું ખાવાથી શરીર બગડે છે. આપણે સમજવા તૈયાર નથી કે માત્ર સ્વાદ એ જ ભોજનનું કામ નથી. બીજી મહત્ત્વની
બાબત એ છે કે, ટેસ્ટ કરાવવા એ વેવલાવેળા કે કારણ વગરની ચોખલિયાગિરી નથી. શરીર જ્યારે કેટલાક લક્ષણો બતાવે
ત્યારે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, સીબીસી, ક્રિએટિનીન કે એસજીપીટી જેવા ટેસ્ટથી આપણને શરીરમાં રહેલી કોઈ ખામી કે
ખરાબીની જાણ થાય છે. જો આ બેઝીક ટેસ્ટમાં કોઈ તકલીફ દેખાય તો તરત જ એની ટ્રીટમેન્ટ કરી શકાય છે અથવા
એડવાન્સ ટેસ્ટ દ્વારા શરીરના સ્વાસ્થ્યને સમય રહેતા સંભાળી શકાય છે.

આપણે બધા મેડિકલી ખૂબ જ અજ્ઞાન લોકો છીએ. માસ્ક પહેરવું, હાથ ધોવા કે ટોળે ન વળવું એ તો કોરોના
પછી આપણે શીખ્યા, જોકે ઘણા હજુ શીખ્યા નથી, પરંતુ હવે સ્વસ્થ જીવનની પહેલી શરત એ છે કે શરીર જ્યારે પણ
કોઈ ખરાબીના લક્ષણ બતાવે ત્યારે તરત ટેસ્ટ કરાવીને એની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી. ટેસ્ટનો ખર્ચ બચાવવો કે ટેસ્ટથી ડરીને
એના પરિણામો શું હશે એમ વિચારીને જે લોકો એસ્કેપ કરે છે એ પછીથી પોતાના સ્વાસ્થ્યની બહુ મોટી કિંમત ચૂકવતા
જોવા મળે છે…

2 thoughts on “ટેસ્ટ એટલે વેસ્ટ નહીં…

  1. ધીરજ જી પરમાર says:

    સચોટ રજૂઆત છે મેડીકલ જ્ઞાનની અને લેખ જેટલો વધારે વંચાય એટલી સજાગતા વધારે આવે અને અમલમાં મૂકવા યોગ્ય થાય.
    રોગનું નિદાન થયા પછી રસિકરણનો સમય લીધો (R&D) અને ડર નો માહોલ અતિશયોકિત ભર્યો હોય એવું લાગ્યું; કોરોના ના કેસમાં.
    ઉપયોગી લાગ્યું.

Leave a Reply to ધીરજ જી પરમાર Cancel reply

Your email address will not be published. Required fields are marked *