આજે વર્લ્ડ થિયેટર ડે-વિશ્વ રંગભૂમિ દિવસ છે. આખી દુનિયામાં રંગભૂમિ અને એની સાથે જોડાયેલા
કલાકારો, લેખકો, સંગીતકારો, સન્નિવેશ અને વસ્ત્રપરિકલ્પના (સેટ અને કોસ્ચ્યુમ્સ), લાઈટ્સ અને નાટકના
બીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવામાં આવશે. ભારતમાં છેક ‘ભરત
નાટ્યશાસ્ત્ર’થી રંગભૂમિ અને એની સાથેની જોડાયેલી કલા વિશે આપણે જાણીએ છીએ. એમણે જણાવેલા
નાયિકાભેદ, નાયકની વ્યાખ્યા અને નવરસ આજે પણ નાટક અને સિનેમાની કથાઓનું મૂળ છે. સંસ્કૃત નાટકો
લખાયાં, ભજવાયાં જેમાં ભારવી, દંડી, કાલિદાસ અને શૂદ્રક જેવા નાટ્યકારોના નામ આદરથી લેવાય છે.
એ પછી આવી આપણી રંગભૂમિ. દેશીનાટક સમાજ, ભાંગવાડી થિયેટર, આર્યનૈતિક નાટક સમાજ
જેવાં અનેક નાટકોની કંપની હતી. જેમાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જેમણે રંગભૂમિને અનેક ગીતો અને નાટક
આપ્યા. એવી જ રીતે શ્રી પ્રભુલાલ દ્વિવેદીનું પણ નામ લેવું પડે. પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર શ્રી વિનયકાંત
દ્વિવેદીએ એક પુસ્તકનું સંકલન, સંપાદન અને આલેખન કર્યું છે. જેનું નામ ‘મીઠા ઉજાગરા’ છે. આ પુસ્તકમાં
જૂની રંગભૂમિના ગીતોનો સંગ્રહ છે એટલું જ નહીં, એ ગીતો કયા નાટકના, કઈ નાટ્ય કંપનીના હતા એની સાથે
સાથે અનેક જૂના નાટ્યકારો, કલાકારો અને નાટ્ય લેખકો, દિગ્દર્શકો, નાટક કંપનીના માલિકોના ફોટોગ્રાફ્સ પણ
એમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. લોકપ્રિય ટોપટેન ગીતો, લોકપ્રિય ગીતો, મંગળાચરણ, ભક્તિરસના ગીતો,
શૃંગાર પ્રધાન ગીતો, પ્રસંગ પ્રધાન ગીતો, ગરબા રાસ, પ્રહસન વિભાગના ગીતો, હિન્દી ગીતો અને ગઝલ જેવા
વિભાગની સાથે આ પુસ્તકમાં જે તે નાટકના ગીતો વિશે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. ટોપ ટેન
ગીતો વિશે આજે વાત કરવી જોઈએ. (આ વિનયકાંતભાઈએ પસંદ કરેલા ટોપટેન ગીતો છે)
ગીત 1 – ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા…
જોતી તી વહાલાની વાટ રે… અલબેલા કાજે ઉજાગરો.’
પ્રભુલાલભાઈએ 1938માં ‘વડીલોના વાંકે’ નાટક લખ્યું. એનું નામ પ્રથમ તો ‘અણગમતાં’
અપાયેલું. પછીથી ‘વડીલોના વાંકે’ શીર્ષક અપાયું. જેમાં ખૂબ જ ભણેલ આધુનિક પતિ અને
ગામડાંની ગોરી-ગમાર પણ કોઠાસૂઝવાળી પત્નીનો સંસાર ચિતરાયો છે. પતિ કોઈ લોકહિતના
કામસર મોડી રાત સુધી ઘરે નથી આવ્યો. રાહ જોતાં જોતાં પરોઢ થઈ ગયું છે. તે પ્રસંગે અભણ
મુગ્ધા નારી-પોતાના મનોભાવ રજૂ કરે છે. તે સમયે અભણ-ગોરી-સુંદર મુગ્ધાનો અભિનય એટલે
સમતાની ભૂમિકામાં મોતીબાઈ અને પતિની ભૂમિકામાં મા. કાસમભાઈ.
ગીત 2 – ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી…
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.’
જૂની રંગભૂમિનું આ ચિરંજીવ લોકપ્રિય ગીત કાળક્રમે લોકગીત જેટલું પ્રખ્યાત થયું. એ
લોકપ્રિયતાનો માનદંડ કહી શકાય. ગીતનું મૂખડું આજે તો કહેવતમાં રૂપાંતર પામી ચૂક્યું છે.
અશરફખાનને કંઠે આ ગીત આજીવન ગવાતું રહ્યું છે. ચાર દાયકાની યશસ્વી કારકિર્દીમાં મા.
અશરકફખાને-માલવપતિનાં અંદાજે 5000 જેટલા પ્રયોગો કર્યા હશે. કોઈપણ નાની નાટક મંડળી
આર્થિક મુશ્કેલીમાં આવે ત્યારે અશરફખાનને બોલાવે ને મુંજની ભૂમિકા ભજવાય. આમ આ નાટક
ગુજરાતને ગામડે ગામડે ભજવાયું છે. મુંજની ભૂમિકામાં અશરફખાન છેક તખ્તાની છેલ્લી વીંગમાંથી
આ ગીતનો ઉપાડ કરતાં માઈક વિના ગાતાં ગાતાં પ્રવેશતા અને એક અનેરું દ્રશ્ય સર્જાતું.
ગીત 3 – ‘હૃદયના શુધ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.’
મુંજ તૈલપને હાથે અંતે હાર્યો. તૈલપ સોળ સોળ વાર હાર પામીને કપટથી 17મી વાર ચડાઈ
કરીને મુંજને બંદીવાન બનાવે છે. ત્યારે મુંજને ધિક્કારતી તૈલપની બહેન સાધ્વી જીવન જીવતી
મૃણાલવતી મુંજનો સંહાર ઈચ્છતી હતી. એ જ મૃણાલને મુંજે કારાવાસ દરમ્યાન પોતાની
મોહજાળમાં ગૂંથી એ નાટકનો પ્રસંગ અને મૃણાલવતીનાં કારાવાસમાં પ્રવેશતા-ઉદભવતા
મનોભાવોના સંવાદ પછી આ ગીત ગવાતું. મા. અશરફખાને મુંજની ભૂમિકા 1924થી 1963
દરમ્યાન સતત ભજવી.
ગીત 4 – ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,
કેમ કરી પાણીડાં ભરાય રે, ભમ્મરિયા કૂવાને કાંઠડે…’
તા. 6 સપ્ટેમ્બર, 1928ની રાતે ‘સત્તાનો મદ’ રજૂઆત પામેલું. આ ગીતના સાત સાત વાર
વન્સમોર થતા હતા. આ ગીતની ગ્રામોફોન રેકર્ડ હજારો વેચાઈ ગઈ હતી.
ગીત 5 – ‘નાગરવેલીઓ રોપાવ! તારા રાજમહેલોમાં,
રૂડા માંડવડાં બંધાવ! તારા રાજમહેલોમાં’
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના અનેક લોકપ્રિય ગીતો તત્કાલીન બેંડવાજાવાળા પણ
શુભલગ્નના પ્રસંગોમાં વગાડતા. મહાકવિ ન્હાનાલાલે એકવાર પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘એક
રઘુનાથ આવ્યા અને એમણે ગાયું, નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં અને હજારો ગુર્જર
નરનારીઓએ સહર્ષ એને વધાવી લીધો.
ગીત 6 – ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની.’
આ ગીત રસકવિની અજોડ રચના કહેવાઈ છે. મીનાક્ષી અને ભોગીલાલ નામના કલાકારો
આ ગીત ગાતાં. વન્સમોર મળતા અને લગભગ 40થી 50 મિનિટ સુધી આ ગીત ગવાતું.
ગીત 7 – ‘ઝટ જાવો, ચંદનહાર લાવો ઘૂંઘટ નહીં ખોલું હું,
મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહીં બોલું હું.’
શ્રી દેશી નાટક સમાજના તખ્તા પર રજૂ થયેલાં અત્યંત લોકપ્રિય ગીતોમાં ‘વલ્લભીપતિ’
નાટકનું કવિ મનસ્વી પ્રાંતિજવાળા (મૂળ નામ ચીમનલાલ ભીખાભાઈ જોશી)નું રચેલું ‘ઝટ જાવો ચંદનહાર
લાવો’ અનેરું સ્થાન ધરાવે છે. આ ગીતને ‘અખંડ સૌભાગ્યવતી’ નામના ગુજરાતી ચલચિત્રમાં પણ
સ્થાન મળ્યું હતું.
ગીત 8 – ‘મારે સાસરિયે જઈ કોઈ કહેજો એટલડું (કે), પ્રીતમજી આણાં મોકલે.’
આ ગીત જૂની રંગભૂમિનું છે. જે નાટક ‘કીર્તિસ્થંભ’માં હતું અને ગીતના લેખક પ્રભુલાલ
દ્વિવેદી છે. કહેવાનું એટલું જ કે આજે સાત દાયકા વીતી ગયા છતાં જે ગીતોની લોકપ્રિયતા ટકી
રહી છે એ ગીતો જૂની રંગભૂમિનાં છે. આ ગીત આણંદજીભાઈ-જેમને કાઠિયાવાડી કબૂતરનું ઉપનામ
મળ્યું હતું-તેમના કંઠે અને તેમના જ અભિનયમાં આ ગીત ગવાતું હતું. ગીત નાટકના પ્રહસન
વિભાગ સાથે સંકલિત હતું.
ગીત – 9 ‘ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે,
કોઈ અનુભવીને પૂછી જો, કે કોણ જીવી જાણે છે.’
‘સંપત્તિ માટે’ એ દાયકાનું વિક્રમસર્જક નાટક હતું. આ નાટક એકધારું બે વરસ સુધી
ભાંગવાડીનાં તખ્તે ભજવાતું રહ્યું – જેમાં આ નાટકનાં ગીત-સંગીતનો પ્રધાન હિસ્સો હતો. આ
નાટકનાં બધાં જ ગીતો ખૂબ જ લોકપ્રિય થયાં હતાં.
ગીત 10 – ‘સાંભરે રે, બાળપણનાં સંભારણાં,
જાણે ઉઘડતાં જીવનનાં બારણાં એ બાળપણનાં સંભારણાં…’
શ્રી દેશી નાટક સમાજનં નાટક ‘સંપત્તિ માટે’ (1941) જેનું સંગીત કાસમભાઈએ આપેલું.
ગીત લેખક પ્રભુલાલ દ્વિવેદી અને ગાયક કલાકાર કમળાબાઈ કર્ણાટકી હતા. કમળાબાઈ કર્ણાટકીની
કલાકારીગરીનો એક ઉત્તમ નમૂનો એ હતો કે 80 વર્ષની વયે એમણે આઈએનટીના જૂની રંગભૂમિના
ગીતોના એક કાર્યક્રમમાં એ જ અદા અને હાવભાવથી નાચીને આ ગીત ગાઈ બતાવેલું.